(૧) કાલથી નોકરીએ જવાનું બંધ … (૨) માનો જીવ કેમ ચાલે ? … (સામાજીક કથા) …

કાલથી નોકરીએ જવાનું બંધ …

 

 service women

 

 

‘મમ્મી … મમ્મી …’  નિશાળેથી આવતાં જ અંકિતે બૂમ પાડી.  આંગણામાં નોકરાણી રાધા ઊભી હતી.  તેને નવાઈ લાગતાં બોલી, ‘અંકિતભાઈ, આજ કંઈ વધુ ખુશમાં લાગો છો ને ?’

 

અંકિતે મૂંગે મોંએ જેમ તેમ,  ખાધું ન  ખાધું ને ઊભો થઇ ગયો.  સોફામાં બેસી વિચારે ચડી ગયો.

 

‘રાધા, એક પ્રશ્ન પૂછું ?’  અંકિતે રાધાને પૂછ્યું.

 

‘હા … હા … પૂછો.’  પ્રસન્ન થઇ રાધા બોલી.

 

‘પિન્કીને ફરી બીમાર પાડવી હોય તો શું કરવું પડે ?’

 

અંકિતનો પ્રશ્ન સાંભળી રાધાની આંખો ચાર થઇ ગઈ.  તેને વિશ્વાસ નોહ્તો આવતો કે અંકિત પોતાની નાની બહેન વિશે આવું વિચારતો હશે.  ‘એવું કેમ પૂછો છો અંકિતભાઈ ?  પીન્કી તો હજી હમણાં ટાઈફોડમાંથી ઊભી થઇ છે.  આવો વિચાર તમને કેમ આવ્યો ?  એ તમારી નાની ને પ્યારી બહેન છે.’

 

‘તું નહિ સમજી શકે, રાધા’  કહી અંકિત પોતાના સ્ટડીરૂમમાં ચાલ્યો ગયો.

 

સાંજે અંકિતના પપ્પાને રાધાએ અંકિતે કહેલી વાત કહી.  પપ્પાએ અંકિતને બોલાવી કંઈ પણ જાણ્યાજોયા સિવાય એક થપ્પડ લગાવી દીધી.

 

એટલામાં મમ્મી આવી.  મોં ચડાવી રડતા અંકિતને જોઈ મમ્મીએ માથે હાથ ફેરવી પૂછ્યું.  ‘બેટા, શું થયું ?  કેમ રડે છે !’  જવાબ દીધા સિવાય અંકિતે મોં ફેરવી લીધું.

 

‘મેં એને માર્યું એટલે ભાઈ રડે છે.’  પપ્પાએ ગુસ્સામાં કહ્યું.  ‘શા માટે તમે અંકિતને માર્યું ?’

 

‘જરા પૂછ તારા લાડકાને કે એ પીન્કી વિશે શું વિચારે છે ?’

 

‘શું થયું પીન્કી સાથે, બેટા ?’  તારું કંઈ એણે તોડી ફોડી નાંખ્યું ?’

 

‘એ શું બોલવાનો હતો ?  એ રાધાને પીન્કીને હજી બિમાર પાડવાનો ઉપાય પૂછતો હતો.’

 

સાંભળતાંની સાથે જ મમ્મીએ પણ જોરદારની એક થપ્પડ ગાલ પર ચોડી દીધી.  કાન પકડી બોલી.  ‘તારી નાની અઢીત્રણ વરસની બહેન માટે આવું વિચારે છે ?  એ તને ક્યાં આડી આવી ?  મને તો તને બેટા કહેવામાં પણ શરમ આવે છે ?’  કહેતી મમ્મી ગુસ્સામાં ઊભી થવા જાય છે ત્યાં અંકિતે મમ્મીનો હાથ પકડી રડતાં બોલ્યો, મમ્મી, તું અને પપ્પા વિચારો છો એવું નથી.  પીન્કી તો મારી લાડલી, વહાલી બહેન છે.  હું એને ખૂબ પ્યાર કરું છું પણ મમ્મી …

 

‘તો પછી તારા મોઢામાંથી …’

 

‘મમ્મી, પીન્કી પંદર દિવસ બીમાર હતી તો તું ઘેર રહેતી હતી.  નિશાળેથી સીધો આવી તારા ખોળામાં બેસી કેવી બધી વાતો કરતો હતો ?  મારે નિશાળેથી આવી તારી સાથે વાતો કરવી હોય પણ તું તો …   ઘેર જ નથી હોતી.  આજ મને ટેસ્ટમાં ગણિતમાં સોમાંથી સો માર્ક્સ મળ્યા તેની ખુશી ખબર તને આપવી હતી.  પણ …’   મમ્મી અંકિતને છાતીએ ચાંપી ચોધાર આંસુએ રડી પડી.  ધીરેથી કહ્યું, ‘બેટા, મારી ભૂલ થઇ ગઈ.  કાલથી મારું નોકરીએ જવાનું બંધ.’

