(૧) સ્વર્ગ ક્યારે – કોને મળે ? … (ટૂંકી વાર્તા) … (પ્રેરક કથાઓ) …

(૧)  સ્વર્ગ ક્યારે – કોને મળે ? … (ટૂંકી વાર્તા) … (પ્રેરક કથાઓ ) …

 

 

 laughing buddha

 

 

નગરમાં એક સાધુપુરુષ રહેતા હતા.  તે પોતાની જાતને શુદ્ધ રાખતા.  માંસાહાર તો નોહતા જ કરતા, પણ કાંદા-લસણ પણ ન ખાતા.  તેમને કોઈ વ્યસન નહોતું.  સવાર, બપોરે, સાંજ એમ ત્રિસંધ્યા કરતા.  સમાજમાં તેમનું બહુ માં હતું.  ઘણા રાજવીઓ અને મહાનુભાવો તેમના શિષ્ય હતા.
 
સાધુપુરુષ રહેતા હતા એ ઘરની બરાબર સામે જ ગણિકાનું ઘર હતું.  વચ્ચે માત્ર ગલીનો રસ્તો હતો.  સાધુપુરુષનું ધ્યાન અવારનવાર સામેના ઘરની બારીએ જતું.  ગણિકા ત્યાં ગાતી, નૃત્ય કરતી, ગ્રાહકો સાથે ચેનચાળા કરતી અને એનો ધંધો ચલાવતી.  સાધુપુરુષને બહુ ચીડ ચડતી.  તે મનોમન વિચારતા, કેવી હલકટ અને દુષ્ટ બાઈ છે.  જરાય લાજ-શરમ વગર તે પોતાનું શરીર વેચે છે. દેહ વિક્રય કરે છે.

 
કંઈ કામ ન હોય ત્યારે ગણિકા પણ બારીએથી સાધુપુરુષને જોઈ રહેતી.  તે વિચારતી, કેવા શુદ્ધ અને પવિત્ર છે આ સાધુપુરુષ.  કેવું ધર્મમય જીવન જીવી રહ્યા છે તે !’

 
કાળક્રમે સાધુપુરુષ દેવ થયા અને બીજી બાજુ ગણિકાનું પણ મૃત્યુ થયું.  બંને પરલોક સિધાવ્યાં.  સાધુપુરુષના મૃતદેહને તેમના અનુયાયીઓએ શણગાર્યો, એના પર ફૂલ બિછાવ્યાં, વાજતે-ગાજતે મૃતદેહને સ્મશાને લઇ ગયા અને ચંદનના કાષ્ઠથી તેમના દેહને અગ્નિદાહ દીધો.

 
ગણિકાના મૃતદેહની કોઈએ દરકાર ન કરી.  તેનો મૃતદેહ સડતો રહ્યો.  દુર્ગંધ ફેલાવવા માંડી ત્યારે નગરપાલિકાના માણસો આવ્યા.  મૃતદેહને ઘસડી ગયા અને કશીય વિધિ વગર મૃતદેહને અવાવરું જગ્યાએ દાટ્યો.

 
સાધુપુરુષ અને ગણિકાના જીવાત્માઓ પરલોકના દ્વારે આવ્યા.  ધર્મરાજના હિસાબનીશોએ ચોપડામાં હિસાબ જોયો અને પછી સાધુપુરુષના જીવત્માને નરકમાં અને ગણિકાના જીવત્માને સ્વર્ગમાં લઇ જવાનો હુકમ કર્યો. સાધુપુરુષે બરાડો પાડ્યો, ‘આ કેવો અન્યાય ? આ હલકટ સ્ત્રીને સ્વર્ગ અને મારા જેવા શુદ્ધ પુરુષને નરક ?’

 
હિસાબનીશે કહ્યું, ‘હે સાધુપુરુષ, તમે ભારે શરીર-શુદ્ધિ જાળવી.  એના બદલામાં તમારા શરીરને સારી રીતે ચંદનના કાષ્ઠથી અગ્નિદાહ મળ્યો, પણ તમારા મનથી તમે હંમેશાં આ ગણિકાને અપશબ્દોથી નવાજતા રહ્યા એથી તમારા જીવાત્માને નરક મળે છે.  આ ગણિકાએ શરીરનો વેપાર કર્યો એથી તેના શરીરની અવગતિ થઇ, પણ મનથી તે હંમેશાં તમારાં ગુણગાન ગાતી રહી એથી તેને સ્વર્ગ મળે છે.’

 

અપશબ્દો કે ટીકાઓથી આપણે બીજાઓને વખોડતા રહીએ એના સંસ્કાર આપણા આત્મા પર પડે છે અને આત્મા કલુષિત થાય છે.  બીજાઓને સારા ગણીને તેમનાં ગુણગાન કરવાથી આત્મા ઉદાત્ત બને છે.  મહત્વ શરીરનું નહીં, મન અને આત્માનું છે.  મનથી કરેલા સાચા વિચાર અને મનન આત્માનું કલ્યાણ કરે છે.

