મારો સમય અમૂલ્ય છે …

મારો સમય અમૂલ્ય છે …

 

 

 TIME VALUE.1

 

 

એકવાર હું એક સુવિખ્યાત સામાજિક નેતા તથા ઉદ્યોગપતિને એમના કાર્યલયમાં મળ્યો.  તેઓ એક વયોવૃદ્ધ સજ્જન હતા.  એમના ટેબલ પર રાખેલી એક તકતી પર ‘મારો સમય અમૂલ્યવાન છે’  એમ લખ્યું હતું.  મને થોડી નવાઈ લાગી.  હું વિચારવા લાગ્યો કે શું એનો અર્થ એ છે કે એમનો જ સમય કીંમતી છે અને બાકીના લોકોનો નહિ ?  પણ એને બીજી વખત વાંચતાં મને લાગ્યું કે આ એક ઘણું મહત્વપૂર્ણ કથન છે.  જે લોકો પોતાના સમયને મૂલ્યવાન સમજે છે, તેઓ બીજા કોઈના ય સમયને વેડફવા ઇચ્છતા નથી.  આ તકતી એ લોકો માટે ચેતવણી છે કે જેઓ પોતાના સમયની કીંમત ન સમજવાને કારણે બીજાનાં સમયને બગાડ કરવામાં જરાય ખચકાટ અનુભવતા નથી.

 

પોતાના સમયને મૂલ્યવાન ગણનાર એ વૃદ્ધ સજ્જ્નમાં દરરોજ સોળ કલાકથી વધુ કાર્ય કરવાની ક્ષમતા હતી.  તેઓ ધૈર્યપૂર્વક પોતાની વિશાળ સંસ્થાની સેંકડો સમસ્યાઓને સાંભળતા અને આવનારા ઘણા લોકોની શંકાઓ અને સમસ્યાઓનું સમાધાન કરી આપતા.  પોતાની જીવનશૈલી દ્વારા એમણે પોતાના સમયને મૂલ્યવાન સિદ્ધ કરી દીધો હતો.  તમે પણ પોતાના મનસમક્ષ એવી જ એક તકતી લટકાવી દો અને એ રીતે પોતાના સમયની કીંમત સમજો.

 

હવે થોડુંક ગાણિતિક રીતે જોઈએ.  એક વર્ષમાં કુલ ૮૭૬૦ કલાક હોય છે.  હવે જરા વિચારો કે તમે એ સમયને કેવી રીતે વીતાવો છે – કેટલો સમય સૂવા માટે – કેટલો સમય ખાવા માટે – કેટલો સમય વિરામ કરવામાં અને કેટલો સમય મનોરંજન માટે ગાળો છો – એક કાગળ પર આ બધું લખી નાખો.  તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તમારી પાસે કેટલો બધો ફૂરસદનો સમય છે !  એના દ્વારા તમે એ વાત પર નજર કરી શકશો કે તમે પોતાના અવકાશની આ ક્ષણોનો સદુપયોગ કર્યો કે એને નિરર્થક ગુમાવી દીધી.  જો તમે કેવળ ધન કમાવવાને જ એક માત્ર મહત્વની બાબત માણતા હો અને સમયની પરવા ન કરો તો થોડા જ સમયમાં તમારા સમજવામાં આવી જશે કે તમારી આર્થિક દશા બરાબર નથી.  સમયનો સદુપયોગ એ જ સાચી સફળતાની ચાવી છે.

 

દરરોજ ગપ્પાં મારવામાં વ્યર્થ જનારા એકાદ-બે કલાકનો સમય ખરેખર ઘણો મૂલ્યવાન છે.  અને એનો અનેક રીતે સદુપયોગ કરી શકાય છે.  વ્યર્થ વીતાવેલો સમય ક્યારેય પાછો આવતો નથી.  પછીથી જરૂર પડશે ત્યારે આપણે આદત સુધારી લઈશું એમ વિચારીને આપણે પોતાના વર્તમાન સમયને સમજ્યા વિચાર્યા વગર વ્યર્થ ગુમાવી દેવાનું જોખમ ખેડી ન શકીએ.  આપણા જીવનની અવધી એટલી લાંબી નથી કે આપણે એને એવી રીતે ટાળંટોળ કરવામાં વિતાવી શકીએ.  સાદું જીવન જીવનાર વ્યક્તિની પાસે વ્યર્થકાર્યો માટે સમય જ નથી હોતો.  તો આપણે નકામી ચર્ચાઓમાં સમય શા માટે બરબાદ કરીએ ?  પોતાની દિનચર્ચા માટે એક સમયસારણી બનાવો અને તેનું દ્રઢતાપૂર્વક પાલન કરો.  ઓસ્લારના ‘અત્યારથી સાવધ ન બન્યા તો પાછળથી પસ્તાવું પડશે’  આ શબ્દોને ન ભૂલો.

