પોતાની ભૂલો પર વિચારવાથી …

પોતાની ભૂલો પર વિચારવાથી વધુ સારા બની શકાય …

 

અરુણ ગાંધીએ મહાત્માની સાથે વિતાવેલી યાદગાર પળો અંગે મને એક કિસ્સો કહ્યો.  ગાંધીજી જ્યારે આફ્રિકામાં લોની પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારની વાત છે.  તેઓ જોહાનાસિબર્ગથી ૧૮ કિલોમીટરના અંતરે રહેતા હતા.  કેમ કે, તમામ અદાલતો જોહાનાસિબર્ગમાં હતી એટલે ગાંધીજી રોજ ત્યાં આવતા-જતા હતા.

 

MAHTMA Gndhi

તે દરમિયાન તેમને ખબર પડી કે તેમના પુત્રએ તેમની પરવાનગી વગર ડ્રાઈવિંગ શીખી લીધું છે.  ગાંધીજીએ તેમના પુત્રને તેનું કારણ પૂછ્યું.  પુત્રે કહ્યું કે પૂછ્યું હોત તો તેઓ ક્યારેય ડ્રાઈવિંગ શીખવાની પરવાનગી નહીં આપત.  ગાંધીજીએ પોતાના પુત્રને સહેજ પણ ગભરાયા વગર દિલ ખોલીને વાત કરવા કહ્યું. બીજા દિવસે કોર્ટમાં તેમની મીટિંગ હતી.  એટલે ગાંધીજીએ પુત્રને તેની કારમાં પોતાને જોહાનાસિબર્ગ લઇ જવા કહ્યું.  આ સાંભળીને પુત્ર ખૂબજ ખુશ તહી ગયો.  બીજા દિવસે ગાંધીજી પોતાના પુત્રની સાથે જોહાનાસિબર્ગ ગયા.  તેમને પુત્રનું ડ્રાઈવિંગ કૌશલ્ય સારું લાગ્યું.  તેમણે પુત્રને કોર્ટમાં છોડ્યા બાદ ગાડી સર્વિસ કરાવ્યાં પછી ૩.૧૫ વાગે કોર્ટમાં પાછા આવવા કહ્યું.  પિતાને કોર્ટમાં છોડ્યા પછી પુત્ર સર્વિસ સ્ટેશન ગયા.  સવારે સાદા અગિયાર વાગે ગાડીની સર્વિસ થઇ ગઈ હતી.  હવે પુત્ર પાસે પિતાને લેવા જવા માટે સાદા ચાર કલાક હતા.  પુત્રએ વચ્ચેના આ સમયનો લાભ લેવાનું વિચાર્યું.  તે પોતાના મિત્રો સાથે ડ્રાઈવ પર ચાલ્યો ગયો.  પાચા ફરતી વખતે રસ્તો ભૂલી ગયો.  જેના કારણે સાંજે ૪.૩૦ કલાકે કોર્ટ પહોંચ્યો.  તેણે જોયું તો પિતા પરેશાન હતા અને કોર્ટની સીડીઓ ઊતરી રહ્યા હતા.  ગાડીમાંથી ઊતરીને તે પિતાને બહાના બતાવવા લાગ્યો અને કહ્યું કે સર્વિસ સ્ટેશનમાં ગાડીઓ વધારે હોવાથી મોડું થયું.

