ક્રોધ વિષ છે, ક્ષમા અમૃત છે, ક્રૂરતા વિષ છે, કરુણા અમૃત છે …

ક્રોધ વિષ છે, ક્ષમા અમૃત છે, ક્રૂરતા વિષ છે, કરુણા અમૃત છે …  (અભિજ્ઞાાનશાકુન્તલમ્)

 

 

janak.1

 

 

જનક રાજાનો મહેલ….

 

મહેલની બહાર સૈનિકો અને પહેરેગીરો તહેનાત હતા.  રાજા અંદરના એક વિશાળ સભાખંડમાં દરબાર ભરીને બેઠા હતા. સભામાં વિદ્વાનો, પ્રકાંડ પંડિતો, પ્રતિષ્ઠિત નાગરિકો અને નગરજનો બેઠા હતા.  એ સમયે એક છોકરો મહેલના દરવાજે આવીને ઊભો રહ્યો.  એનો દેખાવ પણ વિચિત્ર હતો. તેના શરીરનાં આઠેય અંગ વાંકાં હતાં.  સૈનિકો પણ તેને જોઈને હસવા લાગ્યા.  દ્વારપાળે એ બાળકને પૂછયું, “હે બાલકિશોર !  તું કોણ છે ?   તારું નામ શું છે ?   અહીં શા માટે આવ્યો છે ?” 

 

કિશોરે કહ્યું, “હું ઉદ્દાલક ઋષિનાં પુત્રી સુજાતા અને કહોલ ઋષિનો પુત્ર અષ્ટાવક્ર છું.  જનક રાજાએ મારા પિતાને કેદ કર્યા છે.  મારા પિતા વાદવિવાદમાં હારી જતાં શરત અનુસાર કેદ થયા છે.  મારી માતાની સૂચનાથી હું મારા પિતાને મુક્ત કરાવવા રાજા જનકને મળવા માગું છું.”

 

દ્વારપાળ પણ બાર વર્ષના બાળકને જોઈ વિચારમાં પડી ગયા કે, આટલો નાનો કિશોર તેના પિતાને કેદમાંથી કેવી રીતે મુક્ત કરાવશે ?   તેમણે અષ્ટાવક્રને પાછા ઘરે જતા રહેવા સલાહ આપી, પરંતુ ઋષિપુત્ર ટસનો મસ ન થયો.  બાળકની મક્કમતા જોઈ રાજા જનકને ખબર આપવામાં આવ્યા.  જનક રાજાએ બાળકને અંદર આવવા દેવા અનુમતી આપી.

 

નાનકડો અષ્ટાવક્ર જનક રાજાના ભરચક દરબારમાં પ્રવેશ્યો.  તેનાં આઠેય અંગ વાંકાં હોઈ તે અપંગની જેમ વાંકોચૂકો ચાલતો હતો.  એની કઢંગી વક્રચાલ જોઈ વિદ્વાનો, પંડિતો અને નગરજનો હસવા લાગ્યા. જનક રાજા પણ આશ્ચર્યથી એ બાળકને જોઈ રહ્યા. એમણે પૂછયું, “હે બાળક !  તું કોણ છે ?”

 

અષ્ટાવક્રએ કહ્યું, “હે રાજન !   હું આપના દરબારના બંદી ઋષિની સાથે શાસ્ત્રાર્થમાં હારી ગયેલા કહોલ ઋષિનો પુત્ર અષ્ટાવક્ર છું.  મારા પિતા હારી જતાં શરત મુજબ આપે તેમને કેદ કર્યા છે.  હું મારા પિતાને કેદમાં નખાવનાર બંદી ઋષિ સાથે શાસ્ત્રાર્થ કરી, તેમને હરાવીને મારા પિતાને મુક્ત કરાવવા આવ્યો છું.”

 

જનક રાજા બાળકની હિંમતને જોઈ રહ્યા અને વિદ્વાનો તથા પંડિતો ફરી હસવા લાગ્યા.  જનક રાજાએ કહ્યું, “બાળક !   તું મારી સભાના મહાન પંડિત બંદી ઋષિ સાથે શાસ્ત્રાર્થ કરીશ ?   તને ખબર છે કે એ કેટલા મોટા વિદ્વાન-પંડિત છે ?”

