પુરુષાર્થ કથાઓ … (ટૂંકીવાર્તાઓ…) …

પુરુષાર્થ કથાઓ … (ટૂંકીવાર્તાઓ) …

  • મુકુલ કલાર્થી

 

 

 
purusharth katha.1
  

(૧)  પુરુષાર્થનું ફળ 

 

એક હતો છોકરો.  તેનું નામ હતું બોપદેવ.

તેના પિતાએ તેણે ગુરુજીને ત્યાં ભણવા મોકલ્યો, પણ તેનું ભણવામાં ચિત્ત ચોંટે નહિ.

નિશાળમાં તેની ગણતરી ઠોઠ નિશાળિયા તરીકે થતી હતી.

ગુરુજી તેને વારે વારે શીખવે, પણ બોપદેવને કશું યાદ જ ન રહે!

એમાંય વ્યાકરણ જેવાં અઘરા વિષયમાં તો તેની બુદ્ધિ બહેર મારી જતી.

કશું સમજાય નહિ અને કશું આવડેય નહિ !

તેની આવી જડ બુદ્ધિ જોઈને બધા નિશાળિયા તેને ચીડવતા :

‘પથરો આવ્યો, પથરો !’

એક દિવસ ગુરુજીએ તેને ખૂબ ઠપકો આપ્યો :  ‘અલ્યા, તું તો ગધેડો છે ગધેડો!

‘તારા જેવો ઠોઠ છોકરો મેં બીજો જોયો નથી.’

‘તારા માતાપિતાને ભારરૂપ જ છે !’

બિચારો બોપદેવ પણ રોજ રોજ ઠપકો અને મહેણાં સાંભળી સાંભળીને કંટાળી ગયો.  એટલે એક દિવસ તે છાનોમાનો ઘેરથી નાસી ગયો.

તે ગામગામ ભટકવા લાગ્યો.  એક દિવસે તે ભટકતો ભટકતો એક ગામને પાદરે આવ્યો.

ગામ બહાર તળાવ હતું.  બપોરનો વખત હતો.  તાપ સખત પડતો હતો.   ચાલી ચાલીને બોપડે ખૂબ થાકીને લોથપોથ થઇ ગયો હતો.

તે તળાવની પાળે જઈને બેઠો.  તે ઊંડા વિચારમાં ડૂબી ગયો :

‘આમ ક્યાં સુધી રખડ્યા કરીશ ?’

તેની આંખમાં આંસુ આઈએ ગયાં.

તેને મનમાં થયું :

‘ખરેખર, હું પથરો જ છું !’

એવામાં તેની નજર તળાવની પાડ પરના પથરાઓ પર પડી.

પથ્રાઓમાં ખાડા પડેલા હતા.

એ જોઈને તેને એકદમ થઇ આવ્યુ :

‘અરે, આ પથરાઓ તો ઘણા કથાન છે.  તો પછી એમાં આવા ખાડા શી રીતે પડ્યા ?’

ઇચાર કરતાં તેને સમજાયું :

તળાવની પાળ પર પનિહારીઓ રોજ ઘડા મૂકે છે.

એને લઈને આ ખાડા પડ્યા લાગે છે.

‘પનિહારીઓ રોજ ઘડા એકની એક જગાએ મૂકે છે.  તેથી આ કથાન પથરા પણ કેટલા બધા ઘસાઈ ગયા !’

આ વિચારે તેના દિલમાં એકાએક ઝબકારો થયો :

‘અરે, ઘડા જેવી નરમ ચીજથી આવા સખત પથરા પણ ઘસાઈ ગયા !  તો પછી મારું પથરાપણું શા માટે ન ઘસાઈ જાય ?’

બોપદેવ ઝટ દઈને ઊભો થઇ ગયો.

તેના પગમાં અજબ જોર આવી ગયું.

તે ઝડપભેર પાછો ફર્યો.

તે ગુરુજીની પાસે પહોંચી ગયો.

ગુરુજીને પગે પાડીને તે બોલ્યો :

‘ગુરુજી, મારે ભણવું છે.’

‘હું ધ્યાન દઈને બરોબર ભણીશ.’

ગુરજી તેનો ઉત્સાહ પારખી ગયા.

તેને ભણવા બેસાડી દીધો.

