વાંગીચા કોશીંબીર … (સલાડ) …

વાંગીચા કોશીંબીર … (સલાડ) …

મહારાષ્ટ્રમાં વિવિધ પ્રકારના કોશીંબીરનો ઉપયોગ કરાય છે. કોશીંબીર એ સલાડનો જ એક પ્રકાર છે. પરંતુ દિવસ કે રાત્રીના ભોજનમાં કોશીંબીરનું વૈવિધ્ય એક અલગ સ્થાન ધરાવે છે. વાંગી એટ્લે કે રીંગણ અને સામાન્ય રીતે એ રીંગણનું શાક બનાવવામાં આવે છે. પરંતુ અહીં રીંગણનો ઉપયોગ કોશીંબીર – સલાડ  તરીકે કરવામાં આવ્યો છે. આશા છે કે આપ સર્વે વાંચક મિત્રોને જરૂર પસંદ આવશે. મિત્રો બ્લોગ પોસ્ટ પર આપના પ્રતિભાવ સદા અમોને આવકાર્ય અને પ્રેરણાદાયક રહેશે … તો જરૂર કોમેન્ટ્સ બોક્ષ પર આપના પ્રતિભાવ  મૂકશો…

૪ વ્યક્તિઓ માટે ..
બનાવવાનો સમય ૧ કલાક ..
વધુ સમય ફક્ત વાંગીને રોસ્ટ કરવામાં જાય છે.
સામગ્રી :
૨  મોટા રીંગણાં
૧ મોટું ટામેટું બારીક સમારીને
૧ કપ કોથમરી બારીક સમારીને
૧ કાંદો બારીક સમારીને
૧ લીલું મરચું બારીક સમારીને
૧ લસણની કળી
નોંધ: (લસણની કળી નાની હોય તો ૩ અને મોટી હોય તો ૧ લેવી)
મીઠું સ્વાદ અનુસાર
૧ ચમચો શીંગદાણા અધકચરા વાટેલાં
લીંબુનો રસ ૨ ચમચી
૧ ચમચો એક્સ્ટ્રા વર્જીન ઓલીવ ઓઇલ
૧।૨ કપ લીલા સોયાબીન દાણા
રીત :
૧) સૌ પ્રથમ મોટા રીંગણાંને ધોઈ કોરા કરવા.
૨) રીંગણાંમાં વચ્ચેથી કટ એ રીતે કરવા કે આખા રીંગણાં ન કપાઈ જાય માત્ર એક કાપ મૂકવો.
૩) કટ કરેલ રીંગણાંની અંદરની બાજુ મીઠું છાંટવું.
૪) મીઠું છાંટયા બાદ તેમાં ૧/૨ બારીક કરેલ લીલું મરચું મૂકવું.
૫) મરચાં બાદ સોયાબીનના દાણા, અને લસણની કળી અંદર મૂકી રીંગણાંને બંધ કરી દેવું
૬) રીંગણાંની બહારની બાજુ ઓલીવ ઓઇલ લગાવવું.
૭) રીંગણાંને એલ્યુમિનિયમ ફોઈલ બેગમાં મૂકી દેવું.
૮) એલ્યુમિનિયમ ફોઈલ બેગની અંદર ૨ ચમચી ઓલીવ ઓઇલ નાખવું.
૯) બેગને ૪૧૦ ડિગ્રી પર ઓવનમાં બેક કરવું.
નોંધ: રોસ્ટ થઈ રહેલ રીંગણનો, લીલા મસાલાનો અને સોયાબીનનો એક અલગ પ્રકારનો ફ્લેવર જળવાય તે માટે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરાય છે.
૧૦) રીંગણ રોસ્ટ થઈ જાય ત્યારે ઓવન બંધ કરીને ફોઈલ બેગ બહાર કાઢી લેવી.
૧૧) ફોઈલ બેગમાંથી રીંગણાંને તેના રસ સાથે બહાર કાઢી લેવું.
૧૨) રીંગણાંની ઉપરની છાલ કાઢી લેવી અને વચ્ચે રહેલા પલ્પને બારીક સમારી લેવો.
૧૩) બારીક કરેલ કાંદા, ટામેટાં, બાકી રહેલ લીલું મરચું, બાકી રહેલ ઓલીવ ઓઇલ, કોથમરી, શીંગદાણાના અધકચરા ટુકડાને મિક્સ કરવા.
૧૪) સ્વાદ અનુસાર મીઠું અને લીંબુનો રસ નાખવો અને ફરી મિક્સ કરી લેવું.
૧૫) કાંદા ટામેટાંના સલાડમાં રીંગણાંનો પલ્પ નાખવો અને મિક્સ કરવું.
૧૬) રીંગણાંના પલ્પને જે રીતે બારીક સમારીને લઈ શકાય છે તે જ રીતે પેસ્ટ પણ બનાવી શકાય છે, રીંગણની પેસ્ટ બનાવીને ટામેટાં કાંદાની કચુંબર ઉપરથી નાખી મિક્સ કરીને પીરસવું.નોંધ: જે સ્વાદ સમારેલમાં આવે છે તે સ્વાદ પેસ્ટમાં નથી આવતો. આ સલાડ પીતાબ્રેડ, ફ્રેંચ બ્રેડ અથવા સોલટીન ક્રેકર્સ સાથે ઉપયોગમાં લેવાય છે. અહીં આપેલ ચિત્ર વેબ જગત ને આધારિત છે… જે અલગ અલગ પ્રકારના વાંગીચા -રીંગણ ના સલાડ દર્શાવે છે. જે બદલ વેબ જગતના  આભારી છીએ.

સાભાર :પૂર્વી મલકાણ મોદી  (યુ એસ એ)
રસ પરિમલમાંથી
Blog Link: http://das.desais.net

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • Sanjay Tiku Joshi

    dadima thx for information but pl send vagicha koshimbur