 

 

janak.2

 

 

અષ્ટાવક્ર બોલ્યો, “રાજન !   આપની સભાને હું પંડિતોની સભા સમજીને આવ્યો હતો, પરંતુ આપની સભામાં બિરાજેલા વિદ્વાનો અને પંડિતો પણ મને ભીતરથી જોવાને બદલે મારા શરીરને જોઈ હસ્યા. તેમણે મને ભીતરથી ઓળખવા પ્રયાસ જ ન કર્યો.  મારાં અંગોને જોઈ હસનાર લોકોની દૃષ્ટિ અને ચમારની દૃષ્ટિમાં કોઈ જ ફરક ન રહ્યો.  મૃત પશુના દેહ પરથી ચામડી ઉતારવાનું કામ કરનાર ચમારની નજર મૃત પશુનાં હાડ-માંસ અને ચામડાં પર જ હોય છે.  મારામાં રહેલાં આત્મા કે જ્ઞાાનને જોવા એમણે કોઈ પ્રયત્ન જ ન કર્યો.”

 

જનક રાજા નાનકડા બાળકની વાત સાંભળી પ્રભાવિત થયા.  સભા પણ શરમાઈ ગઈ.  પંડિતો મનોમન આત્મખોજ કરવા લાગ્યા.  જનક રાજાએ કહ્યું, “બાળક !  હું તને બંદી ઋષિ સાથે શાસ્ત્રાર્થ કરવા અનુમતી આપું છું.  તારે તારા પિતાને કેદમાંથી મુક્ત કરાવવા હોય તો તારે જાહેરમાં જ બંદી ઋષિને શાસ્ત્રાર્થમાં હરાવવા પડશે.  તું જીતી જઈશ તો તારા પિતાને હું તને સોંપીશ.”

 

અષ્ટાવક્રએ કહ્યું, “હે રાજન !  બંદી ઋષિએ મારા પિતાને શાસ્ત્રાર્થમાં હરાવી પાતાળ લોકમાં મોકલી આપ્યા છે.   બંદી ઋષિ મારી સાથે હારી જશે તો એમણે અગ્નિ લોકમાં પ્રવેશ કરવો પડશે.”

 

બંદી ઋષિએ શરત મંજૂર રાખી.  જાહેર સભામાં જ એક પ્રકાંડ પંડિત ઋષિ અને એક નાનકડા બાળક વચ્ચે શાસ્ત્રાર્થ શરૂ થયોઃ

 

બંદીઃ “હે અષ્ટાવક્ર !  આ પૃથ્વી શામાં ઓતપ્રોત છે ?” 

અષ્ટાવક્રઃ “જળમાં.”

 

બંદીઃ “અને જળ ?”

અષ્ટાવક્રઃ “જળ વાયુમાં.”

 

બંદીઃ “વાયુ શામાં ઓતપ્રોત છે?” 

અષ્ટાવક્રઃ “અંતરિક્ષલોકમાં.”

 

બંદીઃ “અંતરિક્ષ શામાં ઓતપ્રોત છે ?” 

અષ્ટાવક્રઃ “ગંધર્વલોકમાં.”

 

બંદીઃ “ગંધર્વ લોક શામાં ઓતપ્રોત છે ?” 

અષ્ટાવક્રઃ “ચંદ્રલોકમાં.”

 

બંદીઃ “ચંદ્રલોક શામાં ઓતપ્રોત છે ?” 

અષ્ટાવક્રઃ “નક્ષત્રલોકમાં.”

 

બંદીઃ “નક્ષત્ર લોક શામાં ઓતપ્રોત છે ?” 

અષ્ટાવક્રઃ “દેવલોકમાં”

 

બંદી, “દેવલોક શામાં ઓતપ્રોત છે ?” 

અષ્ટાવક્ર: “ઇન્દ્રલોકમાં”

 

બંદી, “ઇન્દ્રલોક શામાં ઓતપ્રોત છે ?” 

અષ્ટાવક્ર: “પ્રજાપતિલોકમાં.”

 

બંદી, “પ્રજાપતિલોક શામાં ઓતપ્રોત છે ?” 

