શાહી પનીર …

શાહી પનીર …

૪ વ્યક્તિ માટે

સમય : ૪૦  મિનિટ


પનીરના શાક બધાને પસંદ આવે છે. તેમાં પણ શાહી પનીર ખૂબજ જ સ્વાદિષ્ટ બને છે. શાહી પનીર ઘરમાં કોઈ પ્રસંગ પર કે ખાસ મહેમાનો આવે ત્યારે બનાવીએ, તે બનાવવામાં ખૂબજ આસાન છે. તો ચાલો આજે શાહી પનીર બનાવીએ.

શાહી પનીરનું શાક પનીરના ટુકડાને  તેલમાં તળી ને કે વિના તળીને બનવાઈ શકાય છે. આપણે આજે અહીં પનીરના ટુકડા તળી ને શાક બનાવીશું. તો ચાલો આપણે શાહી પનીરનું શાક બનાવીએ…

 

સામગ્રી :

૫૦૦  ગ્રામ પનીર

૫  નંગ મધ્યમ કદના ટામેટા

૨ નંગ લીલા મરચા

૧ નંગ આદુનો ટુકડો (૧ ઈંચ લંબાઈનો)

૨ ટે.સ્પૂન માખણ / ઘી

૧/૨ નાની ચમચી જીરૂ

૧/૪ નાની ચમચી હળદર (થોડી ઓછી લેવી)

૧ નાની ચમચી ધાણા પાઉડર

૧/૨ નાની ચમચી લાલ મરચાનો પાઉડર (સ્વાદ મુજબ ઓછો-વધુ લઇ શકાય)

૨૫-૩૦ નંગ કાજુ

૧/૨ નાની વાટકી મલાઈ / ક્રીમ (૧૦૦ ગ્રામ)

૧/૪ નાની ચમચી ગરમ મસાલો

૩/૪ નાની ચમચી મીઠું (સ્વાદ અનુસાર)

૧ ટે.સ્પૂન લીલી કોથમીર (બારીક સમારી લેવી)

 

રીત :

પનીરના ચોરસ ટૂકડા કાપી લેવા. નોન  સ્ટિક કડાઈમાં ૧-ટે.સ્પૂન તેલ/ઘી નાંખી અને આછા બ્રાઉન કલર આવે તેમ તળી લેવા અને ત્યારબાદ એક વાસણમાં અલગ રાખી દેવા.

કાજૂને અડધો કલાક પાણીમાં પલાળી અને બારીક પીસી પેસ્ટને એક વાટકીમાં અલગ કાઢી લેવી.

ટામેટા, આદુ અને લીલા મરચાને મિક્સીમાં પીસી અને પેસ્ટ બનાવવી. પેસ્ટને એક અલગ વાટકીમાં રાખી દેવી. મલાઈને પણ મિક્સીમાં એક વખત ફેરવી લેવી.

એક કડાઈમાં ઘી અથવા માખણ નાંખી અને ગરમ કરવા મૂકવું. ગરમ થાય એટલે તેમાં જીરૂ નાંખવું, જીરૂ બ્રાઉન થાય કે તૂરત હળદર અને ધાણાનો પાઉડર નાંખવો અને સાંતળવો. અને આ મસાલામાં ટામેટાની પેસ્ટ નાંખી નાને ચમચાની મદદથી હલાવતા રહેવું અને સાંતળવી. ટામેટાને પેસ્ટને સાંતલી લીધા બાદ, કાજૂની પેસ્ટ અનેર મલાઈનું મિશ્રણ નાંખી મસાલાને ચમચાની મદદથી હલાવતાં રહેવું અને ઘી સપાટી પર દેખાવા લાગે ત્યાં સુધી શેકવો. આ મસાલામાં ગ્રેવી તમોને જેવી પસંદ હોય, ઘટ કે પાતળી, તે પ્રમાણે પાણી ઉમેરવું અને તે અનુસાર મીઠું  નાંખવું અને જેટલી તિખાસ પસંદ હોય તે મુજબ લાલ મરચાનો પાઉડર  નાખવો.

ઉફાળો ગ્રેવીમાં આવે કે તૂરત પનીર નાંખી અને મિક્સ દેવું.  (થોડું પનીર છીણી લેવું, જે શાક બની ગયા બાદ ગાર્નીસિંગ / સજાવટ માટે ઉપયોગમાં લેવું. બસ શાક તૈયાર છે. ગેસ બંધ કરી તેમાં અડધી લીલી કોથમીર અને ગરમ મસાલો નાંખી અને મિક્સ કરવો.

શાહી પનીરના શાકને એક વાસણમાં કાઢી લેવું. તેની ઉપર બાકીની લીલી કોથમીર અને છીણેલું પનીર છાંટી અને સજાવટ કરવી.

 

સુજાવ:

જો તમે કાંદા પસંદ કરતાં હોત તો. ૧-૨ નંગ કાંદા, ૪-૫ નંગ લસણ ની કળી બારીક સમરી લેવા. જીરૂ શેકાઈ ગયા બાદ લસણ અને સમારેલા કાંદા નાંખી અને આછા ગુલાબી શેકવા. અને ત્યાર બાદ, ઉપર બતાવ્યા પ્રમાણે ક્રમાનુસાર દરેક વસ્તુઓને ઉમેરતા જવી અને શાહી પનીરનું શાક બનાવવું.

બ્લોગ લીંક: http://das.desais.net

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • Nili

    સરસ રેસીપી .

    અશોકભાઇ હું લસણવાળા તીખા સેવમમરાની રેસીપી શોધું છું મદદ કરશો?

    • નીલીબેન.
      લસણવાળા તીખા સેવ મમરા ની રેસીપી થોડા સમયમાં તમોને આપીશું.