 
ગાંધીજીએ કહ્યું કે, તેઓ નિયત સમય કરતાં વધુ ૧૫ મિનીટ રાહ જોયા પછી, સર્વિસ સ્ટેશન ગયા હતા.  જ્યાં તેમને ખબર પડી કે ગાડી સર્વિસ, તો અગિયાર વાગે જ પૂરી થઇ ગઈ હતી.  ગાંધીજીએ પુત્રને ખોટું બોલવાનું કારણ પૂછ્યું.  પુત્રએ આ સાંભળીને પિતાની માફી માગી અને કહ્યું કે ગભરાઈ ગયો હતો.  તેણે ખુલાસો કર્યો કે તે પોતાના મિત્રો સાથે ફરવા ગયો હતો.  ગાંધીજી ચૂપ રહ્યા અને પુત્રને ગાડી ઘેર લઇ જવા આદેશ કર્યો.  પુત્રએ પૂછ્યું કે તેઓ ઘેર કેવી રીતે આવશે?  ગાંધીજીએ કહ્યું કે, ૧૮ કિલોમીટર પગે ચાલીને ઘરે આવીશ અને રસ્તામાં એ વિચારીશ કે મેં પુત્રના પાલન-પોષણમાં એવી તે શું ભૂલ કરી કે તે જેનાથી પુત્ર પોતાના પિતા સમક્ષ સાચું બોલતા ડરે છે.  તે દિવસે ગાંધીજી પગપાળા ઘરે ગયા.  પુત્ર પિતાની પાછાળ ધીમે-ધીમે ગાડી ચલાવતો રહ્યો.  પુત્રએ અનેકવાર પિતાને ગાડીમાં બેસી જવા કહ્યું.  પણ પિતાએ કોઈ વાત ન સાંભળી.  કોર્ટથી ઘરે પહોંચતા લાગેલા છ થી આઠ કલાકમાં પિતા-પુત્ર બંનેએ પોતાની ભૂલ અંગે વિચાર્યું અને સારા બનવાનો પ્રયાસ કર્યો.

 

 

(ગ.ગુ.(૧)૧૨-૧૨/૪૯)

 

 (૨)   પ્રભુને અણગમતી વાત કપટ …

 

જ્યારે હરિને ભજો, પ્રભુની સેવા કરો, રામનું કાર્ય કરો ત્યારે કપટ છોડીને કરજો.  પ્રભુનું વચન છે કે, ‘મને બધું જ ગમે છે, પણ મને એક જ વસ્તુમાં તકલીફ થાય છે – ‘મોહિ કપટ છલ છિદ્ર ન ભાવા|’   તું કેવી રીતે બોલે, એની મને કોઈ ચિંતા નથી, પણ કપટ ન હોવું જોઈએ.

 

યહુદીઓની કથામાં છે, હજરત મુસા રસ્તા ઉપર નીકળ્યા.  જિજ્ઞાસા કરતા જતા હતા કે, ‘હે પ્રભુ, તમે નમને કંઈક વરદાન આપો, હું તમને જાણું.’  એટલે કહ્યું કે તારે કંઈક જાણવું હોય, તો હે પયગંબર તું આગળ જા, જે પહેલો માણસ તને મળશે, તેની પાસેથી તને જાણકારી મળશે.’  હજરત આગળ ચાલ્યા.  એક ભરવાડ, ત્યાં બેઠો છે.  બપોરનો સમય, વૃક્ષની છાયામાં બેઠો છે.  એમાં પેલાં ધર્મગુરુ ત્યાં આવ્યા.

 

ભરવાડે પ્રણામ કર્યા.  ધર્મગુરુએ પૂછ્યું કે ‘ભાઈ, ‘તું પ્રાર્થના કે સ્તુતિ ભજન-સાધન કઈ રીતે કરે છે ?’  ‘તને કંઈ આવડે છે ?  તને ઉપાસના આવડે છે ?’  પેલાએ કહ્યું કે, ‘અમે તો ગામડાના માણસો, મને તો કંઈ આવડે નહીં.’  તો કહે કે, ‘તું કરે શું ?’  કહ્યું કે, ‘હું જ્યારે થાકી જાઉં, ત્યારે ભગવાનને એટલું જ કહું કે હે ભગવાન !  હું આ પંદર-વીસ ઘેટાંઓને ચરાવતાં ચરાવતાં થાકી જાઉં છું તો આ આટલા બધા ઘેટાંને તું કેમ ચરાવી શકે છે ?’  આખી દુનિયાને એ જ ચરાવે છે ને !  આખા જગતને તું ચરાવે છે.  બધાનું સંચાલન બેઠો બેઠો તું કાર્ય જ કરે છે.  કેવું એ પરમતત્ત્વ હશે?   દેખાતું નથી, ગુરુકૃપાથી અનુભવી શકાય. બધાને એ કામ લગાડે, બધા પાસે કામ કરાવે.  આટલાં ઘેટાંઓ, બકરાંઓને તું ચરાવે, આટલા પંદર-વીસને ચરાવતાં હું થાકી જાઉં છું તો તેને કેટલો થાક લાગતો હશે ?’  ભગવાનને આવી રીતે યાદ કરે. 