અષ્ટાવક્ર: “બ્રહ્મલોકમાં.”

 

બંદી, “અને બ્રહ્મલોક શામાં ઓતપ્રોત છે ?”  

અષ્ટાવક્ર : હે મૂર્ખ બંદી !  બ્રહ્મલોક સર્વોપરી છે.  તે કોઈનામાં ઓતપ્રોત નથી.  એનામાં સહુ ઓતપ્રોત છે.”

 

અષ્ટાવક્ર સાથેની પ્રશ્નોત્તરી અને શાસ્ત્રાર્થથી વરુણપુત્ર બંદી પ્રસન્ન થયા.  તેમણે અષ્ટાવક્રની શાસ્ત્રાર્થમાં સર્વોપરિતા કબૂલ કરી.  જનક રાજાના દરબારમાં સહુને હરાવનાર બંદી ઋષિને હરાવનાર અષ્ટાવક્રને સહુ બ્રાહ્મણો અને વિદ્વાનો મળ્યા અને તેમણે પણ પ્રસન્નતા વ્યક્ત કરી અને અષ્ટાવક્રનાં આઠ અંગોની વક્રતા જોઈને હસવા બદલ એ સહુએ દુઃખ અને પશ્ચાત્તાપ વ્યક્ત કર્યો.  શરત મુજબ અષ્ટાવક્રના પિતાને પાતાળ-વરુણલોકમાંથી મુક્ત કરવામાં આવ્યા,  પરંતુ જનક રાજાએ અને બીજા વિદ્વાનોએ પણ બહુ જ નમ્રતાથી પૂછયું, “હે બાળક! તારાં આ આઠ અંગોની વિકૃતિનું કારણ શું છે ?”

 

અષ્ટાવક્રે પોતાનાં આઠ અંગોની વિકૃતિ અંગે જે સ્પષ્ટતા કરી તે આમ હતીઃ અષ્ટાવક્રના પિતા બડા પંડિત હતા.  અષ્ટાવક્ર જ્યારે તેમની માતાના ઉદરમાં હતા તે વખતે તેમના પિતા રોજ વેદના પાઠ કરતા હતા અને અષ્ટાવક્ર માતાના ગર્ભમાં સાંભળતા હતા.  એક દિવસ માતાના ગર્ભમાંથી અવાજ આવ્યો, “પિતાજી, થોભી જાવ. આ બધું ખોટું છે.  તેમાં કોઈ જ્ઞાાન નથી.  તમે જે પાઠ કરો છો તે તો માત્ર શબ્દોનો સંગ્રહ છે.  શાસ્ત્રમાં જ્ઞાાન ક્યાં છે ?  જ્ઞાાન સ્વયંમાં છે.  શબ્દમાં સત્ય ક્યાં છે ?  સત્ય સ્વયંમાં છે.”

 

આ સાંભળી પિતાનો પિત્તો ગયો.  પુત્ર હજુ ગર્ભમાં જ હતો.  વેદ ભણવા માટે તેણે દ્વિજ સંસ્કાર હજુ મેળવ્યા નહોતા.  એ પહેલાં જ એણે મારી ભૂલો શોધવા માંડી.  હું એક પંડિત છું, એવા અહંકારથી ક્રોધિત થયેલા પિતાએ પુત્રને શાપ આપી દીધો, “જા, તું આઠ વાંકાં અંગ સાથે જન્મીશ.”

 

પિતા વિદ્વાન હતા, શાસ્ત્રાર્થી હતા, પંડિત હતા.  તેમનો અહંકાર ઘવાતાં તેમણે આપેલા અભિશાપના કારણે પુત્ર આઠ વાંકાં અંગ સાથે જન્મ્યો તેથી તેનું નામ અષ્ટાવક્ર પડયું.

 

આવા અષ્ટાવક્રના જીવન વિશે બહુ લખાયું નથી, પરંતુ જનક રાજાએ અષ્ટાવક્રને પગે લાગી પોતાના મહેલમાં એક ઊંચા આસન પર સ્થાન આપ્યું અને જીવનમૃત્યુના મર્મ અંગે પોતાના સંશયો દૂર કરવા પ્રશ્નોત્તરી કરી.  અષ્ટાવક્રએ આપેલું જ્ઞાાન ‘અષ્ટાવક્રગીતા’ તરીકે ઓળખાય છે.   કેટલાક તેને ‘અષ્ટાવક્રસંહિતા’ તરીકે પણ ઓળખાવે છે.