બોપદેવ ઉત્સાહથી અભ્યાસ કરવા મંડી પડ્યો.  રાત-દિવસ તેણે સખત મહેનત કરવા માંડી.

કશું ન આવડે, તો એને ખાસ સમજવા માટે તે સતત પુરુષાર્થ કરવા લાગ્યો.

બોપદેવ વ્યાકરણમાં સાવ ઠોઠ હતો.

પણ ખંતથી ખૂબ મહેનત કરીને બોપદેવ વ્યાકરણના મોટા પંડિત બની ગયા.

તેમણે લખેલો વ્યાકરણ ગ્રંથ આજેય જાણીતો છે.

 

 

(પુ.ક.૧૦૫-૦૭)

 

 

(૨)  ‘મનનું સુકાન ન છોડ’ 

 

મિસર દેશમાં એક ગરીબ અનાથ છોકરો હતો.  તે બિચારો અંધ અને અનાથ !

બિચારો જિંદગીથી કંટાળી ગયો.  જિંદગીનો અંત લાવવા તે તૈયાર થયો.  તે ભારે હૈયે કૂવામાં પાડવા ગયો.

તે જ વખતે ગામના ભલા મુલ્લાં સાહેબ ત્યાંથી પસાર થતા હતા.  દોડતા જઈને એ છોકરાનો હાથ પકડી લીધો.

મુલ્લાંસાહેબે મીઠાશથી કહ્યું :  ‘બેટા, આ તો કૂવો છે.  પડી જઈશ !’

‘બાબા, પડી જઈશ તો હું સુખી થઇશ.  જીવનની જંજાળમાંથી છૂટીશ.  આ દુનિયામાં મારું કોઈ નથી !’

ભલા મુલ્લાંસાહેબે તેના માથા પર હેતથી હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું :  બેટા, આમ હિંમત હારી જાય, એ કંઈ ચાલે ?

‘મુશ્કેલીઓ તો આપણા જીવનની કસોટી છે.’

‘પુરુષાર્થ કરી મુશ્કેલીઓને પાર કરવાની તાકાત આપણામાં હોવી જોઈએ.’

બેટા, આંખ એ ઘણી ઉપયોગી વસ્તુ છે એ ખરું.’

‘દુનિયામાં એવા ઘણા આંખ વગરના લોકો લોકોમ્થાઈ ગયા છે, જેમની સરખામણીમાં આંખોવાળા પણ ઊભા રહી શકે એમ નથી.’

‘સાચી રીતે તો મન એ મોટામાં મોટી વસ્તુ છે.  તે જ જિંદગીનું સાચું સુકાન છે.’

‘બીજી મદદ મળે કે ન મળે, પણ મન એકલું જીવન-નાવને કિનારે લઈ જઈ શકે છે.  ભારેમાં ભારે તોફાન પણ મનને હરાવી શકતું નથી.’

‘બેટા, પુરુષાર્થ કર.’

‘મનનું સુકાન ન છોડ.’

‘એને પકડી રાખ.’

‘હિંમત ન હાર.’

‘તને ખુદા સહાય કરશે.’

‘ખુદા ગરીબોનો બેલી છે.’

‘તારું ભલું થાઓ.’

મુલ્લાંસાહેબનાં આવાં પ્રેરક વચનોની એ છોકરા પર ભારે અસર થઇ.  તેણે પોતાના જીવનનું સુકાન બદલ્યું.

તેણે ભારે પુરુષાર્થ આદર્યો.

જહેમત ઉઠાવીને તે મોટો વિદ્વાન બન્યો.

પછી તો ડૉ. તાહા હુસેન નામે તે સૌના આદરપાત્ર બન્યા.

આખી દુનિયામાં ઈજિપ્ત દેશના મહાન વિદ્વાન તરીકે જાણીતા થયા.

ડૉ. તાહા હુસેન મુલ્લાંસાહેબને અહોભાવથી યાદ કરીને ઘણી વાર કહેતા :

‘મુલ્લાંસાહેબનાં આ વચનો મારા જીવનનું જીવનસૂત્ર જ બની ગયાં છે : ‘બેટા, મનનું સુકાન ન છોડ.’

‘પુરુષાર્થ કર.’

‘હિંમત ન હાર.’

