મહાત્મા ગાંધીજીની દ્રષ્ટિએ ઘરેણાં અને શણગાર …

મહાત્મા ગાંધીજીની દ્રષ્ટિએ ઘરેણાં અને શણગાર …

 

 

shrungaar

 

 

સ્ત્રીઓનો સાચો શણગાર તો ચોખ્ખું અને પવિત્ર હૃદય જ છે.  અને તેનું સ્થાન તો શરીર પર કોઈ પણ કીંમતી ઘરેણાં કરતાં અનેક ગણું વધારે કીંમતી છે.

 
નાકકાન છેદવાનો વેદવિધિ મેં જાણ્યો નથી.  પણ વેદવિધિ છે એમ સાબિત થાય તોયે, જેમ આજે નરમેઘ ન થાય તેમ, નાકકાન ન છેદાય એમ હું કહું.

 
કોઈ પણ બાળાનો એક પણ અવયવ છેદવો એ મને તો જંગલી લાગે છે.

 
કાનનાક વીંધી જે ઘરેણાં પહેરવામાં આવે છે તેમનો ઉપયોગ તો, સ્ત્રીને પુરુષ જેમ દોરવા ઈચ્છે તેમ દોરવામાં મદદ લેવા પૂરતો મેં તો ભાળ્યો.  એક બાળક પણ મજબુત સ્ત્રીના નાકનું કે કાનનું ઘરેણું પકડે તો તેને પરાધીન કરી મૂકે.  એટલે મેં તો આ મુખ્ય ઘરેણાંને કેવળ ગુલામીની નિશાની તરીકે ઓળખ્યાં છે.

 
સ્ત્રીઓનાંઘરેણાં જોઇને તો હું હેરાન જ થઇ જાઉં છું.  એને કોણ સમજાવે કે એમાં સૌંદર્ય નથી !  સૌંદર્ય તો હૃદયમાં છે. !

 
ઘરેણાંની ઉત્પત્તિ મેં કલ્પી છે તેવી હોય તો, તેમને ગમે તેવાં હળવાં કે શોભીતાં કરો તોયે, તે ત્યાજય છે.  સોનાની કે હીરામોતીથી જડેલી બેડી પણ બેડી જ છે.  અંધારી કોટડીમાં પૂરો કે મહેલમાં પૂરો, બંનેમાં પુરાયેલ સ્ત્રીપુરુષ કેદી જ ગણાશે.

 
હાથેપગે જે ઘરેણાં સ્ત્રીઓ પહેરે છે તે તેમની કેદની નિશાની છે … એ ઘરેણાંને હું તો હાથપગની બેડી જ સમજુ છું.

 
બંગડી, ચાંલ્લો, રંગીન સાડી શણગાર હોય ને કેવળ રૂઢિ પણ હોય.  જેમ ખાવું ભોગ હોય અથવા દેહનું ભાડું હોય … બંગડી, ચાંલ્લો કે રંગ જો તમારામાં વિકાર પેદા કરતાં હોય તો તે જગતની સામે થઈને પણ ત્યજો.  પણ જો માત્ર રૂઢિ ખાતર જ વાપરો અથવા વડીલોને રાજી રાખવા તો તેમાં દોષ નથી.  એટલે કે એ ન વાપરવાનો એકાંતિક ધર્મ નથી … જેમ જૂઠું ન બોલવાનો એકાંતિક ધર્મ છે …

 
જેને ચોટલામાં જ બધો શણગાર છે અને ચોટલાનો ત્યાગ કરવાનું કહેતાં જ જે લાલ આંખ કરે, તે ભલે ચોટલો કાપે.  પણ જેને ચોટલો અળખામણો થઇ પડ્યો છે, બોજારૂપ છે, તે માબાપને રાજી રાખવા કે સમાજને ન છોડવા ખાતર રાખે તો કાંઈ ખોટું નથી.  તે રાખવાનો ધર્મ પણ હોય.

