‘મૃત્યુ–પતિનું પહેલા કે પત્નીનું ?’ …

‘મૃત્યુ–પતિનું પહેલા કે પત્નીનું ?’   …

– શ્રી નિરંજન મહેતા

 

 

mrutyu.1

 

 

મૃત્યુનું નામ સાંભળતા જ દરેક માનવી એક પળ માટે ખંચકાઈ જાય છે. ભલે તે જાણે છે કે આ જગતમાં પ્રવેશ થાય તે ઘડીએ કોઈએ જલદી તો કોઈએ મોડું પણ જવાનું હરેકનું ગોઠવાયેલું છે. ગમે તેટલું ઈચ્છતો હોય કે તેને ઈચ્છામૃત્યુ મળે પણ તે ધારે છે તેમ નથી થતું કારણ અંતિમ નિર્ણય તો ઉપરવાળાનો જ ખરો ઠરે છે. અપવાદ રૂપ હોય તો ભિ પિતામહ જેવા વીરલા.

 

 

 

mrutyu

 

 

પણ આ લેખ મૃત્યુની ચર્ચા કરવા માટે નથી પણ અન્ય એક સમસ્યા ઉપર વિચાર કરવા લખાયો છે. સમાજમાં નર–નારીના સંબંધો પતિ–પત્નીના રૂપમાં સામાન્ય છે. દરેક એક બીજાની સુખ–શાંતિનો વિચાર કરે છે. સનાતન કાળથી નર પોતાને નારીના  રક્ષકના અને તારણહારના પાત્રમાં જુએ છે. સ્ત્રી પોતાનું જીવન સારી રીતે ભોગવી શકે તે માટે તે સતત પ્રયત્ન કરતો રહે છે.

 

આ તો થઈ પતિ જીવે ત્યાં સુધીની વાત. પરંતુ જયારે તે પત્નીની પહેલા મૃત્યુ પામે છે ત્યારે સંજોગો બદલાઈ જાય છે. આવા સંજોગોમાં એક કરતાં વધુ વિકલ્પો ઊભા થાય છે–કાં તો સ્ત્રીને એકલા રહેવાનું આવે છે યા તો પતિના કુટુંબ સાથે. જો તેને કુટુંબ સાથે રહેવાનુ હોય અને તેને અન્ય લોકો સારી રીતે રાખે તો તે અલગ વાત થઈ. આને કારણે તે પોતાના સંતાનોનો ઉછેર, શિક્ષણ વગેરે સારી રીતે પાર પાડી શકે છે. પણ આનાથી વિપરિત દશામાં પણ અમુક સ્ત્રીઓ મૂકાઈ જાય છે જેમાં પતિના કુટુંબીજનો તેને સારી રીતે નથી રાખતા જેને કારણે તે સ્ત્રીની બાકીની જીંદગી તેમના ગેરવર્તનને કારણે ત્રાસમય થઈ પડે છે.  તેના બાળ્કો જો નાના હોય તો ઉછેરમાં પણ મુશ્કેલી પડે. શું આ માટે સ્ત્રીને ‘અખંડ સૌભાગ્યવતી’નો આર્શીવાદ અપાય છે જેથી તે પહેલા મૃત્યુ પામે અને ત્રાસમાંથી બચી જાય ?

 

 

પરંતુ જે સ્ત્રી એકલી થઈ જાય છે, એટલે કે કોઈ કારણસર પતિના કુટુંબનો સથવારો ન મળે અને બધુ જાત પર આવી પડે ત્યારે તેની કફોડી હાલત થઈ જાય છે તે કહેવું જરૂરી છે ?   ડગલેને પગલે રોજબરોજના જીવનમાં આવતી મુશ્કેલીઓનો તેને એકલે હાથે સામનો કરવો પડે છે અને તે નિરાશાજનક હાલત ભોગવે છે. બહુ ઓછી એવી મહીલાઓ હશે જે મક્કમ મને આ બધુ સહન કરી પોતાની જીંદગી સ્વતંત્ર જીવી શકે છે.

