અનાસક્તિ … (તત્વ વિચાર) …(ભાગ-૧)…

અનાસક્તિ … (તત્વ વિચાર) …(ભાગ-૧)…

  • સ્વામી ભજનાનંદ

 

 

swami viekananda.anashakti

 

 

એક પ્રસંગ છે. મહાન વૈજ્ઞાનિક એડિસનની પ્રખ્યાત ઔધોગિક પ્રયોગશાળામાં જ્યારે આગ ફાટી નીકળી ત્યારે તેમણે શાંતિથી તેમનાં પત્નીને બોલાવી આગ બતાવતાં કહ્યું : ‘આવી આગ તને જીવનમાં ક્યારેય જોવા નહિ મળે.’  કિંમતી સાધન-સરંજામ અને પ્રયોગશાળામાં કરેલા કઠોર પરિશ્રમ સહિત મકાન ભસ્મીભૂત થઇ ગયું, ત્યારે એડિસને પોતાના એક કાર્યકરને બહુ ઠંડે કલેજે, લોન લેવાની વ્યવસ્થા કરવા કહ્યું અને પોતે ઘેર જઈ ઊંઘી ગયા.

 

મહાન નીગ્રો સંત અને વૈજ્ઞાનિક જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરને જણાવવામાં આવ્યું કે આલ્બાનાની એક બેંક નાદારીમાં જતાં તેની જીવનભરની કમાણીના સિત્તેર હજાર ડોલર ડૂબ્યા છે, ત્યારે તેણે સ્વસ્થતાથી કહ્યું : ‘ભલે કોઈકને તે કામ લાગશે,  હું પોતે તો તે પૈસા વાપરતો ન હતો.’

 

અનાસક્તિનાં આવાં અસાધારણ દ્રષ્ટાંતો આપણા પર ઊંડી છાપ છોડી જાય છે.  આપણે પણ ઈચ્છીએ કે આપણામાં થોડીક અનાસક્તિ હોય.  આપણે જાણીએ છીએ કે જીવન તો મુશ્કેલીઓ અને નિરાશાથી ભરપૂર છે.  થોડીક અનાસક્તિ કેળવ્યા વગર એક શાણું અને શાંતિમય જીવન જીવવું મુશ્કેલ છે.  અરે, કળા, રમતગમતો કે મનોરંજન માણવા માટે આપણામાં કલામય અનાસક્તિ હોવી જોઈએ.  જ્યારે કોઈ વ્યક્તિ થિયેટરમાં જાય કે રમત જોવા સ્ટેડીયમમાં જાય અને તે માટે ટીકીટ ખરીદે, ત્યારે ખરેખર તો તે એક કે બે કલાક માટે અનાસક્તિ અનુભવવાના જ પૈસા ખર્ચતો હોય છે.  પોતાની ખૂબ આરામદાયક ખુરશી પર બેસી, રૂપેરી પડદા પરના અતિક્રૂર ખૂનના દ્રશ્યને અથવા ઉત્તેજનાભરી ફૂટબોલ સ્પર્ધાને ખૂબ જ સંતોષથી તે માણે છે.  પરંતુ તે પોતે ઉપરના બનાવોમાં જાતે ભાગ લેતો હોત તો તેની સ્થિતિ કેટલી વિષમ થાત ?

 

આપણા સામાન્ય સામાજિક જીવનમાં આવી અનાસક્તિ હોવી એ બહુમૂલ્ય માનસિક વલણ છે.  પરંતુ તેનું આચરણ બહુ મુશ્કેલ છે.  અનાસક્તિના પ્રશ્નને માણસના વ્યકતિત્વનાં ખૂબ ઊંડા સ્તરે જ સમજી શકાય તેમ છે, કેમ કે આસક્તિનાં મૂળ આપણી અંદર ખૂબ ઊંડાં ગયેલાં હોય છે.  માત્ર આધ્યાત્મિકતા જ માનવનો ઊંડાણથી અભ્યાસ કરે છે.  તેથી અનાસક્તિનો અહીં આપણે એક આધ્યાત્મિક પદ્ધતિ તરીકે વિચાર કરીશું.  એક અર્થમાં તેને માટે ‘વૈરાગ્ય’ શબ્દ વપરાય છે.  જેનો સામન્ય અર્થ ‘ત્યાગ’  એમ કરવામાં આવે છે.  પરંતુ આ ‘વૈરાગ્ય’  શબ્દ દુનિયાને છોડાવી અને કોઈ આશ્રમ કે મઠમાં જઈ રહેવું-એવો થવા લાગ્યો છે, તેથી આપણે તેને માટે વધુ વ્યાપક એવો ‘અનાસક્તિ’  શબ્દ વાપરવો પસંદ કર્યો છે.

