શ્રી ગણેશ ચતુર્થી વ્રતકથા …

શ્રી ગણેશ ચતુર્થી વ્રતકથા  …

 

 

ganesh greetings

 

એકવાર ભગવાન સદાશિવ માતા ગૌરી સાથે નર્મદા તટ ગયાં. ત્યાં એક સુંદર સ્થાન પર માતા ગૌરીએ ભગવાન ભોળાનાથને કહ્યું કે પ્રભુ મારી આપની સાથે ચૌપડ ખેલ ખેલવાની અભિલાષા થઈ છે આપ કૃપા કરી મારી મનોચ્છા પૂર્ણ કરો. માતા ગૌરીની વાત સાંભળીને ભગવાન શિવ કહે કે હે હિમાની આપણે ખેલનો તો પ્રારંભ કરીએ પરંતુ આપણી હારજીતનું સાક્ષી કોણ હશે? ભગવાન શિવની વાત સાંભળીને માતા ગૌરીએ તત્કાળ ત્યાં ઘાસનાં તણખલાઓ એકઠા કરી એક પૂતળું બનાવ્યું અને તે પૂતળામાં પ્રાણ પ્રતિષ્ઠા કરી કહ્યું કે પુત્ર અમે ચૌપડ ખેલ ખેલવા ઈચ્છીએ છીએ પરંતુ અહીં અમારા ખેલનાં હારજીતનો કોઈ સાક્ષી નથી તેથી આ ખેલનાં અંતમાં તું અમારી હારજીતનો સાક્ષી બનીને કહેજે કે અમારા બંનેમાંથી કોણ હાર્યું અને કોણ જીત્યું. 

માતા પાર્વતી અને ભગવાન શિવની વચ્ચે ખેલનો પ્રારંભ થયો. દૈવયોગે માતા પાર્વતી ત્રણ વાર જીતી ગયાં. પરંતુ જ્યારે ખેલનો અંત આવ્યો ત્યારે તે પુત્રએ મહાદેવજીને વિજેતા બતાવીને કહ્યું કે માતા આપની હાર થઈ છે. તે પુત્રની વાત સાંભળીને માતા પાર્વતી ક્રોધિત થઈ બોલ્યાં કે હે પુત્ર તું જૂઠું બોલ્યો છે માટે તું એક પગે લંગડો થઈ દુઃખ ભોગવ. માતા પાર્વતીનો ક્રોધ જોઈ તે બાળકે માતા પાર્વતીને સંબોધીને કહ્યું કે હે માતા મારો અપરાધ ક્ષમા કરો હું જૂઠું કોઈ કુટિલતા કે દ્વેષને કારણે નથી બોલ્યો પરંતુ મારાંમાં રહેલી અજ્ઞાનતા અને મંદ મતિને કારણે હું જૂઠું બોલ્યો છું. હે માતા આપ મા છો પરમ કૃપાળુ અને પરમ દયાળુ છો આપ આપના પુત્રનો અપરાધ ક્ષમા કરી મને આપના શાપમાંથી મુક્ત કરો. તે બાળકની વાત સાંભળીને માતા પાર્વતીનું મન અતિ દ્રવિત થઈ ગયું અને તેમણે તે પુત્રને સંબોધીને કહ્યું કે હે પુત્ર આ સ્થળે આપ બેસીને બુધ્ધિનાં સ્વામી એવા ગણેશનું ધ્યાન ધરો અને તેમની પ્રસન્નતા મેળવવા તપ કરો જેથી આપની મતિ શુધ્ધ થાય. હે પુત્ર આપ અહીં બિરાજો કારણ કે અહીં વર્ષાન્તે થોડી નાગકન્યાઓ આવશે તેઓ ગણેશ પૂજન કરશે અને આપને મારા શાપમાંથી મુક્ત થવાનો માર્ગ ગણેશ વ્રત દ્વારા બતાવશે. જ્યારે તે નાગ કન્યાઓનાં કહ્યાં મુજબ આપ વ્રતની પૂર્ણાહુતિ કરશો ત્યારે આપના પણ શાપની મુક્તિ થશે અને આપ પુનઃ આપના મૂળ સ્વરૂપની પ્રાપ્તિ કરી મને આપ પ્રસન્ન કરશો. આમ કહી માતા ગૌરી ભગવાન શિવ સાથે કૈલાશ તરફ ચાલ્યાં ગયાં.

