યુવાનોએ જીવનમાં સફળ થવા માટે નો અભિગમ …

યુવાનોએ જીવનમાં સફળ થવા માટે નો ભાવાત્મક અભિગમ …

 

 

 

યુવાનોએ જીવનમાં સફળ થવા માટે દૂરદર્શિતવાળા અભિગમની આવશ્યક્તા છે અને તે માટે તેનું આયોજન અને અમલીકરણ કરવું જરૂરી છે.

 

કેટલાક વિધાર્થીઓને પોતાના જીવનમાં પોતાનો સ્પષ્ટ અભિગમ જ હોતો નથી. એ માટેનું મૂળ કારણ પારિવારિક જવાબદારીઓ અને બીજાં પ્રભાવી નકારાત્મક પરિબળો. આવા યુવાનો આગ લાગે ત્યારે કૂવો ખોદવા જનાર જેવા હોય છે. અને તેઓ પોતાના જીવનની સમસ્યાઓને સહજતાથી લે છે. ઉદાહરણ તરીકે જ્યારે પરીક્ષાની ઘડી આવે ત્યારે જ આવા યુવાનો ભણવાનું કે પોતાનું કાર્ય કરવાનું શરૂ કરે છે. પહેલેથી પોતાની જાતને પૂરેપૂરી તૈયાર નથી રાખતા. આવાં દરેક ક્ષેત્રમાં વિધાર્થીઓ મૂંઝવણમાં પડી જાય છે. પરિણામે આવા યુવાનોના મનમાં કેટલીયે શંકાઓ ઊભી થાય છે.

 

સ્વામી વિવેકાનંદે યુવાનો માટે નિર્દેશેલા પ્રેરક અને પ્રબળ સંદેશ …’ આદર્શને માટે સાચી ઈચ્છા, બીજું બધું પછી સહેજે આવવા લાગશે.’ (૫.૩૪૧-૪૨) એજ એકમાત્ર મહાન પગલું છે. અને આ પ્રેરક અને પ્રબળ સંદેશમંત્રમાં જો તેઓ શ્રદ્ધા કે વિશ્વાસ રાખવાની હિંમત કરે અને એ પ્રમાણે વર્તે તો પોતાના જીવનમાં ચોક્કસ સફળ થવાના.

 

‘આદર્શવાળો માનવી કદાચ હજારો ભૂલો કરતો હશે, તે સામે મારી ખાતરી છે કે આદર્શ વિહોણો માનવી  તો પચાસ હજાર ભૂલો કરતો હશે. માટે આદર્શ રાખવો વધુ સારૂં છે. એટલું જ નહિ પણ જ્યાં સુધી આ આદર્શ આપણા હૃદયમાં, આપણા મગજમાં, આપણી નસોમાં ન પ્રવેશે, જ્યાં સુધી આપણા લોહીના પ્રત્યેક બિન્દુમાં તે ના ઝણઝણે અને શરીરનાં રોમેરોમમાં ના પ્રસરે, ત્યાં સુધી તે આદર્શ વિષે બને તેટલું સાંભળવું અને તેનું મનન કરવું જોઈએ.’ (૫.૧૬૧)

 

કેટલાક યુવાનો પાસે ભવ્ય અભિગમ તો હોય છે અને પોતાના જીવનમાં મોટાં મોટાં સ્વપનો પણ સેવતા હોય છે, પણ એ અભિગમનું સુયોગ્ય આયોજન અને એને અમલમાં મૂકવાની બૌધિક ક્ષમતા એમનામાં હોતી નથી. તમારો અભિગમ ભલે ભવ્ય હોય, પણ એ માટેનું સુ-આયોજન ન હોય અને ચુસ્તપણે અવિરત રીતે એનો અમલ ન કરે તો યુવાનો પોતાના જીવનમાં માત્ર સપનું સેવનારા બની રહેશે. દા.ત. ડોક્ટર, ઈજનેર, વકીલ, હિસાબનીશ, વ્યાપારી, ઉધોગપતિ વગેરે બનાવવાના સ્વપન સેવતો હોય પણ આયોજન અને અમલીકરણના અભાવે એનો ઉચ્ચ અભિગમ માત્ર સપનું જ બની રહે છે, એનાં નક્કર પરિણામો મળતાં નથી.