 

વિવેક અને અનાસક્તિ

 

વિવેક અને અનાસક્તિ એ બંને અગત્યની તૈયારી રૂપ સાધના છે.  બંને સાથે સાથે જ હોય છે. વિવેકની પ્રક્રિયા અનાસક્તિથી પૂર્ણ થાય છે.  અનાસક્તિ વગરનો વિવેક પાંગળો છે;  તે જીવને બહુ પ્રગતિ કરાવતો નથી.  અનાસક્તિ વિનાનો વિવેક અંધ છે;  તે આપણને માર્ગમાં ભટકાવી દે છે.  આ બંનેનો સમન્વય થાય ત્યારે તેઓ જીવનાં બંધનો કાપી નાંખે છે અને પાર્થિવ જીવનમાં અસ્તિત્વ ટકાવી રાખવાના આપણા અહંકારના બળાપાઓમાંથી મુક્ત કરે છે.

 

વિવેક આપણને સમજણ અને દિશા આપે છે; પરંતુ આપણી ઈચ્છાશક્તિને ગતિમાન ન કરે અને આપણને સાચા રસ્તે ચલાવે નહિ તો તેનો કંઈ ઉપયોગ નથી.  મહાભારતના ખલનાયક દૂર્યોધને બોલેલી એક પંક્તિ આ બે વચ્ચેનો તફાવત બહુ સપષ્ટ કરે છે :  ‘ધર્મ શું છે તે હું જાણું છું, પરંતુ હું તેનું આચરણ કરી શકતો નથી.  અધર્મ શું છે તે પણ હું જાણું છું, પરંતુ હું તેનો ત્યાગ કરવા અશક્તિમાન છું.’

 

જાનામિ ધર્મમ્ ન ચ મે પ્રવૃત્તિ: | જાનામ્યધર્મમ્ ન ચ મે નિવૃત્તિ : || (પ્રપન્ન ગીતા. ૫૬)

 

આ વાક્યને આધુનિક સ્થિતિની હૃદયદ્રાવક ઉક્તિ તરીકે પણ લઇ શકાય તેમ છે.  તેની અનાસક્તિ કરતાં તેનાં જ્ઞાન અને વિવેક ઘણાં વધારે છે.  પરિણામે તેનાં દુઃખ અને દર્દ ખૂબ તીવ્ર બન્યાં છે.

 

સ્વાતંત્ર્ય અને અનાસક્તિ

 

આપણે ઘણીવાર લોકોને આધ્યાત્મિક જીવન અને ખાસ તો સંન્યાસી જીવન વિશે કહેતા સાંભળીએ છીએ, ‘હા, એ નિ:શંક સારું જીવન છે.  પરંતુ તેમાં આપણને કાંઈ સ્વાતંત્ર્ય હોતું નથી.’  અહીં તેઓ સ્વતંત્રતાનો શો અર્થ કરે છે ?  સિનેમા જોવા જવાની સ્વતંત્રતા, નવલકથા વાંચવાની સ્વતંત્રતા, જીવનનાં સુખો ભોગવવાની સ્વતંત્રતા –બીજા શબ્દોમાં; ઈન્દ્રિયોને પૂરી છૂટ, આસક્તિ માટેની સ્વતંત્રતા.  તેમને કેટલાક પદાર્થો કે આનંદોપભોગ માટે આસક્તિ હોય છે.  આવી આસક્તિની છૂટને, તેઓ સામાન્ય રીતે પોતાની સ્વતંત્રતા કહે છે.

 

પરંતુ સાચી સ્વતંત્રતા આસક્તિમાં નથી, પરંતુ અનાસકતિમાં રહેલી છે.  કેટલીક ટેવો ને કેટલાક સુખોપભોગમાંથી જ્યારે આપણે અનાસક્ત થવા પ્રયત્ન કરીએ છીએ, ત્યારે જ આપણને ખ્યાલ આવે છે કે આપણે કંઈ બહુ ‘સ્વતંત્ર’  નથી.  ઉત્તર ભારતમાં પ્રચલિત એક વાર્તા આપણી સ્થિતિને સરસ રીતે વર્ણવે છે.  એક વ્યક્તિએ નદીમાં તરતા ધાબળા જેવું કંઈક જોયું અને તેને પકડવા નદીમાં કૂદી પડ્યો.  પરંતુ પછી તો તે પોતાને બચાવવા બૂમો પાડવા લાગ્યો.  કાંઠા પર ઊભેલો લોકોએ તેને એ ધાબળો છોડી દઈ, તરીને પાછા આવી જા કહ્યું.  તે ભાઈએ વળતો જવાબ આપ્યો, ‘મેં તો તેને છોડી દીધો છે, પરંતુ તે મને વળગે છે !’  તેણે જેને ધાબળો માન્યો હતો તે તો ખરેખર એક રીંછ હતું !  આમ વ્યક્તિઓ અને પદાર્થો માટે આસક્તિ કેળવવી તો સહેલી છે, પરંતુ તેમની ચુંગલમાંથી આપણી જાતને મુક્ત કરવી તે મુશ્કેલ હોય છે.

