ખૂબ લડી મર્દાની, વહ તો ઝાંસીવાલી રાની થી …

ખૂબ લડી મર્દાની, વહ તો ઝાંસીવાલી રાની થી …

  • – દિપક કુમાર. એ. રાવલ. ‘અજ્ઞાત’

 

 
queen of zansi
 

 

‘ક્રિએટીવ લિવિંગ ફોર ટુડે’ એટલે કે ‘સર્જનાત્મક જીવન’ ના લેખક મહામનિષી અને પ્રખ્યાત દાર્શનિક મેક્સવેલ માલ્ટનું પુસ્તક પ્રકાશિત થતાં જ અનેક લોકોએ નવીન પ્રેરણા મેળવી, જીવનમાં સફળતાનાં શિખરો સર કર્યા હતાં, રોમન દાર્શનિક સિનેકાએ પણ કહ્યું હતું : ‘જો આપ માનવી છો તો મહાનતાનું વરણ કરો, પછી ભલે સફળતા ન મળે. શોધનો જન્મ નિષ્ફળતામાંથી જ થયો છે. નિષ્ફળ પ્રયોગ વિના કોઈ નિર્માણ થતું જ નથી’ ખરેખર ! મહાપુરુષોના વિચાર પશ્ચિમમાંથી આવે કે પૂર્વમાંથી આવે, તે શાશ્વત અને સનાતન હોય છે. આપણે પોતાના જીવનમાં સદા સર્જનાત્મક વિચારોને જ સ્થાન આપવું જોઈએ. આ એ જ રાજમાર્ગ છે જેની મદદથી આપણે પોતાના જીવનને સુખમય બનાવી શકીએ છીએ. રચનાત્મક કાર્યો જીવનનાં સૌથી ઉત્તમ કાર્યો છે. એ ધનસંપત્તિ કરતાં પણ વધુ મૂલ્યવાન છે. ક્રિએટિવ લિવિંગ કોને કહેવાય તેનું જવલંત ઉદાહરણ પુરુ પાડ્યું હતું પ્રયાગના રાજપૂત કુળમાં જન્મેલ સુભદ્રાકુમારીએ.

 

સુભદ્રાકુમારી ચૌહાણ બચપનમાં અભ્યાસ કરી રહ્યાં હતાં ત્યારે એ સમયના રીવાજ પ્રમાણે તેમનો વિવાહ ખંડવાના લક્ષ્મણસિંહ સાથે થઇ ગયો. પરંતુ સુભદ્રાકુમારી પહેલી જ વિદ્યાપ્રેમી હતાં, વિવાહ પછી પણ તેમણે આગળ ભણવાની પતિને વિનંતિ કરી, તો પતિએ સહર્ષ સ્વીકાર કર્યો. તેમને કોલેજમાં દાખલ કરવામાં આવ્યાં. તે દરમિયાન તેમના પતિએ પણ વકીલાતનો અભ્યાસ પૂરો કર્યો. આગળ શું કરીએ ? બંનેએ નિશ્ચય કર્યો કે દેશસેવા કરીશું. તે દિવસોમાં કોંગ્રેસ આંદોલન શરૂ થયું. પતિપત્ની બંને સત્યાગ્રહમાં સામેલ થયાં અને જેલમાં જવું પડ્યું. ત્યારબાદ પતિએ ખંડવામાં ‘કર્મવીર’ સાપ્તાહિકમાં સહાયક સંપાદકનું કામ કર્યું. બંનેમાંથી એક સંપાદક કાર્ય કરી ઘર ચલાવતું અને બીજું જેલમાં જતું. આ ક્રમ કેટલાંય વર્ષો સુધી ચાલ્યો. તે દરમિયાન સુભદ્રાકુમારીની પ્રતિભાનો વિકાસ થયો. તેમણે અનેક ઉચ્ચકોટિની વાર્તાઓ અને કવિતાઓ લખી, જે દેશભરમાં ખૂબ પ્રખ્યાત છે. ‘ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસી વાલી રાની થી’ કવિતા સુભદ્રાજીની જ છે. બંનેએ સાથે મળીને સમાજસેવાનાં અનેક રચનાત્મક કાર્યો કર્યા. પારિવારીક ફરજ બજાવતાં બજાવતાં પણ શું રાષ્ટ્રસેવા ન થઇ શકે ?