 

અશિક્ષિત કે ઓછું ભણેલ માતાપિતા કે વાલીઓ જેમને રોજેરોજનું પેટિયું રડવું પડતું હોય તેમનાં બાળકોને સુયોગ્ય અને ઈચ્છિત માર્ગદર્શન આપવા તેઓ પૂરેપૂરાં સક્ષમ નથી હોતાં. આનાથી ઊલટું સુશિક્ષિત વાલીઓ અને માં-બાપ એમનાં બાળકોને કારકીર્દી ઘડવાના આયોજનમાં મદદ કરતા રહે છે, એટલે કે આવા વાલીઓ માર્ગદર્શન માટે શક્ષમ છે. હવે જે યુવાનોને સાચું માર્ગદર્શન ઘરમાંથી ના મળી રહેતું હોય તો એમણે પોતાના શિક્ષકો, સહ્સાથીઓ અને હિતેછુઓની મદદ લેવી જોઈએ. પણ આ જાતની મદદ લીધા પછી સફળ થવા માટે મહેનત તો એણે પોતે જ કરવાની રહે છે. માત્ર સાચું માર્ગદર્શન પર્યાપ્ત નથી. ક્યારેક ક્યારેક નાની નાની નિષ્ફળતાઓ એમને હતોત્સાહ કરી મૂકે છે અને તે પ્રયાસ કરવાનું છોડી દે છે. આવા યુવાનો સ્વામી વિવેકાનંદના સંદેશને અનુસરીને સુનિશ્ચિત સફળતા પ્રાપ્ત કરી શકે છે.

 

‘આપણને ગતિ આપનારું બાદ વિચારે છે. મનને ઉચ્ચ વિચારોથી ભરી દો, તેના વિષે રોજ રોજ શ્રવણ કરો, મહિનાઓ અને મહિનાઓ સુધી વિચાર કરો. નિષ્ફળતાની કડી પરવા ન કરો. આ નિષ્ફળતાઓ સાવ સ્વભાવિક છે, જીવનનું તે સૌંદર્ય છે તેમના વિના જીવનનો શો અર્થ છે ? જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કાંઈ કિંમત નથી; તો પછી જીવનનું કાવ્ય ક્યા રહે ? મથામણોની, ભૂલોની પરવા ન કરો. ગાયને મેં કડી ખોટું બોલતી સાંભળી નથી, પણ માત્ર તે ગાય જ છે, મનુષ્ય નથી. માટે નિષ્ફળતાની, આ નાનાં નાનાં પતનોની પરવા ના કરો; ગભરાયા વગર હજાર વાર આદર્શને વળગી રહો; અને હજારો વાર તમે ભલે નિષ્ફળ જાઓ તો પણ વધુ એક વખત પ્રયાસ કરો.’ (૫.૧૬૧)

 

કેટલાક યુવાનો અભિગમ તો ઘણો સારો ધરાવતા હોય છે અને પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા સરસમજાનાં આયોજન પણ કરી શકવાની ક્ષમતા ધરાવતા હોય છે. પણ ખાટલે મોટી ખોટ કે ચોથો પાયો ન હોય, આ યુવાનોમાં અમલ માટેની ગંભીરતા અને જરૂરી શિસ્ત અને ધૈર્ય હોતા નથી. પરિણામે તો સફળતાનો ટૂંકો માર્ગ અપનાવવા લલચાય છે. પણ આવા વગર વિચાર્યા ટૂંકા માર્ગે સફળતા મળતી નથી. આવા યુવાનો દેખાડો તો ઘણો કરે છે પણ પોતાના અભિગમને અને આયોજનને સાકાર કરવા એમનામાં જે સખત પુરુષાર્થ, કટિબદ્ધતા અને એકાગ્રતા હોતાં નથી. આવા યુવાનોમાં સફ્ળતા માટે આ ત્રણેય વસ્તુ હોવી જોઈએ. સાથે ને સાથે એમણે દ્રઢમનોબળ કેળવવું જોઈએ. આવા યુવાનો પોતાનું ચારિત્ર્ય ઘડવા માટે સ્વામી વિવેકાનંદને આદર્શરૂપે નજર સામે રાખીને એમનાં જીવન અને સંદેશ પ્રમાણે અમલીકરણ કરે તો પોતાના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકે.

