જાણો સ્વાસ્થ્યવર્ધક મસાલાના ફાયદાઓ …

જાણો સ્વાસ્થ્યવર્ધક મસાલાના ફાયદાઓ …

સ્વાસ્થ્ય – શ્રીલેખા યાજ્ઞિક

 

 

spices

 

 

ભારતના રસોડામાં રસોઇ બનાવતી વખતે વાપરવામાં આવતા મસાલા અને એ રસોઇ જમતી વખતે પ્રત્યેક વ્યક્તિના સ્વાદ અનુસાર જમનાર પોતાની થાળીમાં પીરસેલી વસ્તુમાં ઉપરથી નાખે તે (કોન્ડીમેન્ટ્સ)નો ઉલ્લેખ આપણા પુરાણા શાસ્ત્ર વેદમાં છે.  આ મસાલાનો ઉપયોગ ફક્ત રસોઇમાં જ નહીં પણ ધાર્મિક વિધિમાં (લગ્ન-જનોઇ-મૃત્યુ વગેરે), તાંત્રિક વિધિમાં પણ થાય છે.  એક સમય એવો હતો કે અમુક મસાલા કિમતી રત્નોના બદલામાં આપવામાં આવતા હતા.  જુદા જુદા મસાલા મૂળ વનસ્પતિનાં ફૂલ, પાન, મૂળ, છાલ, બીમાંથી મેળવાય છે.  કોઇવાર એકલા અને કોઇવાર બે કે ત્રણના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે અને રસોઇ બનાવવામાં વપરાય છે.  આ બધા મિશ્રણથી રસોઇનો સ્વાદ ગળ્યો, તીખો, તૂરો, ખાટો, સુગંધીદાર થાય છે.  આ મસાલા કઇ રસોઇમાં ક્યારે કેવી રીતે, કયા મિશ્રણમાં વાપરવા તે રસોઇ બનાવનારની રાંધવાની કળા પર આધાર રાખે છે.  કોઇવાર વનસ્પતિનાં પાન કે બી મૂળ સ્વરૃપમાં વાપરવામાં આવે છે જ્યારે કોઇ વખત રસોઇમાં નાખતી વખતે તેને ખાંડીને કે ભૂકો બનાવી વપરાય છે.  આજે આ બધા જ પ્રકારના મસાલાની અસરથી માનવીના કયા અને કેટલા રોગો મટી જાય છે તેની વાત કરીશું.

 

ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે વિવિધ મસાલાનો ઉપયોગ આપણે કરતા જ હોઈએ છીએ. દરેક મસાલામાં કોઈ ને કોઈ ઔષધિય ગુણ રહેલો હોય છે.

સામાન્ય રોગોમાં તેનો ઉપયોગ શરીરને સ્વસ્થ રાખે છે.  યાદ કરો બાળપણમાં જ્યારે બીમારી આવતી તો કુટુંબમાં બીમારીને સૌ પ્રથમ દાદી-નાની મસાલાનો જરા હટકે ઉપયોગ કરીને રોગ દૂર કરતા. મસાલાની બીજી વિશેષતા એટલે તેની કોઈ આડઅસર હોતી નથી.

 

આખા ધાણા:   ધાણામાં એન્ટિ-ઓક્સિડન્ટ સમાયેલું છે. ૧૦૦ ગ્રામ પીસેલા ધાણામાં ૩૫ ટકા વિટામિન સી સમાયેલું હોય છે.   ક્યારેક વાસી ખોરાક કે પાણી જન્ય રોગો જેવા કે કોલેરા, ટાઈફોઈડ, ઝાડા કે ખોરાકી ઝેરની અસર લાંબા ગાળા સુધી હોય ત્યારે ધાણાનો પાઉડર-દળેલી ખાંડ સાથે લેવાથી દર્દમાં રાહત થાય છે.  વિટામિનની સાથે ધાણામાં આયર્ન છુપાયેલું છે.  જે સ્ત્રીઓને આયર્નની ઉણપ વર્તાતી હોય, શરીરમાં લોહી ઓછું હોય ત્યારે પણ ખોરાકમાં સૂકા અને લીલા ધાણાનો ઉપયોગ વધુ કરવો જોઈએ. વારંવાર ચામડી લાલ થઈ જવી, ખસ, ખરજવું કે ચામડીના બીજા રોગોમાં પણ ધાણા આરોગ્યવર્ધક ગણાય છે.

