રસમલાઈ …(બંગાળી મીઠાઈ)

રસમલાઈ …(બંગાળી મીઠાઈ) …

બંગાળી મીઠાઈમાં રસગુલ્લા તો મોટેભાગે સૌને પસંદ પડે તેવી મીઠાઈ છે. અને આપણે  અગાઉ આ મીઠાઈ અહીં માણી. રામનવમી બે દિવસમાં જ  હોય અને આ પૂરો માસ તહેવારોનો હોય, તેહવારમાં અને ખાસ ઉપવાસમાં કામ આવે તેવી  મીઠાઈ, રસમલાઈ બનાવીશું જે રસગુલ્લા કરતાં  પણ  બધા વધુ પસંદ કરશે. કદાચ તમોને તે બનાવવા માટે દેખાવમાં જેટલી કઠીન / અઘરી લાગે છે તેમ નથી. બનાવવાનું ચાલુ કરશો તો ખૂબજ આસાન લાગશે.

કેવી રીતે બનાવશો ?

રસમલાઈ માટે બજારમાં મળતું પનીરનો ઉપયોગ ન કરવો. પરંતુ પનીર ઘરમાં બનાવવાનું પસંદ કરવું. ગાયના દૂધમાંથી પનીર બનાવવું. પનીર ઘરમાં બનાવવું ઘણું સરળ છે. આ અગાઉ પનીરની રેસિપી અલગથી આપેલ છે તેમજ રસગુલ્લામાં પણ તે દર્શાવેલ છે.

રસમલાઈ માટેની સામગ્રી :

૨૫૦ ગ્રામ પનીર

૨૦૦ ગ્રામ ખાંડ (૧ કપ)

૧ લીટર દૂધ

૧૫-૨૦ પાંખડી કેશર (જો તમને પસંદ હોય તો)

૧૫-૧૬ નંગ કાજુ (નાના ટુકડામાં સમારવા)

૧ ટે.સ્પૂન ચારોળી (સાફ કરી લેવી)

૩-૪ નંગ નાની એલચી (ફોલીને દાણાનો ભૂકો કરી લેવો)

રીત:

પનીરને એક થાળી –વાસણમાં લઇ અને મસળી –મસળીને નરમ કરવું. આમ પનીર લોટ બાંધીએ તેવું નરમ થઇ જશે. આ પનીર રસ મલાઈ બનાવવા માટે તૈયાર છે.

આ પનીરમાંથી થોડું થોડું પનીર હાથમાં લઇ તેના ગોળા બનાવી અને  હાથ વડે દબાવી તેને  થેપલી આકાર (ચાપટો આકાર ) આપવો અને થાળીમા અલગથી રાખી દેવા. ૨૫૦ ગ્રામ પનીરમાંથી ૧૨-૧૪ ગોળા બની શકશે.

એક વાસણમાં ૧૦૦ ગ્રામ ખાંડ અડધો (૧/૨ લીટર) લીટર પાણીમાં લઇ અને તેને હલાવવી અને ગેસ પર તેજ આગમાં ગરમ કરવા મૂકવી. જેથી જલ્દી ઉફાળો આવે. જ્યારે પાણી ગરમ થઇ ઉફાળો આવે કે તૂરત રસમલાઈ માટે બનાવેલ ગોળા તેમાં નાંખી ૧૮-૨૦ મિનિટ સુધી પકવવા દેવા. રસ મલાઇના ગોળા પાકવા માટે ગેસની આગ તેજ રાખી પકવવા દેવા.

આ ગોળા પાકીને લગભગ તે ફૂલીને તેનો આકાર ડબલ જેવો થઇ જશે. બસ ગેસ બંધ કરી દેવો. રસ મલાઈ માટેના ગોળા પાકીને તૈયાર થઇ ગયા છે. હવે તેને ઠંડા પાડવા દેવા.

હવે આ રસમલાઈ માટે આપણે દૂધ તૈયાર કરીશું.

દૂધને ઘટ કરવા માટે ગેસ પર ગરમ કરવા રાખી દેવું. ઉફાળો આવે એટલે થોડી થોડી વારે ચમચાની મદદથી દૂધ હલાવતાં રહેવું જેથી નીચે બેસીને ચોંટી ન જાય / દાજ ન બેસે. દૂધમાં કેશર અને કાજૂ, ચારોળી નાંખવા. જ્યારે દૂધની માત્રા ૫૦ – ૬૦ % જેવી થઇ જાય એટલે ગેસ બંધ કરી દેવો. ત્યારબાદ, દૂધમાં ખાંડ અને એલચીનો ભૂકો નાંખી અને હલાવી મિક્સ કરવા. બસ, રસ મલાઈ માટેનું દૂધ તૈયાર છે.

રસ મલાઇના ગોળા ખાંડના (સીરપ) પાણીમાંથી કાઢી બીજા હાથની મદદથી દબાવવા અને વધારાનું પાણી તેમાંથી કાઢી લેવું. આમ, બધા જ ગોળા ખાંડના પાણીમાંથી કાઢી તેને હાથ વડે દબાવી વધારાનું પાણી કાઢી અને પ્લેટમાં રાખી દેવા. બસ હવે આ પનીરના પાકેલા ગોળા ઉપર દૂધ રેડો /નાંખો.

રસ મલાઈ તૈયાર છે, રસ મલાઈને પીરસવા એક કાચની વાટકીમાં કાઢી તેની ઉપર કાજૂ અને પિસ્તાને (કાતરેલા) છાંટી ને શણગારી અને ફ્રીઝમાં રાખવી.

ઠંડી રસ મલાઈ ખાવાના ઉપયોગમાં લેવી. જે ખૂબજ સ્વાદિષ્ટ લાગશે.

બ્લોગ લીંક: http://das.desais.net

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • Pingback: રસમલાઈ « koralshah()

    • કોરલબેન,

      આપે આપના બ્લોગમાં રસ મલાઈની પોસ્ટ સાથે લીંક મૂકી જે બદલ આભાર ! પરંતુ એક વખત બનાવીને કહેજો કે કેવી બની ?

  • Vaniya Purnima

    I like your recipies. mane rasamalai bahu ja bhaave chhe.