ગૌતમી –એક સાધ્વી …

ગૌતમી –એક સાધ્વી …

 

 buddh n gautami

 

 

 

સાધ્વી ગૌતમીનો જન્મ ગૌતમ બુદ્ધના જન્મનાં થોડા વર્ષો પૂર્વે દેવદહ નામના નગરમાં શાક્યવંશના મહાપ્રબુદ્ધને ત્યાં થયો હતો.  તેમનું ગોત્ર ગૌતમ હોવાથી તેઓ ગૌતમી નામથી પ્રસિદ્ધ થયાં.  પૂર્વજન્મનાં સત્કાર્યોને કારણે બાળવયથી સ્વભાવ સારો.  બુદ્ધદેવનાં માતા માયાવતી એમનાં મોટી બહેન થાય.  જન્મ સમયે બંને બહેનોનાં અંગ પર શુભ ચિહ્ નો જણાયાં હતાં.  જ્યોતિષીઓએ ભવિષ્ય ભાખ્યું કે એમના સંતાન ચક્રવર્તી થશે.  પછી ભલે મનુષ્યોના પાર્થિવ રાજ્યના કે હૃદય-સામ્રાજ્યના રાજા થાય.  દેવનગરની પાસે રોહિણી નદીના કિનારે કપિલવસ્તુ નામના નગરમાં શુદ્ધોદન નામનો રાજા રાજ્ય કરતો હતો.  તેમની સાથે બંને બહેનોનાં લગ્ન થયાં.  માયાવતીએ બુદ્ધ દેવને જન્મ આપ્યો.  અને જન્મ પછી સાતમે દિવસે તે પંચતત્વને પામી.  ગૌતમીને એ જ સમયે નંદ નામન્પ પુત્ર થયો.  રાજાની આજ્ઞાથી અને પોતાની બહેન પ્રત્યેના પ્રેમથી બુદ્ધને તે પોતાના દીકરાની માફક ધવરાવીને ઉચિરવા લાગી.  પોતાના સગા દીકરા નંદને વિશ્વાસુ દઈને સોંપ્યો.  બુદ્ધને મહાન બનાવવા માટે સંસ્કાર આપવાનો ગૌતમીએ નિશ્ચય કર્યો.

 
ગૌતમ બુદ્ધમાં પાછળની અવસ્થાએ જ્ઞાનલાલસા, દયા, ઉત્સાહ, બુદ્ધિની તીવ્રતા, કાર્યદક્ષતા, વિશાળ દ્રષ્ટિ, નેતા બનવાની કુશળતા વગેરે જે ગુણો જણાયા તેનું કારણ આ સાધ્વી ગૌતમી જ હતી. બુદ્ધદેવે સંસારત્યાગ કર્યો અને વનમાં વાસ કર્યો ત્યારે સ્નેહાળહૃદયી ગૌતમીને ખૂબ આઘાત લાગ્યો.  જુદાં જુદાં ગામોમાં ધર્મનો ઉપદેશ આપીને બુદ્ધ પોતાના પિતાની રાજધાની કપિલવસ્તુમાં પહોંચ્યાં.  તેમના પિતા શુદ્ધોદને પુત્રના ઉપદેશથી બૌદ્ધધર્મ  સ્વીકાર્યો.  અરિહંતપદ મેળવવા માટે પ્રથમ પગથિયારૂપ શ્રોતાપદ્મપદ મેળવ્યું, બુદ્ધદેવના પુત્ર રાહુલે શ્રમણની દીક્ષા લીધી.  થોડા સમય પછી રાજા અરિહંતપદ પામીને માહાનિર્વાણપદ પામ્યા.  ત્યાર પછી થોડા દિવસમાં ગૌતમીના પુત્ર નંદે પોતાના વિવાહ અને રાજ્યાભિષેકના દિવસે ઘરબાર છોડીને સંન્યાસ ગ્રહણ કર્યો.  તેમની પાછળ શાક્યવંશના અનેક ક્ષત્રિયોએ સંસાર છોડી દીક્ષા લીધી.