 

ધાણામાં આર્યન, કોપર, કેલ્શિયમ, પોટેશિયમ, ઝીંક અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં રહેલું છે. કોપર(તાંબું) લોહીમાં લાલ રક્તકણોને વધારે છે. ઉનાળામાં નાકમાંથી નીકળતું લોહી બંધ કરવા માટે પણ લીલા ધાણાનો રસ સૂંઘવાથી કે પાનનો રસ કપાળ ઉપર લગાવવો અસરકારક મનાય છે.

 

૨]  હીંગ:  સ્વાદમાં કડવી તીક્ષ્ણ વાસ ધરાવતી પાચનકારી અને હૃદય માટે હિતકારી ગણાય છે. કફને દૂર કરવાવાળી, પેટના દર્દોમાં, ગેસની તકલીફ કે કૃમિનો નાશ કરવાવાળી મનાય છે.  હીંગનો ઉપયોગ તેનો પાઉડર બનાવીને શેકીને કરવો હિતાવહ છે.   હીંગ, લીંબુનો રસ તથા મરીના ભૂકાને સમાન માત્રામાં લઈને નાની ગોળી બનાવવી.  વધુ પડતો ભારી ખોરાક ખવાઈ ગયો હોય ત્યારે આ ગોળીનો ઉપયોગ કરવાથી રાહત રહે છે.  પેટના દર્દો જેવા કે ગેસ થવો, પેટ ફૂલી જવું, પેટમાં દુખાવો થયો હોય ત્યારે નાભીની આજુબાજુ હીંગની પેસ્ટ બનાવી લગાવવાથી આરામ મળે છે.  ૧ લિટર પાણીમાં ૧ નાની ચમચી હીંગ ભેળવીને પાણી ઉકાળવું.  ઠંડું થયા બાદ દાતના દુખાવામાં હીંગના પાણીના કોગળા કરવા.  દાતમાં સડો થયો હોય ત્યારે તે જગ્યા ઉપર હીંગ ભરીને રાખવાથી દાતમાં ભરાયેલ જંતુઓ નાશ પામે છે. અસહ્ય દુખાવામાં થોડી રાહત મળે છે.

 

૩]  લવિંગ:  લવિંગને વાટીને ૨૦૦ ગ્રામ પાણીમાં ભેળવીને તે પાણી પીવાથી છાતીમાં થતી બળતરા દૂર થાય છે.  લવિંગ અને હરડેને સપ્રમાણ માત્રામાં લઈને તેમાં સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે ભેળવવું. ગેસ કે અપચામાં આ ચૂર્ણનો ઉપયોગ કરવાથી રાહત મળે છે.  લવિંગને ચૂસવાથી શર્દીને કારણે થયેલી ગળાની તકલીફ મટી જાય છે.  મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જાય છે.  લવિંગને શેકીને તેની પેસ્ટ બનાવવી.  માથું દુખતું હોય ત્યારે તેનો ઉપયોગ કરવાથી રાહત મળે છે.

 

૪]  વરિયાળી:  વરિયાળીને બરાબર સાફ કરીને શેકી લેવી. તેમાં સ્વાદ પ્રમાણે સિંધવ અને લીંબુનો રસ ભેળવીને તડકામાં સૂકવવી કાચની બોટલમાં ભરી લેવી ભોજન બાદ તેનો ઉપયોગ કરવાથી પાચન સરળતાથી થાય છે.  મોંની દુર્ગંધ દૂર કરે છે.  કબજિયાતની તકલીફ હોય તેણે રાત્રે સૂતા પહેલાં હૂંફાળા પાણીમાં વરિયાળીનું ચૂર્ણ લેવું.  ગળું પકડાઈ ગયું હોય કે ખીચ ખીચ થતું હોય ત્યારે નરણાં કોઠે વરિયાળી ચાવીને ખાવાથી બંધ ગળું ખૂલી જાય છે.  લોહીની શુદ્ધિ માટે કે ત્વચા રોગમાં વરિયાળીનું સેવન લાભકારક છે.  સવાર-સાંજ ૧૦ ગ્રામ મોળી વરિયાળી ચાવી-ચાવીને ખાવી. નિયમિત ખાવાથી લોહી શુદ્ધ થાય છે.  ત્વચા ચમકીલી બને છે.