 
ભણેલી ગણેલી સ્ત્રીઓ પણ ઘરેણાંનો શોખ કેમ રાખે છે ?  વિચાર કરતાં એમ લાગે છે કે, જેમ બીજી બાબતોમાં તેમ અહીં પણ રૂઢિનું સામ્રાજ્ય વર્તે છે … રૂઢિ છે એટલે કરીએ છીએ, ને પછી તે સ્વતંત્ર રીતે આપણને ગમે છે.  આનું નામ વિચારશૂન્ય જીવન.

 
લિપસ્ટિક લગાડી બિચારી હોઠ રંગે છે, નખ રંગે છે.  પરિણામે એને એ જોવાની ફુરસદ નથી રહેતી કે પોતે કેટલી દુર્બળ, ફિક્કી થઇ ગઈ છે !  પહેલાંની બહેનોનાં શરીરમાં એવું લોહી હતું કે કુદરતી હોઠ અને નખ લાલઘુમ રહેતાં.

 
મનુષ્યોનું સૌંદર્ય એની નીતિમાં રહેલું છે. પશુની સુંદરતા એના શરીર ઉપરથી મપાય છે.

 
ઊંડે ઊંડે પણ જ્યાં લગી શણગારનો મોહ રહ્યો છે ત્યાં લગી દેખાદેખીથી કંઈ પણ ફેરફાર કે ત્યાગ કરવો એ નિરર્થક છે.  પણ જ્યારે મોહ ઊતરે છતાં મન તે તરફ જતું હોય ત્યારે તો દેખાદેખીથી, શરમે, ગમે તે બહાને મોહને મારીએ ને ઘટતા ફેરફાર કરીએ.

 
ખરું રૂપ તો પોતાના ગુણોથી જ ઝળકે.  પોતાની છાપ ગુણવાન થઈને પાડવી, રૂપવાન થઈને નહીં.  કપડાં ફક્ત અંગ ઢાંકવાને માટે જ પહેરવાનાં હોય અને અંગ તો જાડી ખાદીથી ઉત્તમમાં ઉત્તમ રીતે ઢંકાય.

 
મને ધાસ્તી છે કે આજના જમાનાની બાળાને પોતાની પાછળ ભમરા અનેક ભમે એ ગમે છે.  જોખમી વાટે ચાલવાનું તે પસંદ કરનારી છે …. આધુનિક જમાનાની બાળા કપડાં પહેરે છે તે ટાઢ, પવન, વરસાદથી શરીરનું રક્ષણ કરવા સારું નહીં પણ લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષવાની દ્રષ્ટિએ પહેરે છે.  રંગો, પાઉડર વગેરે લગાડીને અને બીજાથી નોખી ભાત પાડીને કુદરત ઉપર તે સુધારો કરે છે.  આવી બાળાઓને સારું અહિંસાનો માર નથી.

 
સ્ત્રીને વિકારી પુરુષોએ પછાડી છે.  તેને પોતાને લોભાવનારા હાવભાવ શીખવ્યા છે, શણગાર સજવાનું શીખવ્યું છે.  સ્ત્રીએ એમાં પોતાની પરાધીનતા ન જોઈ, પોતાનું પતન ન જોયું.  તેને પણ વિકાર ગમ્યા એટલે નાક વિન્ધ્યું, કાન વીંધ્યા, પગે બેડી પહેરીને ગુલામ બની.  નાકની વાળીથી કે કાનની વાળીથી સ્ત્રીને લંપટ માણસ એક ઘડીમાં ઘસડી જાય.  આમ અપંગ બનાવનારી વસ્તુ સમજુ સ્ત્રીઓ કેમ પહેરતી હશે એ મારી અક્કલમાં બેસતું નથી.  ખરી શોભા તો હૃદયમાં છે.

 
સ્ત્રીનો સાચો શણગાર તો તેમનું ચોખ્ખું પવિત્ર હૃદય છે અને તેનું સ્થાન શરીર પર પહેરેલું કોઈ પણ આભુષણ લઇ શકતું નથી.

 

 

(ગ.ગુ.(૨૪)૧૧-૧૨/૪૮)

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....