સ્ત્રી સશક્તિકરણ અને લગ્ન …

સ્ત્રી સશક્તિકરણ અને લગ્ન …

 

 

 women marraige.1

 

 

સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે જ દેશની પચાસ ટકા વસ્તી ઘરને રસોડામાં જ પૂરાયેલી હોય તે દેશ કઈ રીતે પ્રગતિ કરી શકે !  સ્વતંત્રતા મેળવ્યા બાદ અતિ ધીમી ગતિએ આ ક્ષેત્રમાં પ્રગતિ થઇ છે.કન્યા કેળવણીનો વ્યાપ થયો છે.મહિલાઓ ઘરની બહાર નીકળી વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી થઇ છે અને ઉચાં હોદ્દાઓ કુશળતા પૂર્વક સંભાળી રહી છે.  બંધારણે સમાન અધિકારો આપ્યા છતાં આજે પણ સામાજિક અધિકારોમાં તે દ્વિતીય સ્થાને જ છે.કાયદાના રક્ષણ છતાં સામાજિક માનસિકતાને કારણે women empowerment  શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. થોડા સમય પહેલા એક અંગ્રેજી સમાચાર પત્રમાં વાચ્યું કે ભારતમાં લગભગ પચાસ ટકા કન્યાના લગ્ન  …લગ્નની  અઢાર વર્ષની નિશ્ચિત કરેલી વય પહેલા જ થઇ જાય છે.

 
આ વાત આધુનિક મહિલાઓ અને કન્યાઓને સાચી નહિ લાગે … પણ વાત સાચી છે.  હું પોતે તેની સાક્ષી રહી ચુકી છું. શહેરોમાં અને નાના મોટા ગામોમાં વસતા લોકોમાં કન્યા શિક્ષણ વિષે જરૂર જાગૃતિ આવવા માંડી છે, પણ અહી જ વસતો ગરીબ, દલિત, સવર્ણ નહિ તેવી જાતિ અને  જ્ઞાતિઓનો  સમાજ આજે પણ સોળ વર્ષે જ કન્યાને પરણાવી દેવામાં દૃઢ રીતે માને છે, તો પછી ગ્રામ્ય સમાજની તો વાત જ શી કરવી !

 
ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, ઇન્દિરા નુઈ, મમતા બેનર્જી, માયાવતી અને મોટી મોટી કંપનીઓમાં વિશિષ્ઠ જવાબદારીનું વહન કરતી, સમાજમાં ઉચું સ્થાન ભોગવતી મહિલાઓની વાતો કરવાથી સમગ્ર સ્ત્રી સમાજનો વિકાસ થઇ રહ્યો છે તેમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.

women marraige

 

આ પરિસ્થિતિ માટે, મારી દ્રષ્ટીએ ત્રણ કારણો મુખ્ય છે.

 

–  દીકરી પારકી થાપણ છે.

 

કોઈની થાપણ ક્યાં સુધી સાચવવી ! સાદો સીધો અર્થ એવો તારવી શકાય કે લગ્ન પછી સાસરે વળાવીને, આજીવન તેના માલિકી હક બીજાને જ સોપવાના હોય તો લગ્ન કરી જવાબદારીમાંથી વહેલા મુક્ત થવું.

 

–  લગ્ન પછી ઘર, વર  અને સાસરિયાને સંભાળવાના છે ને !  તો એ તાલીમ વહેલી શરુ થઇ જાય તે જ સારું.

 

–  દીકરીને સાપનો ભારો માનનારો વર્ગ નાનો સૂનો નથી.

 

આપણે ત્યાં ગ્રામ્ય પ્રદેશ લગભગ સાઈઠ ટકા છે.  ત્યાંનો મોટા ભાગનો વર્ગ આમા માને છે, તેમની મજબૂરી પણ છે.  જ્યાં રસ્તા નથી, લાઈટ નથી, શાળા નથી  ત્યાં છોકરીઓને ખેતર અને સીમમાં કામે જવાનું છે, તેનો ગેરલાભ ઉઠાવી કૈક અજુગતું બને તો !  દેશની રાજધાનીમાં બળાત્કારની ઘટનાઓ બને તે પ્રકાશમાં આવે પણ દૂરના ગામડાઓનું શું !   કિશોરાવસ્થામાં જ જો આવું કઈ બની જાય તો કુટુંબને લાછન લાગે.

 

–  સામાજિક રીવાજો અને દહેજને કારણે દીકરીને આર્થિક બોજ માનવામાં આવે છે.

 

જેણે આ સમાજને જોયો નથી, સમજ્યા નથી, તેને આ વાત ગળે નહિ ઉતરે.

 

કાયદા તો ઘણા છે,પણ સાચા અર્થમાં દીકરા દીકરીની સમાનતામાં માનતો સમાજ ત્યારે જ બનશે જયારે સ્વયં મા – બાપમાં તે ભાવના જાગે અને તેનો અમલ કરે.યુવાનીમાં પ્રવેશતા સંતાનોને શિક્ષણ સાથે જાતીયતાની સમજણ આપે તો “ સાપનો ભારો”  જેવી કહેવત શબ્દ કોષમાંથી નીકળી જાય.  સ્ત્રીને પુરુષ સમોવડી નથી  બનવું, પુરુષ સમાન બનવું છે.  સ્વાતંત્ર્યના, શિક્ષણના, કાર્યક્ષેત્ર પસંદ કરવાના અધિકારો આપવા મા-બાપે જ પહેલ કરવી પડશે.

 

મહિલાઓએ પ્રગતિ જરૂર કરી છે, પણ તે માત્ર ઉપરનો પ્રવાહ છે, જે નજરે ચડે છે.  પણ સાથો સાથ તેની નીચે વહેતો અંદરનો પ્રવાહ નજરે ન ચડે એટલો નાનો  કે નબળો નથી.કન્યા શિક્ષણ, જાતીયતા અને ચારિત્ર્ય, તેઓની સાંસારિક, સામાજિક અને આર્થિક ભાગીદારી વિશેની વિચારસરણી નહિ બદલાય ત્યાં સુધી આવા બાળલગ્નો થતા રહેશે.

 

અંગ્રેજી સમાચારપત્ર સાથે સહમત થતાં મારે કહેવું જ પડશે કે આપણાં માટે આ શરમની વાત છે.

 

 
– દર્શના ભટ્ટ.
 

 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો સુશ્રી દર્શનાબેન ભટ્ટ (યુએસએ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
દર્શના ભટ્ટ … 
darshna bhatt
 

 

બ્લોગ લીંક:  http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • Dhiren Joshi

    સ્ત્રીનો “સાચો વિકાસ” સ્ત્રી જ કરી શકે..!