 

૫]  કાળા મરી:  અડધો ચમચો મરીનો ભૂકો અને અડધો ચમચો મધ લઈને બરાબર ભેળવવું.  દિવસમાં ૩-૪ વખત ચાટવાથી સૂકી ખાંસીમાં ફાયદો થાય છે.  પેટમાં ગેસની તકલીફમાં એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ, અડધી ચમચી મરીનો ભૂકો, ચપટી સંચળ ભેળવેલ પાણીનો ઉપયોગ દસ દિવસ નિયમિત કરવાથી રાહત મળે છે.  ૫૦ ગ્રામ આદુંની કતરણમાં અડધો ચમચો મરીનો ભૂકો, ચપટી સિંધવ અને લીંબુનો રસ ભેળવીને લેવાથી પાચન ક્રિયા સરળ બને છે.  મરીનો ભૂકો અને મધને સપ્રમાણ માત્રામાં ચાટી જવું.  ઉપર મોળી છાસ પીવી.  નિયમિત આ પ્રયોગ કરવાથી મરડામાં રાહત મળે છે.

 

૬]  ઈલાયચી :  દાડમના શરબતમાં ઈલાયચીનો ભૂકો ભેળવીને પીવાથી ઊલટીમાં રાહત મળે છે. આંબળાના ચૂર્ણમાં સમાન માત્રામાં એલચીનો ભૂકો ભેળવીને સવાર-સાંજ લેવાથી પેશાબમાં થતી બળતરા, હાથ-પગમાં થતી બળતરા દૂર થાય છે.  વધુ પડતું ભોજન ખાઈ લીધું હોય ત્યારે એલચીને ચાવી જવાથી આફરો બેસી જાય છે.

 

૭]  તમાલપત્ર : તમાલપત્ર સુગંધીદાર પાંદડા છે જે કરીયાણાવાળા રાખે છે.  સુકાએલા પાંદડા કઢીમાં, ભાતમાં, બિરીઆની અને પુરાવામાં સુગંધીદાર બનાવવા વપરાય છે.

 

હેલ્થ બેનીફીટ્સ :  આ પાંદડામાં એન્ટીઓક્સીડંટ (શરીરમાંથી ટોક્સીક પદાર્થો (ફ્રીરેડીકલ) નાશ કરનારા પદાર્થ) ખૂબ પ્રમાણમાં છે જેને લીધે પેટનાં (હોજરી અને આંતરડાના) ચાંદાં (અલ્સર) અને દુખાવા માટે, બેકટેરીઆ અને ફન્ગલ ઈન્ફેકશન માટે ઉપયોગ થાય છે.  તેમાં વિટામિન સી છે, કેલ્શ્યમ, મેંગેનીઝ છે.  આયર્ન, સેલેનીઅમ અને મેંગેનીઝ છે, બ્લડ પ્રેશર અને ડાયાબીટીસમાં ફાયદો કરે છે.

૮]  લાલ મરચું :  મોળા મરચાથી તીખા મરચા, રંગબેરંગી ધોલર (કેપ્સીકમ) મરચા ઘણા પ્રકારના મરચાં મળે છે.  જેમ મરચું નાનું તેમ તેની તીખાશ વધારે.  મરચાના છોડના ફળને સૂકવીને તેને (ફળની છાલ અને બીને) ખાંડીને મરચુ (મસાલો) રસોડામાં વપરાય છે.  કેપટીકા ઘેરા લીલારંગના મરચા વધારે તીખા હોય છે.  મરચામાં મૂળ તત્ત્વ ‘કેપ્સીસીઅન’ છે જેના કારણે મરચું અને મરચા નાખેલી વાનગીઓ તીખી લાગે છે.  દરેક વ્યક્તિએ પોતાના ખોરાકમાં મરચાનો સમાવેશ કરવો જોઇએ કારણ કે જેઓના વજન વધારે છે અને બી.પી. છે. 