 

જનક રાજાનો પહેલો પ્રશ્ન હતો, “હે પ્રભુ !  જ્ઞાાનની પ્રાપ્તિ કેવી રીતે થાય ?  મુક્તિ કેવી રીતે મળે? વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય  ?”

 

અષ્ટાવક્રએ કહ્યું, “હે રાજન !  શાસ્ત્રોને કંઠસ્થ કરી લેવાં તે જ્ઞાાન નથી. જેને તમે જ્ઞાાન કહો છો તે તો માનવીને બાંધી લે છે.  જ્ઞાાન તો એ છે જે મુક્ત કરે.  હે રાજન! જો મુક્તિ ચાહતા હો તો વિષયોને વિષની જેમ છોડી દો.  વિષયોના બદલે ક્ષમા, આર્જવ, દયા,સંતોષ અને સત્યને અમૃત સમજી તેનું સેવન કરો. વિષયો ઝેર છે.  તેને ખાઈ ખાઈને આપણે રોજ રોજ મરીએ છીએ.  ક્રોધ વિષ છે, ક્ષમા અમૃત છે. કુટિલતા વિષ છે, સરળતા-આર્જવ અમૃત છે. ક્રૂરતા વિષ છે, કરુણા અમૃત છે. અસંતોષ વિષ છે, સંતોષ અમૃત છે. સંતોષ અને સત્યને અમૃત માની તેનું સેવન કરો.”

 

અષ્ટાવક્ર કહે છે, “પ્રામાણિકતા અને સત્યથી જ તમે પરમાત્મા સાથે જોડાઈ શકો છો. પરમાત્માથી અલગ થવું હોય તો અસત્યનાં વાદળો ઊભાં કરો.  જેટલા તમે અસત્યની નજીક જશો એટલા તમે પરમાત્માથી દૂર જશો.”

 

અષ્ટાવક્ર એથીયે આગળ વધીને કહે છે, “તું ન તો પૃથ્વી છે, ન તો જળ છે, ન તો આકાશ છે.  મુક્તિ માટે આત્માને, પોતાની જાતને આ બધાંનો સાક્ષી, ચૈતન્ય જાણ.  સાક્ષી બનવાથી જ જ્ઞાાન પ્રાપ્ત થશે. એનાથી જ વૈરાગ્યની પ્રાપ્તિ થશે.  એનાથી જ મુક્તિ મળશે.  તું તારા દેહને પોતાની જાતથી અલગ કરીને ચૈતન્યમાં વિશ્રામ કરીશ તો તું અત્યારે જ સુખી, શાંત અને બંધનમુક્ત થઈ જઈશ.  જે ક્ષણે તને એ વાતની અનુભૂતિ થશે કે હું દેહ નથી, હું કર્તા નથી, હું ભોક્તા નથી અને જે જોવાવાળો છે તે તો ભીતરમાં છુપાયેલો છે અને તે બધું જ જુએ છે એ ક્ષણે તું જ્ઞાાન-વૈરાગ્ય અને મુક્તિને પામી જઈશ.  ટૂંકમાં, તું ચૈતન્યમાં વિશ્રામ કર.”

 

ધ્યાનનો આત્યંતિક અર્થ વિશ્રામ છે.  તમને જેની ખોજ છે તે તો તમને પ્રાપ્ત થયેલું જ છે.  પરમાત્મા દોડવાથી નથી મળતા, કારણ કે પરમાત્મા દોડવાવાળાની ભીતર જ છુપાયેલા છે.  અષ્ટાવક્રનાં વચનો ક્રાંતિકારી છે.  તેઓ કહે છે, “ન તો તું કોઈ બ્રાહ્મણ છે કે ન તો શૂદ્ર છે. ન કોઈ ક્ષત્રિય કે ન કોઈ વૈશ્ય. આ બધું બકવાસ છે. તું ન તો કોઈ આશ્રમવાળો છે, ન બ્રહ્મચર્ય આશ્રમ, ન ગૃહસ્થાશ્રમ, ન વાનપ્રસ્થ કે ન સંન્યસ્ત આશ્રમવાળો છે.   તું તો આ બધાં સ્થાનોમાંથી જ પસાર થનાર એક દ્રષ્ટા જ છે, એક સાક્ષી જ છે.”

