પફ પેસ્ટ્રી શીટ્સ …

પફ પેસ્ટ્રી શીટ્સ …

 

પફ પેસ્ટ્રી, પફ પેસ્ટ્રી કે પફ બિસ્કીટ વગેરે બનાવવા માટે સૌ પ્રથમ પફ શીટ્સ ની  આપણને જરૂરીયાત રહે છે.

મારી જાણ મુજબ  ભારતના દરેક શહેરમાં આ પ્રકારના પફ શીટ્સ આસાનીથી ઉપલબ્ધ હોતા નથી.  તો ચાલો  આ પફ શીટ્સ આપણે જાતે બનાવતાં શીખીએ.

પફ પેસ્ટ્રી શીટ્સ બનાવવા માટે થોડી મેહનત અને વધારે ધીરજ / ધૈર્યની ખાસ આવશ્યકતા અહીં છે. આ રેસિપીમાં તમારે પફ શીટ્સ બનાવવાના લોટને વારંવાર ફ્રીજમાં રાખવાનો હોય છે અને બહાર કાઢવાનો અને તેને વેલણની મદદ દ્વારા વણવાનો હોય છે અને વળી ફ્રિજમાં રાખવાનો હોય છે.

બસ, એક વખત તે તૈયાર થઇ ગયા બાદ, ફ્રીઝરમાં સ્ટોર કરી અને રાખી દેવાનો હોય છે અને જ્યારે ઉપયોગમાં લેવાનો હોય ત્યારે ફ્રિઝરમાંથી  બહાર કાઢી અને ગરમા ગરમ પફ પેસ્ટ્રી કે પફ બિસ્કીટ માટે ઉપયોગમાં લઇ શકાય છે અને તે બનાવી શકાય છે.

સામગ્રી :

૬૦૦ ગ્રામ મૈંદો (૫-૧/૨ – કપ)

૩૦૦ ગ્રામ માખણ /બટર (૧-૧/૨ – કપ )

૧ નાની ચમચી મીઠું

૧ લીંબુ (પસંદ ના હોય તો ઉપયોગ ના કરો તો પણ ચાલે)

રીત :

મૈંદા ને ચારણી દ્વારા ચાળી અને એક વાસણમાં રાખી દેવો. ૧૦૦  ગ્રામ (૧-કપ) મૈંદો અલગથી રાખી દેવો. બાકીના બચેલા મૈદામાં ૧ – ટે.સ્પૂન ઘી, લીંબુનો રસ અને મીઠું નાંખી પાણીની (આ લોટમાં, લોટ ને બાંધવા/ ગૂંથવા માટે લોટના પ્રમાણ કરતાં અડધાથી ઓછા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવો) મદદથી રોટલીના લોટની જેમ નરમ ગુંથવાનો હોય છે. અને લોટ ગુંથાઈ / બંધાઈ ગયા બાદ, ૧/૨ કલાક માટે તેને  એક કપડાથી ઢાંકીને રાખી દેવો. ત્યારબાદ, ફરી લોટને મસળી અને સરખો ગુંથવો.

માખણ/ બટર ને ગરમ કરી અને ઓગાળવું / પીગાળવું. અને ત્યારબાદ પાંચ (૫) મિનિટ માટે ફ્રીઝમાં ઠંડું કરવાં રાખી દેવું જેથી ઠંડું થઇ જાય.

ગુંથેલા લોટને એક મોટા ચોપ બોર્ડ કે રસોડાના પ્લેટફોર્મ પર અલગથી રાખેલ લોટમાંથી થોડો લોટ છાંટી અને એક સરખી જાડાઈમાં લંબચોરસ વેલણની મદદથી વણી લેવો. ત્યારબાદ, ફ્રીઝમાં રાખેલું માખણને બહાર કાઢી અને લોટની બરોબર મધ્યભાગમાં રાખવું. (પાથરવું)

હવે આ લોટને ચારે તરફથી ઊંચકી અને એ રીતે ઘડી કરવી કે માખણ વચ્ચેનું ઢંકાઈ અને બંધ થઇ  જાય. અને ત્યારબાદ, આ માખણ ભરેલા લોટને ફરી વખત કોરો લોટ છાંટી અને વેલણની મદદથી એ રીતે હળવા વજન આપી (હળવા હાથે) અને વણવો કે શક્ય હોય ત્યાં સુધી માખણ બહાર આવે અહીં અને કદાચ આવે તો પણ ઓછામાં ઓછું બહાર આવે. અને જ્યાંથી માખણ કદાચ બહાર આવ્યું હોય તેમ લાગે ત્યાં કોરો લોટ ને છાંટી અને તે ફરી ઢાંકી દેવું. અને ફરી આ લોટને ચારે બાજુ થી ડાબી-જમણી-ઉપર અને નીચેથી વાળી દેવો અને બંધ કરી દેવો.

