|| શિક્ષાપત્ર ૧૯મું || અને (૨૦) જાગિયે વ્રજરાજ કુંવર-જગાવવાનું … પદ

|| શિક્ષાપત્ર ૧૯મું ||

 

 

pushti prasad 20

 

 

આજનું ઓગણીસમું શિક્ષાપત્રમાં આગળ વધીએ તે પહેલા, આપણે ગતાંકમાં જોઈ ગયેલ … ૧૮મું શિક્ષાપત્ર  તરફ થોડુ ધ્યાન કરી લઈએ …

 

 

અઢારમું શિક્ષાપત્ર સત્તર શ્લોકથી અલંકૃત છે. પ્રથમ શ્લોકમાં જ કહેવાય છે કે, ‘કાલ:સ્વકાર્ય કુરુતે ન જાનાતિ જનોયત:’ હાલ પોતાનું સ્વકાર્ય-કામ કરે છે તે જીવને ખબર પડતી નથી. તેથી નિત્ય, હંમેશા શ્રી પ્રભુની સેવામાં, અભિગમ એ, તમામ વુત્તી રાખી, જીવન જીવવાનો અભિગમ રાખવો અતિ જરૂરી છે.

 

 

સત્તર શ્લોકથી અલંકૃત શિક્ષાપત્ર અઢારમાંનો વિચાર કરતાં, જીવે પેટ ભરવાની ચિંતા છોડી સેવા-સમરણ કરવાં. પેટ ખાતર ધર્માચરણ નહી કરવું. સેવા આજીવન સ્વધર્મ સમજી કરવી. સેવા ફળ માટે, ભોગ માટે, પ્રતિષ્ઠા માટે નહિ કરવી. સેવા મનકલ્પિત પ્રકારે નહિ કરવી. દુર્ભાવથી નહિ કરવી. પરંતુ ગૂઢ સદાનંદ, રસરૂપ, ભક્તના ભાવના આધાર, શ્રી યશોદાત્સંગલાલિત, શ્રી મહાપ્રભુજીના હૃદયરૂપી શેષશય્યામાં પોઢનાર મયૂર પિચ્છના મુકુટવાળા શૃંગાર રસરૂપ, અનંત ગુણવાળા પ્રભુને હૃદયમાં પધરાવીને આજીવન સેવા કરવી.

 

 

આપણે ગત શિક્ષાપત્રનાં (૧૮માં) પ્રથમ શ્લોકથી જ જોયું કે,

 

|| કાલ: સ્વકાર્ય કુરૂતે ન જાનાતિ જનોયત: ||

 

કાળ પોતાનું કાર્ય કર્યાજ કરે છે, તે જીવ જાણતો નથી. અને એજ ક્લિકાળમાં સત્યરૂપોની બુદ્ધિ દુ:સંગથી નાશ પામે છે.

 

શિક્ષાપત્ર ઓગણીસમું  દશ  જ શ્લોકથી નિરૂપિત છે. આમાં સત્સંગ વિશે વિચારાય છે. સત્સંગ તો શ્રી મહાપ્રભુજીમાં દ્રઢ વિશ્વાસ રાખનારનો કરવો. સત્સંગ તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરનારનો કરવો. જેનું વચન અને કર્મ-આચરણ એક જ હોય એવા ભગવદીયનો સત્સંગ કરવાનો. જ્યારે જ્યારે સત્સંગ ન મળે ત્યારે, ક્યારે સત્સંગ મળશે એનો વિચાર ને વિરહ કરવો.

 

સત્સંગના અભાવમાં અષ્ટાક્ષર મંત્રનો સતત જપ કરવાનો ‘શ્રી કૃષ્ણ:શરણં મમ.’

 

આ શિક્ષાપત્રનાં, પ્રારંભમાં શ્રી હરિરાયચરણ કળિયુગનો પ્રભાવ બતાવે છે. હાલ આ કરાલ ક્લીકાળ વર્તાય છે. જેમાં કુસંગથી સત્યરૂપની બુદ્ધિ નાશ પામી રહેલ છે.

