યુરોપના છેડેથી આફ્રિકાની ટોચ પર …

યુરોપના છેડેથી આફ્રિકાની ટોચ પર …

પ્રવાસ – ડો. ભારતી રાણે

 

 

 
europe tp africa
 

 

જરાક અંધારાં ઓસર્યાં ને અમારી આંખ ખૂલી, ત્યાં દૂર દરિયામાં એકાકી પહાડ જેવો ખડક-રોક ઓફ જિબ્રાલ્ટરદેખાવા લાગ્યો.  અડગતાની મિશાલ, રોક ઓફજિબ્રાલ્ટર!

 

યુરોપ ખંડની છેક પશ્ચિમ અને દક્ષિણ સરહદને આવરતો છેવાડાનો દેશ સ્પેન. સ્પેનને છેક દક્ષિણ છેડે આવેલો આન્દાલુરિયા નામનો પ્રદેશ. આન્દાલુરિયાના પથરીલા પર્વતો અને એ પર્વતોના તૃણાચ્છાદિત ગોચર ઢોળાવો ફરતે પથરાયેલો નકશીદાર પાલવ જેવો દરિયો, અહીં વસેલું એક અલગારું ગામ-એનું નામ મલાગા.  મલાગામાં એક અઠવાડિયું રહેવાનું થયું ત્યારની આ વાતઃ એ દિવસે ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિકના સંગમ પર રચાયેલી જિબ્રાલ્ટરની સામુદ્રધુની પર યુરોપ ખંડની મધ્યમા આંગળીનાં ટેરવાં જેવા તરીફા બંદરથી કૂદીને આફ્રિકા ખંડની ચોટલીને પકડવાનો કાર્યક્રમ હતો ! સમુદ્રસંગમતો અગાઉ પણ જોયેલો. કન્યાકુમારી પર હિંદ મહાસાગર સાથે અરબી સમુદ્ર અને બંગાળનાઉપસાગરનો, કેપ ઓફ ગુડહોપ પર એટલાન્ટિક સાથે પેસિફિક મહાસાગરનો, વળી સુએઝ કેનાલ પર ભૂમધ્ય સાથે રાતા સમુદ્રનો માનવસર્જિત સંગમ પણ જોયો, પણ આ વખતની વાત નિરાળી હતી.  આ વખતે ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિકના સંગમસ્થાન પર રચાયેલી જિબ્રાલ્ટરની સામુદ્રધુનીને માત્ર જોવાની નહોતી, એને પાર પણ કરવાની હતી અને એમ કરતાં યુરોપ ખંડના દક્ષિણ છેડેથી આફ્રિકા ખંડની ટોચ પર કૂદવાનું હતું.  એક ખંડથી બીજા ખંડ પર કૂદતાંકૂદતાં અનંત સુધી દોડી જઈ શકાતું હોય તો કેવી મજા પડે ! એ બાલિશ કલ્પના આજે અંશતઃસાકાર થવાની હતી.

 

રાતને અંધારે મોટી બારીઓવાળી બસ અમને લઈને, સ્પેનના છેક દક્ષિણ છેડે વસેલા તરીફા નામના ગ્રામબંદર તરફ પૂરપાટ દોડી રહી હતી. અહીં બે ખંડ અને બે મહાસાગર વચ્ચે જિબ્રાલ્ટરની સાંકડી સામુદ્રધુની ‘સ્ટ્રેઇટ્સ ઓફજિબ્રાલ્ટર’ રચાઈ છે, જે માત્ર ૫૮ કિલોમીટર લાંબી છે. એની પહોળાઈ પશ્ચિમ છેડેવધુમાં વધુ ૪૩ કિલોમીટર અને ઉત્તર આફ્રિકાના મોરક્કો દેશના મારોકી પોઇન્ટ પર ઓછામાંઓછી ૧૩ કિલોમીટર છે.  બસ, આટલો સાગર પાર કરો એટલે ભૂખંડ બદલાઈ જાય !

 