 

ઉમ્મર ખૈયામે કહ્યું છે :

 

આપણું જીવન પંખી
કેવળ થોડા અંતર સુધી ઊડી શકે
તેણે પાંખો ફેલાવી દીધી છે
જુઓ, શીધ્ર એની દિશા નક્કી કરી લો.

 
 

દાન્તેએ પણ સાચું જ કહ્યું છે :  ‘વીતી રહેલી આજ ફરી પાછી ક્યારેય નહિ આવે.’  સમય તો ઘણી ત્વરિત ગતિએ પસાર થઇ રહ્યો છે.  અંતરિક્ષમાં આપણી ગતિ પ્રતિ સેકંડ ૩૦ કિ. મિ.  ની છે.  આપણી પાસે કેવળ આજનો જ દિવસ છે, પણ આ જ ક્ષણ છે.  એ જ આપણી એક માત્ર સંપત્તિ છે.  આપણે ભૂતકાળ અને ભવિષ્યની ચિંતા છોડીને આપણા બધા પ્રયત્નો પોતાના તાત્કાલિક કાર્યને જ બરાબર પૂર્ણ કરવામાં લગાડી દેવા પડશે.  ત્યારે જ આપણું જીવન સાર્થક બનશે અને આપણને એક ઉત્સાહ, તાજગી તથા આલોકની અનુભૂતિ થશે.  ત્યારે જ એક એક દિવસ કરીને વર્ષ વિતશે અને પ્રતિક્ષણ કરેલું આપણું સુકર્મ એકત્ર થઈને જ્ઞાન તથા સદાચારનો એક વિશાળ ભંડાર બની જશે.

 

એકવાર જ્યોર્જ બર્નાડ શો ને કોઈકે પૂછ્યું :  ‘આપ આપની દાઢી કેમ નથી કરતા ?’  શો એ જવાબ આપ્યો :  ‘એમ કરવાથી સમય વેડફાય છે.  દરરોજ ચાર મિનીટ બચાવીને મેં મારા જીવનના દસ મહિના બચાવી લીધા છે.’  આનો અર્થ એ નથી કે દાઢી વધારનારા હંમેશાં પોતાના સમયનો સદઉપયોગ કરે છે છતાં પણ આ એક એવા વિદ્વાનનું કથન છે કે જે સમયનું મૂલ્ય જાણતા હતા અને બેન ત્યાં સુધી એમને પોતાના સમયની એક ક્ષણને પણ નકામી જવા દીધી ન હતી.  આપણા જીવનની અવધિ સીમિત છે અને આપણો સમય મૂલ્યવાન છે.  આપણે અત્યારે જ, આ ક્ષણે કામમાં લાગી જવું જોઈએ.

 
 

તમે – તમારા પોતા માટે

 
 

મૃત્યુ પછી માનવીની સ્થિતિ વિશે આપણા પુરાણો શું કહે છે ?  એ જ કહે છે કે આ પ્રુથ્વી પર કરેલ દુષ્કર્મોના ફળસ્વરૂપે નરકનો દંડ ભોગવવો પડે છે.  વિલયમ જેમ્સ કહે છે કે જો આપણે આચાર વ્યવહારનો ખોટો માર્ગ પસંદ કરીએ તો આપણે વધારે દુઃખકષ્ટ ભોગવવાં પડે.  એમણે લખ્યું છે :  ‘ધર્મગ્રંથોમાં મરણોપરાંત મળતા જે નરકની વાત કહી છે, એનાથી વધારે ખરાબ નરક પોતાના દુષ્કર્મો દ્વારા આપણે આ ધરતી પર રચી દઈએ છીએ’ આ સત્ય છે.  આપણા દુષ્કર્મોનું રચેલું નરક, પુરાણોમાં વર્ણવેલા નરકથી બદતર છે.  આશ્ચર્યની વાત તો એ છે કે આપણે પોતે જ આપણા માટે સ્વર્ગ અને નરક રચીએ છીએ.

