તું નક્કી કરી લે કે તારે કરવું છે શું? …

તું નક્કી કરી લે કે તારે કરવું છે શું? …

ચિંતનની પળેકૃષ્ણકાંત ઉનડકટ

krish.1

 

 

તુફાનોમાં ફક્ત તેઓ તરીને પાર નીકળે છે,

ફરી વળતું નથી જે લોકોની હિંમત ઉપર પાણી.

– બરકત વિરાણી ‘બેફામ’

જિંદગી આંખોમાં સપનાં આંજીને આવે છે. સુખનું સપનું. સ્નેહનું સપનું. સફળતાનું સપનું. સાધનોનું સપનું અને સપનાને સાર્થક કરવાનું સપનું. સપનાં વગરનો માણસ હોઈ ન શકે. જે સપનાં નથી જોતો એ જાગતો હોય તો પણ સુષુપ્ત હોય છે. માણસ પથ્થર નથી. માણસ પર્વત નથી. માણસ જંગલ છે. આ જંગલ ખીલતું, ઊગતું,ઊઘડતું અને ઝઝૂમતું રહે છે. જ્વાળામુખી પણ એક સપનું છે જે પર્વતને ફાડીને બહાર આવે છે. આપણી અંદર પણ એક જ્વાળામુખી હોય છે. સતત ભભૂકતો જ્વાળામુખી. જ્વાળામુખીનું સત્ય વિસ્ફોટ છે. સપનાનું સત્ય વિસ્મય છે.

તમારાં સપનાં શું છે? આ સવાલ જો કોઈ તમને કરે તો તમે શું જવાબ આપો? ઘણા પાસે તો લાંબું લિસ્ટ હોય છે. હોવું જ જોઈએ. સપનાં તો જિંદગીનું સત્ય છે. સપનાં તો જિજીવિષા છે. સપનાં ન હોય તો માત્ર શ્વાસ રહે છે, જિંદગી નહીં. સપનાનો પનો લાંબો હોવો જોઈએ. ઘણા લોકો મોત આવે એ પહેલાં મરી જતા હોય છે, કારણ કે એનાં સપનાં મરી ગયાં હોય છે. હાલવું, ચાલવું અને જીવતાં રહેવું એક વાત છે અને થનગનતાં રહેવું એ બીજી વાત છે.

એક યુવાનની વાત છે. તેણે બચપણથી થોડાંક સપનાં જોયાં હતાં. એક સરસ મજાનું ઘર હોય, ઘરમાં બધી સગવડ હોય, સારી કાર હોય,પ્રેમાળ પત્ની હોય, સમજું સંતાનો હોય અને એક સારી જોબ હોય. ઘણાં સપનાં ધાર્યાં કરતાં વહેલાં પૂરાં થઈ જતાં હોય છે. નાની ઉંમરમાં જ તેનાં આ બધાં સપનાં પૂરાં થઈ ગયાં. એ ધીમે ધીમે હતાશ થવા લાગ્યો. મારાં સપનાં તો પૂરાં થઈ ગયાં. હવે શું? કોઈ ઉકેલ મળતો ન હતો. એ યુવાન એક સંત પાસે ગયો. સંતને કહ્યું, મારાં સપનાં તો પૂરાં થઈ ગયાં. હવે મારે શું કરવું? મને જીવવાનું કોઈ કારણ આપો. સંતે હસીને કહ્યું, જરાયે મુશ્કેલ નથી. તું બસ, તારાં સપનાં વધારી દે. સપનાંને થોડાંક મોટાં કરી દે. આપણે ઘણી વખત જેને મંજિલ સમજી લેતા હોઈએ છીએ એ માત્ર એક મુકામ હોય છે. દરેક માણસ પોતાની ક્ષમતા મુજબ સપનાં જોતો હોય છે. આપણે ઘણી વખત આપણી ક્ષમતાને આંકવામાં જ ભૂલ કરી લેતાં હોઈએ છીએ. પોતાની જાતને અંડરએસ્ટીમેટ કરવા જેવી ભૂલ બીજી કોઈ નથી.

