ગરીબ બાળાની શ્રમ-ભક્તિ … (પ્રેરક પ્રસંગ) …

ગરીબ બાળાની શ્રમ-ભક્તિ … (પ્રેરક પ્રસંગ) …

 

 

 

 GREETINGS..1

 

 

આશરે પાંચેક વર્ષ પહેલાંનો પ્રસંગ છે.

 

 

 

સંસ્કૃતના વિદ્વાન અને મારા પરમ મિત્ર ડૉ. મણિભાઈ પ્રજાપતિ સપરિવાર હરિદ્વાર જઈ રહ્યા હતા.  એમણે મને પણ સાથે જોડાવા માટે આગ્રહ કર્યો.

 

આ પહેલાં ઘણી વાર હું હરિદ્વાર ગયો છું.  પરંતુ મને પ્રવાસનો શોખ, એટલે હું પણ એમની સાથે સપરિવાર જોડાયો.  મારે માટે તો હરિદ્વાર એટલે પ્રવાસ અને યાત્રાનો મણિકાંચન  યોગ ગણાય.

 

હરિદ્વારમાં અમે પંદર દિવસ માટે એક ગેસ્ટ હાઉસમાં રોકાયા.  અહીં આવ્યા હોઈએ અને ગંગા-સ્નાનનો લાભ ન લઈએ એ તો કેમ બને ?  અહીં ગંગાજી પર વિશાળ અને સુંદર ઘાટ બાંધવામાં આવ્યા છે.  (વાસ્તવમાં ગંગાજી તો બે-એક કિલોમીટર દૂર વહે છે.  હરિદ્વારનાં પાદ પખાળતાં જે જળ વહે છે, એ ગંગાજીની એક મોતી નહેર છે.)  અમે નિત્ય સવારે ગંગાઘાટ પર આવતા, ને ગંગાજીનાં પવિત્ર અને શીતળ જળમાં સ્નાન કરવાનો સરળ લ્હાવો લેતા.

 

ગંગાઘાટ પર અનેક લોકો આજીવિકા માટે જાતભાતની વસ્તુઓ લઇ બેઠા હોય છે.  દેશભરમાંથી પધારેલા ભાવિક ભક્તો અને વિવિધ વસ્તુઓનો વેપાર કરતા લોકોનો જાણે ભાતીગળ મેળો !  કેટલાંક ભાઈ-બહેન પડિયામાં દીપ લઈને બેઠાં હોય છે.  પાંદડાંમાંથી બનાવેલ પડિયો; એમાં થોડાં ફૂલ અને વચ્ચે ઘીનો દીવો.  દીવો પેટાવીને ગંગાજીમાં તરતો મૂકીએ.  પ્રવાહ સાથે દીવો દૂર … દૂર સુધી વહેતો જાય.  આવા અસંખ્ય દીપ ગંગાજીની ગોદમાં તરતા હોય.  જાણે આકાશમાંથી તારા ગંગાજી પર ઊતરી આવ્યા.  અદ્દભૂત ર્દશ્ય !

 

મારા મનમાં પણ ગંગાજીમાં દીપ તરતો મૂકવાનો વિચાર આવ્યો.  પરંતુ બુદ્ધિએ કહ્યું : ‘દીવાઓ તો અસંખ્ય ટ્રે છે.  તારે તો કોઈ શ્રમજીવીને મદદ કરવી છે ને.’  આવું વિચારીને મેં એક દશેક વરસની બાળાને દીવાની કિંમત પેટે પાંચ રૂપિયા આપ્યા.  બાળા દીવો પેટાવવા જતી જતી.  પણ મેં એને કહ્યું : ‘તું પૈસે રખ લો, મુંઝે દીયા નહીં ચાહિએ.’  આ સાંભળી બાળાને આશ્ચર્ય થયું.  આવો ગ્રાહક કદાચ એને કોઈ મળ્યો નહીં હોય.  પણ પછી તરત જ એ મારો ભાવ સમજી ગઈ.  એ ગંગાજી તરફ ફરી, અને પૂરી તાકાતથી પાંચ રૂપિયાનો સિક્કાનો ગંગાજીમાં ઘા કર્યો.