તેમણે જમવાની સાથે મરચા (લીલા) અથવા તો મરચાનો પાવડર લેવો જોઇએ.

 

હેલ્થ બેનીફીટ્સ : ૧] વ્યક્તિનું વજન પ્રમાણમાં રહે છે.  ૨] તેનું બી.પી. કંટ્રોલ થાય છે.  ૩] મરચામાં ખૂબ પ્રમાણમાં બીટા કેરોટીન (પ્રો. વિટામિન એ) છે જેનાથી આંખની જોવાની શક્તિ મોટી ઉમર સુધી ઓછી થતી નથી. ૪] મરચાથી ડાયાબીટીસ કાબુમાં આવે છે.  ૫] લોહીનું પરિભ્રમણ વધે છે. લોહી પાતળું થાય છે તેથી સ્ટ્રોકનો ડર રહેતો નથી.  ૬] શરીરમાં કોઇ ઠેકાણે સોજો આવતો અટકાવે છે. ૭] દુખાવો ઓછો કરે છે.  ૮] માનસિક શક્તિ (વિચારશક્તિ) વધે છે. ૯] કેપસીસીઅન સ્નાયુને અને મગજને રીલેક્ષ કરે છે. ૧૦] બેકટેરીઅલ ઈન્ફેકશનનો નાશ કરે છે. ૧૧] પ્રોસ્ટેટ કેન્સર થતું અટકાવે છે. ૧૨] હોજરીમાં થનારા કેન્સર અટકાવે છે. ૧૩] મરચા પ્રમાણસર લેવાથી શરીરમાં ચરબી ઓછા થાય છે. ૧૪] લોહીના ક્લોટ થતા અટકાવે છે.

 

૯]  હિંગ : ગુજરાતી દરેક ખોરાકમાં હિંગ વપરાય છે.  તેની તીવ્ર વાસથી તે ઓળખાય છે. પાર્સલે ફેમીલીના ‘એપીસીઆ’ નામના છોડના મૂળના રસમાંથી બને છે.  આ રસ ચીકણો થઇ ચોટી ના જાય માટે હિંગનો પાવડર (એસોફેરીડા) બનાવતી વખતે સૂકવેલા રસમાં ચોખાનો લોટ અને ગુંદર નાખવામાં આવે છે.  શાકમાં, દાળમાં અને નોન વેજીટેરીઅન વાનગીઓમાં હિંગ નાખવામાં આવે છે જેથી રસોઇ સરસ થાય છે અને સ્વાદ સુગંધીને કારણે ભૂખ ઊઘડે છે.

 

હેલ્થ બેનીફીટ્સ :  હિંગના પાવડરને પાણી-છાસમાં એક ચપટી નાખીને પીવાથી ૧] પાચનશક્તિ વધે છે. ૨] આફરો નથી આવતો. ૩] સ્ત્રીઓમાં માસિક ધરમના પ્રોબ્લેમ- માસિક નિયમિત ના આવવું, માસિક વખતે દુખાવો થવો જતો રહે છે. ૪]ઉધરસ અને શરદી તરત મટી જાય છે. ૫] તાજેતરમાં થએલા પરીક્ષણ પ્રમાણે સ્ત્રીપુરુષોના ગુપ્તરોગો (એસ.ટી.ડી.)માં હિંગના ઉપયોગથી આરામ મળે છે. એની તીવ્ર વાસને કારણે એક ચપટીથી વધારે પ્રમાણમાં લેવાથી ઉબકા-ઉલટી થાય છે. ગળામાં બળતરા થાય છે. હોઠ સૂઝી જાય છે. સતત ઓડકાર આવે છે. ગર્ભવતી સ્ત્રીઓમાં કસુવાવડ થઇ જાય છે.