ઘણા લોકોના મોઢે આપણે એવું સાંભળીએ છીએ કે, મેં તો સપનામાં પણ ક્યારેય એવું નહોતું વિચાર્યું કે હું અહીં સુધી પહોંચી શકીશ! આપણે ક્યારેય તેને એવું નથી કહેતા કે, તેં સપનાં જોવામાં ભૂલ કરી હતી. તેં કેમ અત્યારે છો એ સપનું નહોતું જોયું? ચલો, કંઈ વાંધો નહીં, હજુ નવું સપનું જો કે તું ક્યાં સુધી પહોંચી શકે તેમ છે! અમુક લોકો એંસી-નેવું વર્ષે પણ એક્ટિવ હોય છે. એને કામ કરતાં જોઈને આપણને આશ્ચર્ય થાય છે. એ લોકો કેમ આટલી મોટી ઉંમરે પણ આટલું બધું કામ કરી શકે છે? કારણ કે એણે એનાં સપનાંને મરવા નથી દીધાં. ઘણા વૃદ્ધો કહે છે કે, આપણે તો ‘પરવારી’ ગયા! પરિવારનાં કામો પતે એટલે પરવારી જવાનું? એક વૃદ્ધે સરસ વાત કરી હતી કે, મેં પરિવારની જવાબદારીઓ પૂરી કરી લીધી, હવે હું મારી જવાબદારી પૂરી કરીશ. મારી જાત સાથે પણ મારી કોઈ જવાબદારી છે. થોડાંક સપનાં બાકી છે, થોડીક ઇચ્છાઓ અધૂરી છે, થોડુંક જીવવાનું બાકી છે, એ હવે પૂરું કરીશ.

યંગસ્ટર્સ તો સપનાનો જીવતો-જાગતો જથ્થો હોવો જોઈએ. એક બાળક માટીમાં રમતો હતો. એક વડીલે તેને પૂછ્યું કે, તું શું કરે છે?બાળકે કહ્યું કે, હું સપનાં વાવું છું. મારા ટીચર કહેતા હતા કે વાવીએ એ ઊગે. વડીલે પૂછ્યું, તેં કેવાં સપનાં વાવ્યાં છે? નિર્દોષ બાળકે કહ્યું કે,ઊગે ત્યારે જોજો. તમારાં બાળકોને તમારે સંસ્કારો આપવા છે? તો એને સપનાં જોતાં શીખવાડો. ઉઘાડી આંખનાં સપનાં એની આંખમાં રોપો અને તેને એવો વિશ્વાસ આપો કે દરેક સપનામાં ઊગવાની તાકાત હોય છે, તારે બસ એ સપનાંને સીંચતા જવાનાં છે.

સફળ થવા માટે સપનાંને સ્વભાવ બનાવો. સપનાંને સાકાર કરવા સાધના કરો. માત્ર સપનાં જોવાં એ શેખચલ્લીવૃત્તિ છે. સપનાંને પકાવવાં પડે છે. પરસેવો સપનાંને સિંચે છે. મહેનત સપનાંને મહેકાવે છે. ધગશ સપનાંને ધાર્યા મુકામ પર પહોંચાડે છે. આળસુ લોકો દરરોજ સપનાની હત્યા કરે છે. એક યુવાન અને તેની પ્રેમિકા વાતો કરતાં હતાં. પ્રેમિકાએ પૂછ્યું, તારાં સપનાં શું છે? પ્રેમીએ એક પછી એક સપના ગણાવવા માંડ્યા. પ્રેમિકાએ કહ્યું, સારી વાત છે. હવે તું મને એ કહે કે આ સપનાં પૂરાં કરવા માટે તું શું કરે છે? આટલાં બધાં સપનાં એમ ને એમ તો પૂરાં નહીં થવાનાં. પહેલા તું એક સપનાને તો પૂરું કર, પછી બીજા સપનાની વાત કરજે. તું નક્કી કરી લે કે તારે કરવું છે શું? એના પછી નક્કી કર કે કરવું છે કેવી રીતે? સપનાને શાર્પનેસ હોવી જોઈએ. આપણે ભૂલ એ કરીએ છીએ કે આપણે માત્ર સપનાં જોઈએ છીએ. સપનાં જોવાની સાથે સપનાને સાર્થક કરવાની સતર્કતા જોઈએ.