 

કોઈપણ વિકલ્પ હોય પણ આર્થિક પ્રશ્ર્ન મહત્વનો ભાગ ભજવે છે. પતિએ જો અગમચેતી વાપરી સરખી આર્થિક વ્યવસ્થા કરી હશે તો તે વિધવા ગર્વભેર રહી શકશ ેઅને બીજા પર આધાર નહી રાખવો પડે, તેમાંય જો તે ભણેલી અને સમજદાર હશે તો તે સરળતાથી અને ખુમારીથી રહી શકશે.

 

પરંતુ સિક્કાની બીજી બાજુનો વિચાર કરીએ તો જો પત્નીનું મૃત્યુ પહેલા થાય તો પાછળ રહેલા પતિની હાલત કેવી હશે ?

 

એક વિધવા પોતાના જીવનને જે રીતે સંભાળી લે છે તેવું વિધુરના કિસ્સામાં નથી તે હકીકત છે. મોટા ભાગના વિધુરો આવે સમયે ભાંગી પડે છે કારણ જીવનભર જેનો સાથ હતો અને જેના સહારે તે દાંપત્યજીવન ગુજારતો હતો તેના માટે હવે એકલા રહેવાનું અસહય થઈ પડે છે કારણ હવે તેની નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાવાળું હયાત નથી.  ભલે તેના સંતાનોનો સાથ હોય પણ તેમ છતાં તે એકલો પડી જાય છે. પણ જો કોઈ સંતાનનો સાથ ન હોય તો ? તો તેની લાચારીનો વિચાર તમે કરી શકો છો.

 

અહીં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે.   ભલે તે પોતાને સ્ત્રી કરતાં ઉપરના સ્થાને ગણતો હોય પણ હકીકત તો ઉલટી છે.  જન્મથી મૃત્યુ સુધી તેને એક યા બીજા સ્વરૂપે સ્ત્રી પર આધાર રાખવો પડે છે  જે મા, બહેન, પત્ની કે દીકરીના રૂપે ભાગ ભજવે છે.

 

એક પત્ની પોતાની વાતો પતિને કે અન્યને જેમ કે બહેનપણી, દીકરી કે ક્યારેક પુત્રવધૂ આગળ કરી શકશે પણ પતિ તેમ નથી કરી શકતો કારણ પહેલેથી તેને પોતાની વાત હૈયામાં દબાવી રાખવાની આદત હોય છે.  જયાં સુધી પત્ની હયાત હતી ત્યારે તો ઘણી બધી (પણ બધી તો નહી જ !) વાતો કહેવાની આદત હશે પણ તેના ગયા પછી હવે કોના આગળ દિલ ખોલવું તેની મૂંઝવણ તે અનુભવશે. સંતાનોને ન તો સમય હોય છે, ન તો તેમને પિતાની સમસ્યામાં રસ હોય છે કે સમજાતી નથી.  તો મિત્રગણ હોવા છતાં તેને ચૂપ રહેવું પડે છે.

 

યુવાન વયે એકનું મૃત્યુ થાય તે વાત જુદી છે પણ બેમાંથી એકની પાછલી જીંદગીમાં આમ થાય તો ?

 