બસ બંધ કરીને ૧૫ મિનિટ માટે ફરી ફ્રીઝમાં રાખી દેવો, જેથી માખણ લોટના અંદરના પળમાં ચીકીને જામી જાય. આ તમારું પેહલું સ્ટેપ થયું.

૧૫ મિનિટ બાદ, લોટને ફ્રીઝમાંથી ફરી બહાર કાઢી અને ફરી  વખત વેલણની મદદથી જેમ પેહલાં વણ્યો હતો તેમ ફરી વણવો અને ફરી ચારેબાજુથી વાળી અને બંધ કરી દેવો અને

આ રીતે હજુ બે વખત લોટને (Puff Pastry Dough)  ફ્રીઝમાં રાખી કાઢી અને વેલણની મદદથી વાન્વાઓ.અને ફરી ફ્રીઝમાં રાખવાનો રહે છે. આમ કુલ ચાર વખત આ પ્રકિયા કરવાની રહે છે. ચાર વખત પૂરું થઇ જાય, એટલે પફ પેસ્ટ્રી કે પફ બિસ્કીટ બનાવવા માટેનો લોટ (Puff Pastry Dough) તૈયાર છે.

ત્યાર બાદ, આ લોટને ૧/૩ ઈંચની જાડાઈમાં વેલણની મદદ દ્વારા વણવો અને તમારી પસંદગી પ્રમાણે ૨” ઈંચ કે ૪” ઈંચની પહોળાઈમાં તેના ટુકડા, લોટની  લંબાઈમાં કાપી લેવા.

આ કાપેલા ટુકડામાંથી પેસ્ટ્રી બનાવી શકાય છે. અને આ ટુકડાઓને એકઠા કરી અને બે ટુકડા વચ્ચે પોલીથીન રાખી એકી સાથે ભેગા કરીને રાખી શકો છો. બે ટુકડા વચ્ચે ૧૫ મિનિટ માટે ફ્રીઝમાં રાખી દેવો. આ તમારું બીજું સ્ટેપ થયું.

પોલીથીન રાખવાથી જ્યારે ઉપયોગમાં લેવા હોય કોઈ ટુકડાને તો તે આસાનીથી અલગ કરી શકાય છે.બધા જ ટુકડા આરીતે ભેગા કરી એક એર ટાઈટ વાસણમાં રાખી અને વાસણ બંધ કરી ફ્રિઝરમાં રાખી દેવું.

તમારે જ્યારે પફ પેસ્ટ્રી શીટ્સ નો ઉપયોગ કરવો હોય ત્યારે ૪-૫ કલાક પેહલાં ફ્રીઝરમાંથી બહાર કાઢી અને ત્યારબાદ, પફ પેસ્ટ્રી કે પફ બિસ્કિટ બનાવવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. અથવા ફ્રિઝરમાંથી ટુકડા બહાર કાઢી માઈક્રોવેવ ઓવનમાં ડી ફ્રોસ્ટ કરી તમે તૂરત પણ પફ પેસ્ટ્રી કે પફ બિસ્કિટ બનાવવા માટે ઉપયોગમાં લઇ શકો છો.

પફ પેસ્ટ્રી શીટ્સમાંથી બનાવવામાં આવતી પફ પેસ્ટ્રી ની  રેસિપી હવે પછીના વીકમાં અહીં આપને જાણવા અને માણવા મળશે. ત્યાં સુધી ચાલો ઘરમાં પફ શીટ્સ તો બાનવી લઈએ…. પફ પેસ્ટ્રી શીટ્સ બનાવવા ઘરમાં બનેલા માખણ નો પણ ઉપયોગ કરી શકો છો. ઘીનો ઉપયોગ ના કરી  શકાય.

બ્લોગ લીંક: http://das.desais.net

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....