નર્મદાનાં પવિત્ર તટે માતા પાર્વતીનાં તે પુત્રએ માતા પાર્વતીની આજ્ઞા મુજબ ગણેશ વ્રતનો પ્રારંભ કર્યો અને તે જ જગ્યામાં સ્થિર થઈ ભગવાન ગણેશ સાથે માતા ગૌરીનું પણ ધ્યાન ધરવા લાગ્યો. એક વર્ષનાં અંતે તે સ્થળે એક દિવસ થોડી નાગ કન્યાઓ આવી. તેઓએ ત્યાં આવીને ભગવાન ગણેશનું પૂજન કર્યું અને તે બાળકને વ્રત પ્રારંભ કરવાની વિધિ બતાવી. તત્પશ્ચાત તે બાળકે ૨૧ દિવસ સુધી શ્રી ગણેશનું વ્રત કર્યું. તે બાળકનાં વ્રતથી પ્રસન્ન થઈ શ્રી ગણેશ ત્યાં પધાર્યા અને બાળકને કહ્યું કે આપ આપનું મનોવાંછિત વર માંગો ત્યારે બાળક બોલ્યો કે ભગવાન મારાં પગમાં એટલી શક્તિ આપો હું વેગપૂર્વક મારાં માતાપિતા પાસે કૈલાશ પહોંચી શકું અને તેઓ પણ મને જોઈને અત્યંત પ્રસન્ન થઈ જાય. તે બાળકની મનોચ્છા પૂર્ણ કરવા હેતુથી ભગવાન ગણેશ તથાસ્તુ બોલ્યાં અને અંર્તધ્યાન થઈ ગયાં. તે બાળક ત્યારબાદ વેગપૂર્વક અતિ ઉત્સાહિત થઈ કૈલાશ પર્વત મધ્યે બિરાજી રહેલા પોતાના માતાપિતા પાસે ગયો અને માતપિતાના ચરણોમા પ્રણામ કર્યા. પોતાના પુત્રને ઘણા સમય બાદ આવેલો જોઈ માતા ગૌરી તથા ભગવાન સદાશિવ પણ અત્યંત પ્રસન્ન થઈ પૂછવા લાગ્યાં કે હે પુત્ર આપ અહીં સુધી શી રીતે આવ્યાં? અને આપે શાપમાંથી મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી? ત્યારે તે પુત્રએ અથથી ઇતિ સુધીની સર્વે વાત પોતાના માતપિતાને કહી.

