ટપાલ યુગથી ઈ – મેઈલ યુગ સુધી …

આપણો સંદેશા વ્યવહાર …

 

માફ કરજો, ઘણા દિવસના વિરામ અને અન્ય કાર્યમાં વ્યસ્તતાને કારણે થોડી અનિયમિતતા બાદ આજે ફરી આપની સમક્ષ એક નવી પોસ્ટ લઇ હાજર થયો છું, દિવાળીનો પર્વ નજીક હોઈ, આળસ ખંખેરીને ફરી નિયમિતતા કેળવવા કોશિશ કરીશું.  આપ સર્વેને અમારી અનિયમિતતા બદલ કોઈ તકલીફ પડેલ હોઈ તો તે બદલ ક્ષમા ચાહું છું.  આપ સર્વેનો પ્રેમભાવ સદા મળતો રહે તે સ્હેજ….   દાસ –  ‘દાદીમા ની પોટલી’

 

ટપાલ યુગથી ઈ – મેઈલ યુગ સુધી …

message by post man

‘હું તો કાગળિયા લખી –લખી થાકી કાનુડા તારા મનમાં નથી …’  મિત્રો વર્ષોથી ગવાતી આવતી ભાવવાહી આ પંક્તિને જો હવે ગાવી હોય તો તેને બદલીને આમ ગાવી પડે ‘હું તો ઈ મેઈલ કરી કરી થાકી કાનુડા તારા મનમાં નથી …’

 

મોટરો અહીં આપને વાત કરવાની છે, ટપાલ યુગથી માંડીને ઈમેઈલ યુગ સુધીમાં સંદેશા વ્યવહારક્ષેત્રે થયેલા નવાનવા આવિષ્કારની …!

 

એક સમય એવો હતો કે જ્યારે માણસને રૂબરૂ એક ગામથી બીજા ગામ મોકલી સમાચાર કે વાવડ મોકલવામાં આવતા મોઢા મોઢ સમાચારની આપલે થતી.  રાજા રજવાડાના સમયમાં ખાસ પૈગામી માણસો રખાતા જે માત્ર સંદેશા પહોંચાડવાનું જ કામ કરતાં.  મોઢા મોઢ સમાચાર દેવાની પદ્ધતિમાં ધીરે ધીરે થોડો સુધારો થયો અને મોરપીછમાંથી બનાવેલ કલમને કાળા કે લાલરંગના પ્રવાહીમાં જબોળીને પત્ર લખવાની પદ્ધતિ વિકસી.  કાગળ ઉપર કે કાપડ ઉપર લખાયેલા આવા સંદેશા આજે પણ ક્યાંક સચવાયેલા જોવા મળે છે.  અગત્યના દસ્તાવેજો જેવું લખાણ તાંબાના પતરા ઉપર કરવામાં આવતું હતું.

message with pigeon

એ સમયે સંદેશાની આપ લે માટે ‘કબુતર’ નો પણ ઉપયોગ થતો.  સંદેશો લખીને કબુતરની ડોકમાં કે પગમાં બાંધીને ઉડાડવામાં આવે એટલે આવા તાલીમી કબૂતરો જે તે નિર્ધારિત સ્થળે જ ઉતરતા અને સંદેશો, જે તે વ્યક્તિને પહોંચાડતા.

 

બાદમાં પત્ર વ્યવહાર પદ્ધતિ થોડી વિકસી અને ચોક્કસ સાઈઝના કાગળના ઉપયોગ સાથે  ફાઉન્ટનપેન, બોલપેન પેન્સીલનો ઉપયોગ શરૂ થયો.

 

પરંતુ હવે અ રીતે પત્રો લખવાની વ્યવસ્થા પણ જૂની બની ગઈ છે, કેમ કે હવે ઇન્કોર્મેશન ટેકનોલોજીનો યુગ આવી ગયો છે.  જેમાં તમે વગર પેન ઉપાડ્યે અને વગર કાગળે માત્ર હાથની આંગળીઓ વડે કે ફક્ત યંત્ર સામે બોલીને સ્વીચ દબાવીને ‘ઈમેઈલ’ સેવા મારફત સંદેશાઓની આપલે કરી શકો છો.