 

સાચા પુરુષાર્થની જરૂરિયાત વિષે સ્વામીજી કહે છે : ‘જેમ મનુષ્ય વધારે મહાન હોય તેમ તેમ તેને વધારે ને વધારે કપરી કસોટીઓમાંથી પસાર થવું પડ્યું હોય છે. વ્યવહારિક જીવનની કસોટી દ્વારા તેમનું જીવન સાચા તરીકે સાબિત તઃયું હોય છે; પછી જ દુનિયાએ તેમને મહાન તરીકે સ્વીકાર્યા હોય છે. જેઓ પોચા દિલના કે ડરપોક હોય છે તેમની જ જીવનનૌકા કિનારા પાસે સાગરનાં તોફાની મોજાંઓથી ડરીને ડૂબી જાય છે. જે વીર હોય છે તેઓ આ તોફાનો તરફ નજર પણ નથી નાખતા. ‘ગમે તે થાય મારે મારા આદર્શે પહોંચવું જ છે !’ આ છે પુરુષાર્થ, મર્દાઈભર્યો પ્રયાસ. આવા વીર્યવાન પુરુષાર્થ વિના તમારી જડતા દૂર કરવામાં, ગમે તેટલી દૈવી સહાય પણ કામ નહીં આવે.’ (૮:૩૦૪)

 

સફળ થવા માટે દરેક મનુષ્યના જીવનમાં ધૈર્ય અને કટિબદ્ધતા અત્યંત આવશ્યક છે. હિંમતની સાથે સાથે જો એમનામાં ધૈર્યનો અભાવ હશે તો લાંબે ગાળે એ નિષ્ફળ નીવડશે.

 

‘મહાન કાર્યો લાંબા સમય સુધી જબરો અને એકધારો પ્રયાસ માગે છે. એમાં જો થોડા પ્રયાસો નિષ્ફળ જય તો આપણે ગભરાવાની જરૂર નથી. એ તો સ્વભાવિક છે કે ઘણા નિષ્ફળ બને, તકલીફો આવે, ભયંકર મુશ્કેલીઓ નડે અને જ્યારે આધ્યાત્મિકતાના અગ્નિથી તેમને નાસાડવાનો પ્રયાસ થાય ત્યારે સ્વાર્થ અને માનવ હૃદયમાં વસતા બીજા ઘણા જ શેતાનો સખત સામનો કરે. શુભનો માર્ગ વિશ્વમાં ઘણો જ કઠિન અને આકરાં સીધાં ચડાણવાળો છે. આટલા બધા સફળ થાય છે તે જ આશ્ચર્ય નથી. હજારો ઠોકરો ખાઈને ચારિત્ર્યને દ્રઢ કરવાનું છે.’ (૧૦:૧૭૨)

 

સ્વામી વિવેકાનંદનાં આદર્શને અનુસરીને ચાલનારા યુવાનોનું આગાવું લક્ષણ છે : એમનો ભવ્ય અભિગમ, પાકું ચોક્કસ આયોજન, સખત અને અવિરત પુરુષાર્થ તથા એને માટે આવશ્યક શિસ્તપાલન દ્વારા આયોજનના અમલ પર એકાગ્રપણે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા. આવા યુવાનો પોતાના જીવનમાં ભવ્ય સફળતા માટે સુનિશ્ચિત હોય છે. સાચી સફળતા મેળવવા આ ત્રણેય બાબતોની આવશ્યકતા રહે છે, આવા યુવાનો જો સ્વામી વિવેકાનંદના સંદેશને મનથી અનુસરે તો તેઓ પોતે નિર્ધારિત કરેલા ક્ષેત્રમાં વિજય ડંકો વગાડી શકે.

