મસાલા ઢોસા…

મસાલા ઢોસા…

ઢોસા ખાવામાં બહુ સ્વાદિષ્ટ હોય છે અને જે ઓછા તેલમાં બનાવી શકાય છે. ઢોસા કાર્બોહાઈડ્રેટસ અને પ્રોટીન થી ભરપૂર ખોરાક છે. ઢોસા ફક્ત ભારતમાં જ નહિ પરંતુ દુનિયાના અનેક દેશોમાં આ દક્ષિણ ભારતીય વાનગી પ્રચલિત છે અને લોકો પસંદ કરે છે.

ઢોસા અનેક પ્રકારના બનાવવામાં આવે છે. જેમ કે સાદા ઢોસા (Plain Dosa), મસાલા ઢોસા, પેપર ઢોસા, રવા ઢોસા, મૌસુર મસાલા ઢોસા, સ્પ્રિંગ ઢોસા, પનીર ઢોસા વગેરે… ઢોસા સંભાર તેમજ નાળિયેર ની ચટણી અને સિંગદાણા ની ચટણી સાથે બપોરના અથવા રાત્રીના ભોજનમાં ખાઈ શકાય છે.

ઢોસાનું ખીરું (મિશ્રણ) બનાવવાની સામગ્રી …


સામગ્રી :

૩- કપ ચોખા

૧ -કપ અળદની પાલીસ વાળી દાળ

૧- નાની ચાચી મેથીના દાણા

૩/૪- નાની ચમચી બેકિંગ સોડા

૧- નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

બટર અથવા તેલ ઢોસા શેકવા માટે


ઢોસાનો મસાલો તૈયાર કરવા માટે ની સામગ્રી …

 

સામગ્રી :

 

૪૦૦ ગ્રામ બટેટા (લગભગ ૬-૭ નંગ મધ્યમ કદના)

૧- કપ લીલા વટાણા

૨- ટે. સ્પૂન તેલ

૧- નાની ચમચી રાઈ

૧/૪- નાની ચમચી હળદર

૧- નાની ચમચી ધાણા નો પાઉડર

૨-૩ નંગ લીલા મરચાં (બારીક સમારી લેવા)

૧ થી ૧-૧/૨ ઈંચ નો નાનો ટૂકડો આદુનો

૩/૪- નાની ચાચી મીઠું (સ્વાદાનુસાર)

૧/૪ -નાની ચમચી આમચૂર પાઉડર

૧/૪- નાની ચમચી લાલ મરચાં નો પાઉડર (સ્વાદાનુસાર)

૨- ટે. સ્પૂન લીલી કોથમીર (સમારી લેવી)

કાંદા પસંદ હોય તો ૧ થી ૨ નંગ સમારી લેવા

 

રીત:

અળદની દાળ અને મેથીને સાફ કરી, ધોઈ અને એક વાસણમાં ઓછામાં ઓછું ૪ કલાક અથવા પૂરી રાત પલાળી ને રાખવી.

આજ રીતે ચોખાને પણ સાફ કરી, ધોઈ અને તેટલા જ સમય માટે પલાળી ને રાખવા.

અળદની દાળને પાણીમાંથી કાઢી અને મિક્સીમાં જરૂર પુરતા ઓછા પાણીમાં બારીક પીસી લેવી અને એક મોટા વાસણમાં રાખવી.

આજ રીતે ચોખાને પણ થોડા ઓછા પાણીમાં સાવ બારીક ના પિસ્તા થોડા કરકરા પીસવા. અને તેને દાળના વાસણમાં દાળ સાથે મિક્સ કરવા. ખીરું બને તેટલું ઘટ રાખવું, જે ચમચાથી નીચે પાળવામાં આવે તો તેની ધાર ન થતા નીચે પડે તો એક સાથે ઘટમાં જ પડે.

જે ઢોસા માટે નું મિશ્રણ તૈયાર કરવામાં આવ્યું તેમાં આથો લાવવા માટે, બેકિંગ સોડા નાખવો અને ગરમ જગ્યામાં ઢાંકીને અલગથી ૧૨-૧૪ કલાક માટે રાખી દેવું (પૂરી રાત રાખી શકાય તો વધુ સારું) જેથી તે આથો આવી જતા ફૂલીને ડબલ થઇ જશે. બસ ત્યારે સમજવું કે તે ઢોસા બનાવવા માટે યોગ્ય તૈયાર થઇ ગયેલ છે.


મસાલા ઢોસા માટે નો (અંદરનું પૂરણ )મસાલો બનાવાવા માટે ની રીત …


રીત:

એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. ગરમ તેલમાં રાઈ નાંખી અને તેને સાંતળવી. ત્યારબાદ, તેમાં હળદર, ધાણા પાઉડર, લીલા મરચાં, અને આદુ નાંખી અને એક મિનિટ સુધી સાંતળવું. ત્યારબાદ, લીલા વટાણા નાંખી અને બે ચમચા પાણી (ઉમેરવું) નાખવું અને તેના ઉપર ઢાંકણ ઢાંકી દઇ અને પાકવા દેવા. ત્યારબાદ, તેમાં બટેટા (બાફેલા), મીઠું, આમચૂર પાઉડર અને લાલ મરચાનો પાઉડર નાંખી અને બે મિનિટ સુધી પાકવા દેવું. ત્યારબાદ, ગેસ બંધ કરી દેવોદેવો. માંથી લીલી કોથમીર છાંટી દેવી. બસ, મસાલા ઢોસાનો અંદરનો મસાલો તૈયાર થઈ જશે.

