એક સૈનિકની અકલ્પ્ય સિદ્ધિ …

એક સૈનિકની અકલ્પ્ય સિદ્ધિ …

 

 
૫૦ લાખ વધુ નિ:સંતાન યુગલોને સંતાનપ્રાપ્તિ કરાવનારા રોબર્ટ એડવર્ડની જીવનકથા સુખનો પાસવર્ડ
 
– આશુ પટેલ

 

 
robert edward
 

 
૨૭ સપ્ટેમ્બર, ૧૯૨૫ના દિવસે ઇંગ્લેન્ડના યોર્કશાયર પરગણામાં રહેતા મધ્યમવર્ગ જ્યોફ્રી એડવર્ડની પત્નીએ પુત્રને જન્મ આપ્યો. જ્યોફ્રી અને તેની પત્નીએ પુત્રનું નામ રોબર્ટ પાડ્યું. જ્યોફ્રીનો દીકરો રોબર્ટ એડવર્ડ ભણવામાં હોશિયાર સાબિત થયો અને તે ટીનેજર બન્યો ત્યારથી તેણે નિશ્ર્ચય કર્યો કે હું સામાન્ય માણસ નહીં બની રહું. જો કે રોબર્ટ એડવર્ડની ઉંમર ૧૯ વર્ષની થઈ ત્યારે અભ્યાસ પડતો મૂકીને તેણે બ્રિટિશ સૈન્યમાં જોડાઈ જવું પડ્યું. એ વખતે બીજું વિશ્ર્વયુદ્ધ ચાલી રહ્યું હતું.

 
બ્રિટિશ સૈન્યમાં ભરતી થયા પછી રોબર્ટ એડવર્ડે ૧૯૪૮માં મહામહેનતે સૈન્યમાંથી રજા મેળવી. બ્રિટિશ સૈન્ય છોડવાની તક મળી એ પછી તેણે યુનિવર્સિટી ઓફ વેલ્સમાં પ્રવેશ મેળવ્યો અને બાયોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યાર બાદ તેણે એડિનબર્ગ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો અને એ યુનિવર્સિટીમાંથી જિનેટિક અને એમ્બિયોલોજીનો અભ્યાસ કરીને ૧૯૫૫માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. એ અભ્યાસ, દરમિયાન તેને વિચાર આવ્યો કે વિશ્ર્વમાં કરોડો લોકો સંતાન વિનાના છે અને તેમણે સંતાન માટે તમામ પ્રયાસો કર્યા હોવા છતાં તેમને સંતાનપ્રાપ્તિમાં સફળતા મળતી નથી. આવાં નિ:સંતાન યુગલોને સંતાન મળે એ દિશામાં મારે કંઈક સંશોધન કરવું જોઈએ.

 
પ્રોફેસર-ડૉક્ટર રોબર્ટ એડવર્ડ ૧૯૬૩માં વિખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિયોલોજીમાં રિસર્ચ ફેલો તરીકે જોડાયા અને તેમણે ત્યાં પોતાના સંશોધનની શરૂઆત કરી. રોબર્ટ એડવર્ડ પોતાના કેટલાક ડોક્ટર મિત્રો સાથે ચર્ચા કરી કે જે નિ:સંતાન યુગલોને બાળક ન થતું હોય એવા નરના શુક્રાણુ અને માદાના બીજને ગર્ભની બહાર ફલિત કરીને એમને સંતાનપ્રાપ્તિ કરાવી શકાય એવું મને લાગે છે. એવા યુગલોને સંતાનપ્રાપ્તિ કરાવવાની દિશામાં હું સંશોધન કરવા માગું છું. એ વખતે સાથી ડૉક્ટરોએ રોબર્ટ એડવર્ડને બેવકૂફ ગણીને તેના આઈડિયાને હસી કાઢ્યો. જો કે રોબર્ટ એડવર્ડ એવા બેવકૂફોની નિરાશાજનક ટિપ્પણીઓથી અને રોબર્ટ એડવર્ડને પાગલ ગણાવી અપમાનજનક કમેન્ટ્સથી નિરાશ ના થયા. તેમણે નિશ્ર્ચય કર્યો કે આવું શક્ય છે અને હું એ સાબિત કરીને બતાવીશ.