 
કપિલવસ્તુ ગામમાં સાધ્વી ગૌતમીએ બુદ્ધ દેવના ઉપદેશનું અમૃત પુષ્કળ પીધું.  આવા મહાજ્ઞાની બોધિસત્વને પોતે સ્તનપાન કરાવીને, ઉછેરીને મોટા કર્યા હતા.  આ વિચારથી તેઓને મનમાં અભિમાન હતું.  બૌદ્ધધર્મ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન થઇ.  પતિનું મૃત્યુ તથા પૌત્ર રાહુલ અને પુત્ર નંદના સંસારત્યાગથી ગૌતમીને પણ સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો.

 
સાધ્વી ગૌતમીને વિચાર આવ્યો :  ‘શું પુરુષો જ ભિક્ષુ બનીને બ્રહ્મચર્યવ્રત ધારણ કરીને, ધર્મનો પ્રચાર કરે અને અમે સ્ત્રીઓ એવા પુણ્યકર્મને ન કરી શકીએ ?  હું પણ આ સ્વાર્થી સંસારનો ત્યાગ કરીશ, વાસનાઓને ત્યજી દઈશ, આખી દુનિયાને મારું કુટુંબ ગણીશ, સર્વત્ર વિચરીને લોકોને ઉન્નત માર્ગમાં લઇ જવા પ્રયત્ન કરીશ.’  આવો દ્રઢ સંકલ્પ ગૌતમીએ કર્યો.

 
વળી આ શુબ વિચારોનું સિંચન તેમણે બીજી પાંચસો સ્ત્રીઓમાં કર્યું.  બુદ્ધદેવ તે સમયે વૈશાલીમાં બિરાજમાન હતા.  ગૌતમી મુંડન કરાવીને પાંચસો શાકય સ્ત્રીઓની સાથે બુદ્ધદેવ પાસે પહોંચી ગયાં.  આમ પગે ચાલી જવાનો પ્રસંગ રાજવંશી ગૌતમી માટે પ્રથમ હતો.  તેમના મુખ પર થોડો વિષાદ પથરાયેલો હતો.  કારણ કે કપિલવસ્તુમાં ભિક્ષુણી સંઘ સ્થાપવાની પ્રાર્થના તેમણે બુદ્ધદેવને કરી હતી.  પરંતુ ભિક્ષુઓ અને ભિક્ષુણીઓમાં લડાઈ થાય એવા ભયથી બુદ્ધદેવે ના પાડી હતી.  પરંતુ આ વખતે ગૌતમી દ્રઢ સંકલ્પથી બુદ્ધદેવ પાસે આવ્યા હતાં.  એમના શિષ્ય આનંદ દ્વારા ગૌતમીએ પોતાનો ઉદ્દેશ બુદ્ધદેવને કહેવડાવ્યો.  આ પહેલાં બુદ્ધદેવ પોતે કહી ચૂક્યા હતા કે, ‘સ્ત્રીઓને ધર્મશાસ્ત્ર સમજવાનો અધિકાર છે.’  આ મોકો જોઈ આનંદે બુદ્ધદેવને પૂછ્યું કે, ‘જ્યારે આમ વાત છે તો સાધ્વીદેવી ગૌતમીને શા માટે નિરાશ કરવામાં આવે છે ?  એમની પ્રાર્થના આપ કેમ સ્વીકારતા નથી ?  એમણે તો આપને ઉછેરીને મોટા કર્યા છે.  આપના પ્રત્યે અપાર સ્નેહ છે.  ગૌતમીના મનના સમાધાનની ખાતર આપ નિર્ણય કરો કે સ્ત્રીઓ પણ સંન્યાસી બની શકે અને તેમનાથી પ્રવ્રજ્યા લઇ શકાય.’

