ઢાઈ અક્ષર પ્રેમકા …

ઢાઈ અક્ષર પ્રેમકા … (સયુંકત કુટુંબ 🙂 …

 

 
word of love

 
શું નોહ્તું કર્યું એમણે પોતાનાં બાળકો માટે !  હેતથી ઉછેર્યાં, ઉત્તમ શિક્ષણ આપ્યું, ધામધૂમથી પરણાવ્યાં.  બાળકો સારું કમાવવા લાગ્યાં.  હવે એમને માતા-પિતાની જરૂર ન રહી.  તેઓ એમની ઉપેક્ષા કરવા લાગ્યાં ને એક દિવસે નોખાં રહેવા ચાલ્યાં ગયાં.  જ્યાં માબાપ જ ન જોઈએ, ત્યાં સયુંકત કુટુંબની વાત જ ક્યાં રહી !

 

joint family

 

છેક સોળમી સદીમાં ફ્રાંસના વિચારક મોંતેઈનનું કહેવું હતું કે ઘણા લોકોનું લગ્નજીવન સુખી નથી હોતું.  એથી સમાજ માટે પરિવાર અનાવશ્યક છે.  પરિવાર જેવી કોઈ સંસ્થા જ ન હોવી જોઈએ.  તેમ છતાં લગ્ન પણ થાય છે અને પરિવારનું અસ્તિત્વ પણ સમાપ્ત નથી થયું.  કારણ કે બંને ઉપયોગી ને આવશ્યક છે.

બાળકો જુદા રહેવા માટે ચાલ્યાં ગયાં કે તેઓ વધુ સ્વતંત્રતા ભોગવી શકે અને એમની કમાણીમાં કોઈ ભાગ ન પડાવે.  પરંતુ એથી સાચું સુખ મળે ખરું ?  ધનથી ખરીદી શકાતા અસબાબોથી ખુશી મળે તો છે;  પણ આંતરિક સુખ તો આપણને પરસ્પર સંબંધોથી જ મળે છે.  કેટલાંક દુઃખોથી ધન આપણી રક્ષા નથી કરી શકતું.  એવા સમયે કુટુંબીજનોની હૂંફની જરૂર પડે છે.  તેઓ જ આપણને આ આઘાતોનો સામનો કરવામાં સહાય કરે છે.  વહેંચવાથી દુઃખ અડધું થાય છે ને સુખ બમણું.  મનુષ્ય આખરે તો સામાજિક પ્રાણી છે.  એનું નિર્માણ એકલા રહેવા માટે નથી થયું.  એટલે સુધી કે માણસ જો સ્વર્ગમાં પણ એકલો રહેશે, તો ત્યાં પણ એને નહીં ગમે.

કુટુંબનો પાયો છે પ્રેમ.  જો પ્રેમ નહીં હોય તો સયુંકત કુટુંબ તો દૂર, પતિ-પત્ની પણ સાથે નહીં રહી શકે, તલાકની નોબત આવશે.  અને જો પ્રેમ હશે તો ન ગમતા સ્વભાવવાળા કુટુંબીજનો પણ સાથે રહી શકશે.  અમેરિકાના એક ગરીબ કિસાન છોકરાએ શહેરની એક સમૃદ્ધ છોકરી જોડે લગ્ન કર્યા.  એને પોતાની સાસુના તિરસ્કારનો સામનો કરવો પડ્યો.  યુવા યુગલ નોખું રહેવાની સ્થિતિમાં નોહ્તું.  તેથી તેઓ છોકરીની માની સાથે જ રહેવા લાગ્યાં અને ૩૩ વર્ષો સુધી સાથે રહ્યાં !  તે પછી એ છોકરો વ્હાઈટ હાઉસમાં રહેવા ગયો, ત્યારે પોતાની સાસુને પણ સાથે લઇ ગયો.  ત્યાં પણ ભોજનના ટેબલ પર સાસુનો જ દબદબો રહેતો.  ઘણાં વર્ષો બાદ ટુમેનની દીકરી માર્ગરેટે કહ્યું કે મારા પિતા મારી નાનીને સહન કરતા રહ્યા કેમ કે એમને મારી મા ઉપર બહેડ પ્યાર હતો !

પ્રેમના લીધે જ આપણે આપણા પ્રિયજનને એના ગુણ-અવગુણની સાથે પૂરેપૂરો સ્વીકાર કરીએ છીએ.  આ પ્રેમ જ સયુંકત કુટુંબને  – તેમજ સમસ્ત જીવનને હર્યુભર્યુ રાખે છે.  સાચો પ્રેમ નિ:સ્વાર્થ હોય છે, એમાં વળતરની અપેક્ષા નથી હોતી.  એકલાઅટૂલા રહેતાં કુટુંબમાં પુત્ર માત્ર પુત્ર છે.  સયુંકત કુટુંબમાં રહેતો પુત્ર, પુત્ર તો છે જ, સાથે દાદા-દાદીનો પૌત્ર છે, કાકા-કાકી ને ફોઈનો ભત્રીજો છે, ભાભીનો દિયર છે, કેટલા વડીલોનો સ્નેહ એને મળે છે !  અન્ય બાળકો સાથે રહેવાથી એનો વિકાસ પણ વધુ સારો થાય છે, કોઈ પણ વ્યક્તિ માટે નમ્રતા, ભદ્રતા, સહનશીલતા, સેવાપારાયણતા વગેરે આવશ્યક ગુણો છે અને આ ગુણો કેળવવા માટે સયુંકત કુટુંબ આદર્શ પાઠશાળા છે.  લોકો પોતાના જન્મજાત ગુણોથી એટલા ઉદાત્ત નથી બનતા જેટલા અભ્યાસથી બને છે.  માણસ જેમ બુરાઈ જોઇને બુરાઈ કરવા પ્રેરાય છે, તેમ ભલાઈ જોઇને ભલાઈ કરતાં પણ શીખે છે.