( જો તમને કાંદા પસંદ હોય તો ૧ થી ૨ કાંદાને બારીક સમારી, આદુ મરચાં સાથે નાંખી અને આછા ગુલાબી થાય ત્યાં સુધી તેન સાંતળવા )

 

ઢોસા બનાવવાની રીત :

 

સૌપ્રથમ ઢોસાના ખીરાને હલાવીને તપાસવું કે તે જરૂર કરતાં વધુ ઘટ નથી ને. જો ઘટ લાગે તો જરૂરી પાણી ઉમેરી અને ભજીયાના લોટના ખીરાથી થોડું પાતળું ખીરું બનાવવું. ( જેટલા ઢોસા બનાવવાના હોય તેટલાજ ખીરાને પાતળું બનાવવું.)

ત્યારબાદ, નોનસ્ટિક તાવી અથવા ભારે તળિયા વાળી તાવી લેવી. શક્ય હોય ત્યાં સુધી નોનસ્ટિક તાવી લેવી અને તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવી. જ્યારે તે ગરમ થઇ જાય, એટલે ગેસનો તાપ ધીમો (મધ્યમ) કરી દેવો. ત્યારબાદ, એક ભીનું કપડું લઇ અને સૌપ્રથમ, તે તાવિને ભીના કપડાથી સાફ કરવી માનેર પેહલી વખત તેની ઉપર તેલ લગાડવું. ધ્યાન રહે કે તેલ એટલું જ લગાડવું કે જેનાથી તાવી ફક્ત ચિકણી લાગવી જોઈએ. તેલ દેખાવું ના જોઈએ. ત્યારબાદ, એક ચમચો ખીરું લઇ અને તાવિની વચ્ચે મૂકવું અને તેને ચમચાની મદદથી ધીરે ધીરે ગોળ ગોળ ફેરવીને ૧૨ થી ૧૪ ઈંચની ગોળાઈમાં પાથરવું. બંને ત્યાં સુધી તેને પાતળું પાથરવું. પથરાઈ ગયાબાદ, તેની ચારે બાજુ ઉપર માખણ અથવા તેલ (જે પસંદ હોય તે) લગાડવું (નાંખવું).

ધીમા તાપથી (મધ્યમ) ઢોસાને બરોબર શેકવો. જ્યારે ઉપરનું પળ શેકાઈ ગયું છે તેમ લાગે ત્યારે સમજવું કે નીચેનું પળ પણ શેકાઈ ગયું છે. ત્યારબાદ, તેની ઉપર વચ્ચે એક થી બે ચમચા મસાલો (શાક) અંદર વ્યવસ્થિત મૂકવો (પાથરવો) અને એક છેડાને તાવિથાની મદદથી ઉંચો કરી અને તેને બીજી તરફ બંધ કરવું અને તેનું ફીંડલું બનાવવું અને તેને ત્યારબાદ, પ્લેટ ઉપર રાખવો.

 

બીજો ઢોસો તાવી ઉપર બનાવતા પેહલાં ફરી એકવાર એક ભીના કપડાથી તાવિને સાફ કરી અને ત્યારબાદ, પેહલાં ઢોસાની જેમ જ બીજો ઢોસો બનાવવો. દરેક નવો ઢોસો બનાવતા પેહલાં તાવિને ભીના કપડાથી સાફ કરવી જરૂર છે.

આમ ધીરે ધીરે જરૂરીયાત મુજબના ઢોસા બનાવવા અને ગરમા ગરમ મસાલા ઢોસા સંભાર અને નાળિયેર તેમજ સિંગદાણા ની ચટણી સાથે પીરસવા.અન્ય ઢોસા બનાવવાની રીત:

 

૧. સાદા ઢોસા : સાદા ઢોસા સાવ સરળ છે. તે બનાવા માટે ફક્ત મસાલા ઢોસામા ઉપયોગમાં લઈએ છીએ તે મસાલો ના નાખવો અને બાકીની રીત મુજબ મુજબ ઢોસા બની ગયા બાદ, તેને મસાલા વિના જ ખાવાના ઉપયોગમાં લેવો.ઢોસો ઢોસા બનાવવાની રીત બધી જ મસાલા ઢોસા મુજબની જ છે.

૨.પેપર ઢોસા: પેપર ઢોસામા ફક્ત એટલું જ ધ્યાનમાં રહે કે ખીરું સાદા ઢોસા થી પણ થોડું પાતળું હોવું જરૂરી છે અને તેને જ્યારે તાવીમાં પાથરો તે પણ ખૂબજ આછું પળ બંને તેમ પાથરવું.