તે બાળકની વાત સાંભળીને ભગવાન શિવ અને માતા પાર્વતી ખૂબ પ્રસન્ન થયાં ત્યારે તે બાળક કહેવા લાગ્યો કે આ વ્રતની સફળતાનાં રૂપે મને મારા અપરાધમાંથી મુક્તિ પણ મળી અને સાથે સાથે મારા શપ્રસન્ન થઈ અનેક આર્શિવાદ આપવાં લાગ્યાં. તે બાળકને જ્યારે માતા ગૌરી હૃદયે લગાવી આર્શિવાદ આપી રહ્યાં ત્યારે માતા ગૌરીને પોતાના બીજા પુત્ર કાર્તિકેયની યાદ આવી ગઈ કારણ કે તેમનો આ  બીજો પુત્ર પણ માતા ગૌરીથી રૂઠીને દક્ષિણ તરફ ચાલ્યો ગયો હતો. તે પુત્રની યાદની યાદ આવતાં જ માતા પાર્વતીએ પણ ગણેશ વ્રત કરવાનું વિચાર્યું. તેમણે તે બાળક પાસેથી ગણેશ વ્રતનો ઇતિહાસ જાણ્યો અને વ્રતનો પ્રારંભ કર્યો. માતા પાર્વતીએ ૨૧ દિવસ સુધી ૨૧-૨૧ ની સંખ્યામાં દુર્વા, પુષ્પ અને લાડુ મોદક વડે ગણેશજીનું પૂજન કર્યું અને ૨૧માં દિવસે વ્રત પૂરું કરી વ્રતનું સમાપન કર્યું. આ વ્રત પૂરું થતાં જ દક્ષિણ તરફથી કાર્તિકેયજી કૈલાશ પર પધાર્યા અને ઉત્સાહપૂર્વક માતાને મળ્યાં. પુત્ર કાર્તિકેયને પધારેલા જોઈ ગૌરી ખૂબ પ્રસન્ન થયાં. પુત્ર સાથેની વાતચીત દરમ્યાન ગૌરીએ પુત્રને આ ગણેશ વ્રત વિષે પણ જણાવ્યું. આ વ્રતની કથા સાંભળી કાર્તિકેયજી અત્યંત પ્રસન્ન થયાં ત્યાર બાદ થોડા દિવસ આનંદ પ્રમોદથી પોતાના માતાપિતા પાસે રહ્યાં ત્યારબાદ તેઓ પુનઃ દક્ષિણ દેશ પધાર્યા. આ ગણેશ વ્રતની કથા અને તેનું માહાત્મ્ય કાર્તિકેયજીએ રાજન વિશ્વામિત્રને જણાવી. રાજા વિશ્વામિત્રએ પણ આ વ્રત કરી ગણેશજી પાસેથી બ્રહ્મ-ઋષિ બનવાનું વરદાન માંગ્યું. ભગવાન ગણેશે પણ રાજા વિશ્વામિત્રની આ મનોચ્છા પૂર્ણ કરી તેમણે બ્રહ્માનંદની પ્રાપ્તિને અર્થે બ્રહ્મર્ષિ બનવાનું વરદાન આપ્યું, આ વ્રતને કારણે રાજા વિશ્વામિત્ર સંસારમાં મહર્ષિ વિશ્વામિત્ર અને બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર તરીકે પ્રખ્યાત થયાં. આમ ગણેશ ચતુર્થીનું વ્રત ૨૧ દિવસ કરવાથી શ્રી ગણેશજી મનની તમામ કામનાઑ પૂર્ણ કરે છે.

 

ભગવાન ગણપતિનાં સાકાર સ્વરૂપનો અર્થ…

 

