ચોકલેટ ક્રીમ નટ્સ કેક …

ચોકલેટ ક્રીમ નટ્સ કેક (ઈંડાના ઉપયોગ વિના) : …

 

તમને પૂછવામાં આવે કે તમે  કઈ કેક પસંદ કરો છો ?  ચોકલેટ કે કર્મી નટ્સ કેક ?

આપણે બંને ના સ્વાદ વાળી ચોકલેટ ક્રીમ નટ્સ કેક ઈંડાનો ઉપયોગ કર્યાં વિના આજે બનાવીશું જેથી સૌને પસંદ આવશે. …

ચોકલેટ કેક બનાવવાની સામગ્રી:

૨૦૦ ગ્રામ મેંદો (૧-કપ)

૧ નાની ચમચી બેકિંગ પાઉડર

૧/૨ નાની ચમચી ખાવાનો સોડા

૧૦૦ ગ્રામ માખણ (૧/૨ – કપ)

૧૦૦ ગ્રામ દળેલી ખાંડ (૧/૨ – કપ)

૧/૪ કપ પીગળેલી ચોકલેટ (ચોકલેટ બાર લઈને પીગાડવો)

૧૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક (૧/૨ – કપ)

૨૦૦ ગ્રામ દૂધ (૧-કપ)

૧/૪ કપ અખરોટ (નાના ટુકડામાં સમારવા)

 

ક્રીમ નટ્સ કેક બનાવાની સામગ્રી : …

૨૦૦ ગ્રામ મેંદો (૧-કપ)

૧ નાની ચમચી બેકિંગ પાઉડર

૧/૨ નાની ચમચી ખાવાનો સોડા

૬૦ ગ્રામ માખણ (૧/૪-કપથી થોડું વધુ)

૨૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક (૧-કપ)

૧૦૦ ગ્રામ દળેલી ખાંડ (૧/૨-કપ)

૧૦૦ ગ્રામ દૂધ (૧/૨-કપ)

૨ ટે.સ્પૂન કિસમિસ (તેની ડાળખી તોડી ને સાફ કરી લેવી)

૨ ટે.સ્પૂન કાજુ (૧-કાજુને  ૫-૬ ટુકડામાં સમારવું)

૧ ટે.સ્પૂન બદામ (૧-બદામને ૫-૬ ટુકડામાં સમારવી)

 

રીત :

ચોકલેટ કેક માટે મિશ્રણ તૈયાર કરવાની રીત …

મેંદામાં બેકિંગ પાઉડર, ખાવાનો સોડા મિક્સ કરી અને તેને બે (૨) વખત ચારણીથી એક  વાસણમાં ચાળી લ્યો. જેથી બેકિંગ પાઉડર અને સોડા મેંદા સાથે બરોબર મિક્સ થઇ જાય.

માખણને થોડું ગરમ કરી પીગાડવું અને એક મોટા વાસણમાં ચોકલેટ અને ખાંડ સાથે મિક્સ કરી અને એક જ દિશામાં તેને ખૂબજ સરખી રીતે હલાવવું / ફેંટવું. ત્યારબાદ, કન્ડેન્સ્ડ મિલ્ક મિક્સ કરી અને તેને પણ એક જ દિશામાં સરખી રીતે હલાવી અને જ્યાં સુધી તે મિક્સ ના થઇ જાય ત્યાં સુધી  ફેંટવું.  દૂધમાંથી અડધું દૂધ અલગ રાખી અને અડધું દૂધ તેમાં નાંખી અને સારી રીતે મિલાવીને મિક્સ કરવું. મેંદો પણ પેહલાં અડધો અને પછી અડધો નાંખી અને મિક્સ કરવો અને ત્યારબાદ બાકી વધેલ દૂધ પણ ઉમેરવું અને મિક્સ કરવું અને એક જ દિશામાં ખૂબજ સારી રીતે હલાવી અને મિક્સ કરવું. બધું જ મિશ્રણ એકરસ થઇ જાય તેમ મિક્સ કરવું.

મિશ્રણમાં અખરોટના ટુકડા નાંખવા અને મિક્સ સારી રીતે હલાવીને કરવા. ચોકલેટનું મિશ્રણ વડાના મિશ્રણ જવું તૈયાર કરવું. બસ, ચોકલેટ કેકનું મિશ્રણ તૈયાર છે.

ત્યારબાદ, ક્રીમ નટ્સ કેકનું મિશ્રણ તૈયાર કરીશું …

 

રીત:

મેંદામાં બેકિંગ પાઉડર તેમજ ખાવાનો સોડા ઉમેરી અને એક વાસણમાં ચારણીથી બે વખત વ્યવસ્થિત ચાળવો જેથી બેકિંગ પાઉડર તેમજ ખાવાનો સોડા સારી રીતે મેંદામાં મિક્સ થઇ જાય.