૩.પનીર ઢોસા : પનીર ઢોસા બનાવવા માટે પનીરને છીણી અને તેમાં સ્વાદાનુસાર મીઠું તેમજ બારીક સમારેલી કોથમીર નાંખી અને તે મિશ્રણ બટેટાના મસાલાની જગ્યાએ ઉપયોગમાં લેવું. આજ રીતે ચીઝ ના ઢોસા બનાવી શકાય.

૪. મૈસુર મસાલા ઢોસા : સૌ પ્રથમ સાદો ઢોસો બની ગયા બાદ, તે ઢોસા ઉપર લસણની ચટણી તાવિથા ની મદદથી પૂરા ઢોસામાં લગાડવી અને ઉપર કોથમીર છાંટવી. અને જો તે મસાલા બનાવવો હોય તો તેમાં શાક મૂકવું.

૫. સ્પ્રિંગ ઢોસા : ઢોસો સાદો બની ગયા બાદ, તેમાં બારીક સમારેલી કોથમીર, બારીક સમારેલી કોબીજ, બારીક સમારેલા ગાજર નો મસાલો બનાવી પાથરવો અને સાઈડમાં ચારે બાજુ ખમણેલું ચીઝ પાથરવું અને તેને ત્રિકોણ આકારમાં અથવા ગોળ ફીંડલું વાળી અને ૨ થી ૩ ઈંચના કટકામાં પૂરો ઢોસો કાપવો.

ઢોસા બનાવતી સમયે ધ્યાનમાં રાખવાની વાત:

 

૧] ઢોસાને તાવીમાં પાથરતા પેહલાં ભીના કપડાથી તાવિને સાફ કરવી.

૨] ઢોસાને તાવીમાં ફેલાવતા પેહલાં તાવી અધિક ગરમ હોવી ના જોઈએ.

૩] ઢોસા ને તાવીમાં પલટાવતાં પેહલાં નીચેની સાઈડ શેકાઈને બ્રાઉન થઇ ગયેલ હોવી જરૂરી છે.

૪]  ખીરામાં મેથી ભેળવવાથી ઢોસો ક્રિસ્પી બનશે.

 

બ્લોગ લીંક: http://das.desais.net

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • manish.thakkar

  ઢોંસા તો શિખ્યા પણ ઢોંસાનો સંભાર ટેસ્ટી નથી બનતો તો તે શિખવો ને

 • Mrs Purvi Malkan

  હાઇ પ્રોટીન લીફી ઢોસા બનાવવા માટે વસ્તુઓ
  1 કપ ચોખા
  2 કપ સોયા ગ્રેનુલ્યસ
  1 કપ અડદ દાળ
  1 ચમચી પૌવા
  1ચમચી મેથી દાણા
  ૨થી ૫ લીલા મરચાં
  કોથમરી અથવા પાલક કે મેથીની ભાજી
  મીઠું સ્વાદ અનુસાર

  ૧) સૌ પ્રથમ ચોખાને આગળના દિવસે પલાળી દેવા
  ૨) બીજે દિવસે 3 થી ૪ કલાક માટે અડદ ની દાળ પલાળવી
  ૩) સોયા ગ્રેનુલ્યસ, પૌવા અને મેથીના દાણા બીજા વાસણ માં ૨ કલાક માટે ડુબાડૂબ પાણી માં પલાળવા
  વાટતી વખતે સૌ પ્રથમ ચોખા ત્યારબાદ સોયા વાળું મિશ્રણ અને છેલ્લે અડદ દાળ અને લીલા મરચાં સાથે વાટવા.
  ૪)આ ત્રણેય પેસ્ટ (ચોખા,સોયા,દાળ)મિક્સ કરી લેવી સ્વાદ અનુસાર મીઠું નાખવું જો ઠંડી ની ઋતું હોય તો ૧ ચમચો દહી નાખવું જેથી ખટાશ સાથે આથો જલ્દી આવી જાય.
  ૫) આથો આવ્યા બાદ તેમાં૧ કપ કોથમરી, પાલખ, કે મેથીની ભાજી નાખવી અને જરૂર પૂરતું પાતળું ખીરું બનાવીને તેના ઢોસા બનાવવા.

  સોયામાં હાઇ પ્રોટીન રહેલું છે વળી લીલી અને લીફી ભાજીઓનો ઉપયોગ એટ્લે ફાઈબર પણ છે સ્વાદ સાથે વિટામીન અને પ્રોટીનનો સુગમ સાથ.આપ ખાતા રહો ખવડાવતા રહો.

  • શ્રીમતી પૂર્વીબેન,

   સૌ પ્રથમ આપનો આભાર કે આપ્ હંમેશ એક નવી રેસિપી અમારી રસોઈની પોસ્ટ ઉપરના પ્રતિભાવ સાથે મૂકો છો.

   આપની મોકલેલ રેસિપી આવતીકાલની પોસ્ટમાં અમે મૂકીશું.

   આભાર !