 

પત્ર વ્યવહારનો પાંગળો કરવામાં જો કે ટેલિફોન સેવાએ પણ કંઈ ઓછો ભાગ નથી ભજવ્યો ! …  એમ કહેવું પણ ઉચિત જ ગણાશે કે ટેલીફોન યુગના ઉદય સાથે જ પત્રવ્યવહાર પદ્ધતિની પડતીની શરૂઆત થઇ ગઈ હતી, અને હવે બાકી હતું તે ઈમેઈલ સેવાઈ પૂરૂ કર્યું !  પરંતુ આ બધા નવા નવા આવિષ્કારો આપણા માટે તો લાભદાયી જ છે.  જેમ જેમ પદ્ધતિ બદલાતી ગઈ તેમ તેમ સંદેશાની આપલે ઝડપી બનતી ગઈ !  એ સારી જ વાત કહેવાયને !

message by post card

પત્રવ્યવહારની પુરાણી વ્યવસ્થા ઉપર જો નજર કરીએ તો આજે થયેલા આ બધા આવિષ્કારો પૂર્વે આપણા પોસ્ટ ખાતાએ જે સેવાઓ આપી હતી તે ખરેખર આદર ઉપજે તેવી હતી.  એ સમયે ચોક્કસ  સાઈઝના પોસ્ટકાર્ડની બોલબાલા હતી.  એ સમયે માત્ર ૯ પૈસા અને ત્યારબાદ ૧૦ પૈસા જેવી નજીવી કિંમતમાં મળતું પોષ્ટકાર્ડમાં સંદેશો લખીને પોસ્ટ કરવામાં આવે એટલે નાના એવા ગામના ખૂણેથી છેક દેશના બીજા ખુણે માત્ર ત્રણથી પાંચ દિવસમાં તે પહોંચી જતું.

 

પહેલાના સમયમાં આટલી ઝડપી વાહન વ્યવસ્થા પણ નોહતી.  તે સમયે પોસ્ટ ખાતાના કર્મચારીઓ ઘોડાની સવારી કરીને ટપાલોના થેલાઓની હેરાફેરી કરતાં હતાં.  ગમે તેવી કપરી પરિસ્થિતિ વેઠીને પણ સંદેશા વ્યવહારની સુંદર સેવા આપનાર પોસ્ટ કર્મચારીઓ ખરેખર વંદનને પાત્ર ગણી શકાય  …

 

એ જમાનામાં ટપાલી બધાને બહુ વહાલો લાગતો.  કોઈ આંગુતુકની રાહ જોવાતી હોય તે રીતે બધા ટપાલની રાહ જોતાં.  વતનથી દુર રહેતા આપણા લશ્કરના જવાનોને મન તો ટપાલી મસીહા સમાન હોય છે.  અંતરિયાળ વિસ્તારોમાં પણ ફેલાયેલી ટપાલ સેવા ખરેખર દાદને પાત્ર જ કહેવાયને !

 

ટપાલનો ઇંતજાર શું કહેવાય એની વેદના ગુજરાતી નવલિકા ‘પોસ્ટમેન’ માં બહુ સરસ રીતે જાણી શકાય છે.  કોચમેન અલીડોસો વહાલસોઈ એકની એક દીકરીની ટપાલ આવવાની રાહમાં ઝૂરતો હોય છે.  દરરોજ પોસ્ટઓફિસે જઈને પોતાની ટપાલ કોઈ આવી કે નહીં તેની પૃચ્છા કરે છે, પણ ટપાલ મળવાને બદલે પોસ્ટ ખાતાના કર્મચારીઓનો ઠપકો અને મશ્કરી સહન કરવી પડતી હોય છે.  અને એક દિવસ જ્યારે સાચેજ અલીડોસાની ટપાલ આવે છે તે દિવસે અલીડોસા પોસ્ટઓફિસે નહીં દેખાતા પોસ્ટના કર્મચારી તેમના ઘરે ટપાલ દેવા જાય છે, ત્યારે અલીડોસા મૃત્યુ પામ્યાનું જાણવા મળે છે.  આ કથામાં ટપાલની ઇંતેજારીની વ્યથા વ્યક્ત કરવામાં આવી છે.

 

મિત્રો એ સમયે ટપાલો લખવાની પણ કળા હતી … એક આગાવી ઢબ જતી.  ટપાલના ઉપરના ભાગમાં     કે જય શ્રી કૃષ્ણ, જય માતાજી લખવામાં આવતું.

 

ત્યારબાદ ‘એતાન ગામશ્રી રાજકોટ મધ્યે શ્રી ફલાણાભાઈ થથા ઘરના સૌ કોઈને ગામ મોરબીથી ફલાણાભાઈના જાજા કરીને રામરામ વાંચશો’  એવું મથાળું બંધાતું અને પછી જે કંઈ વિગત જણાવવાની હોય તે વિગતવાર લખવામાં આવતું.