માખણ ને થોડું ગરમ કરી અને પીગાડવું અને તેમાં ખાંડ ઉમેરી (મિક્સ કરી) અને એક જ દિશામાં સારી રીતે હલાવીને ફેંટવું. ત્યારબાદ, તે મિશ્રણમાં કન્ડેન્સ્ડ મિલ્ક મિક્સ કરવું અને તેને પણ એક જ દિશામાં હલાવતાં રેહવું. ત્યારબાદ, મેંદો મિક્સ કરી અને ખૂબજ સારી રીતે એક જ દિશામાં હલાવતાં રેહવું અને ફેંટવું મિશ્રણ એક રસ થઇ જાય તે જોવું અને તે એક લચકા જેવું નરમ એકરસ થઇ જશે.

મિશ્રણમાં ત્યારબાદ, કાજુ અને કિસમિસ ઉમેરવા અને સરખી રીતે હલાવીને મિશ્રણમાં મિક્સ કરવા.

ત્યારબાદ, કેક બનાવવાના વાસણમાં ગ્રીસિંગ કરવા વાસણના તળિયામાં ઘી લગાડવું અને તેની ઉપર આછો મેંદાનો છટકાવ કરી એક આછી લેર મેંદાની કરવી. આમ કરવાથી  કેક તૈયાર થઇ જશે ત્યારે તે વાસણમાંથી આસાનીથી બહાર કાઢી શકાય છે.

ગ્રીસ કરેલા વાસણમાં સૌ પ્રથમ ચોકલેટનું મિશ્રણ પાથરવું. જ્યારે ચોકલેટનું મિશ્રણ સારી રીતે વાસણમાં ફેલાઈ જાય અને એક સરખી લેર થઇ જાય ત્યારબાદ, તેની ઉપર ક્રીમ-નટ્સનું મિશ્રણ વચ્ચે ધીમી ધારે નાખવું અને વાસણમાં એક સરખું ફેલાઈ જાય તે જોવું.

ઓવનને ૧૮૦’ સેન્ટીગ્રેડ ઉપર પહેલાથી સેટ કરી અને ગરમ રાખવું. (પ્રી હીટેડ) ઓવન ગરમ ૧૮૦’ પર થઇ જતા આપોઆપ બંધ થઇ જશે.ત્યારબાદ કેકના વાસણને ઓવનમાં રાખી અને ૩૦ મિનિટ ના સમયમાં સેટ કરવું અને ત્યારબાદ, ૧૬૦’ ડીગ્રી સેન્ટીગ્રેડ પર સેટ કરી ફરી ૩૦ મિનિટ માટે સેટ કરવું.

કેકને પાકવાનો સમય તેની સાઈઝ ઉપર આધાર રાખે છે. જો કેક નાની હોય તો ઓવનને  ૨૦ – ૨૦  મિનિટ  માટે સેટ કરવું જોઈએ. કારણકે  તે જલ્દી પાકી જાય છે. મોટી કેકને વધુ સમય લાગે છે.


ઓવનમાંથી કેક બહાર કાઢી અને તેને ચપ્પુની ધાર/અણી ખૂપાવીને ચેક કરવું કે મિશ્રણ ચિપકતું નથી ને? જો તે ચપ્પુમાં ચીપકેલ જણાય તો કેક હજુ પાકી ના હોવાથી ૧૦ મિનિટનો સમય વધુ આપી અને સેટ કરવું અને ત્યારબાદ ફરી ચેક કરવું. બસ કેક તૈયાર છે.

આ રીતે બનાવેલ કેક અગાઉ તમે બનાવેલ કેક કરતાં એક અલગ જ ડિજાઇનમાં તૈયાર થશે. મિશ્રણને તમે તમારી ઈચ્છા મુજ્બ ફેરફા કરી શકો છો. તમે ચોકલેટ કેકનું મિશ્રણ પહેલા ને બદલે પેહલાં ક્રીમ નટ્સ કેકનું મિશ્રણ પણ પાથરી અને તેની ઉપર ચોકલેટ કેકનું મિશ્રણ પાથરી શકો છો.  જે તમારી પસંદગી ઉપર નક્કી કરવું.

ચોકલેટ ક્રીમ નટ્સ કેક (ઈંડાના ઉપયોગ વિનાની) તૈયાર છે. કેક ઠંડી પડે એટલે એક વાસણમાં કાઢી લઇ અને તમને પસંદ આવે તે શેપ/આકારમાં કાપી અને કટકા કરવા અને એક વાસણમાં ગોઠવવી. જે દેખાવમાં ખૂબજ સુંદર અને ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગશે. ઉપયોગ ન કરેલી કેકને એક એર ટાઈટ વાસણમાં પેક કરી અને ફ્રીઝમાં રાખી દેવી અને ૭ દિવસ સુધી જ્યારે ઈચ્છા પડે ત્યારે બહાર કાઢી અને ઉપયોગમાં લઇ શકો છો. બસ, સ્વાદિષ્ટ કેક ખાઓ અને અન્યને ખવડાવો.