 

 

(પુ.ક.૧૦૩-૦૪)

 

 

(૩)  દિલ જીતી જાય એવો નોકર … 

 

શ્રી મોટા આ યુગના એક મહાન સંત થઇ ગયા.

મોટા કોઈને જાણ ન થાય એ રીતે પોતાની સાધના કરતાં હતા.

તે આમ તો હરિજન સેવાનું કામ પણ કરતા હતા.  એમાં જરાયે કચાશ આવવા દેતા ન હતા.  દર વરસે એક મહિનો મોટા રજા લેતા.  મોટા કોઈ એકાંત સ્થળે એકલા જતા. 

ત્યાં ગુરુમહારાજના આદેશ પ્રમાણે સાધના કરતા.

મોટાનો પુરુષાર્થ ભારે.  અગવડભર્યા નિર્જન સ્થળે સાધના કરવાનું તેમને ખૂબ ગમતું.

જબલપુર પાસે નર્મદા નદી પર ધૂંવાધાર નામની જગ્યા છે.  એક વાર મોટા ત્યાં સાધના કરવા જવા નીકળ્યા.  ગાડીમાં તેમનું ખીસું કપાયું !  સાથેની બધી રકમ જતી રહી !  હવે શું થાય ?  મોટાને મારગ સૂઝી આવ્યો. 

તે જબલપુરના ગુજરાતી વેપારીની દુકાને ગયા.  ખીસું કપાયાની વાત કરી.

પછી મોટાએ વિનયપૂર્વક વિનંતી કરી :  ‘શેઠજી, મારે આટલી રકમ મેળવવા થોડા દિવસ નોકરી કરવી પડશે.  કંઈ કામકાજ હોય તો આપવા કૃપા કરો. હું મહેનત-મજૂરનું કોઈ પણ કામ કરવા તૈયાર છું.’

વેપારીએ કહ્યું :  મારી પાસે એવું કામ હાલ તુરતમાં નથી.

‘પણ હા, તમે ઘરકામ કરવા તૈયાર છો ? વાસણ માંજવાં પડશે. કપડાં ધોવા પડશે.

બોલો, આવું બધું ઘરકામ તમને ફાવશે ?  તૈયારી હોય, તો કહો.’

મોટા તૂરત ઉત્સાહથી બોલ્યા :  ‘આવું બધું કામ કરવું મને ગમે.  હું ખુશીથી કરીશ.’ 

શેઠે રાજી થઇ ઘેર ખબર આપી :  ‘આપણને નવો નોકર મળી ગયો છે.  હું એને ઘેર મોકલાવું છું.  એને કામ સોંપજો.  કેવું કામ કરે છે એ જોજો.  ઠીક લાગે તો રાખીશું.’

મોટાને શેઠે ઘેર મોકલ્યા.

શેઠાણીએ ઢગલો વાસણ માંજવાં આપી દીધાં.

નાનપણમાં મોટાએ આવું કામ કરેલું હતું.  એટલે વાસણ કેમ સારાં માંજીને સાફ કરવાં, એ તેમને આવડતું હતું.

મોટાએ ઝડપભેર વાસણો માંજી નાખ્યાં.  ધોઈને સૂરજના તાપમાં સૂકવવા મૂકી દીધાં.  ચોકડી બરાબર સાફ કરી નાખી.

વાસણ સરસ માંજ્યાં હતાં.  તાપમાં ચમકી રહ્યાં હતાં.  શેઠાણીએ દૂરથી વાસણ જોયાં.  એ જોઈને તે રાજી રાજી થઇ ગયાં.

શેઠાણી બોલી ઊઠ્યાં :  ‘વાહ, વાહ !  સરસ નોકર મળી ગયો !’

પછી મોટાને ગાંસડો ભરીને કપડાં શેઠાણીએ ધોવા આપ્યાં.

મોટાને કપડાં ધોતાં પણ સરસ આવડતું હતું.  મોટાએ કપડાંને ત્રણે વિભાગમાં છૂટાં પાડ્યાં.

સૌથી ઓછાં મેલાં, જરા વધારે મેલાં અને સૌથી વધારે મેલાં.

સાબુના પાણીમાં એ બધાં જુદાં જુદાં બાફ્યાં.