વિવેકશીલતાનાં પરિચાયક અને પર્યાય એવા ભગવાન ગણપતિનો વર્ણ લાલ છે તેથી ભગવાન ગણપતિની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે ભગવાન ગણપતિનું પૂજન લાલ વસ્ત્ર, લાલ ફૂલ, અને રક્તચંદનનો ઉપયોગ કરવામાં આવે છે. ભગવાન ગણપતિનું સાકાર સ્વરૂપ તેમનાં ભક્તોને અભય આપનારું છે. ભગવાન ગણપતિના કાન અતિ વિશાળ સૂપડા જેવા છે. સૂપડાનો ઉપયોગ અનાજ સાફ કરવા માટે થાય છે. દરેક વાર ઉપર ઊઠતું સૂપડું પોતાની પાસેના અનાજમાંથી કચરો કાઢતું જાય છે અને અનાજને બચાવીને રાખે છે તેમ ભગવાન ગણપતિના સૂપડા જેવા કાન પણ સાચી વાતોને સાંભળી હૃદયમાં ઉતારે છે અને ખોટી વાતોને કચરાની માફક બહાર ફેંકી દે છે, અર્થાત સાચા સારને ગ્રહણ કરવો અને વ્યર્થ લાગતી વાતોને મન, મગજ અને હૃદયથી દૂર જ રાખવી. ભગવાન ગણપતિની આંખ સૂક્ષ્મ અને બારીક છે. કહે છે કે ગજની બારીક આંખો એ તમામ વસ્તુ જોઈ શકે છે જેની પર ઝડપથી કોઇની નજર ન જાય તે ગજની દૃષ્ટિ એ તરત જ આવી જાય છે. રસ્તા પર ચાલતી કીડી પણ ગજદૃષ્ટિથી દૂર રહી શકતી નથી. ભગવાન ગણપતિ ગજાનનનાં પણ આ બારીક ચક્ષુઓ ગજની જેમ જ જીવનની પ્રત્યેક ક્ષણોમાં એકાગ્રતા અને પોતાના લક્ષ્ય તરફ જ સૂક્ષ્મ દૃષ્ટિ રાખવાનું સૂચન કરે છે. ભગવાન ગણપતિને બે દંત છે એક દંત પૂર્ણ છે જે શ્રધ્ધા અને વિશ્વાસનું પ્રતિક છે અને બીજો અપૂર્ણ દંત તે બુધ્ધિ અને મતિનું પ્રતિક છે. મતિ ફરે તો અખંડ શ્રધ્ધાને પણ ખંડિત કરી નાખે છે આથી ભગવાન ગણપતિનાં બંને દંત ખંડન અને અખંડનાં પ્રતિક રૂપ છે. કહેવાનું તાત્પર્ય  એ છે કે મતિ ભલે ભ્રમિત થઈ જાય પરંતુ શ્રધ્ધા અને વિશ્વાસ ન ડગમગવા જોઈએ. ભગવાન ગણપતિનું મોટું પેટ બીજાની વાતોને અને અન્ય લોકોની નબળાઈઓને ગુપ્ત રાખવાનો બોધ આપે છે. ભગવાન ગજાનન ગણપતિનું નાક વિશાળ છે જે ભક્તોનાં જીવન પર આવનારી તમામ મુશ્કેલીઑ અને વિપદાઑ દૂરથી જ સૂંઘી લે છે. ભગવાન કમર પર નાગ રૂપી કમરબંધ રહેલો છે તે શિવ કુંડલીની અને જાગૃત કુંડલીનીનું પ્રતિક છે. ભગવાન ગણપતિનાં હસ્તમાં રહેલ અંકુશ એ અવિધ્યાનો નાશ કરે છે. મૂષક સ્વયં તે રજોગુણનું પ્રતિક છે અર્થાત જીવોમાં રહેલા રજોગુણને ભગવાન ગણપતિ નિયંત્રણ કરે છે તે દર્શાવે છે. જ્યારે ભગવાન ગણપતિનાં પગ પાસે મૂષકરાજ બિરાજમાન છે તે શરણાગતિનાં પ્રતિક રૂપે છે. આમ ભગવાન ગણપતિનું વદનકમળ અને ચિન્હો રૂપ રહેલા સાકાર સ્વરૂપને સમજી હૃદયપૂર્વક ભગવાન ગણપતિની સ્તુતિ કરવાથી જીવોનાં જીવનમાં ઉજ્જવળ ભવિષ્ય અને સફળતા આવે છે. 

ભગવાન ગણપતિની પૂજા કરતી વખતે બોલાતા થોડાક વિશિષ્ટ મંત્રો અને શ્લોકો

 

૧) ગણપતિ ઉત્સવ દરમ્યાન જો ઘરમાં ગણપતિજી પધરાવ્યાં હોય ત્યારે સવારનાં સમયે આ શ્લોક બોલી તેમનું સ્મરણ કરવું.

प्रातर्नमामि चतुराननवन्द्यमानमिच्छानुकूलमखिलं च वरं ददानम् |
तं तुन्दिलं द्विरसनाधिपयज्ञसूत्रं पुत्रं विलासचतुरं शिवयोः शिवाय ||

 

૨) ભગવાન ગણપતિને આસન પર બિરાજમાન કરતી વખતે આ મંત્ર બોલવો.