 

વળી પત્ર પુરો થવા આવે એટલે તા.ક.  લખીને ‘પત્ર લખવામાં કંઈ ભૂલચૂક હોય તો સુધારીને વાંચશો’  એવું લાગણીસભર માનવાચક વાક્ય અવશ્ય લખવામાં આવતું.

 

એમાંય વળી શુભ અશુભ પ્રસંગે લખાતી ટપાલો માટે પણ ખાસ પદ્ધતિ હતી.  શુભ પ્રસંગે લખાતી ટપાલો હંમેશાં લાલ શાહી (અક્ષરે) દ્વારા લખાતી અને તેને ‘શુક્નિયો’  કહેવામાં આવતી.  જ્યારે અશુભ પ્રસંગે લખાતી ટપાલો હંમેશાં કાળી શાહી દ્વારા (અક્ષરે)  લખાતી અને તેની ઉપર મથાળું ‘અશુભ’ પણ બંધાતું. આવી ટપાલને ‘મેલો’ કહેવામાં આવતી.  જે સામન્ય સંજોગમાં એક વખત ટપાલ વંચાઈ ગયા બાદ તૂરત જ ફાડી નાખવામાં આવતી, તેને ઘરમાં સાચવવામાં ન આવતી.

message by telegraph

એ સમયે સંદેશાની આપલે માટે આશિર્વાદરૂપ બનેલ ટપાલ સેવાને વધુ ઝડપી બનવવા પોસ્ટ ખાતાએ પણ કમરકસી હતી.  સંદેશાની ઝડપી આપ લે થઇ શકે તે માટે ટેલીગ્રામ સેવા વિકસાવી હતી.  પરંતુ આ ટેલીગ્રામ સેવા એટલે કે ‘તાર સેવા’  ટુંકા અને અગત્યના સંદેશા માટે જ વધુ અનુકુળ રહેતી.  ખાસ કરીને ઈમરજન્સી મેસેજ હોય ત્યારે જ લોકો તેનો વધુ ઉપયોગ કરતાં કેમ કે તે થોડી વધુ પડતી ખર્ચાળ પણ હતી.

 

બાદમાં એનાથી વધુ ઝડપી કહી શકાય તેવી ટેલીફોન સેવા વિકસી.  બસ જયારથી ટેલીફોન સેવા આવી ત્યારથી જાણે કે ટપાલ યુગનો અસ્ત થવાની શરૂઆત થઇ ગઈ તેમ કહીએ તો કશું અહીં ખોટું નથી.  એમાંય એસ.ટી.ડી.  સેવા વિકસી, ડાયરેક્ટ નંબર ઘુમાવો એટલે દેશના કોઈપણ છેડામાં રહેલ સામેવાળી પાર્ટી સામા છેડે હાજર !   આવીજ રીતે આઈ.એસ.ડી.  એટલે કે ઈન્ટરનેશનલ વિદેશી સેવા સાથે પણ ટેલીફોનનું ડાયરેક્ટ ડાઈલીંગ દ્વારા જોડાણ થઇ જતાં પરદેશમાં પણ તૂરત ફોન દ્વારા સંપર્ક ની સરળતા થઇ ગઈ.  દેશ કે પરદેશ માટે કોલ બુક કરાવવાની ઝંઝટ પણ દુર થઇ, સીધાજ નંબર ડાયલ કરી ‘હાય, હલ્લો, કેમ છો’  કરીને વાતો કરી શકાતી.

 

શુભ અશુભના પ્રસંગોએ પણ ટપાલ લખવાની પ્રથા ધીરેધીરે ઓછી થઇ ગઈ, હવે તો ફોન ઉપર જ સમાચારો જણાવી દેવાય છે.

 

દીવા જેવી જ વાત છે ને મિત્રો !  ઘરે ઘરે ટેલિફોન આવી ગયા પછી ટપાલ કોણ લખે ?  ધીરે ધીરે ટેલીગ્રામ સેવાનો ઉપયોગ પણ ઘટી ગયો અને ભારતમાં ૧૬૩ વર્ષ જેવી અવિરત કામગરી પછી ‘ડોટ કોમ’ ના દાદા જેવી ‘ડોટ ડેશ’ ની ટેલીગ્રામ સેવાનો યુગાંત આવ્યો, અને તે સેવાને સંપૂર્ણ બંધ જાહેર કરી દેવામાં આવી છે.