 

આપણે અનિશ્ચિતતા અને દુર્ભાગ્યને ત્યજી દઈ નિર્માણ, સર્જનના કાર્યમાં લાગી જવું જોઈએ. એને જ ક્રિએટિવ લિવિંગ કહી શકાય. મનુષ્યના વ્યક્તિત્વનો આધાર એ વાત પર છે કે તે સંસારને કઈ રીતે જુએ છે અને તેની સાથે કઈ રીતે તાલ મિલાવે છે. જીવનમાં સતત પ્રગતિ કરવા માટે બે વાતો જરૂરી છે, પહેલી એ કે જીવનમાં પ્રત્યેક દિવસ માટે લક્ષ્યનું નિર્ધારણ તથા બીજી જીવનથી ક્યારેય ન ભાગવું એટલે કે પલાયનવાદી ન બનવું. અમર હાસ્ય લેખક જ્યોર્જ બર્નાડ શોએ તેમની કૃતિમાં પાઠકોને પોતાનો આત્મા સ્વચ્છ રાખવા માટે કહ્યું હતું. તેમના માટે આત્મા મનુષ્ય જીવનની બારી જેવો છે. જેમાં સંપૂર્ણ જીવનને જોઈ શકાય છે. સકારત્મક અને નકારાત્મક જીવનમાં અસંતોષ આવવા દેવો ન જોઈએ. પ્રસન્નતાના સિદ્ધાંતને ભુલાવી દેવાથી એક ક્ષણ પણ રચનાત્મક બની શકતી નથી. પોતાનાં કાર્યમાં પ્રસન્નતા અનુભવવાનું વીરલાઓને જ આવડે છે.

 

મહાન ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મીલને ફાંસી આપવાની હતી. ફાંસીની વીસ મિનિટ પહેલાં તેઓ વ્યાયામ કરતાં હતા. લોકોએ પૂછ્યું કે આપને તો હંમેશાં હમણાં ફાંસી આપવાની છે, આ શું કરો છો ? ત્યારે ભારતમાતાના આ પનોતાપુત્રએ જવાબ આપ્યો કે અમે જીવનભર મહેનત અને મજૂરી કરી છે. તેનો અભ્યાસ અમારે રોજ કરવાનો છે. અજગર પડ્યો રહે છે. આપ તો સસલા જેવાં બનો અને દોડતા રહો. મહેનત કરવાથી જ લાભ થશે. એટલું કહીને તેમણે ચટાઈ ઉઠાવીને એક જગ્યાએ મૂકી દીધી અને બોલ્યા કે જો બીજા કેદીઓ આવે તો તેઓ એમ ન કહે કે રામપ્રસાદ બિસ્મીલ કેવો ગંદો હતો. આ રીતે તેમણે ધીમે ધીમે બધું કામ પૂરું કર્યું, પછી ભગવદ્દગીતા છાતીએ લગાડીને આ ગીત ગાતાં ગાતાં ચાલવા માંડ્યું. ‘મેરા રંગ દે બસંતી ચોલા…’, ‘હું આત્મા જ છું, આત્મા જ રહીશ ને બદલી નાખીશ આ જૂનું વસ્ત્ર.’ મિત્રો ! આને કહેવાય પ્રસન્નતાપૂર્વકનું સર્જનાત્મક જીવન. કષ્ટ, કઠણાઈઓ અને દુખો બધાને મળે છે, પરંતુ હસમુખા લોકો પોતાનાં કષ્ટો અને દુખોને પાછળ રાખીને પ્રસન્નતાનું જ દિવ્ય વાતાવરણ સર્જે છે. ક્રિએટિવ લિવિંગમાં બીજું સાથે અગત્યનું પરિબળ છે શ્રમ. શ્રમનો મહિમા ઓછો આંકવાની ભૂલ કદાપિ ન કરશો. પ્રસન્નતાની સાથે શ્રમ ભળે બસ ! પછી તો પૂછવું જ શું ? મનુષ્ય એક પછી એક સફળતા હાંસલ કરતો જાય છે.