 

૧૦]  કોથમીર (ધાણા) :  કોથમીરના પાન ખટાશ પડતા ગળ્યા છે. સુગંધ મીઠી છે. લગ્નના રસોડાની દરેક વાનગીમાં કોથમીર નાખવામાં આવે છે (શાકદાળ), જેનાથી સુગંધ અને સ્વાદ વધે છે.

 

હેલ્થ બેનીફીટસ :  ૧] પાચનશક્તિ વધારે છે. ૨] વાયરલ ફીવર સામે રક્ષણ આપે છે. ૩] શરીરમાં સોજો થતો અટકાવે છે. ૪] સાંધાના દુખાવામાં આરામ આપે છે. ૫] પેશાબના ચેપ અને સોજામાં તેનો રસ આરામ આપે છે. ૬] પેટમાં થએલા ગેસમાં રાહત આપે છે. ૭] ઉબકા અને ઉલટી થતા અટકાવે છે. ૮] લોહીમાં સાકરનું પ્રમાણ ઘટાડે છે. ૯] ખોરાકમાં રેસાની જરૃર કબજીયાત મટાડવા જોઇએ તે કોથમીરમાં છે. ૧૦] લોહતત્વ છે જેથી એનીમીઆ ઘટે છે. ૧૧] મેગનેશ્યમ છે. ૧૨] ફાયરોન્યુટ્રીઅન્ટ અને ફ્લેવેનોઇડઝ છે જેથી કેન્સર સામે રક્ષણ મળે છે.

 

૧૧]  ઈલાયચી :  મોંમાં ઈલાયચીના દાણા ચાવવાથી આખું મોં સુગંધથી ભરાઇ જાય છે. મસાલામાં સૌથી મોંઘી ઈલાયચી ગણાય છે. તેનો ઉપયોગ પુલાવ, કરી, ગ્રેવી, આઈસ્ક્રિમ, શ્રીખંડ, દુધમાં થાય છે. કસ્ટર્ડ, ચાના, કોફીના મસાલામાં, પાનમાં વપરાય છે, મોટી ઈલાયચી રસોઇમાં ભાત-બિરીયાનીમાં વપરાય છે. નાની ઈલાયચીનો ભૂકો દૂધ વગેરેમાં વપરાય છે.

 

હેલ્થ બેનીફીટ્સ : ૧] એલચીમાં એન્ટી ઓક્સીડંટ રૃપે ઘણા કેમીકલ કમ્પાઉન્ડ છે, જેનાથી સામાન્ય તાવ, ચેપ, શ્વાસના (ફેફસાં) રોગો સામે રક્ષણ આપે છે. ૨] તેમાંથી તરત ઉડી જાય તેવા ૧૮થી ૨૦ જેટલાં તેલ છે જેનો ઉપયોગ ચેપી રોગને માટે, પેટના દુખાવા માટે, પાચન માટે, વધારે પેશાબ લાવવા, ભૂખ વધારે લાવવા જ્યારે તેને રોજ ખોરાકમાં લો ત્યારે થાય છે. તેમાં પોટાશ્યમ, કેલ્શ્યમ, મેગ્નેશ્યમ તેમજ વિટામિન સી, નાયસીન ટીબોફ્લેવીન વગેરે છે જે શરીર માટે ખૂબ ઉપયોગી છે.

 

૧૨]   હળદર :  આદુના જેવા છોડ ‘કરકુમા લોન્ગા’ ના મૂળમાંથી સૂકવીને કાઢેલા પાવડરને હળદર કહે છે. રંગે ઘેરો પીળો, સુગંધી હળદર રસોડાના મસાલામાં મીઠું, મરચું પછી ત્રીજા નંબરે આવે છે. ખોરાકની દરેક વાનગીમાં જરૃરી છે. આંખને ગમે તેવો રંગ-રૃપ અને સ્વાદ છે. વધારે લો તો સ્વાદ કડવો બને છે.