 
૧૯૬૯ સુધીમાં રોબર્ટ એડવર્ડ એ સંશોધનમાં ઘણા આગળ વધી ગયા અને તેમણે પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલમાં એક લેખ લખ્યો કે મને ટેસ્ટ ટ્યુબ બેબીના સંશોધનમાં સફળતા હાથવગી જણાઈ રહી છે. એ સાથે દુનિયાભરના રૂઢિચુસ્ત ધર્મગુરુઓથી માંડીને મેડિકલ ક્ષેત્રના માંધાતાઓએ જુદાં જુદાં કારણોથી તેમના પર પસ્તાળ પાડવાનું શરૂ કર્યું. રૂઢિચુસ્ત ધર્મગુરુઓએ એવો ઊહાપોહ મચાવી દીધો કે જાણે રોબર્ટ એડવર્ડના એ સંશોધનને કારણે આસમાન ફાટી પડવાનું હોય, સૂરજ પશ્ર્ચિમમાં ઊગવાનો હોય, મેરામણ માઝા મૂકી દેવાનો હોય અને ધરતી રસાતાળ થવાની હોય. ખુદ ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડા એવા પોપે પણ રોબર્ટ એડવર્ડના સંશોધનનો સખત વિરોધ કર્યો અને એ સંશોધનને પડતું મૂકી દેવા કહ્યું રૂઢિચુસ્ત સંગઠનોના વડાઓએ કહ્યું કે રોબર્ટ એડવર્ડે ટેસ્ટ ટ્યુબ બેબીનું સંશોધન શરૂ કર્યું છે એટલે કે ગર્ભની બહાર માનવ ભ્રૂણનો ઉછેર કરવાનું વિચાર્યું છે એ કુદરતની વિરુદ્ધ છે. મનુષ્યનો જન્મ કુદરતી રીતે જ થવો જોઈએ. રોબર્ટ એડવર્ડ ટેસ્ટ ટ્યુબ બેબી માટે સંશોધન કરી રહ્યા છે એ તો નર્યું પાપ છે.

 
બીજી બાજુ વિજ્ઞાનજગતના ઘણા માંધાતાઓ પણ પ્રોફેસર ડૉક્ટર રોબર્ટ એડવર્ડ પર તૂટી પડ્યા. તેમણે એવું કહીને રોબર્ટની ધૂળ કાઢી નાખી કે રોબર્ટના પ્રયાસો હાસ્યાસ્પદ છે. ડીએનએ સંશોધનનો પાયો નાખનારા ઈયાન જેમ્સ વોટસને પણ રોબર્ટ એડવર્ડની ઝાટકણી કાઢતાં કહી દીધું કે, રોબર્ટના આ દિશામાં સંશોધનના પ્રયાસો બહુ ઉપરછલ્લા છે અને એમાં કંઈ તેને સફળતા મળે એવું લાગતું નથી.

 
જોકે રોબર્ટ એડવર્ડે એવા બધા ટીકાકારોની અને ધર્મગુરુઓની વાતો એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખી. તેમને પોતાના પર પૂરો ભરોસો હતો. આ દરમિયાન માત્ર એક વ્યક્તિને તેમના પર પૂરો ભરોસો હતો. એનું નામ પેટ્રિક સ્ટિફોટ હતો. પેટ્રિક સ્ટિફોટ ટેસ્ટ ટ્યુબ બેબીના સંશોધનમાં રોબર્ટ એડવર્ડના સહાયક હતા. ૧૯૭૦માં રોબર્ટ એડવર્ડે માદા સસલાના બીજને નર સસલાના શુક્રાણુવાળી કાચની નળીમાં રાખીને પ્રયોગ કરી જોયો. એમાં તેમને સફળતા મળી. એથી એડવર્ડ અને તેમના સહાયક પેટ્રિક સ્ટિફોટ ઉત્સાહમાં આવી ગયા. સસલાના બીજને ગર્ભની બહાર ફલિત કરવાના પ્રયોગમાં સફળતા મળ્યા પછી રોબર્ટ એડવર્ડ એ પદ્ધતિ કોઈ યુગલને સંતાન અપાવવા માટે અજમાવવાનું નક્કી કર્યું. જો કે આ પ્રયોગ તેઓ કરે તે અગાઉ તેમની આ પ્રવૃત્તિ સામેનો વિરોધ અને વિવાદ એટલા ઉગ્ર બની ગયા હતા કે ઇંગ્લેન્ડની મેડિકલ રિસર્ચ કાઉન્સિલે તેમના આ સંશોધન માટેના ફંડને અટકાવી દીધું. પણ હિંમત હાર્યા વિના તેમણે ઇંગ્લેન્ડ બહારથી આર્થિક સહાય મેળવવાની કોશિશ શરૂ કરી અને અમેરિકામાંથી તેમને કોઈએ પ્રાઈવેટ ફંડ આપવા માંડ્યું.