સુજાવ :

૧]     ઉપરોક્ત કેક જો તમારી પાસે ઓવન ઘરમાં ના હોય તો કુકરમાં પણ બની શકે છે. જેની રેસીપી આગળ અન્ય કેકની પોસ્ટમાં આપેલ છે તે તપાસી લેવી અને તે રીતે બનાવવા કોશીશ કરવી. કુકરમાં ૪૦ મિનિટનો સમય કેક બનતા લાગશે.

૨]     ચોકલેટ ને પીગાડવા માટે ચોકલેટ બાર જે માર્કેટમાંથી લઈને આવ્યા હોય તેને એક વાસણમાં રાખી અને બીજા વાસણમાં ગરમ પાણી  કરી અને ચોકલેટ બાર વાળું વાસણ ગરમ પાણી ઉપર રાખવું. ચોકલેટ બાર ના હોય તો ચોકલેટ પાઉડરનો પણ ઉપયોગ કરી શકો છો. ચોકો પાઉડરનો પણ ઉપયોગ થઇ શકે. આ ઉપરાંત, તમારી પાસે ચોકલેટ સીરપ હોય તો તેનો ઉપયોગ પણ કરી શકાય.

૩]     ફૂલ ફ્રીમ બજારમાં તૈયાર મળે છે, અથવા કાચા દૂધને ઉકાળી અને ફ્રેશ ક્રીમ પણ મેળવી શકાય.

૪]     કેકને માઈક્રોવેવમાં  બનાવી હોય તો માઈક્રોવેવ ક્ન્વેસ્ન મોડ પર રાખવું જરૂરી. અને બાકીની વિગત માઈક્રોવેવ સાથે આવેલ બુક/મેન્યુઅલમાં જોઈ ચેક કરી લેવી.

૫]     અમુલ માખણ તમે વાપરી શકો છો, તે સોલ્ટી / મીઠા વાળું હોય તેનો સ્વાદ અલગથી જ તમને આવશે.

૬]     કેકનું મિશ્રણ વડાના મિશ્રણ જેવું ઘટ રાખવું.

૭]     કન્ડેન્સ્ડ મિલ્કની જગ્યાએ સાદા દૂધનો ઉપયોગ ના કરવો. કારણકે  કન્ડેન્સ્ડ મિલ્ક બાઈન્ડીંગનું  કામ કરે છે અને  ઈંડાની અવેજીમાં તેને ઉપયોગમાં લઈએ છીએ.

૮]     બેકિંગ સોડાની અવેજીમાં બેકિંગ પાઉડરનો ઉપયોગ ના કરવો. તેમાં બેકિંગ સોડામાં રહેલ તત્વ ના હોય, કેક બનવામાં મુશ્કેલી આવી શકે છે.

૯]     કન્ડેન્સ્ડ મિલ્કની જગ્યાએ દૂધના પાઉડરનો ઉપયોગપણ  કરી શકાય છે,  પાઉડરનું  પ્રમાણ ૧/૨ કરી નાખવું. અને ખાંડનું પ્રમાણ થોડું વધારી દેવું.

૧૦]    માઈક્રોવેવમાં પણ કેક બની શકે છે, જે ખૂબજ ઝડપથી ૪-૫ મિનિટમાં કેક તૈયાર થઇ જાય છે, જેની રેસિપી હવે પછી અમે મૂકીશું.

બ્લોગ લીંક: http://das.desais.net


ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • આદરણીય અશોકભાઇ,

  મારા બ્લોગ http://ajvaduu.wordpress.com પરની આપની મુલાકાત બદલ ખુબ જ આભાર,
  ફરી ફરી મુલાકાત લેતા રહેશો, એ જ આશા છે.

  આપના બ્લોગમા મને આ વિભાગ ખુબ જ પસંદ છે.
  આપે કેક બનાવાની સુંદર માહીતી પ્રસ્તુત કરી છે.
  શુ ઓવન વગર કેક બનાવવી શકય છે?,
  આપ તેની રીત અહી રજુ કરો તો ખુબ સારૂ.

  • કોમલબેન,

   ઓવન વગર સુંદર અને સ્વાદિષ્ટ કેક જરૂર બને છે, બસ ફક્ત તે માટે થોડી છાનભીન રસોઈ વિભાગમાં જઈને કરશો તો તેની પણ રેસિપી મળી જશે. અન્ય કેકની રેસીપી પણ બ્લોગ પર છે અને તેમા એક રેસિપી કૂકરમાં કેક બનાવી શકાય તે દર્શાવેલ છે.

   બ્લોગ ની મૂલાકાત લઈ મૂકેલ પ્રતિભાવ બદલ આભાર !

 • વાહ! અશોકભાઇ,

  ચોકલેટ ક્રીમ નટ્સ કેક તો જોઇને જ મ્હોંમાં પાણી આવી જાય એવી છે. હવે તો બનાવી જ પડશે.
  આટલી બધી રેસિપી ક્યારે ટ્રાય કરો છો?

  Rajul Shah
  http://www.rajul54.wordpress.com