 

હેલ્થ બેનીફીટ્સ :  તાજેતરમાં જેને ‘નેચરલ વંડર’ તરીકે નામ આપવામાં આવ્યું છે તે હળદર ખોરાકમાં સૈકાઓથી વપરાય છે. આરોગ્ય માટેના અનેક ગુણોમાંના થોડા ગુણો ૧] ઉધરસ માટે અકસીર ૨] યાદશક્તિ જતી રહેતી હોય તેને અટકાવવાનો ગુણ ૩] સોજા અને ચેપ માટે અકસીર ૪] કોબીના શાક સાથે મેળવીને ‘પ્રોસ્ટેટ કેન્સર’ અટકાવી શકાય. ૫] ચામડી પર લેપ કરવાથી ચામડીના કેન્સર તેમજ ચામડીના રોગો સામે રક્ષણ મળે. ૬] લીવરના રોગો થતા અટકે છે. ૭] નાનાં બાળકોમાં લોહીના કેન્સર (લ્યુકોમીઆ) થતા અટકાવે છે. ૮] દુખાવામાં રાહત આપે છે. ૯] શરીરમાંથી ચરબી દૂર કરવાનો ગુણ છે. ૧૦] ચાઇનીઝ મેડિસીનમાં ડીપ્રેસનમાં આપવામાં આવે છે. ૧૧] સોરાએસીસ (ચામડીના રોગ)માં રાહત આપે છે. ૧૨] ચામડીને સુવાળી, ચમકીલી રાખવા વપરાય છે. ૧૩] ૨૫૦-૫૦૦ મી.ગ્રામની કેપસ્યુલમાં બજારમાં મળે છે. રોજ એક કેપસ્યુલ સવારે અને સાંજે (૨૫૦ મી.ગ્રામ) લેવી જોઇએ. હળદરમાં ‘કરક્યુમીના’ નામનો પાવરફૂલ એન્ટીઓક્સીડંટ છે.  જેનાથીઆટલા બધા ફાયદા થાય છે.

૧૨- અ ]   હળદર:  લીલી હળદરને સૂકવીને તેનો પાઉડર બનાવવામાં આવે છે. સ્વાસ્થ્ય વર્ધક હળદરનો ઉપયોગ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.  કોલેસ્ટ્રોલની માત્રામાં સુધારો કરે છે. યોગ્ય માત્રામાં ઉપયોગ વૃદ્ધત્વને આવતું રોકે છે.

 

વિવિધ રોગમાં હળદરનો ઉપયોગ ફાયદાકારક છે.  નિયમિત હળદરની ચા પીવાથી અકારણ હૃદયરોગ આવતો નથી.  ચાર કપ પાણીમાં ૧ ચમચી હળદર પાઉડર નાખવો.  પાણીને પાંચ મિનિટ ઉકાળીને ગાળી લેવું.  સ્વાદ માટે મધ ભેળવીને પીવું.  મૂઢ માર વાગ્યો હોય ત્યારે હળદરમાં ચપટી મીઠું અને લીંબુનો રસ ભેળવીને લેપ બનાવવો.  આ લેપનો ઉપયોગ કરવાથી દુખાવામાં રાહત રહે છે.

 

ઉધરસ કે કફમાં હળદરનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે.  હળદર અને થોડું ઘી ભેળવીને દૂધ પીવું કે હળદર પાઉડરને મધ સાથે ભેળવીને દિવસમાં બે-ત્રણ વખત ચાટવાથી રાહત રહે છે.  ચામડી કાળી પડી ગઈ હોય કે શુષ્ક  બની ગઈ હોય ત્યારે હળદરનો લેપ લગાવવાથી ત્વચા ચમકીલી બની જાય છે. ભારતમાં તો હળદરનો ઉપયોગ ભોજનમાં થતો હોય છે. પનીરને તાજું રાખવું હોય તો હળદર ભેળવવાથી પનીર તાજું રહે છે.

 

૧૩]   જીરૃ (ક્યુમીન) :  સ્વાદમાં કડવું છે પણ તીખાશ નથી.  મીઠું-મરચું-હળદર પછી ચોથો નંબર જીરાનો છે.  એકલું અથવા ધાણા સાથે મિક્સ કરી ધાણાજીરા તરીકે વપરાય છે.  શેકીને રસોઇમાં વપરાય છે.  ભાતને સુગંધીદાર બનાવવા વપરાય છે અને આ ડીશને ‘જીરારાઈસ’ કહે છે.