 

પોસ્ટ ખાતું પણ હવે સ્વીકાર કરે છે કે પત્રવ્યવહાર મહદઅંશે ઘટી રહ્યો છે.  નવા વર્ષે લખાતા દિવાળી કાર્ડ કે લગ્નદિન-જન્મદિને પાઠવતા ટેલિગ્રામની પ્રથા પણ ઘટી રહી છે.  હવે ફોન ઉપર જ શુભેચ્છાઓ પાઠવી દેવામાં આવે છે.  અને હાલ તો આનું સ્થાન મોબાઈલ ફોન  દ્વારા એસેમેસ કે વોટ્સએપે લઇ લીધું છે.

message by pager

જો કે આ મોબાઈલ ફોન સેવા પહેલાં પેજર સેવા પણ અસ્તિત્વમાં આવી હતી.  જેમાં કોઈપણ વ્યક્તિના ખિસ્સામાં કે કમરપટ્ટે રહેલા ઇન્સ્ટ્રુમેન્ટમાં ફોન કરીને સંદેશાની બે ચાર લાઈનો મોકલી શકાતી પરંતુ માત્ર માર્યાદિત પ્રમાણમાં કામ આવતી આ પેજર સેવા જાજો સમય ટકી નહોતી.  હજુતો લોકો પૂરી સમજે જાણે એ જ પહેલાં જ પેજર સેવા બંધ થઇ ગઈ.  ઉગતાની સાથે જ આથમી ગયેલ આ પેજર સેવાનો મૃત્યુ ઘંટ વગાડવા માટે મોબાઈલ ફોન સૌથી વધુ કારણરૂપ બન્યો તેમ કહી શકાય.  મોબાઈલ ફોન સેવાઈ ઉદય સાથે જ આકર્ષણ જમાવી દીધું.

message by mob.

ટૂંકા સંદેશાઓ માટે મોબાઈલ ફોન પરથી શોર્ટ મેસેજીસ સર્વિસ એટલે કે આગળ જણાવ્યું તેમ એસ.એમ.એસ. સેવા આશિર્વાદરૂપ નિવડી છે.  પ્રમાણમાં ઓછી ખર્ચાળ હોય લોકે એસ.એમ.એસ. સેવાને સહર્ષ સ્વીકારી છે.

 

તેમાંય આ ઈન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં સંદેશા વ્યવહારક્ષેત્રએ મોટી હરણફાળ ભરી છે.  કોમ્પ્યુટર માધ્યમથી શરૂ થયેલ ઈન્ટરનેટ સેવામાં સંદેશાઓની એકદમ ઝડપી આપ લે માટે ઈમેઈલ સેવા વિકસી છે.  કોમ્પ્યુટર ઉપર ટાઈપ કરેલ સંદેશો ઈન્ટરનેટ માધ્યમ દ્વારા થોડીજ ક્ષણોમાં વિશ્વના કોઈપણ ખુણે પહોંચાડી શકાય છે.  તેમાં પણ નવા નવા સંશોધનો થતા રહ્યા અને કોઈપણ ભાષામાં ઈમેઈલ કરી શકાય તેવી સોફ્ટવેર તેમજ વેબસાઈટો વિકસી છે.

 

ઈ-મેઈલ સંદેશા પદ્ધતિ આવતા હસ્તાક્ષરોનું મહત્વ ઘટ્યું   કેમ કે એમાં હાથેથી લખવાને બદલે કોમ્પ્યુટર ઉપર જ જોઈએ તેવા ફોન્ટમાં ટાઈપ કરી શકાય છે.  વળી બીજી સુવિધા એ રહે છે કે તમારે એક જ પ્રકારનો મેસેજ ૫,૧૦, ૫૦ કે તેથી વધુ લોકોને મોકલવો હોય તો ઈ-મેઈલ સુવિધામાં માત્ર જૂદા જૂદા સરનામાં જ કરવાના રહે છે.  જે તે મેસેજની સીધી જ કોપી કરી શકાય છે.  ઈ-મેઈલની સૌથી આશિર્વાદરૂપ સેવા એ છે કે એમાં તમે તમારા ફોટોગ્રાફ્સ અને આખા આલ્બમ મોકલી શકો છો.  પસંદગીના મ્યુઝિક કે ગીતો પણ તમે ઈ-મેઈલ થ્રુ ગમે તેને મોકલી શકો છો.

