….અને ચાવી ખોવાઈ જાય !!!

….અને ચાવી ખોવાઈ જાય !!!
-મહેશ શાહ…

 

 

 shriji-vallabh

 

 
મારા એફ એમ રેડિયો પર ફિલ્મ ‘બોબી’ નું એક બહુ જાણીતું ગીત, જેમાં ચાવી ખોવાઈ જાય તો શું થાય તેની વાત છે, આવતું હતું. તે ગીતના શબ્દોની વાત કે મીમાંસા નથી કરવી, આપણો તે વિષય પણ નથી અને આ લેખના વાંચકોને તેમાં રસ પણ ન પડે. વિચારોની  ગતિ અને દિશા અકળ છે. મન મર્કટ ક્યારે, કઈ બાજુ , કેવી ત્વરાએ ગમન કરે તે કોઈ કહી શકતા નથી એટલે જ મારું મન પણ ‘ચાવી’ના વિચાર વહેણમાં વહેવા લાગ્યું. પ્રસ્તુત છે તે વહેણ-વમળના થોડા વલયો.

 
ચાવી શબ્દના અનેક અર્થ થાય છે, જેમાં ઉપાય, કૂંચી, કિલ્લી, કળ, ચાંપ, ગુપ્ત ભેદ, નિયમ, રસ્તો, સત્તા વિ. સામેલ છે. આજના કમ્પ્યુટર યુગમાં ‘કોડ’ અથવા ‘પાસવર્ડ’ પણ ચાવી ગણાય. તેમ છતાં આ શબ્દ સાંભળતા જ જે અર્થ મનમાં સૌ પહેલાં આવે તે ‘તાળું ખોલવાનું સાધન’ એવો આવે.  લાખો, કરોડો તો શું અબજો, ખર્વો (ખર્વ = ૧૦૦૦ કરોડ)ની મિલ્કતની પ્રતિકાત્મક માલિકી એ ચાવી દ્વારા મળી શકે છે.

 
તાળું પ્રતિબંધ, અવરોધ, બંધન કે સમશ્યાનું પ્રતિક છે તો તેની વિરુદ્ધ ચાવી ઉપાય, ઉકેલ, નિવારણ છે. જેવું તાળું, જેવી સમશ્યા તેવી ચાવી. ભૂખમાં ભોજન, તરસમાં જળ, ઉજાગરામાં ઊંઘ અને બીમારીમાં ડોક્ટરની દવા. એક તાળું અને તેની એક ચાવી તે તો ઠીક પણ એક ‘માસ્ટર કી’ પણ હોય છે જે બધા જ તાળાંને લાગુ પડે. લાખ દુ:ખોંકી એક દવા !  વ્રજના ગોપીજનો પાસે આવી જ એક ‘માસ્ટર કી’ હતી. તેનું નામ છે ‘પ્રેમ’. નિસ્વાર્થ પ્રેમ, નિર્બંધ પ્રેમ, અસ્ખલિત પ્રેમ, અપેક્ષા રહિતનો પ્રેમ, પૂર્ણ પ્રેમ, અસીમ પ્રેમ કેટ કેટલાં વિશેષણ આપીએ ?  તેઓના હૃદયમાં તો પારાવાર પ્રેમનો ઊંડો ઉદધી ઉછળતો હતો. તેમને શ્રી કૃષ્ણની પહેલાં કે પછી, આગળ કે પાછળ તો શું ક્યાંય  કશું દેખાતું ન હતું. અસુરોના કે આપત્તિઓના આગમને ગોપીઓ જ નહીં બધા વ્રજવાસીઓ કાનુડાને પોકારતા હતા. તેમને એક માત્ર કૃષ્ણનો જ આશ્રય હતો.

 
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ પ્રભુએ સ્વ મુખે આશ્રયનું મહિમા મંડન કર્યું છે. જ્ઞાન, કર્મ, યોગ, સાંખ્ય એવા વિવિધ  ઉપદેશ આપ્યા પછી આપે આખરે તો અંતિમ અધ્યાયમાં અર્જુનને આજ્ઞા કરી છે કે ‘તું સર્વ ધર્મોનો ત્યાગ કરી એક મારા જ શરણે આવ’. અર્જુન પણ તેના જવાબમાં કહે છે કે ‘આપની વાતથી મારો મોહ નષ્ટ થઇ ગયો છે, સમજ પાછી ફરી છે અને મારા સંશયો નાશ પામ્યા છે. તેથી હું આપની (આ) આજ્ઞાનું ભક્તિભાવ પૂર્વક પાલન કરીશ.’ આપણે જાણીએ છીએ કે ગીતાજીમાં કર્મ, કર્તવ્ય કે ફરજને માટે ‘ધર્મ’ શબ્દનો પ્રયોગ થયો છે. આમ વૈષ્ણવ સંપ્રદાયનો દીક્ષા મંત્ર, જેને આપણે ગદ્ય મંત્ર કહીએ છીએ તે પ્રભુના આ વચન (सर्व धर्मान् ….)ને અનુરૂપ છે. આપણે સમસ્ત સમર્પણ કરીને  જ શરણ માર્ગની સફર શરૂ કરીએ છીએ.

