સંબંધોની પળોજણ  …

સંબંધોની પળોજણ  …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …

 

 

 

 relation.1

 

 

જીવનસફરમાં સંબંધોની આવનજાવન ચાલુ રહે છે જેમ સ્ટેશને સ્ટેશને મુસાફરોની ચઢઉતર થાય છે તેમ. આવી આવનજાવનને કારણે જ સંબંધોના બંધન રચાય છે. વળી આ બંધનો કેવા અવનવા અને વિચિત્ર હોય છે ! તેની વિવિધતા તો જુઓ. ફક્ત માનવી માનવીના નહી પણ માનવી અને પશુઓના સંબંધો પણ જાણવાલાયક અને માણવાલાયક હોય છે. કદાચ આપણા પૂર્વજો(!)ના બીજ હજી માનવીમાં ધરબાયેલ હશે એટલે જ આ પશુસ્નેહ તેનામાં જાગૃત છે કે કેમ?

 
પણ અહીં વાત કરવી છે ફક્ત માનવી માનવીના સંબંધોની જેને આપણે જુદા જુદા વિભાગમાં વહેંચી શકીએ – કૌટુંબિક, સામાજીક, આર્થિક, વગેરે.

 
કૌટુંબિક સંબંધો તો અનેક પ્રકારના છે – જન્મજાત અને વ્યાહવારિક. બાળપણથી મરણ સુધી આ સંબંધો જુદા જુદા સ્તરે સ્થપાય છે અને બદલાતી તાસીર પ્રમાણે તે પણ બદલાતા રહે છે જેને કારણે જુના સંબંધો ભૂલાઈ જાય છે અને નવા બંધાતા જાય છે. શાળા–કોલેજ કાળ દરમિયાન બંધાયેલા સંપર્કોમાંથી આગળ જતાં કેટલા નભાવીએ છીએ ? એક, બે કે એક પણ નહી ! જો કે તેમાંથી એક સંબંધ જીંદગીભરનો પણ બની શકે છે અને તે જીંદગી સુધારી (કે બગાડી) શકે છે – લાઈફ પાર્ટનર બનીને. આવા સંબંધોના સરવાળા બાદબાકી એક પૂર્ણ ચર્ચા માંગી શકે છે જે અત્યારે અસ્થાને છે.

 
સંબંધોનુ હોવું એ પણ માનવીના માનસ ઉપર આધારિત છે. વાચાળ અને મિલનસાર સ્વભાવવાળાનો સંબંધોનો વ્યાપ વિપુલ હોય છે જયારે ઓછાબોલા અને સંકુચિત માનસવાળાનું વર્તુળ સિમિત હોય છે અને તેમાંથી કેટલાક તો તેમણે મનેકમને નિભાવવાના હોય છે. આવું સમાન સ્તર અને ભિન્ન ભિન્ન સ્તર વચ્ચેના સંબંધો માટે પણ કહી શકાય. સમાન સ્તરના સંબંધો જે રીતે સચવાય છે તે જુદા જુદા સ્તરના લોકો વચ્ચે તેટલી આસાનીથી નથી જળવાતાં – કદાચ ઉંચા સ્તરનો અહંકાર કે વડાઈ તેને માટે કારણરૂપ બની રહે છે.

 

 

 relation.2

 

બચપણથી લઈને ઘડપણ સુધી આપણે જુદા જુદા પ્રકારના સંબંધો વડે બંધાયેલા હોઈએ છીએ. બાળપણમાં દાદા–દાદી, મા–બાપ, ભાઈ–બહેનથી આરંભાતો સંબંધ આગળ જતાં વિસ્તરે છે અને તેમાં કાકા–કાકી, મામા–મામીના ઉમેરાથી તે વણઝાર લંબાય છે અને તે લાંબા ગાળાનો સાથ બની રહે છે.