પાછલી જીંદગીમાં એકલા પડેલા પતિને ચોવીસ કલાક ઘરમાં રહેવાનું થાય છે કારણકે તે નિવૃત્ત થઈ ગયો હોય છે. અન્ય સભ્યોના વ્યસ્ત જીવનમાં તે દખલરૂપ ન થાય તે માટે તેણે સતત સતર્ક રહેવું પડે છે. રોજની જરૂરિયાતો જેવી કે ચા–નાસ્તો, જમવાનું અને અન્ય જરૂરિયાતો માટે તેણે બીજાની ફૂરસદની ઉપર આધાર રાખવો પડે છે. વળી પત્નીને તેની પસંદગી અને ટેવોની જાણકારી હતી અને તેને તે સાચવી લેતી તેવું અન્યો ન પણ કરે. ત્યારે મન મનાવી રહેવું પડે. માંદગી આવે ત્યારે તો ઓર મુશ્કેલી. પગ દબાવવાનું, માથું દબાવવાનું જેવા કામ કોને કહેવા? પુત્રવધૂને તો ન જ કહેવાય ! આવે સમયે તેને પત્ની ગયાનો શોક વધુ લાગે છે.  એક વિધવા આવા સંજોગોમાં અડીખમ રહી શકે છે અને પોતાની જાતને સંભાળી શકે છે. વળી તે વિના સંકોચે ઘ્રના સભ્યો પાસે સારવારની અપેક્ષા રાખી શકે છે.

 

એવા પણ સંજોગો આવે છે જયાં પુત્રવધૂ મોડર્ન હોય, પોતાનું સ્ટેટસ જાળવવામાં માનતી હોય, જેથી કરી તેને પાર્ટીઓ, મિટિંગો અને અન્ય સામાજીક કાર્યોમાં વધુ રસ હોય. આને કારણે તે સસરાની સંભાળ રાખવાનું ચૂકી જાય. ‘રસોઈ તૈયાર છે અને ટેબલ ઉપર છે. જમી લેજો ‘ યા તો ‘અમે બહાર જવાના છીએ તમે મેનેજ કરી લેજો’ જેવા વાક્યો લગભગ અવારનવાર લાચાર સસરાના કાને પડતાં હશે. આવે સમયે સમજદાર સસરો મૌન ધારણ કરવામાં માને છે કારણ તેને ખબર છે કે ‘ન બોલ્યામાં નવગુણ’ જ સારો વિકલ્પ છે.

 

પણ આ બધું બહારને બદલે ઘરમાં ગોઠવાતું હોય તો? ‘આજે બહેનપણીઓ આવવાની છે તો મહેરબાની કરીને ત્રણથી પાંચ તમારા રૂમમાં રહેજો.’ ભલે પછી ચા માટે રાહ જોવી પડે. વળી આ સમયે ક્યાંય જવાય નહી એટલે નજરકેદ! પણ આને સ્થાને વિધવા સાસુ હોય તો તેને પુત્રવધૂ સારી રીતે ઉપયોગમાં લઈ લેશે.

 

પણ કુટુંબમાં કોઈ દેખભાળ કરવાવાળું ન હોય તો? તો તો એક જ વિકલ્પ છે અને તે વૃદ્ધાશ્રમનો આશરો.

 

જો આવા સંજોગોને પહેલેથી સમજીને તૈયાર રહીશું તો કોઈ મુશ્કેલી નથી આવતી કારણ તેનો સામનો કરવા તૈયાર હોઈ બાકીનું એકલવાયું જીવન સારી રીતે પસાર કરી શકાય છે.

 

આ લખાણનો હેતુ વિધવાનું કે વિધુરનું  એમ બેમાંથી કયું જીવન સારુ તેની ચર્ચા કરવા માટે નહી પણ આવા સંજોગોનો આગળથી વિચાર કર્યો હોય તો તે ફાયદાકારક બની રહે તે જ આશય.

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રી નિરંજનભાઈ મહેતા (મુંબઈ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.


  લેખકશ્રી નાં સંપર્ક વિગત :

niranjan mehtaNiranjan Mehta
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai-400091.
Tel. 28339258/9819018295


 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can also contact /follow us on :
twitter a/c : Ashokkumar (das)@dadimanipotli
facebook : dadimanipotli

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • nilesh

  thanks
  sachi vat kahiche. dost a to pakuj che. ke be mathi ek ne to a bhogvvuj padshe.

 • Neela Kadakia

  Sachi ane samjava jevi vaat kahi chhe.
  Thanx

 • Very Nice article..! Thanks 4 sharing.