 

સાબરમતી આશ્રમમાં ભોજન પૂરું થયા પછી કેટલાક મહેમાનો આવ્યા. તેઓમાં પંડિત મોતીલાલ નહેરુ પણ હતા, તેમને થોડી ઊંઘ આવી ગઈ હતી. આશ્રમમાં એક શ્રવણ નામનો છોકરો કામ કરતો હતો. એક કુસુમ નામની છોકરી પણ ભોજનમાં મદદ કરતી હતી. ગાંધીજીએ જ્યારે આ બંને બાળકોને કહ્યું, ‘થોડું ભોજન બનાવી નાખો’ તો બંને બાળકો કામમાં લાગી ગયાં અને વ્યવસ્થા થઇ ગઈ. કસ્તુરબા જાગ્યાં ત્યારે તેઓને ખૂબ દુઃખ થયું અને બોલ્યાં, ‘મને કેમ ન જગાડી ? આ બાળકોને પણ આરામની જરૂર હતી.’ પતિપત્નીની આ શ્રમમહિમાની સમજણે તેમજ સેવા પ્રત્યેની પૂર્ણ નિષ્ઠાએ તેમને વિશ્વવંધ બનાવ્યાં. મનુષ્ય ઈશ્વરનો રાજકુમાર છે. તેને જીવવા, હસવા અને પ્રેમ કરવાની પૂરી સ્વતંત્રતા છે.

 

બાલિક રાજાએ પોતાના મંત્રી વિશ્વદર્શનને પદભ્રષ્ટ કરીની દેશનિકાલ કરી દીધો. વિશ્વદર્શન એક ગામમાં રહેતા હતાં. પદભ્રષ્ટ થયા પછી ત્યાં જઈને તેઓ ખૂબ મહેનતભર્યું જીવન વિતાવવા લાગ્યા. એક દિવસ બાલિકરાજાને વિશ્વદર્શનની દશા કેવી છે તે જાણવાની જિજ્ઞાસા થઇ. તેથી તેઓ વેશપલટો કરીને એ ગામ તરફ ચાલી નીકળ્યા. ત્યાં જઈને તેમણે જોયું કે વિશ્વદર્શનના ઘર આગળ વીસ-પચ્ચીસ માણસો બેઠાં બેઠાં આનંદથી વાતચીત કરી રહ્યા છે. વિશ્વદર્શન પોતે પણ આનંદમાં હોય તેમ લાગતું હતું. વેશપલટો કરેલ રાજાએ તેમને પૂછ્યું, ‘મહાશય, તમને તો રાજાએ હાંકી કાઢ્યા છે, તેમ છતાંય તમો આટલા પ્રસન્ન જણાઓ છો એનું રહસ્ય શું છે ?’ સહજમાં જવાબ મળ્યો, ‘માનવતા’.

 

વિશ્વદર્શને રાજાને ઓળખી લીધા ને હસતાં હસતાં કહ્યું, ‘મહારાજ ! પહેલાં તો લોકો મંત્રીના કારણે મારાથી ડરતા હતા, પરંતુ હવે એવો ડર નથી તેથી લોકો મુક્ત રીતે મને મળે છે. તેમની સાથે વાતો કરવામાં, તેમની સેવા કરવામાં મને ખૂબ આનંદ આવે છે.’ રાજા પાછા ફર્યા અને વિશ્વદર્શનને પોતાને પોતાની સાથે લઇ ગયા અને તેમને ફરીથી મંત્રીપદ પર સ્થાપિત કર્યા.

 

નિષ્ફળ થઇ જવાનો અર્થ એ નથી કે આપ યોગ્ય નથી, નકારત્મક વિશ્વાસ આપણને માનવતામાંથી નીચે ધકેલે છે. પૂર્ણતા ક્યાંય નથી. અપૂર્ણતા હોવાથી શરમાશો નહિ. પોતાને તુચ્છ સમજી જીવનથી ભાગવું જોઈએ નહિ. પૂર્ણતા ન મળે તો પણ કર્મશીલ રહેવામાં જ સાર્થકતા રહેલી છે. આ જ તો છે ક્રિએટિવ લિવિંગની ચાવી છે.

 

 

(રા.જ. ૧૦-૧૨/(૩૬-૩૭/૩૧૨-૧૩)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • નિષ્ફળ થઇ જવાનો અર્થ એ નથી કે આપ યોગ્ય નથી, નકારત્મક વિશ્વાસ આપણને માનવતામાંથી નીચે ધકેલે છે. પૂર્ણતા ક્યાંય નથી. અપૂર્ણતા હોવાથી શરમાશો નહિ. પોતાને તુચ્છ સમજી જીવનથી ભાગવું જોઈએ નહિ. પૂર્ણતા ન મળે તો પણ કર્મશીલ રહેવામાં જ સાર્થકતા રહેલી છે. આ જ તો છે ક્રિએટિવ લિવિંગની ચાવી છે………………….
  A very good message !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  See you @ Chandrapukar to read a NEW POST