 

સત્સંગો દુર્લ્ભો યત્ર સતતં સત્પ્રસંગત: |
ક્યા: કૃષ્ણચરિત્રત્રેકયુતા નિત્યં ભવંતિ હિ ||

 

સત્યરૂપોના સતત સંગમાં કૃષ્ણચરિતની કથા નિત્ય થાય છે, એવો સત્સંગ દુર્લભ છે. મુશ્કેલ છે. અપ્રાપ્ય છે. જો એક ક્ષણ પણ ભગવદીયોનો સંગ દુર્લભ છે તો પછી નિરંતર સત્સંગ પ્રાપ્તિ ક્યાંથી શક્ય બને.

 

નિરંતર ભગવદીયોનો સંગ થાય. શ્રીકૃષ્ણની લીલાનું શ્રવણ પ્રીતિથી થાય. શ્રીકૃષ્ણ સેવા ભાવથી થાય તો ચિત્તને શાંતિ મળે.

 

પરંતુ, આપણા શ્રીવાલ્લ્ભાચાર્યજીનાં ચરણકમલનું સેવન કરનારા, દંભરહિત અને શ્રીકૃષ્ણ સેવા તથા શ્રીકૃષ્ણ લીલા કથાનું ચિંતન કરવામાં તત્પર એવા ભગવદીયો અતિ દુર્લભ છે.

 

શ્રીહરિરાયચરણ, સ્વને સત્સંગનો અભાવ છે એ દર્શાવવા – જણાવે છે કે,

 

અહં તુ સર્વથા નિત્યં – હું તો સર્વથા નિત્ય સત્સંગથી રહિત છું. નિત્ય આનંદરહિત મનથી કલેશ પામું છું. મને સત્સંગ પ્રાપ્ત થતો નથી. તથા શ્રી હરિરાયચરણ દીનતાના આવેશથી ઉદ્દગારે છે કે, હું આ પૃથ્વી પર અશ્રુ બહાર કાઢવાનો ઉપાય પણ જોતો નથી. અથવા મારા હૃદયનું દુઃખ કોણ દૂર કરશે.

 

“બાષ્પનિ: સરણોપાયં ન પશ્યામિ મહિતલે |”

 

મારા હૃદયમાં જે દુઃખ છે, વ્યથા છે તે કોણ દૂર કરશે અને છઠ્ઠા શ્લોકમાં આજ્ઞા કરે છે કે, સર્વેથી હું દૂર છું જેમ કે,

 

“વ્રજમાં વાસ નથી. શ્રીયામુનાજીના દર્શન નથી. શ્રી ગોવર્ધન – શ્રીગિરિરાજજીના સ્વરૂપનું જ્ઞાન તથા શ્રીગોવર્ધનનાથજીનાં દર્શન” – આ સર્વ દૂર થયા છે.

 

ત્યારે,

 

તદ ભાવાત કયા દૂરે તતો વિમુખતા હૃાદ: |
એવંવિધસ્ય સતતં શ્રીકૃષ્ણ શરણંમમ ||

 

સત્સંગના અભાવથી ભગવદ્દકથા દૂર છે તેથી હૃદયની વિમુખતા- બહિર્મૂખતા થાય છે. આવી સ્થિતિમાં રહેલાં જે હું તેના નિરંતર શ્રીકૃષ્ણ આશ્રય હજો.

 

અને નવમા શ્લોકથી જણાવે છે કે, શ્રીકૃષ્ણ શું કરવાની ઈચ્છા રાખે છે તે હું જાણતો નથી.

 

‘કો વેદ કૃષ્ણ: કિં કર્તા ન જાનેકહં કૃપાનિધિ’

 

પણ હું એટલું જાણું છું, “શ્રીકૃષ્ણ દયાનિધિ છે. નિજભક્તો ઉપર અવશ્ય કૃપા કરેજ છે.” તેથી હું એક શ્રીઆચાર્યચરણ મહાપ્રભુજીના ચરણ કમળનો મનથી આશ્ચર્ય કરી રહ્યો છું. જેથી શ્રીકૃષ્ણ કૃપા કરશે જ. મારું સર્વ કાર્ય સિદ્ધ થશે જ.

 

આમ કહી શ્રી હરિરાયચરણ, એમ દર્શાવે છે કે, શ્રી આચાર્યમહાપ્રભુજીનું સ્મરણ અને શ્રીકૃષ્ણનું શરણ એકવત છે. એક જ છે. જે જીવ આચાર્યને શરણ આવે છે. તેને સકળ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. વ્રજવાસી, શ્રીયામુનાજી દર્શન, કૃપા શ્રી ગિરિરાજ દર્શન, શ્રીજી દર્શન. શ્રીજીકૃપા અને સકળ લીલાનો અનુભવ થાય છે. શ્રી આચાર્યચરણ શરણ બિન કોઈ પણ ફળ સિદ્ધિ પાર્પ્ત થતી નથી.