 
શાળા, કોલેજમાં નવા મિત્રો, તેના મિત્રો અને તે મિત્રોના મિત્રો – અધધ, માપી ન શકાય એટલું મોટું વર્તુળ રચાય છે પણ તે કેટલો વખત અને કેટલો વિસ્તરિત તે તમારા પર નિર્ભર છે.

 
ત્યાર પછીના તબક્કામાં નોકરી ધંધાના કુંડાળામાં પ્રવેશતા તમે ફાયદાકારક સંબંધોને બાંધવાના અને સાચવવાના ભરપૂર પ્રયાસ કરશો. પરંતુ આ સંબંધ પણ સગવડિયો બની રહે છે કારણ સ્વાર્થની દુનિયામાં કોઈપણ સંબંધ કાયમી બની નથી રહેતો સિવાય કે તે નિસ્વાર્થભાવે બંધાયો હોય અને જળવાયો હોય. પણ આ પણ સામા ઉપર નિર્ભર છે. તમે લાખ પ્રયત્ન કરશો તો પણ સામેથી તેનો પ્રતિભાવ નહીં મળે તો તે તૂટી જશે. તમે વિચારશો કે મારી શું ભૂલ ? પર અબ પછતાયે ક્યા હો જબ ચીડિયા ચુગ ગઈ ખેત !

 

 

 relation

 

સંબંધોમાં નાજુક સંબંધ એટલે જીવનસાથી સાથેનો સંબંધ. તે અનન્ય તો છે જ પણ તે સામાન્ય રીતે સુંવાળો અને ગાઢ પણ હોય છે. પણ સિક્કાની બે બાજુની જેમ કોઈકના માટે તે કાંટાળો બની રહે છે ! તેમ થવાના મુખ્ય કારણ છે સામાજિક, આર્થિક કે અંગત. પહેલાના જમાનામાં આવા સંબંધો વડીલોના ઈશારે થતાં જેમાં સ્વના ગમા અણગમાની કોઈ ગુંજાયેશ ન હતી. પોતાનું પાત્ર દેખાવે, સ્વભાવે કેવું હશે તેનો વિચાર પણ અસ્થાને હતો. તેને કારણે લગ્ન બાદ મનમેળ ન હોય તો પણ વડીલોની અને સમાજની આમન્યાને કારણે પડયું પાનું નીભાવી લેવું પડતું. પણ હવે જમાનો બદલાઈ ગયો છે. વડીલો પણ સમજતાં થઈ ગયા છે અને પોતાના નિર્ણય ઠોકી ન બેસાડતાં પસંદગીની છૂટ આપે છે. આનુ કારણ પાશ્ર્વત્ય રહેણીકરણીનો વ્યાપ, ભણતરનો ફેલાવો વગેરે. સહભણતર તો ભાગ ભજવે છે પણ ત્યારબાદ નોકરીમાં સાથે ગળાતો સમય પણ કારણરૂપ બને છે.

 
પણ રખે માનતા કે આવા સંબંધો હંમેશા મીઠી વીરડી બની રહે છે. સમય જતાં આમાં પણ ખારાશ આવી જાય છે જે માટે બન્ને પાત્ર જવાબદાર ગણી શકાય. આમ થવાના કારણો છે મુખ્યત્વે એકબીજાથી અસંતોષ. તે ઉપસાવવા માટે જવાબદાર છે બન્નેના કુટુંબીજનો, આડોશપાડોશ અને મિત્રો જે અંતે તે ફારગતી સુધી પહોંચી જાય છે. પણ જો બેમાંથી એક પાત્ર સમજદાર હશે અને સમજીને ઉકેલ લાવશે તો આ સંબંધ સચવાઈ જશે તેમાં શક નથી.

