સાચા હૃદયની ભક્તિ  …

સાચા હૃદયની ભક્તિ  …

 

 
kubajee bhagat
 

 
રાજસ્થાનની ધરતી ઉપર કુબા નામનો પ્રજાપતિ ચાકડો ફેરવે છે.  માટીના પિંડમાંથી અવનવા ઘાટ ઘડે છે.  ધણી-ધણીઆણી હક્કની કમાણી કરીને રોટલો રળી ખાઈ અલખને આરાધે છે.  ઈશ્વરમાં એકાકાર થઇ જાય છે.  કુબાજી આખા ગામમાં ભગત તરીકે ઓળખાય છે.  સાધુ સંતને ઉતારો આપી સેવાચાકરી કરે છે.  બે ટંક રોટલો આપી અતિથિ આવકારનો ધર્મ પાળે છે.

 
એક દિવસની વાત છે.  ગામના પાદરમાં સાધુની જમાત આવી છે. ભેળા હાથી – ઘોડાનો મોટો રસાલો છે.  સાધુઓ અને જોગીઓની જમાવટ છે.  જમાતના મહંત ગામમાં ટહેલ નાખે છે.  એક ટંક ભોજન માટે કોઈ ભક્તની શોધ કરે છે, પણ કોઈ હા ભણતું નથી.

 
જમાતના મહંત શેઠ, શાહુકાર અને દરબારની દોઢીએથી પાચા વળ્યા છે.

 
કોઈએ સાધુની ઠેકડી કરી.

 
‘એ સાધુ મા’ રાજ, ગામમાં કુબા ભગત વગર તમારી ભૂખને કોઈ ભાંગશે નહિ.’

 
‘કોણ કુબા ભગત ?’

 
‘ગામમાં કુબા ભગતનું નામ મોટું છે.  એને આંગણેથી કોઈ ભૂખ્યું જતું નથી.’

 
સાધુ તો ઊપડ્યા કુબા કુંભારને ફળીએ.  જઈને જુએ છે તો કુબોજી ચાકડો ફેરવી રહ્યો છે.  માતાજી માટીના પિંડા દઈ રહ્યા છે.

 
સંતોને આંગણે આવેલા જોઇને ભગતનું હૈયું હરખી ઊઠયું.

 
મહંતે જાણ્યું કે આ તો ઠેકડી થઇ છે, પણ ભગતનો ભાવ ભારે છે એમ જાણી ભગતનું આંગણું ઉજાળ્યું.

 
કુબાજીએ બે હાથ જોડી કહ્યું :

 
‘બાપુ શું સેવા કરું ?’

 
‘સેવા તો કંઈ નહિ, તારું નામ સાંભળીને આવ્યો હતો ભગત.’

 
‘તો પછી ભોજન લઈને જ નિરાંતે જજો.’

 
‘ભગત હું એકલો નથી.  આખી જમાત છે !’

 
કુબાજીએ કીરતારને યાદ કરીને કહ્યું :

 
‘ભલે ને હોય, પંગત પાડશું.’

 
કુબાજી ઊપડ્યા ગામમાં સીધું-સામાન લેવા.  બસો સાધુ-સંતોની જમાત.  કુબાજી શેઠીઆની હાટડીએ ફરવા માંડ્યા પણ કોઈ દાદ દેતું નથી, બહાનાં બતાવે છે.

 
એક શેઠે કુબાજીની વાત સાંભળી.  કુબાજીને કહ્યું :

 
‘ભગત, બસો માણસોનું સીધું તમને દીધું, પણ એક શરતે !’

 
કુબાજી હરખીને બોલ્યા :

 
‘શેઠ, તમે કહો એ શરત મને કબૂલ છે.  જો સાધુ-સંતો જમતા હોય તો તમે કહેશો તે કબૂલ છે.’

 
‘ભગત, શરત આકરી છે.’

 
‘તોં કબૂલ છે.’

 
શેઠે વણોતરને હૂકમ કર્યો.

 
ભગતને ઘેર બસો માણસોનું સીધુ પુગાડો.

 
‘બોલો શેઠ, શું શરત છે ?’

 
‘મારે એક કૂવો ખોદાવવો છે.  તે તમારે ગાળી આપવો પડશે.’

 
‘ભલે શેઠ.’

 

KUBAJI BHAGAT
 

 
કુબાજીએ સાધુ-સંતોને ભોજન આપ્યું.  બીજા દિવસે ભગત અને માતાજી શેઠને ઘેર હાજર થયાં.  શેઠે કૂવો ગાળવાની જગ્યા બતાવી.

 
ભગત કૂવો ખોદવા લાગ્યા ને માતાજી માટી સારવા લાગ્યા.

 
કૂવો ખોદાતો જાય છે ને ભગત માટી ભેગા કરી, એ માટીને બહાર નાંખવા માતાજી કૂવામાં ઊતર્યા ત્યાં તો ઉપરથી ભેખડ પડી.  ભગત ને માતાજી દટાઈ ગયાં.  ગામમાં હાહાકાર થઇ ગયો.  બંને જણા કૂવામાં ગારદ થઇ ગયાં.

 
ગામ લોકોએ માટી કાઢવા માંડી પણ કંઈ આરો આવ્યો નહીં.  આખરે સૌએ નક્કી કર્યું કે હવે કોઈ જીવતું નહિ હોય.  આમેય ભગતે સમાધિ લીધી ગણાય.

 
વાત ઉપર વર્ષો વીતી ગયા.  કૂવાનો ખાડો નિશાનીરૂપ રહી ગયો.  ભાગ્ત્વાદો કૂવો જાણીતો થયો.  ગામને પાદરથી સંઘ નીકળ્યો.  હરિકીર્તન અને ભજન, ગાતા ભાવિકોએ આ કૂવાવાળી જગ્યાએ પડાવ નાખ્યો.  અધરાત તહી ત્યાં તો સંઘ ઝબકીને જાગી ગયો.

 
કરતાલને ઝાંઝ પખાજનો અવાજ સંભળાયો.  ભજનના સૂર જાણે ધરતીના પેટાળમાંથી પાણીની સરવાણી ફૂટે એમ ફૂટીને બહાર આવતા હતા.  યાત્રાળુઓએ જઈને રાજાને વાત કરી.  રાજાએ કૂવો ખોદાવવો શરૂ કર્યો.  માટી બહાર નીકળવા માંડી.  કૂવાને તળીએ જઈને સૌએ જોયું તો ભગત અને માતાજી હરિકીર્તનમાં તલ્લીન છે.  વિષ્ણુ ભગવાન એક સુંદર કમળના ફૂલ પર બિરાજમાન છે.  ભગવાનની મૂર્તિ અચાનક અર્દશ્ય થઇ ગઈ.  રાજાએ ભક્ત દંપતીને બહાર કઢાવ્યાં.

 
રાજાએ પાલખી મંગાવી સામૈયું કરી પધરામણી કરી.  કુબાજીની ચરણરજ માથે ચઢાવી.  કુબાજીની કીર્તિ આ બનાવ પછી દૂર દૂર ફેલાઈ હતી.

 

– દોલત ભટ્ટ

 

 

(ગ.ગુ.(૧)૧૨-૧૨/૪૯)
 
 
(અહીં દર્શાવેલ  તસ્વીર ગુગલ વેબ જગતને આભારી છે.)

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર સદા આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • purvi

    hriday sparshi prasang