 
વૈષ્ણવ સંપ્રદાયની પ્રણાલી મુજબ વિચારીએ તો ચાવી એટલે કે ‘સાધન’નો આશ્રય કે અવલંબન આપણી દ્રઢતા કે અનન્યતાના વેરી છે, અન્યાશ્રય છે.  આપણે ત્યાં તો અશક્ય હોય કે સહેલુંને સટ (સુશક્ય) હોય દરેક સ્થિતિમાં, દરેક કાર્યમાં, દરેક ભાવનામાં શ્રી હરિનું શરણ એ જ એક માત્ર ચાવી છે. આશ્રયનું મહત્વ શ્રી મહાપ્રભુજીએ આપના અનેક ગ્રંથોમાં વર્ણવ્યું છે. શ્રી વિવેકધૈર્યાશ્રય ગ્રંથમાં આશ્રયનું મહત્વ વિવેક અને ધૈર્યની સમાન છે તેમ સારી  રીતે સમજાવ્યું છે. શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથ તો માત્ર અને માત્ર આશ્રયના મહિમા મંડન માટે જ રચાયો છે. આમ આશ્રય એ વૈષ્ણવોની ‘માસ્ટર કી’ છે.

 
આપણા સંપ્રદાયમાં સાધનના અર્થમાં ચાવીની વિભાવના જ નથી કારણ કે નિ:સાધનતા એ જ આપણો પાયાનો  સિધ્ધાંત છે. આપણે ત્યાં તો અટલ આશ્રયને, વિલક્ષણ વિશ્વાસને, સંપૂર્ણ શરણાગતીને, અનેરી અનન્યતાને જ ચાવી ગણી શકાય. તેથી પણ વિશેષ, પ્રભુની કૃપાને અને પ્રભુ દ્વારા થતા વરણને આપણે ચાવી રૂપ ગણીએ છીએ.  આમાંથી કોઈ ચાવી જો ખોવાઈ જાય તો જરૂર આપણે ભટકી જઈએ. હરિ, ગુરૂ, વૈષ્ણવની કૃપાના બળે એવું નહીં જ બને અને આપણા શ્રી ઠાકોરજીના સ્નેહના સુમનની સુવાસ આપણા અંતરમાં મહેકતી રહેશે.

 
અન્ય માર્ગોની દેખાદેખી અને આપણા મનમાં રહેલી લોભ, લાલચ અને ડર જેવી નબળાઈઓને કારણે આપણે ઘણીવાર પ્રભુની ‘પુષ્ટિ માર્ગિય’ માદળિયું, દોરા, માનતા, મનોરથ, સંપુટી પાઠ, અનુષ્ઠાન, પૂનમ ભરવી  જેવા અનેક સાધનોના ચક્કરમાં ફસાઈ જઈએ છીએ. આપણા જ સંતોષ ખાતર ગોસ્વામી બાળકો પણ ક્યારેક આપણી આ નબળાઈઓને છાવરતાં અચકાય છે. ‘પરીક્ષામાં પાસ થઈશ તો રાજભોગ કરાવીશ’ કે જો મારા સંતાનનું  વેવિશાળ થશે/નોકરી મળશે તો શ્રીજીબાવાને પગે લગાડવા લઇ જઈશ’ એ બધા આના ઉદાહરણો છે.  આવા તો અનેક ઉદાહરણ આપી શકાય.  ચાવીનું કામ તાળાં ખોલવાનું છે તેનાથી વિરૂદ્ધ આવી ચાવીઓ સાધક નહીં બાધક બને છે. આપણા પુષ્ટિ ધર્મની, શરણાગત ધર્મની  વિરૂદ્ધની આ કૃતિ છે.  આવી બાબતોમાં શ્રધ્ધા એ અનન્યાશ્રય, વિવેક, ધૈર્યની ગેરહાજરી દર્શાવે છે. આવી ચાવી ખોવાઈ જાય તે જ સારૂં.

 
ઈચ્છીએ કે પ્રભુ કૃપાથી આવી બધી જ ચાવીઓ ખોવાઈ જાય…!
 

 

© Mahesh Shah 2013

મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા ૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • dhiren

    પ્રભુકૃપાથી તમામ ચાવીઓ ખોવાઈ પણ જાય અને મળી પણ જાય!