 

અષ્ટાવક્રના આવા ક્રાંતિકારી વિચારોના કારણે અષ્ટાવક્રની ગીતા સર્વ કોમોની ગીતા ગણાઈ છે.  એમના સમયમાં મુસલમાનો કે ખ્રિસ્તીઓ હોત તો અષ્ટાવક્ર એમ જ કહેત કે, “ન તો તું હિન્દુ છે, ન તો તું મુસલમાન છે અને ન તો ઈસાઈ છે.”

 

અને એ જ કારણે અષ્ટાવક્રની ગીતાનું જ્ઞાાન કપરું છે, વ્યવહારુ નથી.  બધાં જ ધર્મશાસ્ત્રોમાં અષ્ટાવક્ર ગીતા એક અનોખી ગીતા છે.  હિન્દુ સમાજ પર ભગવાન શ્રીકૃષ્ણની ગીતાનો જબરદસ્ત પ્રભાવ છે, કારણ કે કૃષ્ણની ગીતા સમન્વયની ગીતા છે.  તેમાં ક્યારેક સત્યનો આગ્રહ ઓછો અને સમન્વયનો આગ્રહ વધુ છે. ‘અશ્વત્થામા મરાયો’, એ વચનમાં અસલી સત્ય છુપાવવામાં આવ્યું હતું.  અષ્ટાવક્ર સત્યની બાબતમાં જરાયે સમાધાનકારી નથી.  તેમણે સત્ય જેવું છે તેવું જ કહ્યું છે. સાંભળવાવાળાને એ ગમશે કે નહીં તેની ચિંતા અષ્ટાવક્ર કરતા નથી.  તેની સામે ભગવાન શ્રીકૃષ્ણની ગીતા લોકપ્રિય છે, કારણ કે તેમાંથી સહુ કોઈ પોતાને અનુકૂળ આવે એવો અર્થ કાઢી શકે છે.  કેટલાક વિવેચકો કહે છે કે, “કૃષ્ણની ગીતા કાવ્યાત્મક છે. તેમાં બે વત્તા બે પાંચ પણ થઈ શકે છે અને બે વત્તા બે ત્રણ પણ થઈ શકે છે.  અષ્ટાવક્રની ગીતામાં આવો કોઈ ખેલ શક્ય નથી.  અષ્ટાવક્રની ગીતામાં બે વત્તા બે એટલે ચાર જ થાય.  કૃષ્ણની ગીતા વાંચીને ભક્ત પોતપોતાનો અર્થ કાઢી શકે છે, કારણ કે કૃષ્ણે ભક્તિની વાત કહી છે.  ભક્તિમાર્ગી પોતાનો અર્થ શોધી શકે છે.  કર્મયોગી પોતાનો અર્થ શોધી શકે છે, કારણ કે કૃષ્ણે કર્મયોગની વાત પણ કહી છે.  જ્ઞાાની પોતાનો અર્થ કાઢી શકે છે, કારણ કે કૃષ્ણે પરમાત્માને પામવા જ્ઞાાનયોગની વાત પણ કહી છે.  કૃષ્ણ ક્યારેક ભક્તિને સર્વશ્રેષ્ઠ કહે છે, ક્યારેક કર્મયોગને સર્વશ્રેષ્ઠ કહે છે, ક્યારેક જ્ઞાાનને સર્વશ્રેષ્ઠ કહે છે.”