પછી સૌથી ઓછાં મેલાં કપડાં પહેલાં ધોયાં.  ત્યાર પછી જરા વધારે મેલાં કપડાં ધોયાં.

છેવટ ખૂબ જ મેલાં કપડાં ઘસી-ચોળીને બરાબર ધોયાં.

બધાં કપડાં સરસ ધોઈ-નિચોવીને તડકામાં સૂકવવા નાખ્યાં.

બગલાની પાંખ જેવાં ચોખ્ખાં કપડાં જોઈને શેઠાણી બહુ રાજી થયાં.

શેઠ બપોરે ઘેર જમવા આવ્યા.

શેઠાણીએ નોકરનાં વખાણ કરતાં કહ્યું :  ‘આવો હાથનો ચોખ્ખો નોકર જિંદગીમાં પહેલી વાર જ જોયો !  શું એનું કામ છે !’

રાતે જમી-પરવારીને, વાસણ માંજીને, ચોકડી ધોઈને મોટા પરવાર્યા.

એટલે પથારી કરવાનો વખત થયો.

દરેક પથારી એવી સરસ રીતે પાથરી કે જોનાર રાજી રાજી થઇ જાય.

પથારી પરની ચાદર બરાબર ખેંચીને પાથરી.  ક્યાંય જરાયે કરચલી ન દેખાય.

રાતે થોડાં સમય મળે.  તે વખતે મોટા ઘરનાં બાળકોને ભેગાં કરે.  રામાયણ, મહાભારતની વાતો કહે.

બાળકો પણ આનંદ આનંદ પામે.

રાતે બધાં સૂઈ જતાં.

એટલે મોટા પથારીમાં બેઠા બેઠા નામ-સ્મરણ કરવા મંડી પડે.

હરિનું સ્મરણ કરતાં કરતાં મોટા ઊંઘી જતા.

આખો  દિવસ દિલ દઈને કામ કર્યું હતું.   એટલે એક જ ઊંઘમાં સવાર પડી જાય.

પાછા મોટા ઘરકામમાં જોડાઈ જાય.

થોડાં દિવસમાં મોટાને જોઈતી રકમ થઇ ગઈ.

મોટા શેઠની રજા લેવા ગયા.

મોટાનું આવું સુઘડ અને ચોખ્ખું કામ જોઈને શેઠને ત્યારનું થતું હતું :  ‘આ માણસ સામન્ય ગરીબ મજૂર લાગતો નથી.’

‘પૈસાની ભીડને લીધે જ આવું કામ કુશિથી કરવા તૈયાર થયો હશે.’

‘એ પુરુષાર્થી જીવ લાગે છે.’

‘કોઈની આગળ લાચારીથી હાથ ધરવા તૈયાર નથી.’

એટલે શેઠે મોટાને કહ્યું :

‘ભાઈ તમે નોકર માણસ લાગતા નથી.’

‘તમે આવ્યા ત્યાંથી તમારું કામ અમે જોતાં આવ્યાં છીએ.’

‘નોકર માણસને આટલી બધી સૂઝ-સમજ સામાન્ય રીતે ન હોય.’

‘તમે મને પેટ છૂટી વાત કરો.’

‘જેથી મને સમજ પડે.’

મોટાએ નમ્રભાવે બધી વાત કરી.

એ સાંભળીને શેઠને થયું :

‘અરેરે, આવા ભગત માણસ પાસે બધું ઘરકામ કરાવ્યું !

‘પ્રભુ ભજનના થોડાં દિવસ બગાડ્યા !’

પછી મોટા શેઠશેઠાણીની રજા લઇ ધૂંવાધાર જવા નીકળી પડ્યા.
 

 

(પુ.ક.૯૯-૧૦૨)

 પૂ. મોટા વિશે કંઈક વિશેષ :  

mota

‘મારે સમાજને બેઠો કરવો છે’ ‘હું સર્વત્ર વિદ્યમાન છું’ એવાં આધ્યાત્મિક, ભાવિક સૂત્રોના વિધાયક પૂ. શ્રી મોટાને સૌ કોઈ જાણે છે. તેમનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ખાતે ૪ સપ્ટેમ્બર, ૧૮૯૮ના રોજ થયો હતો. પિતાનું નામ આશારામ ભગત હતું, માતાનું નામ સૂરજબા હતું. તેમનું નામ ચુનીલાલ ભગત. બા તેમને ‘ચુનિયા’ કહીને બોલાવતાં. તેમના પિતા પાસે ઘણી મિલકત હતી. સાવલીમાં મોટું ઘર હતું. રંગાટીનો ધંધો હતો. આ રંગાટીનો ધંધો તૂટી પડતાં એટલું બધું દેવું થયું કે ઘરબાર વેચાઈ ગયાં અને ખાવાના પણ સાંસા પડયા.