 

પરંતુ હા એક વાત સતત ખુંચે એવી છે કે પત્ર વ્યવહારમાં જેટલી ઈંતેજારી રહેતી તે ઈમેઈલમાં રહેતી નથી.

 

શરૂઆતમાં ઈ-મેઈલ સેવાનો ઈજારો ફક્ત ઈન્ટરનેટ કનેક્શન ધરાવતા માલેતુજારો માટે માર્યાદિત હતો.  પરંતુ હવે તો પોસ્ટખાતાએ પણ પરિવર્તનના પવનની દિશા પારખીને ઈ-મેઈલ સેન્ટરો શરૂ કરી દીધા છે.  આવા સેન્ટરો પરથી કોઈ પણ આમજન નિયત શુલ્ક ભરીને ઈ-મેઈલ સંદેશો મોકલી શકે છે.  મતલબ કે હવે ઈ-મેઈલ સેવા સર્વ સામાન્ય બની રહી છે.

 

ખાનગી ઈ મેઈલ સેન્ટરો પણ ઘણા ખુલી ગયા છે.  તમે પોતે કોમ્પ્યુટર કે ઈન્ટરનેટ કનેક્શન ન ધરાવતા હો તો પણ તમારૂ ઈ મેઈલ એડ્રેસ બનાવી શકો છો.  કોઈપણ સાયબર કાફેમાં નિયત ફી ચૂકવી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો.  જ્યાં નેટના માધ્યમથી નિ:શુલ્ક રજીસ્ટ્રેશન સુવિધા આપતી વેબસાઈટમાં તમારૂ ઈમેઈલ એડ્રેસ બનાવી શકો છો.

 

બાદમાં તમે એ ઈમેઈલ એડ્રેસ સગા સંબંધી અને સ્નેહી મિત્રોને આપી શકો છો અને તમારા વીઝીટીંગ કાર્ડમાં પણ છપાવી શકો છો !

 

બાદમાં તમો સમયાંતરે પર્સનલ ઈન્ટરનેટ કનેક્શન મારફતે અથવા કોઈપણ સાયબર કાફેની મુલાકાત અલી તમારૂ ઈમેઈલ બોક્ષ કોઈપણ સમયે ચેક કરી શકો છો અને તમારા આવેલ ઈમેઈલનો જવાબ પણ કોઇપણ સમયે આપી શકો છો.

 

તો મિત્રો આ હતી આપણા સંદેશા વ્યવહારની ટપાલ સેવાથી માંડીને ઈમેઈલ સેવા સુધીની મીઠી સફર …

 

 

સંકલિત :  મિતેષ આહિર …(પત્રકાર-અકિલા સાંધ્ય દૈનિક)

 

 

mitesh ahir

 

Mitesh AhirJournalist
Rajkot Cell : + 91  97250 55299
My New Blog : http://mitesh1ahir.wordpress.com
Visit My Blog : http://kathiawadimitesh.blogspot.com/

 

શ્રી મિતેષભાઈ પત્રકારિત્વ ના વ્યવસાય સાથે અકિલા સાંધ્ય દૈનિક (રાજકોટ) સાથે જોડાયેલા છે.  તેઓના અનેક લેખ ખૂબજ સુંદર અને માણવા જેવાં છે, જે આજસુધીમાં અનેક અન્ય પ્રકાશન દ્વારા પબ્લીશ કરવામાં આવેલ છે.  હવે પછીથી તેઓના લેખ સમયાંતરે આપ સર્વે પણ અહીં માણી શકો તેવી અમારી નમ્ર કોશિશ રહેશે. 

 ‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ મોકલી પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રી મિતેષ આહિર… (રાજકોટ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Very Interesting detail information in interesting way.

 • Rashmikant Raval -USA

  મિતેષ આહિર (અકિલા – જર્નાલિસ્ટ )
  ભાઈ શ્રી મીતેશભાઇ આહીર

  અપનો . ટપાલ યુગથી ઈ – મેઈલ યુગ સુધી …બ્લોગ વાંચ્યો , ઘણો સારો અને વાંચવા લાયક છે .
  પરંતુ તમે ઈમેઈલ સુધી આવી ને અટકી ગયા પરંતુ એના પછી આધુનિક જમાના અને યુવાન જગત ના ‘’ વોટ્સ અપ ‘’ ને કેમ ભૂલી ગયા ?
  એક સેકંડ માં ટપાલ સામે વાળા ના હાથ માં ………..