જરાક અંધારાં ઓસર્યાં ને અમારી આંખ ખૂલી, ત્યાં દૂર દરિયામાંએકાકી પહાડ જેવો ખડક-રોક ઓફ જિબ્રાલ્ટર દેખાવા લાગ્યો.  અડગતાની મિશાલ, રોક ઓફ જિબ્રાલ્ટર ! કેટલી આશ્ચર્યજનક વાત છે કે, માત્રસાડા છ ચોરસ માઇલનો વિસ્તાર ધરાવતા જિબ્રાલ્ટરના આ પથ્થરિયા ટાપુ પર યુગોથી ઇન્સાનવસે છે !   પાષાણ યુગનો અણઘડ માનવ કઈ રીતે પહોંચ્યો હશે અને ટકી રહ્યો હશે આ એકાકીચટ્ટાન જેવા ટાપુ પર ? જિબ્રાલ્ટરનો ખડક જોતાં જ હરક્યુલિસની પુરાણકથાયાદ આવી ગઈ. મહાબળવાન હરક્યુલિસને બાર દુષ્કર કામ સોંપવામાં આવ્યાં. એમાંનું એકહતું, સ્પેનના ગેરિયોનથી પશુઓનાં ધણને એરિથિયા લઈઆવવાનું.  આ માટે આખી વણઝારે દુર્ગમ એટલાસ પર્વત ઓળંગવો પડે તેમ હતું. શક્તિમાનહરક્યુલિસે પર્વત ઓળંગવાને બદલે એના બે ટુકડા કરી નાખ્યા.   આમ તેણે ભૂમધ્ય સમુદ્રનેએટલાન્ટિકથી જોડયો અને આમ રચાઈ જિબ્રાલ્ટરની સામુદ્રધુની.  એનું પ્રવેશદ્વાર બનાવતો પર્વતનો એક બાજુનો ટુકડો તે રોક ઓફ જિબ્રાલ્ટર અને બીજી બાજુનો ટુકડો તે મોરક્કોનો જબાલ મુસા અને એ બંને હરક્યુલિસના મહાન સ્તંભ  ‘પિલર્સ ઓફ હરક્યુલિસ’ તરીકે ઓળખાય !

 

અમે તરીફા પહોંચ્યા ત્યારે ગામ હજી જાગ્યું નહોતું.  લાંબો સમય અહીં આધિપત્ય ધરાવનાર મૂર પ્રજાની સ્થાપત્યશૈલીની ઝલક આખા ગામ પર જોઈ શકાતી હતી. કહેવાય છે કે, મૂર લોકોના લોહીનો અણસાર અહીંની સ્ત્રીઓની આંખોમાં પણ જોવા મળે છે.  ઊંચી ટેકરી પર ઊભેલો એનો નાનકડો પણ શાલીન કિલ્લો, દરિયા તરફ મીટ માંડીને ઊભેલી વિરહિણી જેવી દીવાદાંડી, પથ્થરની ફર્શ જડેલી ગલીઓ અને ધરતીને છેડે વસેલાં ગામોમાં અકસર અનુભવ્યુંછે, તેવું જરાક વિષાદઘેરું, શાંત વાતાવરણ ! વિશ્વવિખ્યાત લેખક પાઉલો કોએલ્હોના રેકોર્ડબ્રેકર બેસ્ટ સેલર પુસ્તક ‘એલકેમિસ્ટ’નો નાયક ભરવાડ છોકરો ગુપ્ત ખજાનાની ખોજમાં જ્યાંથી પિરામિડની દિશા શોધતો આફ્રિકા તરફ નીકળી પડે છે, તે આ તરીફા બંદર.   જાણીને રોમાંચ થઈ આવ્યો કે, અમે બરાબર એ જ રસ્તેથી પસાર થતાં હતાં, જ્યાંથી પ્રવાસ પિપાસુ કે ખોજરસિયા મુસાફરો અજાણી ભૂમિનાં આકર્ષણે અનંતકાળથી પસાર થતા આવ્યા છે !

 

મોરક્કોના તાંજિયર શહેર સુધી લઈ જનારું નાનકડું જહાજ મુસાફરોથી ચિક્કારહતું. જહાજ પાણી કાપે, ત્યાં જરાક ફીણ ફીણ જેવી સફેદી ઊભરે, બાકી ચારે કોર કાળું ને કાળું જ પાણી દેખાતું હતું.  આપાણી આટલાં કાળાં કેમ હશે ?   કદાચ સમુદ્ર અહીં ખૂબ ઊંડો હોવો જોઈએ. ઊંડાણની આટલી અને આવી ગાઢ શ્યામલતા પહેલીવાર જોઈ.

 

અચાનક પાણીમાં જરાક સળવળાટ થતો હોય તેવું લાગ્યું. સૌના સુખદ આશ્ચર્યવચ્ચે ડોલ્ફિન માછલીઓનું એક ટોળું જહાજની સાવ નજીકથી પસાર થઈ રહ્યું હતું ! જળપરીઓ જાણે ઊછળતી અને પછી વળ ખાઈને સમુદ્રમાં ડૂબકી મારતી હોય તેવું દૃશ્ય. કાફેટેરિયામાં જગ્યા ઓછી હતી, એટલે અમારા ટેબલ પરની ખાલી જગ્યા પર એક કેનેડિયન યુગલ જોડાયું. ઔપચારિક વાતો પછી નાસ્તાનાં પેકેટ ખૂલ્યાં. કેનેડિયન ભાઈને અમારો નાસ્તો ભાવ્યો એટલે એ તો ટેસથી ખાવા લાગ્યા, પણ એમની પત્ની જોઆનને આ વાત જરાય પસંદ ન પડી. એના ચહેરા પર ગુસ્સો ઊભરાઈ આવ્યો. પતિદેવ તો એને ચીડવવા વધુ ને વધુ  ટેસથી ખાવા લાગ્યા! અંતે જોઆન રિસાઈને ચાલી ગઈ.  શ્રીમતીજીને ખીજવ્યા પછી પતિદેવ ગભરાયા ને જોઆનને મનાવવા ઊઠયા, પણ માની જાય એ બીજાં !   બંને ડેક પર ખોવાઈ ગયાં.   થોડી વાર પછી અમે ડેક પર ફરવા ગયાંત્યારે જોયું કે જોઆન એક ખૂણામાં પતિના ગળે હાથ વીંટાળીને બેઠી બેઠી સમુદ્રને જોઈ રહી હતી.  એ લોકોને ખલેલ ન પહોંચે એટલે અમે બીજી તરફ વળ્યાં ત્યાં જોઆનની બૂમ સંભળાઈ.  ‘અમારી સાથે ફોટો પડાવવા આવોને, પ્લીઝ !’