 

પેલાં ધર્મગુરુએ કહ્યું કે, ‘તું ભગવાનને તારી સાથે સરખાવે છે ?  તું ઘેટાં ચરાવે, એટલે એ પણ આવું જ કરે ?  એને તું તારી સાથે સરખાવે ?’  એ વખતે આકાશવાણી થઇ, અવાજ સંભળાયો કે એને અંદરથી પડ્યો પડ્યો, જે કંઈ થયું તે, ‘હે ધર્મગુરુ, એ શું બોલે છે તે ન જો, એ ક્યાંથી બોલે છે, એ જો.’  એ શું બોલ્યો છે એ નહીં, એ હૃદયમાંથી બોલ્યો છે, તેમાં કંઈ છળકપટ નથી.  બિલકુલ નિર્દોષ ચિત્ત છે.  સરળ ચિત્તમાંથી જે શબ્દો નીકળ્યા, પરમાત્મા કહે, મને એ જ ગમે ..

 

ગીતામાં લખ્યું છે, ‘સર્વભાવેન ભારત | 

‘સ્વામિહિ સર્વ ભાવ છલ ત્યાગી |’ 

 

એનો અર્થ એ છે પરમાત્મા કહે છે કે મને છાલ, કપટ નથી ગમતા, એ છોડીને જે કોઈ મને ભજે, એ જ મારી સાચી ઉપાસના, સેવા કરી શકશે.

 

તમે પ્રભુનું કામ કરવા જાઓ છો તો છલકપટ છોડીને કરજો,  બીજું સૂત્ર આપ્યું – માયાવીપણું મૂકીને કરજો.  મારાપણાનો ભાવ છોડીને, છળકપટ છોડીને જે સ્વામીની સેવા કરશે, તે પરલોકને દિવ્ય કરી શકશે.  પરલોક એટલે ?  મેં ઘણી વખત તેની ચર્ચા કરી છે.  ગ્રંથોમાં આવે છે કે પરલોક એટલે – ઘણા લોકો ઉપર, ઘણા લોકો નીચે હશે ?  પણ ના …

 

પરલોકનો મારી વ્યાસગાદીનો અર્થ એટલો જ છે કે બીજા લોકો.  આપણે જેમ આપણાં  લોકોનું બધું જ કરતા હોઈએ, એવી જ રીતે બીજા લોકોનું પણ કરતા થઈએ તો પરલોક સફળ થઇ જાય.  બીજાનો લોક સવારવો એટલે બીજાની દુનિયા, બીજાનું જીવતર શણગારવું.  આપણું તો બધા કરે.  આપણાંનું તો આપણે બધું ગોઠવી લઈએ, શણગારીએ, પણ બીજાનું યે સરખું ગોઠવાય.  બીજાનું પણ શણગારીએ, બીજાને ઉપયોગી થઈએ.  એને મદદ કરીએ.  આવી રીતે લોક પરલોક સુધારી મૂળને પકડીને નવું ફૂલ ખીલવું જ જોઈએ.  એ વગર છૂટકો નથી. 

 

–     પૂજ્ય મોરારિ બાપુ
–     ‘તત્વદર્શન’ માંથી સાભાર
(ગ.ગુ (૨૫)૮-૧૨/૬૧)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....