 

 

(૨)  સારો માણસ અને ક્રોધી સંત …

 

ઓગણીસમી સદીમાં જાપાનની રાજધાની ટોક્યોમાં બુદ્ધિવિચાર અને ધર્મ જાણનારા બે વિદ્વાનો હતા.  એકનું નામ ઉન્શો હતું અને બીજાનું નામ હતું ટાન્ઝાન.

 
ઉન્શો શાળામાં શીષક હતા.  બુદ્ધના ઉપદેશ અને ધર્મના નીતિનિયમોનું ત ચુસ્ત રીતે પાલન કરતા.  વહેલી સવારમાં મળસ્કે ઊઠી જતા.  ધ્યાન ધરતા.  રાતે વહેલા સૂઈ જતા.  સૂર્ય બપોરે પશ્ચિમ દિશામાં ઢળવા માંડે એ પછી મોઢામાં અન્નનો દાણોયે ન નાખતા.  નશો તો ક્યારેય ન કરતાં.  શરાબથી દૂર રહેતા.  સંત જેવું જીવન જીવતા.

 
ટાન્ઝાન નામ ધરાવતા બીજા વિદ્વાન યુનિવર્સિટીમાં અધ્યાપક હતા.  તે બૌદ્ધ ધર્મના વિદ્વાન ખરા, પણ તેમનું જીવન મોજીલું હતું.  ખાઈ-પીને મજા કરતા.  બધા સાથે હળતા-ભળતા, હસતાં અને હસાવતા.  નાના-મોટા સૌને માં આપતા.  ક્યારેક છાંટો-પાણી (ક્યારેક શરાબ લેવામાં ડર ન રાખતા) લેવાનોય છોછ ન રાખતા.

 
એક દિવસ ટાન્ઝાન શરાબ પીતાં-પીતાં મસ્તીમાં બેઠા હતા ત્યાં ઉન્શો આવી ચડ્યા.  ટાન્ઝાનને શરાબ પીતા જોઈ ઉન્શોને ગુસ્સો ચડ્યો.  તેમણે ગુસ્સાને દબાવી રાખ્યો, પણ મનોમન તે ધૂઆંપૂઆં થતા હતા.

 
ટાન્ઝાને ઉન્શોને આવકાર્યા, ‘આવ મિત્ર ઉન્શો આવ, ચાલ જિંદગી માણી લઈએ.  ચાલ નાસ્તો-પાણી કર.  થોડાક શરાબનો ટેસ્ટ કરવો હોય તો કર.’

 
ઉન્શોનો ગુસ્સો ટાન્ઝાનની વાત સાંભળી સાતમા આસમાન પર પહોંચ્યો.  ત ગુસ્સાથી બોલ્યો, હું કદી શરાબ પીતો નથી.’

 
ટાન્ઝાને કહ્યું, ‘મિત્ર ઉન્શો, આપણે બધા માનવી છીએ.  આપણામાં અપૂર્ણતા રહેવાની જ.  થોડું-ઘણું બહ્લું-બૂરું થયા કરે.  શરાબ પીવો એ તો માનવલક્ષણ છે.  એમાં ગુસ્સો કરવો જરૂરી નથી.’

 
ઉન્શો ટાન્ઝાનની વાત સાંભળી વધુ ગુસ્સે થયા.  તે ટાન્ઝાન પર ઘસી ગયા.  ફક્ત પ્રહાર કરવાનું બાકી રાખ્યું અને રોષથી કહ્યું, ‘એટલે શું કહેવા માંગે છે ?  હું શરાબ નથી પીતો એટલે શું હું અમાનવ છું ?  માણસ નથી તો શું છું ?

 
ટાન્ઝાને શાંતિથી જવાબ આપ્યો, ‘બુદ્ધ.  તું માનવી નહીં, પણ બુદ્ધ છે.’  આમ કહી ટાન્ઝાન હસી પડ્યો અને ઉન્શોને ભેટવા ઊભો થયો, પણ ઉન્શો ટાન્ઝાનનું અપમાન કરી પગ પછાડતો ચાલ્યો ગયો.

 
મરણ પછી જીવનનો આનંદ મન ભરીને લેનાર દિલથી સાફ ટાન્ઝાન બોધિસત્વ પામ્યા, જ્યારે ઉન્શોને ફરી વાર જન્મ-જન્માંતરના ફેરામાં ફરવાનું થયું.

 

સૂફી જુનેદ આ બોધકથા સંભળાવતાં કહે છે, ‘ખરાબ સ્વભાવવાળા સંત કરતાં સારા સ્વભાવનો સંસારી માણસ ઊંચો છે.’

 

 

(ગ.ગુ.(૨૮)૧/૧૨-૫૨)
 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • Anila Patel

    Man, vachan ane karmani shudhdhi ej moti kamani.

  • Hetal Gajjar

    દાસ
    ” મહત્વ શરીરનું નહીં, મન અને આત્માનું છે. મનથી કરેલા સાચા વિચાર અને મનન આત્માનું કલ્યાણ કરે છે.”
    મહત્વનો અને સુંદર બોધપાઠ દર્શાવતી વાર્તાઓ….