नि षु सीड गणपते गणेषु त्वामाहुर्विप्रतमं कवीनाम् |
न ऋते त्वत् क्रियते किंचनारे महामर्कं मघवन्चित्रमर्च ||

 

૩) ભગવાન ગણપતિની પૂજા કરતી વખતે તેમને આહ્વાન આપવા માટે આ શ્લોક બોલવો

गणानां त्वा गणपतिं हवामहे प्रियाणां त्वा प्रियपतिं हवामहे |
निधीनां त्वा निधिपतिं हवामहे वसो मम आहमजानि गर्भधमा त्वमजासि गर्भधम् ||

 

૪) ભગવાન ગણપતિને યજ્ઞૉપવિત ધારણ કરાવતી વખતે આ શ્લોક બોલવો.

नवभिस्तन्तुभिर्युक्तं त्रिगुणं देवतामयम् | 
उपवीतं मया दत्तं गृहाण परमेश्वर ||

૫) ભગવાન ગણપતિ પર સિંદૂરનું તિલક કરતી વખતે આ શ્લોકનું ઉચ્ચારણ કરવું.

सिन्दूरं शोभनं रक्तं सौभाग्यं सुखवर्धनम् |
शुभदं कामदं चैव सिन्दूरं प्रतिगृह्यताम् ||

 

૬) ભગવાન ગણપતિને પુષ્પમાળા સમર્પિત કરતી વખતે આ શ્લોક બોલવો. 

माल्यादीनि सुगन्धीनि मालत्यादीनि वै प्रभो गणेशा |
मयाहृतानि पुष्पाणि गृह्यन्तां पूजनाय भोः ||

૭) ભગવાન ગણપતિની સામે દીપ અર્થાત દીવો મૂકીએ ત્યારે આ મંત્રશ્લોક બોલાવો જોઈએ. 

साज्यं च वर्तिसंयुक्तं वह्निना योजितं मया |
दीपं गृहाण देवेश त्रैलोक्यतिमिरापहम् |
भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने |
त्राहि मां निरयाद् घोरद्दीपज्यो ||

 

૮) ભગવાન ગણપતિની સમક્ષ નૈવૈદ્ય-પ્રસાદ સમર્પિત કરતી વખતે આ શ્લોકનું ઉચ્ચારણ કરવું.

नैवेद्यं गृह्यतां देव भक्तिं मे ह्यचलां कुरू |
ईप्सितं मे वरं देहि परत्र च परां गरतिम् ||
शर्कराखण्डखाद्यानि दधिक्षीरघृतानि च |
आहारं भक्ष्यभोज्यं च नैवेद ||

૯) ભગવાન ગણપતિને પ્રણામ કરતી વખતે આ શ્લોક બોલવો.

विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धिताय |
नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते ||

 

૧૦) ભગવાન ગણપતિનું ધ્યાન કરતી વખતે આ મંત્ર શ્લોકનું ઉચ્ચારણ કરવું.

खर्व स्थूलतनुं गजेन्द्रवदनं लम्बोदरं सुन्दरं प्रस्यन्दन्मदगन्धलुब्धमधुपव्यालोलगण्डस्थलम |
दंताघातविदारितारिरूधिरैः सिन्दूरशोभाकरं वन्दे शलसुतासुतं गणपतिं सिद्धिप्रदं कामदम् ||

શ્રી ગણેશની આરતી 

 

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
 
એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |
મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી ||
 
અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા |
બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા ||
 
પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા |
લડુઅન કા ભોગ લાગે સન્ત કરેં સેવા ||
 
દીનન કી લાજ રાખો શમ્ભુ-સુત વારી |
કામના કો પૂરી કરો જગ બલિહારી ||
 

 

 MICCHAMI DUKADAM

 

 

©201પૂર્વી મોદી મલકાણ. યુ એસ એ.
[email protected]

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
W.:   http://pareejat.wordpress.com

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી  પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....