 

આપણે સામન્ય રીતે એમ માનતા હોઈએ છીએ કે આપણે ધારીએ તેમ વર્તવાને માટે આપણે સ્વતંત્ર છીએ.  પરંતુ આધુનિક મનોવિજ્ઞાન કહે છે કે આપણાં ઘણાંખરાં કાર્યો અભાનપણે ગતિમાન થતાં હોય છે.  આપણે જેને આપણું સ્વતંત્ર કાર્ય ગણતા હોઈએ છીએ તેની પાછળ એક છૂપી ઈચ્છા કે આસક્તિ પડેલી હોય છે.  આપણાં લગભગ તમામ કાર્યો જુદી જુદી ઈચ્છાઓ વડે સંચાલિત થતાં હોય છે.  આવાં ઈચ્છાપ્રેરિત કર્મને આપણે ‘મારું સ્વતંત્ર કાર્ય’  એમ ગણવાની ભૂલ કરતા હોઈએ છીએ.

 

વળી આપણે ઇચ્છીએ છીએ તેમ વિચાર કરવા માટે પણ આપણે સ્વતંત્ર નથી.  આપણે થોડુંક આત્મનિરક્ષણ કરીશું તો તુરત જણાશે કે આપણા વિચારો શૂન્યમાંથી આવતા નથી.  આપણે આકાશમાં નજર કરીએ તો એને તેમાં વાદળાંને હરતાં ફરતાં જોઈએ, ત્યારે એમ લાગે કે વાદળો કોઈ લક્ષ્યવિના આમતેમ ફરે છે.  પરંતુ ખરેખર તો તેમનું હલનચલન હવામાનશાસ્ત્રના નિયમો પ્રમાણે જ થતું હોય છે.  તે જ રીતે આપણા મનમાં ઉદ્દભવતા પ્રત્યેક વિચારની પાછળ કોઈ કારણ હોય છે.  વિચારો ‘સંસ્કારો’  (ભૂતકાળના અનુભવોની ગુપ્ત છાપો) વડે ઉત્પન્ન થાય છે.  અને તેમનું ઉદ્દ્ભવવું તે મનોમય જગતના કેટલાક નિયમોને આધીન હોય છે.  અમુક પ્રકારનાં માનસિક વાતાવરણ વચ્ચે ખાસ પ્રકારના જ વિચારો મનમાં ઉદ્દભવે.  આ સિવાય પણ, કેટલાંય અજાણ્યાં બળો, ખાસ કરીને બીજા લોકોમાંથી પ્રસરતાં વિચારનાં મોંજાઓ, આપણા મનને અસર કરતાં હોય છે.  તો પછી આપણે ઇચ્છીએ તેમ વિચારવાની સ્વતંત્રતા છે જ ક્યાં ?

 

ધ્યાનનો અભ્યાસ કરવા માટે આપણને આધ્યાત્મિક વિચારો કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ અને ધ્યાનનો માર્ગ ચેતનાના અમુક કેન્દ્ર તરફ વાળવાની સ્વતંત્રતા હોવી જોઈએ.  નિમ્નકક્ષાના વિચારોથી અલગ થઇ શકીએ તો જ આ આંતસ્વતંત્રતા આવે.  આ માટેનો પ્રયત્ન કરતાં જ આપણને ખ્યાલ આવે છે કે ભૂતકાળના સંસ્કારોનું કેટલું બધું સ્વામીત્વ આપણા ઉપર છે.  આ સંસ્કારોની પકડમાંથી મુક્તિમાં જ સાચી સ્વતંત્રતા રહેલી છે.  આપણને અમુક હદે આવી મુક્તિ મળે નહિ ત્યાં સુધી ધ્યાન કરવું પણ મુશ્કેલ છે.  આમ અનાસક્તિ એ ધ્યાનમય જીવન માટે અનિવાર્ય એવો તૈયારી રૂપનો ગુણ છે.

 

(રા.જ.૦૫-૦૪/૨૭-૨૯(૬૯-૭૧)

ક્રમશ :

 

નોંધ :   હવે પછી આપણે આગળ જાણીશું … નૈતિકતા અને અનાસક્તિ, (એક આધ્યાત્મિક માણસ, નૈતિક માણસથી કેવી રીતે જુદો પડે છે ?) પ્રેમ અને અનાસક્તિ (વોલ્ટાયરની એક પ્રસિદ્ધ ઉક્તિ છે, ‘પ્રભુ, મને મારા મિત્રોથી બચાવો; મારા શત્રુઓને તો હું સંભાળી લઈશ.’) … અનાસક્તિનું મનોવૈજ્ઞાન તેમજ અન્ય   …

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.  બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

નોંધ : મિત્રો, બ્લોગ પોસ્ટ પર મૂકેલ દરેક પોસ્ટ બે દિવસ માટે રહેશે. દર બીજે દિવસે નવી પોસ્ટ મૂકવા અમો નમ્ર કોશિશ કરીશું અને જેની જાણ આપને મેઈલ દ્વારા  કરતાં રહેશું.  જે કોઈ મિત્રોને મેઈલ દ્વારા દરેક પોસ્ટની જાણકારી નિયમિત મેળવવી હોય, તેઓ તેમના મેઈલ દ્વારા અમોને રિક્વેસ્ટ મોકલી શકે છે  અને મેઈલીંગ લીસ્ટમાં તેમના મેઈલ આઈ ડી ની નોંધણી કરાવી  શકે છે.  સહકાર બદલ આભાર.

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....