પરમ સુખનું પ્રવેશદ્વાર – દુઃખ …

પરમ સુખનું પ્રવેશદ્વાર  – દુઃખ …

 

 

valmikrushi

 

 

માણસ આ દુનિયામાં આવે છે ત્યારે તેને ડગલે ને પગલે દુઃખ સુખનો અનુભવ થાય છે.  સુખ સીધું જ મળતું નથી.  દુઃખની વેદના વેઠ્યા વગર સુખને કેમ માણી શકાય ?  જગતની અસારતાના અનુભવ વગર ઈશ્વરીય પ્રેમની મહત્તા કઈ રીતે સમજી શકાય ?  ભૌતિક જગતમાં દુઃખ કદી પીછો છોડતું નથી.  સ્વામી વિવેકાનંદ યથાર્થ કહે છે કે આપણને જ્યારે સુખ મળે છે ત્યારે પણ સુખનો આંચળો ઓઢીને દુઃખ જ છુપાઈને આવે છે.  બાહ્ય રીતે સુખ દેખાય છે પરંતુ અંદર તો દુઃખ જ બેઠું છે અને તે અવશ્ય ફરી આવે છે.  દુઃખનો અનુભવ આવશ્યક છે.  દુઃખની વેદનાથી હૃદયમન વલોવાય-વ્યથિત થાય તો જ સુખ-પરમસુખનો આસ્વાદ માણી શકાય.

 
વાલ્મીકિ ઋષિને રામાયણ લખવાની ઈચ્છા ત્યારે થઇ તેમને દુઃખનો આઘાત લાગ્યો.  એક વખત વાલ્મીકિ પોતાના શિષ્યો સાથે સરોવર કીનારે ફરતા હતા ત્યારે ત્યાં એક સારસ યુગલ કામક્રીડામાં રત હતું.  અચાનક કોઈ શિકારીએ તેના પર દબાણ ચલાવ્યું અને નરપક્ષી ઘાયલ થઈને પડી ગયું.  એના પ્રાણપંખેરું ઊડી ગયા.  માદા સારસે કરુણ આક્રંદ કર્યું.  એ સ્વામીના વિરહમાં ઝૂરવા લાગી.  તેના અફાટ ક્રંદનથી મુનિનું કોમળ મન દ્રવી ઊઠયું.  તેમના આહત હૃદયમાંથી શબ્દો સરી પડ્યા:

 

મા નિષાદ પ્રતિષ્ઠામ્ ત્વમગમ: શાશ્વતી સમા: |
યત્ કૌંચ મિથૂનાદેક્મવધી કામ મોહિતમ્ ||

 

અરે ! પારધિ, તેં કામરત સારસયુગલના એકનો વધ કર્યો છે.  તેથી તને કદીય પ્રતિષ્ઠા મળશે નહિ.  તને કોઈ નિશ્ચિત રહેઠાણ મળશે નહિ.  શિકારીને શાપ આપતો એક સુલલીત શ્લોક મુનિના મુખમાંથી સરી પડ્યો.  આ શ્લોકથી તેમનું કવિત્વ જાગ્રત થયું અને આ શ્લોક રામાયણ રચનાનો મૂળ સ્ત્રોત બન્યો !

 
રામાયણમાં પણ વારંવાર દુઃખદ ઘટનાઓનું આલેખન છે.  રામનો વનવાસ, દશરથ રાજાનો પુત્રવિયોગ – કૈકયીની સ્ત્રી હઠ, ભરતનો અયોધ્યા ત્યાગ, સીતાનું અપહરણ, રાવણવધ, સીતામાતાની અગ્નિ પરીક્ષા.  આદર્શ રાજા હોવાને કારણે રામનું દુઃખમય જીવન, ફરી સગર્ભા સીતાનો ત્યાગ, વગેરે.  આ સંસારના અતિદુઃખમય, ત્રિતાપપૂર્ણ પ્રસંગો રામાયણમાં જોવા મળે છે.  રામાયણના આદર્શ ચરિત્રો ત્યાગ અને સત્યપાલનનો આદર્શ આપે છે.  રાજા રામ, ભરત અને સીતામાતા ત્યાગના જવલંત દ્રષ્ટાંતો છે.