 

ફોટો પડાવ્યા પછી જોઆન કહેવા લાગી, “તમે ખોટું ન લગાડશો, પ્લીઝ, અજાણ્યો ખોરાક પચે નહીં ને એની તબિયત બગડે તો આખા પ્રવાસની મજા ધૂળધાણી થઈ જાય એટલી જ બીક, બાકી તમારી સામે મને કોઈ વાંધો ન હતો.  હવેતો હું જ તારો નાસ્તો ખાવા ખાસ ઇન્ડિયા આવીશ ! “મહાસાગરના સંગમસ્થાને સ્ટ્રેઇટ્સ એકજિબ્રાલ્ટરના પાણી જેટલો જ ઊંડો મૈત્રીભાવ પ્રગટયો હતો, નામે જોઆન !

 

 

 

લેખિકાનો પરિચય :

 

ડૉ. ભારતી રાણે

મુંબઈમાં જન્મેલા ડૉ. ભારતીબેન રાણે અભ્યાસે ગાયનેકોલોજિસ્ટ છે.  ગુજરાતી સાહિત્યમાં પ્રવાસનિબંધ ક્ષેત્રે તેમણે ઉત્તમ લેખો આપ્યા છે. 1998માં પ્રકાશિત થયેલ તેમના ‘ક્ષણોને પાંદડે ઝાકળ છલોછલ’ લલિત નિબંધ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘ભગિની નિવેદિતા’ પ્રથમ પારિતોષિક તથા એ જ પુસ્તકને મુંબઈની કલાગુર્જરી સંસ્થાનું ‘ગિરા ગુર્જરી’ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. 2009માં પ્રકાશિત થયેલા તેમના પ્રવાસ નિબંધ સંગ્રહ ‘ઈપ્સિતાયન’ને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. તેમની નવલકથા ‘નિશદિન’ 2009માં જન્મભૂમિ-પ્રવાસી, ફૂલછાબ અને કચ્છમિત્ર દૈનિકોમાં ‘નિરંતર’ નામે ધારાવાહિકરૂપે પ્રકાશિત થઈ છે. આ ઉપરાંત, ઉત્તર ધ્રુવવૃત્તના પ્રવાસ વર્ણનની શ્રૃંખલા સતત એક વર્ષ સુધી (2010-2011માં) ‘કુમાર’માં પ્રકાશિત થઈ છે. દિવ્યભાસ્કરની ‘યાત્રા’ કૉલમમાં તેમના પ્રવાસ નિબંધો હપ્તાવાર સ્થાન પામ્યા છે તેમજ ‘ગુજરાત મિત્ર’ અખબારમાં તેમની પ્રવાસ નિબંધની કૉલમ આજ સુધી સતત ચાલી રહી છે. તેમના ઘણા લેખો તમોએ   રીડગુજરાતી પર પણ માણ્યા હશે.

 

– ડૉ. ભારતી રાણે

[email protected]

 

 

મિત્રો આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર  પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો લેખિકા સુ. શ્રી ડૉ. ભારતી રાણે નાં અંતરપૂર્વક્થી આભારી છીએ. હવે  પછી આપણે પાતાળલોકમાં દરિયાની મુલાકાતઃ હેલેઇન  નું વર્ણન તેમની કલમ દ્વારા માણીશું.

 

 

સાભાર :

પરિચય સૌજન્ય : રીડગુજરાતી.કોમ 

 

સૌજન્ય :  પૂર્વી મોદી મલકાણ (યુએસએ)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : dadimanipot[email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • મહાસાગરના સંગમસ્થાને સ્ટ્રેઇટ્સ એકજિબ્રાલ્ટરના પાણી જેટલો જ ઊંડો મૈત્રીભાવ પ્રગટયો હતો, નામે જોઆન !
  Travel to a Place…and a Friendship.
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

 • Dhiren Joshi

  ડો. ભારતીબહેનનો પ્રવાસ નિબંધ વાંચી રોમાંચ થયો..!

 • Nicely said about very beautiful and interesting place .