 
બુદ્ધદેવે આનંદની ભલામણ સ્વીકારી અને સાધ્વી ગૌતમી અને તેમની સાથે આવેલી પાંચસો શાકય સ્ત્રીઓને પ્રવ્રજ્યા આપીને એક નવો ભિક્ષુણી સંઘ સ્થાપ્યો.

 
તે દિવસથી સાધ્વી ગૌતમીએ ધર્મપ્રચારનું કામ પૃથ્વી પર ભ્રમણ કરીને શરૂ કરી દીધું.

 
એક સમયે બુદ્ધ ભગવાન શાલીનગરની પાસે મહાવનમાં કુટાગાર નામક નગરમાં હતા.  તે વખતે ગૌતમી ત્યાંની ભિક્ષુણીઓના રહેઠાણમાં હતાં,  ભિક્ષા માંગી આવ્યા પછી સાધ્વે ગૌતમીને એક વિચાર આવ્યો કે, બુદ્ધનું પરિનિર્વાણ અથવા દેહત્યાગ મારાથી જોઈ શકાશે નહિ.  વળી તેમના મુખ્ય શિષ્ય આનંદ, પુત્ર નંદ અને પૌત્ર રાહુલનો દેહત્યાગ પણ નજરે જોઈ શકાશે નહિ.  માટે આ સર્વને પૂછીને મારે એ સર્વના પહેલાં દેહત્યાગ કરવો ઠીક રહેશે.  આમ વિચાર કરીને એમણે બુદ્ધદેવને પોતાને ત્યાં તેડાવ્યા.  બુદ્ધદેવ પધાર્યા એટલે ગૌતમીએ તેમનાં ચરણમાં નમસ્કાર કરીને વિનયપૂર્વક દેહત્યાગ કરવાની આજ્ઞા માંગી.

 
બુદ્ધદેવે પોતાના સ્વભાવ પ્રમાણે કોમળ પણ ધીરગંભીર અવાજે કહ્યું : ‘હવે તમારા દેહ ત્યાગનો સમય થઇ ગયો છે, ખુશીથી જઈ શકો છો.’  તેપછી આનંદ વગેરે સેવકોને બોધ આપીને, ભિક્ષુણીઓને ઉપદેશ આપીને સાધ્વી ગૌતમી સમાધિસ્થ થયાં અને એ દશામાં તેમનો પચિત્ર આત્મા નશ્વર દેહ છોડીને ગયો.  સાધ્વી ગૌતમીએ અપનાદ તથા થેરીગાથા ગ્રંથમાં બુદ્ધદેવ પ્રત્યે એમની સ્નેહભરી ભક્તિ શબ્દેશબ્દમાં વર્ણવી છે.  તેઓ બુદ્ધદેવને કહે છે કે ‘હે સુગત !  હું તારી માતા છું અને તું મારો વીર પિતા છે.  પિતા એટલા માટે છું કે ઉત્તમ ધર્મ શીખવીને તેં મને નવો જન્મ આપ્યો છે.  મેં તને લાડ લડાવીને મોટો કર્યો છે.  માટે હું તારી માતા છું.  શુદ્ધ અને પવિત્ર ધર્મરૂપી શરીર આપીને તેં મને મોટી કરી છે.  માટે તું મારો પિતા છે.  મેં તો એક ઘડીભરની તારી તરસ છિપાવવાને ધાવણ ધવરાવ્યું પણ તેં તો મને ધર્મનું ધાવણ ધવરાવીને અક્ષય શાંતિ આપી.  માન્ધાતા આદિ રાજાઓની માતાઓનાં નામ ભવસાગરમાં ગુપ્ત થયાં છે, જ્યારે તારી મા થઈને હું ભવસાગર તરી ગઈ છું.’
 

 

(ગ.ગુ.(૬)૧૦-૧૨/૪૯)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • PUSHPA

    kash aapne e kary sadbhavthi, premthi, krutgyathi, saxibhave nibhavie to aapno antar aatma sntoshay

  • PUSHPA

    kash aapne e kary sadbhavthi, premthi, krutgyathi, saxibhave nibhavie to aapno antar aatma sntoshay