સયુંકત કુટુંબમાં ક્યારેક વાસણ ખખડશે, મન સહેજ ખાટાંય થશે, પણ જો આપણે થોડું સહન કરતાં શીખીએ, વધુ પડતી અપેક્ષા ન રાખીએ તો થોડા સમયમાં જ બધું થાળે પડી જશે.  અમારું સયુંકત કુટુંબ છે.  અમે ઘરમાં ૨૧ સદસ્યો છીએ, રસોડું એક જ છે, ઘરમાં કડી તાળું નથી લાગતું, કોઈ ન કોઈ ઘરમાં હોય જ.  આપણા ઋષિઓએ ‘વસુધૈવ કુટુંબકમ્’  નો આદર્શ રાખ્યો હતો.  આખું વિશ્વ જ આપણું કુટુંબ.  આ અંતિમ છેડો છે, એનો આરંભ આપણે આપણા ઘરથી જ કરીએ.  પોતાની કારમાં એકલા જવા કરતાં સયુંકત કુટુંબની બસમાં જવામાં વધુ આનંદ આવશે ને યાત્રા પણ આસાન થશે.

જે બાળકો દાદા-દાદીનાં વહાલથી વંચિત રહી જાય છે, તેઓ જીવનની એક મૂલ્યવાન સંપદા ગુમાવી બેસે છે, તેમ છતાં નવી પેઢીમાં જુદા રહેવાની પ્રવૃત્તિ જોર પકડતી જાય છે.  એક યુવતી પોતાની સહેલીને કહી રહી હતી કે બહેન, મને એવો પતિ જોઈએ કે જેને મા ન હોય, બાપ ન હોય, ભાઈ-બહેન કે કાકા-કાકી પણ ન હોય.  બહેનપણીએ કહ્યું કે એવો પતિ તો બહેન અનાથાલયમાં મળે !  આમાં વિનોદ છે તેમ વેદના પણ છે.

આપણે પ્રાકૃતિક પર્યાવરણને થઇ રહેલ નુકસાન પ્રત્યે તો સજાગ છીએ, પણ તૂટતા સયુંકત કુટુંબને લીધે સાંસ્કૃતિક પર્યાવરણને જે ક્ષતિ પહોંચી રહી છે તેના તરફ આપણું ધ્યાન જરા ઓછું ગયું છે.  ‘નગરીય સભ્યતા’  ની ઘૂસણખોરી તેજીથી વધી રહી છે.  આની સાથે કેટલાંક પરંપરાગત સાંસ્કૃતિક મૂલ્યો નષ્ટ થયાં.  એમાં પ્રમુખ છે સયુંકત કુટુંબની પ્રથા.  દુનિયા નાની થઇ ગઈ છે.  દેશો એકબીજાથી દૂર જાય એ કેવું કહેવાય ?  કુટુંબની સાથે રહેવાનો હર સંભવ પ્રયત્ન કરીએ, નોખાં તો ગમે ત્યારે થઇ શકાય છે.

 

– અમૃતલાલ વેગડ

 

 

(જ.ક.૪-૦૯/૧૧૬-૧૭)

 

 
harivar ne
 

 

યજ્ઞશેષ …

 

 

તમે દીધું તે લીધું, હરિવર

ત્હમે દીધું તે લીધું;

યજ્ઞશેષને અંકે કરીને

શેષ તમોને દીધું … હરિવર…

યોગ-ક્ષેમથી મન મેં મોડ્યું,

સુખ દુઃખનો તું દાતા;

સુખ પણ લીધું, દુઃખ પણ પીધું

તુંહિ એકલ ત્રાતા !

તનથી ઉપર મન ઊઠયું તો

સહજે કારજ સીધું … હરિવર…

ખાલી હાથે જગમાં આવ્યા,

ખાલી હાથે જવાના;

અફાટ સાગર, પાત્ર ટચૂકડું !

ઝાઝું રહ્યું અણીલીધું;

હદ-બેહદની વાત પરમાણ્યે

વાંકું થાયે સીધું … હરિવર…

અલ્પ અનુભવ, આજ્ઞાધારી,

માંહ્યલે કહ્યું કે કીધું;

જમા-ઉધાર જગદીશ્વર જાણે !

એણે પાયું તે પીધું !

મારું-ત્હારું મમતા મૂકી

જે દીધું તે લીધું !  હરિવર.

 

 

–     ડૉ. રણજીત પટેલ (અનામી)

 

 

(જ.ક.૪-૦૯/૧૧૭)

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Gujarati News.co.uk

  “wah maja aavi gai, very sensible”

 • Mukesh Mistry

  “એકદમ સાચું અને ખુબજ દુખદ. આજ નાં જગત માં રૂપિયો વધુ મહત્વ ધરાવે છે અને એજ કારણે પ્રેમ ની જગ્યા એ લગ્ન માટે સુખ, સમૃદ્ધિ અને ધન ને વધુ મહત્વ અપાય છે. આમાં બદલાવ ની જરૂરત છે જે માટે સ્ત્રી શક્તિ સારો એવો ભાગ ભજવી શકે છે.”

 • Ramesh Patel

  મનનીય લેખ. સમસ્યા ઉભી થવાનું કારણ નીજ સ્વાર્થનું મહત્ત્વ છે. પ્રેમથી ભાગીદારી એટલે કોઈ બોજાના અસરની છાપ જ દૂર થઈ જાય.

  રમેશ પટેલ(આકાશદીપ)