  એનાથી આગળ વધીએ તો હવે દરેક સ્માર્ટ ફોન માં ‘’ વાયબર ‘’ નામની એપ્લીકેસન છે એ જેના સ્માર્ટ ફોન માં ડાઉનલોડ કરે એ બધા ‘’ વાયબર ‘ દ્વારા દુનીઅભર માં વાત કરી શકે છે
  ગુજરાતી માં કહેવાય કે ‘’ મફત ‘’ સેવા મળે છે . જોકે બંને મોબાઇલ માં ઈન્ટરનેટ હોવું જરૂરી છે .

  તમે ભારત માં હો કે લંડન કે ડેન્માર્ક કે અમેરિકા કે દુનિયા ના કોઈ પણ ભાગ માં હોવ પરંતુ જો બંને ફોન માં ઈન્ટરનેટ કનેક્શન હોય તો મફત માં કલાકો સુધી રોજ વાત કરી શકાય
  ( હું મારા બધા મિત્રો, સગા ,બાળકો જોડે વાયબર થી જોડાયેલો છું અને દરરોજ બે કલાક વાતો કરું છું .)

  બીજો ફાયદો એ છે કે જો સામેની વ્યક્તિ ‘’ઓનલાઈન ‘’ ના હોય અને સુઈ ગયી હોય તો પણ તમે મિનીટ મિનીટ ની જેટલી ઈચ્છા હોય એટલી ‘’વોઈસ કોલ ‘’ પણ વાયબર ઉપર મૂકી શકો જેથી એ વ્યક્તિ જયારે
  ઊંઘ માંથી ઉઠે અને પોતાનું વાયબર જોવે ત્યારે સાંભળી શકે કે શું સંદેશો મુકાયેલો છે અને એ પણ આપને સાંભળી શકે .

  તમે સમય પણ જણાવી શકો કે કે કેટલા વાગે તમે વાત કરશો ‘’ દા.ત. તમે કહી શકો કે ‘’ અત્યારે હું ઓફીસ જવું છું અને રાતે એટલા વાગે ઘરમાં હઈશ –ફ્રી હઈશ ‘’તો વાત કરજો ‘’
  તમારો ફોન ખીસા માં હોય અને કોઈપણ મિત્ર વાયબર કોલ કરે તો તુર્તજ રીંગ વાગશે અને તમે જાની શકશો કે ફોન આવ્યો છે .તમે લઇ ને વાત કરી શકો છો

  ઘણી વખત લોંગ ડીસત્ન્સ ફોન કોલ નથી લગતા ત્યાં વાયબર લાગી જાય છે
  ફોન માં વોઈસ કોલ પણ ઘણી વાર ના જઈ શકે અને વાયબર માં તો તમે જે સુચના આપવી હોય એ આપી ને મુક્ત થઇ જાવ અને સામેની વ્યક્તિ સમય મળે ત્યારે સાંભળી ને જવાબ પણ બોલી મોકલી શકે .

  હજુ એના થી આગળ વધો તો ‘’ સ્કાયપ’’ દ્વારા પણ રૂબરૂ ની જેમ મોબાઇલ કે કોમ્પુટર દ્વારા સામ સામે વાત થઇ શકે

  ટૂંક માં હવે પોસ્ટ ઓફીસ દરેક ના હાથ માં આવી ગયી છે .
  ‘એ …………… ભાઈ ભાઈ , ભાઈ ભાઈ ‘’……………………………………………..

  અભાર
  રશ્મીકાંત રાવલ
  અમદાવાદ
  ( રાજકોટ માં એકડિયા બગડિયા અને ધોરણ ૧ ગુંદાવાડી /લક્ષ્મી વાડી માં ભણેલો તેથી હજુ રાજકોટ યાદ આવે –અકિલા પણ મારા ધારવા પ્રમાણે ઘણું જુનું છે –વર્ષો વીતી ગયા )

  http://kathiawadimitesh.blogspot.in/ બ્લોગ સારો છે

 • તો મિત્રો આ હતી આપણા સંદેશા વ્યવહારની ટપાલ સેવાથી માંડીને ઈમેઈલ સેવા સુધીની મીઠી સફર

  સંકલિત : મિતેષ આહિર …(પત્રકાર-અકિલા સાંધ્ય દૈનિક)
  A Post based on the Lekh by Miteshbhai.
  Nice !
  The Change is wonderful.
  But…it seems the “human feelings ” and that “feeling of closeness to each other” is lost in this change.
  May the Humanity preserve the MANAVATA within !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ my Blog !