 

સંભવ છે કે પિતાનું ઋણ પુત્ર ચૂકવે છે, મોટા ભાઈ દ્વારા ભવનિર્માણનું કાર્ય નાનો ભાઈ પૂરું કરી દે.  પણ પોતાની તરસ બુઝાવવા માટે વ્યક્તિએ પોતે જ પાણી પીવું પડે છે અને પોતાની ભૂખ દૂર કરવા માટે પોતાને જ ખાવું પડે છે.  પોતાની સમસ્યાઓનો ઉકેલ તમારે પોતે જ શોધવો પડશે.  બીજા લોકો સલાહ આપી શકે છે પરંતુ લક્ષ્ય સુધી તો તમે જ ચાલશો.  ત્યારે જ તમને જીવનમાં કંઈક મળશે.  પોતાનું જીવન અનુશાસિત તથા વ્યવસ્થિત રૂપે વિતાવનારા લોકો ખરેખર સદ્દભાગી લોકો છે.  બધું ભાગ્ય પર છોડી દેવાથી તમારામાં કાર્ય માટેનો ઉત્સાહ નહિ આવે અને જીવનની બરબાદીથી દુઃખ અને હતાશા જ તમારા હાથ લાગશે.

 
 

શક્તિ જ જીવન છે

 
 

દુનિયા નિર્બળતાને નહિ પરંતુ શક્તિ જ પૂછે છે અને પૂજે છે.  આપણા યુવાનોએ સદા આ યાદ રાખવું જોઈએ.  ક્રિકેટમાં કોઈ બેટ્સમેન સતત ચાર ચોગ્ગા લગાવી દે તો બધા આનંદથી નાચી ઊઠે છે.  એને ઉપાડીને સરઘસાકારે નીકળે છે.  શું આ શક્તિ, ઊર્જા તેમજ કર્મઠતાની પૂજા નથી.  આવા ગુણોની પ્રશંસા બધા કરે છે.  સંત પુરંદાસ કહે છે :  ‘નિર્બળ બનવાથી મિત્ર પણ શત્રુ બની જાય છે !’  કેટલી બધી સાચી વાત !  અતિ લાડપ્રેમમાં ઉછરેલ બાળક પછીથી બીમાર, દુર્બળ અને મંદબુદ્ધિ નીકળે તો એના માતાપિતા એના ભાગ્યને જ દોષ દેતાં કહે છે : ‘એ જન્મ્યો જ શા માટે ?  આ તો અમારા કુળનું કલંક છે.’  ખરેખર બળવાનને જ બધા મિત્ર બનાવવા ઈચ્છે છે.  નિર્બળ લોકોને એમના ભાગ્ય પર છોડી દે છે.  જ્યાં સુધી તનમન સાથ ન આપે ત્યાં સુધી પ્રત્યેક અવસરનો લાભ લેતાં લેતાં દરેક રીતે પોતાની શક્તિમાં વૃદ્ધિ કરવી એ જ બુદ્ધિમત્તા છે.  આપણે કેવળ પોતાનાં શરીરમનના બળ અને પોતાની બૌદ્ધિક તેમજ નૈતક શક્તિઓને જ નહિ પરંતુ આત્મશક્તિનો વિકાસ પણ કરવો પડશે.  સ્વામી વિવેકાનંદ કહે છે :  ‘આ એક મહાન સત્ય છે, શક્તિ એ જ જીવન છે અને દુર્બળતા જ મૃત્યુ છે.  શક્તિ પરમસુખ, જીવન અજર અમર છે.  દુર્બળતા ક્યારેય ન દૂર થનારો બોજ અને યંત્રણા છે;  દુર્બળતા જ મૃત્યુ છે.’   એમણે પોતાના દેશવાસીઓને ઉપદેશ આપતાં કહ્યું : ‘મારે જે જોઈએ છે તે છે લોખંડી – સ્નાયુઓ અને પોલાદી જ્ઞાનતંતુઓ કે જેની અંદર, જે પદાર્થનું વ્રજ બનેલું હોય છે એ જ પદાર્થનું બનેલું મન વસે છે.’  દુર્બળ વ્યક્તિનો પોતાનો તો નાશ થાય જ છે પણ સાથેને સાથે બીજાના મનમાં પણ શોષણ અને હિંસાવૃત્તિની પ્રેરક બને છે.  આપણી સાંસ્કૃતિક પરંપરા શરીર, મન તેમજ આત્માને સશક્ત બનાવવા પર સર્વાધિક ભાર દે છે.  ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું હતું:  ‘દુર્બળ ન થા, નિરાશ ન બન.’  કહેવત છે કે, ‘દૈવડપિ દુર્બલસ્ય ઘાતક: –  ભાગ્ય પણ દુર્બળોને  સાથ નથી આપતું.’  ઘોડા, હાથી કે વાઘને નહિ પરંતુ બીચારા બકરાને જ પકડીને બલિદાન અપાય છે.  દુઃખની વાત તો એ છે કે પ્રકૃતિ પણ નિર્બળતાનો જ નાશ કરે છે !

 

(રા.જ. ૦૨-૦૪(૨૩-૨૪)૪૯૧-૯૨)

 

 
 TIME VALUE

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....