 

હેલ્થ બેનીફીટ્સ :  ૧] હજારો વર્ષથી પેટના રોગો માટે આયુર્વેદિક મેડીસીનમાં વપરાય છે. ૨] પાચનક્રિયા માટે, આંતરડા અને હોજરીના સોજા માટે ઉપયોગી છે. ઉબકા, ઉલટી, આફરો, અપચો માટે અકસીર છે. તેમાં આયર્ન છે જેનાથી એનીમીઆ મટે છે.  ૩] કેન્સર (અમુક પ્રકારના) સામે રક્ષણ આપે છે. ૪] શરદી ઉધરસમાં રાહત આપે છે. ૫] ગુમડા ઉપર પોટીસ બાંધવાથી આરામ થાય છે.

 

૧૪]   તજ (સીનમમ – દાલચિની) :  સીનેમમ ફેમીલીના ઝાડની છાલ એટલે બજારમાં મળતી તજના ટુકડા. પાતળી છાલની તજ સારી ગણાય. સ્વાદમાં તીખી અને ગળી ખૂબ ગમે તેવી સુગંધ એનાથી જ્ઞાનતંતુ શાંત થાય છે. ચા અને ગરમ કોફીમાં, કેક બનાવવા, ફ્રૂટ પાઇ, કરીઝ બનાવવા વપરાય છે.

 

હેલ્થ બેનીફીટ્સ :  ૧] મોટેભાગે મધ સાથે તજનો ભુકો કોલેસ્ટ્રોલ ઓછું કરવા. ૨] ઢીંચણના વામાં. ૩] મૂત્રાશયના રોગોમાં.  ૪] શરદી ઉધરસ. ૫] પેટના પ્રોબ્લેમ (ગેસ, દુખાવો, અપચો, આફરો)માં ઉપયોગમાં આવે છે. ૬] મોંની દુર્ગંધ. ૭] ખીલ. ૮] ઈમ્યુનીટી વધારવા. ૯] હાર્ટ ડીસીઝમાં આપવામાં આવે છે. ૧૦] તજના તેલમાં ફન્ગસ અને બેકટેરીઅલ ઈન્ફેકશન મટાડવાનો ગુણ છે.

 

૧૫]   લવીંગ :  હજારો વર્ષથી લવીંગ રસોડામાં મરી મસાલામાં તજની માફક વપરાય છે. લવીંગના ઝાડના સુકવેલા ફૂલ એટલે લવીંગ. મોંની દુર્ગંધ મટાડવા અને દાંતના દુખાવા માટેનો ઉપયોગ જગજાહેર છે.

 

હેલ્થ બેનીફીટ્સ :  ૧] લવીંગના તેલને ‘યુજેનોલ’ કહે છે તેની સાથે ‘ટ્રીટી ઓઇલ’નું મિશ્રણ કરી ‘ફન્ગલ ઈન્ફેકશન’માં અસરકારક કામ કરે છે. એન્ટીફન્ગલ દવાઓ કરતાં ફન્ગલ ડીસીઝ માટે વપરાય છે કારણ તેની સાઇડ ઈફેક્ટ નથી. ૨] એનેસ્થેટીક તરીકે ‘યુજેનોલ’ વપરાય છે.  ૩] સોજા માટે.  ૪] ચેપ માટે.  ૫] દાંતના દુખાવા માટે ખાસ વપરાય છે.  ૬] ડાયાબીટીસના દર્દીઓ માટે પેન્ક્રીઆસમાંથી વધારે ઈન્સ્યુલીન નીકળે અને ડાયાબીટીસ કાબુમાં આવે માટે તમાલપત્ર, તજ, લવીંગ, હળદર દરેકના ૫૦૦ મી.ગ્રામ અને સાથે ધાણા અને જીરૃનું મિશ્રણ કરી તેની ચા દિવસમાં બે વાર પીવાથી ત્રણ માસમાં ડાયાબીટીસ કાબુમાં આવી જાય છે. લવીંગનું તેલ મચ્છર ભગાડવા અને જાતીય શક્તિ વધારવા વપરાય છે.

