બટેટા -સિંઘોડાના દહીંવડા: (ફરાળી)…

બટેટા -સિંઘોડાના દહીંવડા: (ફરાળી)…

તસ્વીર નેટ જગતને આભારી છે.

 

ફરાળમાં આપણે સામો, રાજગરાની પૂરી, બટેટાની કે સાબુદાણાની વેફર, ખીચડી વગેરે લેતાં હોય છે, જે એક ને એક વસ્તુ ખાવાથી કોઈ કોઈ વખત કંટાળો આવે, કંઈક નવીન પણ જોઈએ ને…તો ચાલો આજે આપણે ફરાળી દહીં વડા બનાવીએ….

જરૂરી સામગ્રી:

૪૦૦ ગ્રામ બટેટા

૫૦ ગ્રામ સિંઘોડા નો લોટ / કૂટી નો લોટ

૧/૨ ચમચી સિંધાલુ /મીઠું સ્વાદાનુસાર

૧ નાની ચમચી મરી નો ભુક્કો

૨ મોટી એલચી ફોતરા કાઢી લેવા

૪૦૦ ગ્રામ દહીં

ઘી / તેલ તળવા માટે

.

રીત:

બટેટા ને ધોઈ અને બાફવા મૂકવા અને બફાઈ ગયા બાદ, ઠંડા પડે એટલે તેની છાલ ઉતારી લેવી; અને ત્યારબાદ તેનો દાબી ને છુંદો કરવો. (બટેટા મેશ કરવા)

બટેટા નાં માવામાં સિંઘોડાનો લોટ, મીઠું-સ્વાદાનુસાર, ૧/૨ ચમચી મરી નો ભુક્કો, એલચી દાણા અને લીલી બારીક સમારેલ કોથમીર જો ફરાળમાં લેતાં/ ખાતાં હોય તો તે તેમાં મિક્સ કરવી અને મસળી-મસળી ને લોટ બંધાતા હોય તેમ બટેટાના માવાને તૈયાર કરવો.

દહીં ને ફેંટી/ઝરણીથી હલાવી લેવું. અને ત્યારબાદ, તેમાં સ્વાદાનુસાર મીઠું, મરીનો ભુક્કો નાખી મિક્સ કરવું.

કોઈ કોઈ દહીં વડા નું દહીં થોડું મીઠું/ગળ્યું બનાવતા હોય છે, તો સ્વાદાનુસાર ખાંડ પણ ઉમેરી શકાય.

એક કડાઈમાં ઘી/તેલ જે અનુકુળ હોય તે ગરમ કરવા મુકવું.

ત્યારબાદ, એક સાફ રૂમાલ કે કપડું લઇ અને તેને પાણીમાં પલાળવું, અને તે ભીનું કપડું એક વાટકી ઉપર ઢાંકવું અને કપડાને નીચેથી પકડવું, જેથી ઢીલું ના રહે.


બટેટાના માવાના ગોળા બનાવાના હોય, સિંઘોડાના લોટની મદદથી ગોળા બનાવવા; અને બનેલ ગોળા ને વાટકી પર બાંધેલ ભીના કપડા પર રાખી અને પાણીની મદદથી તેને ચપટા દબાવવા. પાણીની મદદ લેવાથી બટેટાનો માવો હાથમાં ચોંટશે નહિ. એકસાથે ૪-૫ બની જાય, એટલે તેને ઘી/તેલ માં તળવા કડાઈમાં નાખવા, અને બન્ને બાજુ બ્રાઉન થાય તેમ કડાઈમાં પલટાવતાં જવું અને તળવા.

તળાઈ ગયા બાદ, તેને બહાર કાઢી લેવા અને દહીંમાં ડુબાડવા. આમ બધાજ વડા તૈયાર થઇ ગયા પછી દહીંમાં પલાળવા.

ઉપરોક્ત તળેલા વડા, એમ નેમ- કોરા પણ ખાઈ શકાય. જે પણ ખાવામાં સારા લાગે.

આમ, ફરાળી દહીંવડા તૈયાર થઇ જશે. દહીં ઠંડુ કરીને પણ વડા સાથે ખાઈ શકાય.

દહીં વડા પર ખજૂર- આમલી ની ચટણી  છાંટી  અને સર્વ કરવા.

બ્લોગ લીંક: http://das.desais.net

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • purvi

    saras recipy