 
લક્ષ્મણ, હનુમાન વગેરે મહાન કર્મયોગી છે.  પ્રજાત્સલ રામ એક આદર્શ રાજા છે.  જેમનું સમગ્ર જીવન સમાજલક્ષી છે.  વ્યક્તિગત જીવનમાં સુખની લેશમાત્ર ઈચ્છા નથી.  સમાજમાં આદર્શ સ્થાપવા પોતાની સગર્ભા પત્નીનો પણ ત્યાગ કરે છે !  પવિત્રતા સ્વરૂપિણી સીતામાતા એક આદર્શ પતિવ્રતા નારી છે.  આમ, ઉચ્ચ આદર્શ જીવન જીવનાર પ્રત્યેક મનુષ્ય માટે દુઃખ વેઠવું અનિવાર્ય છે.

 
શ્રીમદ્દ ભાગવત્ ગીતાને પંચમ વેદ કહેવામાં આવે છે.  ભગવદ્દ ગીતાની રચના પણ દુઃખને કારણે થઇ.  કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણ અર્જુનના સારથી બનીને યુદ્ધ માટે અર્જુનને રણમેદાનમાં લાવે છે ત્યારે સામે પક્ષે ઊભેલ ગુરુજનો, વડીલો, ભ્રાતૃગણ, સગાસ્નેહી અને મિત્રોને જોઇને અર્જુનના ગાત્રો ઢીલા પડી ગયા.  ભયથી કંપવા લાગ્યા.  અર્જુને કહ્યું: ‘મારે યુદ્ધ નથી કરવું.  મારે રાજ્ય નથી જોઈતું.  હું વનમાં સંન્યાસી બનીને જીવન જીવન વિતાવીશ.  સ્વજનોને મારીને હું પાપમાં નહિ પડું …’  વિષાદગ્રસ્ત અર્જુનના મોહ અને શોકને દૂર કરવા ભગવાને અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું.  માનવમનની વિસામણને વિવિધપણે શ્રીકૃષ્ણને દૂર કરીને શંકાનું સમાધાન કર્યું અને અંતે સંન્યાસના રહસ્યનો વિસ્ફોટ કરીને એક આદર્શ આધ્યાત્મિક જીવનની પૂર્ણતાને પામવાનો માર્ગ બતાવ્યો !

 
દુર્ગાસપ્તશીમાં મા ચંડીનું આગમન પણ શોક તપ્ત રાજા સુરથ અને સમાધિ નામના વૈશ્યને કારણે થયું.  ચૈત્રવંશના રાજા સુરાથનું સામ્રાજ્ય બહુ વિશાળ હતું અને તે પ્રજાનું પુત્રવત્ પાલન કરતાં હતા.  કોલા વિધ્વંશી ક્ષત્રિયો તેમના શત્રુ બન્યા અને રાજા સુરથ યુદ્ધમાં પરાસ્ત થયા.  ત્યારબાદ તેમની પાસે પોતાનું નાનું રાજ્ય રહ્યું.  પોતાનો પ્રતાપ ઓછો થતો ગયો.  તેમના દુષ્ટ અને બળવાન મંત્રીઓએ તેમની રાજધાની પર કબજો મેળવી લીધો.  શિકાર કરવાના બહાને રાજા ઘોડા પર સવાર થઈને જંગલમાં ભાગી ગયા અને મેઘા મુનિના આશ્રમમાં આવ્યા, તે જ રીતે સમાધિ વણિક પોતાના સગા સ્નેહીઓની અવહેલના ને કારણે ઘર છોડી જંગલમાં આવ્યા.  બંનેએ દુર્ગામાની ઉપાસના કરી.  માતાજી પ્રસન્ન થયા અને બંનેના જીવનને સુખ, શાંતિ અને આનંદથી ભરપૂર કરી દીધું.  દુઃખના કારણે પરમસુખનો લ્હાવો આજે આખાય સંસારને દુર્ગાસપ્તશતી રૂપે મળે છે.