 

આ કારણથી ઘણા ટીકાકારો કૃષ્ણના વક્તવ્યને રાજનૈતિક વક્તવ્ય કહે છે.  કૃષ્ણને તેઓ કુશળ રાજનેતા માને છે.  કૃષ્ણને કેટલાક રાજનીતિજ્ઞા માને છે.  કૃષ્ણની ગીતામાં સહુ કોઈનું ધ્યાન રાખવામાં આવ્યું હોઈ તે સહુને પ્રિય છે.  એ કારણથી કૃષ્ણની ગીતા પર હજારો ટીકાઓ, વિવેચનો લખાયાં છે, જ્યારે અષ્ટાવક્રની ગીતાના વક્તવ્યમાં સત્ય સાથે સમાધાનની કોઈ વાત નથી.  એ કારણથી અષ્ટાવક્રની ગીતા પર કોઈ વિવેચનો લખાયાં નથી અને એ કારણે જનક રાજાએ પણ જેમની પાસેથી જ્ઞાાન પ્રાપ્ત કર્યું એવા મહાન ઋષિ અષ્ટાવક્રનું આજે ક્યાંયે મંદિર નથી.

 

અષ્ટાવક્ર કહે છે, “હે વ્યાપક !  હે વિભાયાન !  હે વિભૂતિસંપન્ન !  ધર્મ-અધર્મ, સુખ અને દુઃખ એ મનની પેદાશ છે.  એ બધા મનના તરંગો છે.  એ બધું તારા માટે નથી.  તું ન તો કર્તા છે, ન તો ભોક્તા છે.  તું તો સર્વદા મુક્ત છે.  તું થઈ જા સુખી, તારી ભીતર વાસના નથી તો જે શેષ રહી જાય છે તેનું નામ છે ધ્યાન. આનંદ સત્યની પરિભાષા છે.  જ્યાંથી આનંદ મળે એ જ સત્ય છે.  એટલે જ પરમાત્માને ‘સચ્ચિદાનંદ’ કહેવામાં આવે છે.  આનંદ તેની આખરી પરિભાષા છે.  આનંદને સત્યની ઉપર, ચિત્તની ઉપર રાખવામાં આવ્યો છે.  પરમાત્માને સચ્ચિદાનંદ એટલે જ કહેવાયા છે.  પરમાત્મા તમારી ભીતર વસેલા છે.  તમે એને બહાર જઈ શોધો છો, ભોગથી કે યોગથી.  એ બધું વ્યર્થ છે.  કસ્તૂરી મૃગની નાભિ જ્યારે ફૂટે છે ત્યારે તેની માદક સુગંધથી કસ્તૂરી મૃગ પાગલ થઈને ભાગે છે. એ જાણવા માગે છે કે આ ખુશબૂ ક્યાંથી આવી ?   એને બિચારાને ખબર જ નથી કે એ મહેક તો તેના દેહની ભીતરમાં રહેલી નાભિમાંથી આવી રહી છે.  બસ, આવું જ છે પરમાત્માનું.  પરમાત્મા તમારી ભીતર જ નિવાસ કરે છે. તેને યોગ કે ભોગથી શોધવા બહાર જવાની જરૂર નથી.”

 

આવું અદ્દભુત જ્ઞાન અષ્ટાવક્રએ જગતને આપ્યું છે.  વિચારકો માને છે કે અષ્ટાવક્ર કોઈ દાર્શનિક નથી. અષ્ટાવક્ર કોઈ વિચારક નથી.  અષ્ટાવક્ર તો એક સંદેશવાહક છે, ચૈતન્યના સાક્ષીના.  તેઓ એટલું જ કહે છે, “દુઃખ હોય તો દુઃખને જુઓ. સુખ હોય તો સુખને પણ જુઓ. દુઃખ વખતે એમ ન કહો કે હું દુઃખી થઈ ગયો. સુખ વખતે એમ ન કહો કે હું સુખી થઈ ગયો. બંનેને આવવા દો. રાત્રિ આવે તો રાત્રિ નિહાળો.  દિવસ આવે તો દિવસને જુઓ.  રાત્રિને ન કહો કે હું રાત્રિ થઈ ગયો.  દિવસને ન કહો કે હું દિવસ થઈ ગયો. બસ, તમે એક જ વાત સાથે તાદાત્મ્ય રાખો કે તમે માત્ર ને માત્ર દ્રષ્ટા છો, સાક્ષી છો.”

 

 

www.devendrapatel.in

સૌજન્ય : સંદેશ દૈનિક

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  Join us /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....