ગરીબાઈની ભીંસ તો સાલતી હતી. એમને થયું ચાલોને થોડું કમાવા માંડીએ તેથી એક વેપારી ભાઈની દુકાને નોકરીએ લાગ્યા. રોજ દુકાન ખોલવાની, કચરો વાળવાનો અને પરચૂરણ કામો કરવાનાં. દુકાનનો ધંધો અનાજનો હતો. અનાજનાં ગાડે ગાડાં આવે. અનાજ તોલવાનો કાંટો વેપારીએ ખામીવાળો રાખેલો. તોલમાં ચાલીસ શેરને બદલે બેંતાલીસ શેર તોલી,બોલીને અનાજ ઠલવવાનું પરંતુ ચુનીલાલને આ રીતરસમ ગમી નહીં. તેઓ સાચો જ તોલ લેતા. આ હકીકત એક દિવસ પકડાઈ ગઈ. વેપારીએ તેમને બે – ચાર ઠોકીને નોકરીમાંથી ફારેગ કરી દીધા.

કાલોલની અંગ્રેજી નિશાળમાં ભણતા હતા ત્યારે શાળાના આચાર્યના સંપર્ક અને સંબંધને લઈને તેમને ઘેર કામ માટે જવાનું બનતું. તેઓ ગરીબ હોઇ સહુ કોઈ તેમના તરફ દયા કરી કામ બતાવે. પહેરવા કાજે જૂનાં પણ સારા ફાટી ન ગયા હોય તેવાં જ કપડાં આપે.

૨૮ મે, ૧૯૫૫ના નડિયાદમાં આશ્રમ સ્થપ્યો. ૧૯૫૪માં સુરત જિલ્લાના રાંદેરથી દોઢ માઈલ દૂર તાપી નદીના ઓવારા પર મૌનમંદિર સ્થપાયું.

ઉત્તરભારતમાં અને પાકિસ્તાનની સરહદ પર આવેલા ફિરોઝપુરમાં ૧૯૬૫ની સાલમાં મૌનમંદિર સ્થપાયું. શ્રી નંદુભાઈના મામાના દીકરા શ્રી હસમુખભાઈ મહેતાનું સૂચન પૂ. મોટાને મોટાભાઈ, કહેવાનું હતું પણ સાબરમતી આશ્રમે પરીક્ષિતભાઈ મઝમુદારને બધા મોટા ભાઈ કહેતા એટલે શ્રી મોટાએ કહ્યું કે મોટાભાઈ બેઉ જણને કહેવું ઠીક ન એટલા તેમને ‘મોટા કહીને સંબોધવાનું શરૃ થયેલું તે દિવસથી પૂજ્ય મોટા એ ‘મોટા’ બન્યા.

‘ભગતમાં ભગવાન’ સ્વરૃપના પૂ. મોટાએ તા. ૨૩, જુલાઈ ૧૯૭૬ના રોજ મહી નદીના કાંઠે આવેલ ફાજલપુર શ્રી નંદુભાઈ, શ્રી રમણભાઈ અમીન એમ પાંચ ભક્તોની હાજરીમાં દેહ છોડેલો. તેમણે તેમના તા. ૧૯-૭-૧૯૭૬ના વસિયતમાં લખ્યું છે કે મારા નામનું ઇંટ- ચૂનાનું કોઈ સ્મારક કરવું નહીં. મારા મૃત્યુ નિમિત્તે જે કંઈ નાણાં ભંડોળ ભેગું થાય તેનો ઉપયોગ શાળાના ઓરડા બાંધવામાં કરવો. મારા અસ્થિને પણ નદીમાં પૂરેપૂરાં પધરાવી દેવાં. આવા લોકસંતને તેમની ૩૩મી પુણ્યતિથિએ લાખ લાખ પ્રણામ.

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....