 

હું તો જોતો જ રહી ગયો, ને પછી કહ્યું: ‘પૈસે ક્યોં ફેંક દિંયે  ?’  બાળાએ ગૌરવભેર કહ્યું : ‘હમ ગરીબ જરૂર હૈં, લેકિન ભિખારી, નહીં હૈં.  હમ પસીને કીં રોટી ખાતે હૈં.  હમે મુફતમેં પૈસે નહીં ચાહિએ.’

 

ગરીબ વ્યક્તિને મદદ કરવાનો મારો બુદ્ધિ-ગર્વ આ અબોધ બાળાના આત્મગૌરવ સામે ભોંઠો પડી ગયો !  આ શ્રમજીવી બાળાને કદાચ નિશાળે જવાની તક નહીં મળી હોય.  તો પછી શ્રમના મહિમા વિશેનું મૂલ્યશિક્ષણ એ ક્યાંથી શીખી હશે ?  એને વાંચતાં આવડતું નહીં હોય, તો પછી ‘મફતનું કશું લઈશ નહીં’  આ ગીતાબોધ એ ક્યાંથી પામી હશે ?

 

આપણે યાત્રાધામોમાં જઈએ છીએ.  નદી-સ્નાન કરીએ છીએ.  સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને પ્રભુને પ્રાર્થીએ છીએ:  ‘અમને ધન, સંપતિ અને ઐશ્વર્ય આપો.’  ઓછામાં ઓછો પરિશ્રમ કરીને વધુમાં વધુ મેળવવાની કામના કરીએ છીએ.  કેટલાક સાંઢિયા ગરીબ ગાયના ભાગનું ઘાસ ઓહિયાં કરી જઈ ઉન્મત્ત થઈને મહાલે છે !

 

આપણે Work is worship:  ‘શ્રમ એ જ સાચી ભક્તિ’, એવાં સૂત્રોનું પોપટની જેમ રટણ કરીએ છીએ.  શ્રમ અને સ્વાશ્રયના મહિમા વિશે ભાવાવેશપૂર્વક ભાષણો કરીએ છીએ.  સુંદર લેખો લખીએ છીએ.  પરંતુ આ સૂત્રોનો આપણા જીવનમાં અનુવાદ જોવા મળે છે ખરો ?  આપણે તો શ્રમ કરનારને નીચો અને ન કરનારને ઊંચો માનીએ છીએ !

 

આપણાં શાસ્ત્રોમાં નવ પ્રકારની : નવધા ભક્તિની ચર્ચા કરવામાં આવી છે.  પરંતુ આ ગરીબ અને શ્રમજીવી બાળાએ મને તો ‘શ્રમ એ જ શ્રેષ્ઠ ભક્તિ’  એમ ભક્તિનો દસમો પ્રકાર: શ્રમભક્તિ: સમજાવ્યો.

 

 

 deepmala

 

 

પછી દસ રૂપિયા આપીને અમે એ બાળા પાસેથી બે દીપ લીધા.  એના હાથે જ પેટાવ્યા, ને મેં અને શ્રીમતીજીએ ગંગાજીમાં ભાવપૂર્વક વહેતા મૂક્યા.  દૂર… દૂર વહેતા, ગંગાજીમાં એકાકાર થઇ ગયા ત્યાં સુધી અનિમેષ નયને જોઈ રહ્યાં.  રણની રેતી જેવી મારી કોરીધાકોર બુદ્ધિમાં જાણે ભાવનાની ભીનાશ ભળી !  ગદ્દગદ થયો.  મનોમન પ્રાર્થના થઇ ગઈ :  ‘હે ગંગામૈયા !  ભારતમાતાના સૌ સંતાનોમાં શ્રમભક્તિની ભાવના જગવજે !’

 

 

(ગ.ગુ. (૨૯)૯-૧૨/૪૯)
 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....