૧૬]   મેથી :  ફેન્ગરૃક અથવા મેથીના બી મેથીની ભાજીનાં બી છે.  સુકા બી પીળા રંગના સ્વાદમાં કડવા હોય છે.  રસોડામાં વપરાતા મસાલામાં મેથી અને રાઇ અગત્યના ગણાય છે. મેથીની ભાજી શાક તરીકે વપરાય છે.

 

હેલ્થ બેનીફીટ્સ :  ૧] પાચન ક્રિયામાં મદદ કરે છે. ૨] માથાના વાળ ઓછા થયા હોય તો મેથીના બીને પાણીમાં ઉકાળી નાળીયેરના તેલમાં પલાળી બીજે દિવસે જ્યાં વાળ ના હોય ત્યાં માથામાં આ મેથી + નાળીયેરના તેલને લગાડવાથી વાળ ઉગશે.

 

૧૭]   રાઇ (મસ્ટાર્ડ) :  બ્રાઉન રંગના રાઇના બી મોટેભાગે વપરાય છે.  પણ કાળા રાઇના દાણામાં વધારે તેલ હોય છે જેને મસ્ટાર્ડ ઓઇલ (રાઇનું તેલ) કહે છે.  લગભગ બધા જ પ્રકારની દાળ તુવેર-મગ વગેરેમાં રાઇ મેથીનો વઘાર ચોક્કસ હોય છે.  અથાણા પેસ્ટ્રીમાં વપરાય છે.  રાઇના તેલને સરસવના તેલમાં ૪૦/૬૦ના પ્રમાણમાં ભેગા કરી ‘કેનોલા ઓઇલ’ બનાવાય છે.

 

હેલ્થ બીનીફીટ્સ :  રાઇના તેલના અનેક ગુણ છે જેવા કે ભૂખ લગાડે, બેકટેરીઆ ફન્ગસનો નાશ કરે. ઝીણી જીવાતો – માખી – મચ્છર – કિડી માટે રીપેલન્ટ તરીકે વપરાય. સાંધાના દુખાવામાં વપરાય. ખાસ કરીને બંગાળમાં અને બાંગલાદેશમાં બહુ વપરાય છે.

૧૮]   મરી (કાળી મીર્ચ) :  કાળા અને લીલા મરી પણ રસોડાના મસાલામાં અગત્યનો ભાગ ભજવે છે. સ્વાદમાં સફેદ લીલા મરી વધારે તીખા હોય છે. કાળા મરીનો ભુકો રસોઇની વાનગીઓમાં વપરાય છે. મરીના ઝાડનું ફળ ગણાય છે.

 

હેલ્થ બેનીફીટ્સ :  ૧] મરી ભૂખ લગાડે. ૨] પેટના રોગો મટાડે. ૩] મોંમાંથી લાળ વધારે નીકળે એટલે ખોરાકનું પાચન સારું થાય. ૪] મીઠા સાથે મરીનો ભૂકો દાંતમાં કેવીટી ના પડે માટે. ૫] મોંની દુર્ગંધ માટે. ૬]  અવાળામાંથી લોહી નીકળતું હોય તે માટે એક ગ્લાસ. ૭] છાસ સાથે પા ચમચી મરીનો પાવડર લેવાથી પાચનશક્તિ સુધરે છે. ૮] દાંત દુખતા હોય તો તેમાં રાહત આપે છે.

 

આમ મસાલાના વિવિધ ઉપયોગ થકી સ્વાસ્થ્ય મેળવી શકાય છે. દરેક વ્યક્તિની પ્રકૃતિ એક સમાન હોતી નથી. દરેકે પોતાની પ્રકૃતિને અનુરૂપ મસાલાનો ઉપયોગ પ્રમાણભાન રાખીને કરવો હિતાવહ છે. વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે.

સ્વાદને છોડીને સ્વાસ્થ્ય માટે પણ મસાલાનો ઉપયોગ રોજબરોજ કરવો જરૂરી છે.

 

 

સૌજન્ય : ફિટનેસ – મુકુંદ મહેતા

 

સાભાર: સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર …તેમજ અન્ય ….

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....