 
લગ્નબંધન પછી ફરી એકવાર નવા સંબંધોનો સીલસીલો ચાલુ થઈ જાય છે. સામા પાત્રના માતા–પિતા, અન્ય કુટુંબીજનો, મિત્રો વગેરે સંબંધની જાળને વધારે ફેલાવે છે. હવે આ સંબંધો કેવા ટકે છે અને ક્યાં સુધી તે તો સમય જ કહી શકે પણ એક વાત ચોક્કસ છે કે સ્ત્રીવર્ગ તે વધુ સારી રીતે નીભાવી શકે છે કારણ આદમી અનુકૂળ હોય તેવા સંબંધો સાચવવામાં માને છે જયારે મહિલા મોટેભાગે સંબંધો બગાડવામાં માનતી નથી.

 
લગ્નને કારણે સમય જતાં વળી પાછા સંબંધના સમીકરણો બદલાઈ જાય છે. બાળપણમાંથી વયસ્ક બનેલાના તાણાવાણા નવેસરથી વણાય છે જયારે તે પિતૃત્વ પદ હાંસલ કરે છે. હવે તેના જીવનમાં બાળકો, તેના મિત્રો, શિક્ષકો વગેરે પ્રવેશે છે. પરંતુ જેમ જેમ તેનું બાળક મોટું થતું જાય છે ત્યારે આ પણ કાયમી નથી રહેતા, જાણે તેની જીંદગીના પૂર્વાર્ધનું પુનરાવર્તન ન થતું હોય, ભલે જુદી રીતે.

 
સંબંધોની પળોજણમાં અગાઉના સમયમાં તિરાડો ન હતી અથવા હતી તે બહાર નહોતી આવતી તે હવે એકવીસમી સદીમાં છડેચોક પોકારાય છે. ભલે આજના વડીલે પોતાની યુવાવસ્થામાં પોતાના વડીલોને સાચવી લીધા હોય અને પોતાના વડીલોના ગમા–અણગમાને સાચવી લીધા હોય પણ આજની યુવા પેઢી તેમ નથી કરતી બલકે છડેચોક પોતાના મંતવ્યો અને ભેદભાવોને જાહેર કરે છે. કારણ છે બદલાતી સમાજની તાસીર અને સંયુક્ત કુટુંબની લુપ્ત થતી ભાવના. શા કારણે તે કહેવાની જરૂર છે ? વધતાં જતાં વૃદ્વાશ્રમોની સંખ્યા આનો સબળ પૂરાવો છે.

 
કૌટુંબિક સંબંધોથી આગળ વધીએ તો સંબંધોનું વર્તુળ આડોશપાડોશથી શરૂ થયેલ તે નાત–જાત, શહેર અને દેશ–પરદેશ સુધી વિસ્તરી શકે છે કારણ સદીઓ પહેલા જે દુર્ગમ હતું તે આજે સંચારના નવા નવા સાધનોને કારણે સુગમ થઈ ગયું છે. હવાઈ સાધનોના વિકાસને કારણે અને ઈન્ટરનેટ જેવી સુવિધા તેમ જ ફેસબુક, વોટસેપ, ચેટિંગ વગેરે જેવી હાથવગી તકનીકી શોધોને કારણે હવે સંબંધો બાંધવા અને નિભાવવાનું આસાન થઈ ગયું છે.

 
પણ જેટલા સાધનો તેટલી વધુ પળોજણ. આધુનિક સાધનોનો દુરુપયોગ પણ હવે વધી રહયો છે જે સૌ જાણે છે. સંબંધો વધારવા જો તેનો સમજી વિચારીને ઉપયોગ કરાય તો ઠીક બાકી ન બાંધવા જેવા સંબંધો જો બંધાઈ જાય તો તેના હાલહવાલ કેવા થાય તે પણ લોકો જાણે છે.
 

 

 

 
આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રીનિરંજનભાઈ મહેતા (મુંબઈ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
  લેખકશ્રી નાં સંપર્ક વિગત :

niranjan mehtaNiranjan Mehta
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai-400091.
Tel. 28339258/9819018295

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • Ramesh Patel

    ચીંતનશીલ લેખ, અનેક જીવન પાસાં ઉજાગર કરે છે…Thanks for sharing valuable lekha.

    રમેશ પટેલ(આકાશદીપ)