જિંદગી વિશે કહેવાય છે કે જિંદગીને વહેવા દેવી જોઈએ. ગો વિથ ધ ફ્લો. સાચી વાત છે. જિંદગીને વહેવા દો, પણ એનું વહેણ તમે જ નક્કી કરો. ક્યાંથી ટર્ન આપવો છે, કેવી રીતે ટર્ન આપવો છે અને ફાઇનલી ક્યાં પહોંચવું છે. દરેક ઝરણા પણ નદી સુધી પહોંચતા નથી. દરેક નદીના નસીબમાં પણ સાગરમાં સમાવવાનું હોતું નથી. કેટલાંય ઝરણાં અને નદી વચ્ચે જ સુકાઈ જાય છે અથવા તો શોષાઈ જાય છે. તમે નક્કી કરો કે મારાં સપનાંને સૂકવવા નહીં દઉં, મારી જિંદગીને એળે જવા નહીં દઉં. મારી ઇચ્છાને અધૂરી રહેવા નહીં દઉં.

થાકો નહીં. હારો નહીં. કંટાળો નહીં. ઘણી વખત આપણે બેસી જતાં હોઈએ છીએ તેનાથી આપણી મંજિલ એક ફલાંગ જ દૂર હોય છે. એક તરવૈયો હતો. હંમેશાં અવ્વલ જ હોય. એક વખતે તેને પુછાયું કે તું મધદરિયે હોય ત્યારે શું વિચારે છે? તેણે કહ્યું કે, માત્ર એટલું જ કે કિનારો હવે દૂર નથી. હમણાં મારો હાથ કિનારાને આંબી જશે. હમણાં હું કિનારે પહોંચીને દરિયાને કહીશ કે તારામાં મારાં સપનાંને ડુબાડવાની તાકાત નથી. તું ભલે ગમે તેટલો ઊંડો અને અગાધ હોય, હું તારા સકંજામાં આવવાનો નથી. બાથ ભીડવાની મારામાં હામ છે. તારો પડકાર ઝીલવાની તૈયારી છે અને ઝંપલાવવાનું ઝનૂન છે.

કોઈ ઇમારત એક ઈંટની ચણાતી નથી. કોઈ સપનું એક ઝાટકે સાકાર થતું નથી. સતત અને સખત સંઘર્ષ જ સફળતા સુધી દોરી જાય છે. સપનું જેટલું મોટું, મહેનત એટલી વધુ. સપનાને નજર સમક્ષ રાખવું પડે છે. સાથોસાથ એ તકેદારી રાખવી પડે છે કે ‘ડાયવર્ટ’ ન થઈ જવાય. રસ્તો ભૂલી ન જવાય કે રસ્તો ચૂકી ન જવાય. તમારાં સપનાં ઉપર તમારો અધિકાર છે અને કોઈ અધિકાર એમ ને એમ મળતો નથી. અધિકાર માટે અધિકૃત થવું પડે. {

છેલ્લો સીન:

લોકોને આપણા માટે સારું બોલવાની ફરજ પાડવાનો એક માત્ર માર્ગ સારું કાર્ય કરવાનો છે. 

–વોલ્ટેર

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 8 જુન 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

 

 

કૃષ્ણકાંત ઉનડકટ

 

KRISHNAKANT PHOTOકૃષ્ણકાંત ઉનડકટ 
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક : krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રીકૃષ્ણકાંત  ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

You can Follow /Likes us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • Purvi

    sundar