 

આપણે જોયું કે સૌ પ્રથમ તો દરેક યુવાનના જીવનમાં આપણે શું પ્રાપ્ત કરવું છે, એને માટેનો સ્પષ્ટ અભિગમ હોવો જોઈએ. આગળ વધવા માટે આત્મવિશ્વાસ પણ હોવો જોઈએ. આ બધું પૂર્ણપણે થાય તે માટે યુવાનોએ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા અભ્યાસની વિવિધ પ્રવૃત્તિઓ; વાલીઓ, શિક્ષકો, મિત્રો સાથે સારા સંબંધ હોવા જરૂરી છે. વળી યુવાન સનિષ્ઠ નાગરિક બને અને સંવાદિતાભરી ઉન્નતિ સાધે એવા સંતુલિત જીવનમાં અન્ય બાબતો પણ છે, જેવી કે ખાણીપીણીની તેવો, આત્મશ્રદ્ધા, ઈશ્વર પ્રત્યેનું સમર્પણ, સમાજસેવા, રમતગમત અને સ્ફૂર્તિદાયક, તંદુરસ્ત મનોરંજક પ્રવૃત્તિઓ વગેરે. માત્ર પુસ્તકના કીડા બનવાથી કોઈ વિધાર્થી મહાન બનતો નથી. આવા યુવાનોનો અખંડ વિકાસ થતો નથી.

 

માત્ર પુસ્તકિયા જ્ઞાનને કેળવણી સાથે સરખામણી કરનારા લોકોને સ્વામી વિવેકાનંદજી કહે :

 

‘શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી, આખી જિંદગી સુધી પચ્યા વિના ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહિ. આપણે તો જીવન ઘડનારા, મનુષ્ય ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ મનન જોઈએ છે. જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો, જે માણસે આખી લાઈબ્રેરી ગોખી લીધી છે તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો. યથા ખરશ્ચ્ન્દનભારવાહી ભારસ્ય વેત્તા ન તુ ચન્દનસ્ય – ‘ ચંદનનો બોજો ઉપાડીને ચાલનારો ગધેડો કેવળ ભારને જ ઓળખે છે, પણ ચંદનનું મૂલ્ય સમજતો નથી.’ જો શિક્ષણ અને માહિતી એક જ વસ્તુ હોય તો લાઈબ્રેરિયનો દુનિયામાં મોટામાં મોટા જ્ઞાનીઓ હોત, અને વિશ્વકોષો મહાન ઋષીઓ થઇ ગયા હોત. (૨:૧૭૩-૧૭૪)

 

‘આપણા બાળકોને જે કેળવણી આપવામાં આવે છે તે પણ નિષેધક છે. નિશાળે જતો છોકરો કાંઈ  શીખતો તો નથી જ; પણ તેનું જે છે તે બધું જ ભાંગી પડે છે. પરિણામે એ આવે છે કે તેની આત્મશ્રદ્ધા ચાલી જાય છે. (૪:૨૧૧)

 

અત્યારે જે કેળવણી અપાઈ રહી છે એ વિષે આજથી સોએક વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું :

 

‘જે કેળવણી જનતાને જીવનના સંઘર્ષ સામે ઝઝૂમવાની તાકાત આપતી નથી, જે ચારિત્ર્યબળને બહલાવતી નથી, જે પરોપકાર કરવાની ઉદારતા અને સિંહ સમાન હિંમત આપતી નથી, તે શું કેળવણીના નામને લાયક છે ? સાચી કેળવણી તો તે છે કે જે માનવીને પોતાના પગ ઉપર ઊભો રહેતાં શીખવે. જે કેળવણી હાલમાં તમે શાળાઓ અને મહાવિદ્યાલયોમાં લો છો તે તો તમને માંદલા બનાવે છે. ‘ (૭.૭)

 

(રા.જ.૨-૧૨(૬-૮)/૪૯૬-૯૮)

 

બ્લોગ લીંક : http://das.desais.net
Email: [email protected]

 

‘યુવાનોએ જીવનમાં સફળ થવા માટે નો અભિગમ …’ આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકશો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • patel alpesh k

    I like your article. I read it and very good

  • Hetal Gajjar

    Das,
    very energetic and inspirational article…