 
છેવટે ૧૯૭૨થી રોબર્ટ એડવર્ડ્એ કેટલાંક નિ:સંતાન યુગલોને પોતાના પ્રયોગમાં સામેલ થવા માટે સમજાવ્યાં. એ બધાં યુગલો સંતાન મેળવવા માટે તમામ કોશિશ કરી ચૂક્યાં હતાં પણ તેમને નિષ્ફળતા મળી હતી. રોબર્ટ એડવર્ડે પાંચ વર્ષ સુધી ટેસ્ટ ટ્યુબ બેબીના સંશોધન માટે રાતદિવસ એક કર્યા પછી છેક ૧૯૭૭માં તેમને સફળતા મળી. ઇંગ્લેન્ડનાં એક નિ:સંતાન પતિ-પત્ની જોન બ્રાઉન અને લેસ્લી બ્રાઉનના બીજમાંથી તેમના ભ્રૂણને ગર્ભની બહાર ઉછેરવામાં રોબર્ટ એડવર્ડને સફળતા મળી. સૌપ્રથમવાર કાચની નળીમાં માનવગર્ભ રહ્યો ત્યારે માઈક્રોસ્કોપથી એનું નિરીક્ષણ કરતી વખતે એડવર્ડને ખાતરી થઈ અને તેઓ ઊછળી પડ્યાં. તેમણે બૂમ પાડી કે, યસ, આપણને સફળતા મળી ગઈ છે. રપ જુલાઈ, ૧૯૭૮ના દિવસે ટેસ્ટ ટ્યુબ બેબીથી સંતાનની જાહેરાત તેમણે કરી એ સાથે જીવવિજ્ઞાનમાં એક અકલ્પ્ય ક્રાંતિ થઈ હતી. જોકે રોબર્ટ એડવર્ડની એ સિદ્ધિ વિરુદ્ધ રૂઢિચુસ્ત અને ઘેટાં-બકરાં સમાન માણસોએ હોબાળો મચાવ્યો હતો અને એડવર્ડ પર માછલાં ધોતાં કહ્યું હતું કે તેણે માનવતાની કબર ખોદી નાખી છે અને કુદરતની રચનાને પડકારવાનું દુષ્કૃત્ય કર્યું છે. આવા દુષ્કૃત્ય માટે તેમને માનવજાત અને કુદરત માફ નહીં કરે.

 
જો કે એવા બેવકૂફોની પરવા કર્યા વિના રોબર્ટ એડવર્ડે ટેસ્ટ ટ્યુબ બેબીના પ્રયાસો ચાલુ રાખ્યા. ૧૯૮૦માં તેમણે ટેસ્ટ ટ્યુબ બેબીના પ્રયોગોને વધુ અસરકારક બનાવવા માટે પોતાની હોસ્પિટલ શરૂ કરી. એમના નેશનલ આઈવીએફ સેન્ટરની શરૂઆત પછી ત્રણ દાયકામાં જ પ૦ લાખથી વધુ નિ:સંતાન યુગલોને સંતાન પ્રાપ્તિમાં સફળતા મળી શકી. આજે તો વિશ્ર્વના સંખ્યાબંધ દેશોમાં આઈવીએફ એટલે કે ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન સેન્ટર ઊભાં થઈ ગયાં છે. (મુંબઈમાં આ પદ્ધતિથી જન્મેલી છોકરી અત્યારે જીવનના અઢી દાયકા વિતાવી ચૂકી છે.) રોબર્ટ એડવર્ડની આ કલ્પનાતીત સિદ્ધિ માટે તેમને ર૦૧૦માં નોબેલ પારિતોષિકથી નવાજવામાં આવ્યા. રોબર્ટ એડવર્ડ ૧૦ એપ્રિલ, ર૦૧૩ના દિવસે ૮૭ વર્ષની ઉંમરે બીમારીને કારણે મૃત્યુ પામ્યા પણ તેમનો આ સંશોધનને કારણે તેમનું નામ માનવઈતિહાસમાં અમર બની ગયું છે.

 
પ્રોફેસર રોબર્ટ એડવર્ડે તેમને ઉતારી પાડનારા બેવકૂફોની અને તેમને વિરોધ કરનારા રૂઢિચુસ્તોની પરવા કરી હોત તો તેઓ ક્યારેય આ સિદ્ધિ ન મેળવી શક્યા હોત.

 

 

સૌજન્ય : (મુંબઈ સમાચાર-દૈનિક)
 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ, અમો પૂર્વી મોદી મલકાણ – (યુએસએ) નાં અંતરપૂર્વક્થી આભારી છીએ.
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • dhiren

    ઘણુંજ અદ્ભુત અને પ્રેરક જીવન કહેવાય એમનું…