 
વેદવ્યાસે બ્રહ્મસૂત્ર, વેદ, પુરાણ, મહાભારત ઇત્યાદિને ગ્રંથસ્થ કર્યા છતાંય તેમના મનમાં અંજપો રહેતો હતો.  મનમાં કંઈક ઊણપ ખૂંચતી હતી.  હજુયે તેમના મનમાં શાંતિ ન હતી.  બરાબર એ સમયે તેમની પાસે નારદજી આવ્યા અને તેમના મનમાં શાંતિ ન હતી.  બરાબર એ સમયે તેમની પાસે નારદજી આવ્યા અને તેમના પ્રશ્નનું સમાધાન કરતાં કહ્યું કે કળિયુગમાં મનુષ્યનું જીવન અલ્પ છે અને વળી મનુષ્ય કઠોર તપ પણ કરી શકે તેમ નથી.  તેનો ઉપાય એક માત્ર હરિકીર્તન – નામસ્મરણ જ છે.  ઈશ્વરની લીલાનું ચિંતન-પ્રભુગુણગાન એ એકમાત્ર મધુર રસાયણ છે !  તેથી તમે ભક્તિપૂર્ણ ઈશ્વરલીલાનું નિરૂપણ કરો. તમને શાંતિ અને પરમસુખ પ્રાપ્ત થશે.  વ્યાસજીએ નારદમુનિના આદેશનું પાલન કર્યું અને શ્રીમદ્દ ભાગવતની રચના કરી.  ભાગવતનું યથાર્થ જ્ઞાન તે વ્યક્તિ જ આપી શકે જેનામાં પૂર્ણજ્ઞાન અને બહકતી હોય.  તેથી તેમના બ્રહ્મજ્ઞાની પુત્ર શુકદેવે રાજા પરીક્ષિતને પ્રથવાર ભાગવતનું રસપાન કરાવ્યું અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં મૃત્યુને અધીન થતા રાજાને મોક્ષ અપાવ્યો.

 
આ રીતે વિચારીએ તો દુઃખ એક આશીર્વાદ સમું છે.  દુઃખમાં આપણને ઈશ્વરનું સ્મરણ વધારે થાય છે.  કુંતા માતાએ પણ ભગવાન શ્રીકૃષ્ણને બે હાથ જોડીને ભક્તિભાવપૂર્વક દુઃખની યાચના કરી હતી.  રાજ્સુખ કે વૈભવ માગ્યા ન હતા.  કુંતા માતાએ પ્રભુ પાસે દુઃખ એટલા માટે માગ્યું કે જેથી હરપળે ભગવાનનું સ્મરણ રહે !

 
દુઃખ એ સુખ પ્રાપ્તિનું પ્રથમ સોપાન છે.  આત્યંતિક દુઃખનિવૃત્તિ માટે આપણે પ્રયત્નશીલ રહીએ તો ઈશ્વર માટે પરમપ્રેમ થાય છે.  ઈશ્વર પ્રત્યેના શુદ્ધ સ્નેહ માટે આપણે આતુર બનીએ છીએ અને તેનાથી પરમ સુખ પ્રાપ્ત થાય છે.  એક દિવ્ય આનંદ મળે છે.  પરમ પ્રેમનો આસ્વાદ માણસને જીવન-મૃત્યુની પેલે પાર લઇ જાય છે.  જ્યાં કેવળ આનંદ-પરમાનંદ, શાંતિ અને પ્રશાંતિ જ છે !!

 

 

(રા.જ.૦૧-૦૬ (૩૭)/૪૮૭-૮૭)

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Ramesh Patel

  Thanks for sharing such good thoughts.

  Ramesh Patel(Aakashdeep)

 • PUSHPA

  shbdo mujthi, vachnar mujthi, mannar mujthi gmo angmo mujthi jo muj ane tuj ma smaj ke aa mannar nar narini indriyo na hot to sagam kyathi hot

 • Sangita Gokani

  A Lot Of Trouble Would Disappear

  If Only People Would Learn To Talk To One Another

  Instead Of Talking About One Another …..