પૌવા ની કટલેસ (રેસિપી) …

પૌવા ની કટલેસ … (રેસિપી)

 

 કટલેટ-કટલેસ તો તમે બનાવતાં જ હશો, પરંતુ કટલેસ માં પણ થોડું વૈવિધ્યતા લાવીએ તો તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ  બની શકે છે અને બાળકો તેમજ મોટા સૌ  ઘરમાં પસંદ કરે છે.  આજે આપણે એક સરસ અને સ્વાદિષ્ટ પૌવા ની કટલેસ (વ્યંજન) ની રેસિપી માણીશું.  

તમને આ રેસીપી પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ ના કોમેન્ટ્સ બોક્ષમાં મૂકશો.  આપના દરેક પ્રતિભાવનું બ્લોગ પર સ્વાગત છે.

 

 

 

પૌવા (Rice Flakes) નો ઉપયોગ આપણે સામન્ય સંજોગમાં, બટેટા પૌવા, પૌવાનો ચેવડો કે કોઇપણ વ્યંજન / રેસિપીમાં બાઈન્ડીંગ ના ઉપયોગમાં કરીએ છીએ.  પરંતુ પૌવા માંથી બનતી કટલેસ ખૂબજ સ્વાદિષ્ટ બને છે. પૌવા ની કટલેસ આપણે  સવારે કે સાંજના નાસ્તા માટે બનાવી શકીએ છીએ.

 

સામગ્રી :

 

૧ કપ પૌવા  (Beaten Rice / Rice Flakes)

૨ નંગ બાફેલા બટેટા

૩/૪ – ચમચી મીઠું. સ્વાદાનુસાર

૧ નંગ  ૧” ઈંચ નો આદૂનો ટુકડો

૨ નંગ લીલા મરચાં – બારીક સમારેલા

૨-૩ ટે.સ્પૂન લીલી કોથમીર સમારેલી

૩ નંગ બ્રેડ

૨ ટે.સ્પૂન મેંદો

૧/૪ ચમચી કાળા મરી નો પાઉડર

 

 

રીત:

 

સૌથી પ્રથમ પૌવાને એક ચારણીમાં નાંખી અને પાણીથી પલાડવા, પાંચ મિનિટમાં પૌવા પલળી જશે અને તૈયાર થઇ જશે.

 

બટેટાને મેસ (છૂંદો) કરવા અને તે  મેસ બટેટામાં પલાળેલ પૌવા ને મિક્સ કરવા. ત્યારબાદ, આદું, લીલા બારીક સમારેલ મરચાં, લાલ મરચાનો પાઉડર, અડધી ચમચી મીઠું અને લીલી સમારેલી કોથમીર… આ બધું ભેળવીને સારી રીતે મિક્સ કરવું અને પૂરા મિશ્રણ ને લોટની જેમ ગૂંથવું અને તૈયાર કરવું. કટલેસ બનાવવા માટે મિશ્રણ તૈયાર છે.

 

(નોંધ : આપને ખટાસ અને મીઠાશ બંને પસંદ હોય તો આમચૂર પાઉડર અને થોડી સાકર (ખાંડ) નો પ્રયોગ કરી શકાય છે.  આ ઉપરાંત પૌષ્ટિક વધુ બનાવવા માટે  ગાજર  -મકાઈના દાણા કે બીન્સનો ઉપયોગ પણ કરી શકો છો.)

 

મેંદા માં ૧/૪ – કપ પાણી નાંખી અને તેનું મિશ્રણ બનાવવું, ખ્યાલ રહે કે તે  મિશ્રણમાં ગંઠોડા ના પડે – ગાંઠા ના રહે.  મિશ્રણ પતલુ બનાવાવાનું છે.  કાળા મરી અને મીઠું જે બાકી બચેલ છે તે તેમાં ઉંમેરી અને મિક્સ કરવું.

 

બ્રેડને તોડી અને મિક્સરમાં તેનો ચૂરો/ભૂકો કરવો. (બ્રેડ ક્ર્મ્પસ્ તૈયાર મળે છે તે ઉપયોગમાં લઇ શકાય)

 

કટલેસ ના  મિશ્રણ માંથી થોડું મિશ્રણ હાથમાં લઇ અને (લીંબુના માપ જેટલું) અને તેને ગોળો બનાવી અને હાથની મદદથી તેને ગોળ અથવા ચપટો/ લંબગોળ આકાર આપવા કોશિશ કરવી અને તે આકાર આપ્યા બાદ, કટલેસને મેંદાના મિશ્રણમાં ડૂબાડવી અને બહાર કાઢ્યા બાદ, બ્રેડના ચૂરા/ભૂકામાં મૂકી અને તેને ચારે બાજુથી લપેટવી.  હાથની મદદથી ચારેબાજુ દાબવું અને બ્રેડનો ચૂરો સરખી રીતે લગાડવો અને ત્યારબાદ, તે કટલેસ ને એક પ્લેટમાં અલગથી રાખવી.   (હાથથી દાબવાથી બ્રેડ નો ભૂકો સરખી રીતે કટલેસ પર લાગી જશે/ ચોંટી જશે.)

 

આમ ધીરે ધીરે બધાજ મિશ્રણની  કટલેસ બનાવી લેવી અને પ્લેટમાં અલગ રાખી દેવી. બનાવેલ કટલેસ ને ૧૫ મિનિટ સુધી પ્લેટમાં રાખવી, જેથી બધી કટલેસ સેટ થઇ જશે.

 

કટલેસ ને  બે રીતે બનાવી શકાય છે, ડીપ ફ્રાઈ કરી ને અથવા સેલો ફ્રાઈ કરીને.  આત્યારે આપણે સેલો ફ્રાઈ કરીશું.

સેલો ફ્રાઈ કરવી હોઈ તો એક સમતલ તાવી /કડાઈમાં (નોન સ્ટિક હોય તો વધુ સારું) લેવી અને તેમાં ૨-૩ ટે.સ્પૂન તેલ નાંખી અને તાવીમાં સમાઈ તેટલી કટલેસ મૂકવી અને ધીમા તાપે તેને શેકવી. કદાચ તેલ ઓછું જણાય તો થોડું તેલ ઉપર લગાડી શકાય છે. કટલેસ ને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલર આવે તેમ ચારે બાજુ- બંને તરફથી તળવી/ શેકવી.  શેકતી સમયે તેને  વારંવાર પલટાવતાં જવું અને શેકવી.

 

બધી જ કટલેસ આ રીતે ધીમા તાપે શેકવી અને શેકાઈ ગયા બાદ, એક પ્લેટમાં અલગથી રાખવી. ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પૌવાની કટલેસ તૈયાર છે.

 

પૌવાની કટલેસ ને લીલી કોથમીરની ચટણી સાથે અથવા આમલી ની મીઠી ચટણી સાથે પીરસવી.

 

બ્લોગ લીંક: http://das.desais.net – ‘દાદીમા ની પોટલી’

email: [email protected]

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • Upendra Varma

    Very good will try.