 

શિક્ષાપત્ર ઓગણીસમું દશ શ્લોકથી નિરૂપિત છે. અવશ્ય સાચી જાણકારી માટે શિક્ષાપત્ર ગ્રંથનો વિગતે વાંચન, મનન, ચિંતન ઘણું આવશ્યક છે. શ્રીજી સેવા ભાવથી, દ્રઢ શ્રદ્ધાથી કરવી. નિત્ય સત્સંગના અભાવમાં “શ્રીકૃષ્ણ:શરણં મમ” જપાવું જરૂરી. શ્રીમહાપ્રભુજીમાં દ્રઢ આશ્રય અને સત્સંગ સદા કરવો, રાખવો.

 

 

લેખક સંકલન-વ્રજનિશ શાહ  BOYDS-MD-U S A

[email protected]
[email protected]

 

 

ઇ મીડિયા સંલેખ પ્રાપ્તિ …… પૂર્વી મોદી મલકાણ – (યુ એસ એ..)

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમોને e mail દ્વારા પૂછી શકો છો.

 

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે… 

 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

 

(૨૦) જાગિયે વ્રજરાજ કુંવર-જગાવવાનું … પદ
કવિ-સૂરદાસજી
રાગ-ભૈરવ

bal krishna sleep

 

જાગિયે વ્રજરાજ કુંવર કમલ કોસ ફૂલે ।
કુમુદિની જિય સકુચ રહી, ભૃંગ લત્તા ઝૂલે ।।૧।।

 
તમચર ખગ કરત રોર, બોલત વનરાઈ ।
રાંભત ગૌ મધુરનાદ બછરા હિત ધાઇ ।।૨।।

 
રવિ પ્રકાશ બિધુ મલીન, ગાવત વ્રજનારી ।
“સૂર” શ્રી ગોપાલ ઉઠે પરમ મંગલકારી ।।૩।।

 

 

હે વ્રજરાજકુંવર, કમળનાં પુષ્પોનોં સમૂહ ખીલી રહ્યો છે. પ્રાતઃકાળ થયો છે માટે આપ જાગો. કુમુદિની પોતાના મનમાં સંકોચ અનુભવી રહી છે અને ભૃંગલત્તા ઝૂલી રહી છે, નિશાચર અને ખગ (પક્ષીઑ) અવાજ કરી રહ્યાં છે અને તેમનાં શોરથી વનરાઈ ગાજી રહી છે વાછરડાંઓને પયપાન કરાવવા માટે દોડી જતી ગાયો મધુરનાદે ભાંભરી રહી છે સૂર્યનાં પ્રકાશને લીધે ચંદ્ર ઝાંખો લાગે છે. વ્રજનારીઓ પ્રભાતનાં કીર્તનો મધુર અવાજે ગાઈ રહી છે. “શ્રી સૂરદાસજી” કહે છે કે પરમ મંગલકારી એવાં શ્રી ગોપાલલાલજી માતાનોં સ્નેહભર્યો દુલાર સાંભળીને જાગ્યા છે.

 

 
આ પદમાં રહેલ અમુક વ્રજભાષાનાં શબ્દોનો અર્થ જાણી લઈએ.

 

ખગ-પક્ષી

રાંભત-ભાંભરવું

ધાઈ-દોડી

રવિ-સૂર્ય

બિધુ-ચંદ્ર

મલીન-ઝાંખું

રોર-અવાજ

કમલકોસ-કમળનાં ફૂલો

ફૂલે-ખીલી રહ્યાં છે

જિય-જીવ

સકુચ-સંકોચાઈ રહ્યું છે

તમચર-અંધારામાં ફરનાર જીવજંતુઓ.

 

 

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. યુ એસ એ.

પુષ્ટિદર્શન રસ સાગરને આધારિત….

 

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ દ્વારા બ્લોગ – પોસ્ટ અંગેનું કોઇપણ સૂચન – માર્ગદર્શનનું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ – BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....