 

 

(ગ.ગુ.(૨)૧૧-૧૨-/૪૦)

 

(૨)  માનો જીવ કેમ ચાલે ? …

 

શિલ્પા ખુશ હતી.  અને કેમ ખુશ ન હોય ?  લગ્ન કર્યા પછી તેને પોતાનો સ્વતંત્ર સંસાર માંડવા મળ્યો હતો – વિધવા સાસુથી માંડ માંડ છુટકારો મળ્યો હતો. – અને એ પણ નીરજની વડોદરા બદલી થઇ એટલે જ …!   બદલી થઇ નોહતી પણ – તેણે જ નીરજને પંચિંગ કરી – કરીને બદલી કરાવડાવી હતી ને ?  વડોદરામાં રહેવા આવ્યાને સાત-આઠ માસનો સમય વીતી ગયો હતો.  એ લોકો અવાર-નવાર ગામડે વિધવા માની ખબર લેવા તો જતાં જ હતાં.  નીરજનું મન રાખવા અને લોકલાજે … સમાજમાં ખરાબ ના દેખાય કે – એકનો એક દીકરો – ઘરડી – વિધવા માની ખબર પણ નથી લેતો … એટલા માટે તો એ લોકો દશેરા ઉપર અને દિવાળી ઉપર પણ ગામડે ગયાં હતાં ! …  પણ … ઉત્તરાયણ તો શહેરની જ ને … એટલે ઉત્તરાયણ ઉપર તો એ લોકો વડોદરા જ રોકાયાં હતાં …

 

શિલ્પાએ આગલા દિવસે જ – તલના લાડુ, સીંગદાણાની ચીકી વગેરે બનાવી રાખ્યાં હતાં – તો … કાશીબોર તથા જામફળ ખરીદી લીધાં હતાં – ઉત્તરાયણને દિવસે જમવાનું પણ બનાવવાનું નોહ્તું – હોટલમાં જ ઓડર આપી દીધો હતો – બધાં જ ખુશખુશાલ હતાં પણ … ઉત્તરાયણના દિવસે સવારમાં જ તેમનો એકનો એક લાડલો પુત્ર હિરેન … જે આઠ વરસનો હતો તેને તેની મમ્મી સાથે ઝઘડો થયો.  વાત બહુ સામાન્ય જ હતી.  તે સોફા ઉપર બેસી ચા પીતો હતો અને ચાનો કપ સોફાના હાથા ઉપર મૂક્યો હતો – તે – તેનો જ હાથ વાગતાં પડી ગયો … સોફાની મોંઘા ભાવની ગાદી ચા વાળી થઇ ગઈ એટલે શિલ્પાને હિરેનને એક ઢોલ મારી દીધી.  હિરેન રિસાઈને ચાલ્યો ગયો …

 

સવારના આઠ વાગ્યે આ ઘટના બની … પહેલાં તો માન્યું કે હમણાં આમતેમ રખડીને પાછો આવશે … ગુસ્સો ઠંડો થશે એટલે એની મેળે પાછો આવશે … પણ … ના … નવ વાગ્યા … દસ વાગ્યા … પણ હિરેન પાછો ના આવ્યો … મન મનાવ્યું કે ભૂખ લાગશે.  જમવાનો વખત થશે એટલે આફ્ડો પાછો આવશે જ ને ?  ભૂખ કાંઈ કોઈની શરમ ભરે ? … ભૂખ કોઈની છેડતી નથી … પણ તેમનો હિરેનને શોધવા આજુબાજુની સોસાયટીમાં ફરી વળ્યો પણ હિરેનનો કોઈ જ પત્તો લાગતો નોહ્તો …

 

બંનેને કકડીને ભૂખ લાગી હતી … પણ એકના એક પુત્ર વિના ખાવાનું ક્યાંથી મન થાય ?  ટિફિન પણ ઠરીને ઠીકરું થઇ ગયું હતું … બંને ના જીવમાં ઉચાટ હતો … શું કરવું તે જ સમજાતું નહોતું … ! આ અબુધ બાળક ક્યાં ગયો હશે ?  કોઈ બાવા –ફાવા તો ઉપાડી નહીં ગયા હોય ને ?  જમાનો બહુ ખરાબ છે … શિલ્પાએ તો અન્ન – પાણીનો પણ ત્યાગ કર્યો હતો – બાધા રાખી હતી અને … બરાબર ત્રણે પાંચ મિનિટે હિરેને ઘરમાં પગ મૂક્યો … શિલ્પા તો લાડકવાયા પુત્રને ખોળામાં ઘાલી ધ્રુસકે ધ્રુસકે રડી પડી …

 

નીરજે આ જોયું – કંઈક વિચાર્યું … અને પછી બોલ્યો, “શિલ્પા, હવે આ નાટક બંધ કર અને રસોઈ ગરમ કર એટલે આપણે જમી લઈએ …”

 

“આ નાટક છે ?  હજુ તો મારે પાંચ દીવા કરવાના છે – બાધા છે.  ત્યાર પછી મારાથી અન્નપાણી લેવાશે.”

 

“શું કામ ગાંડાં કાઢે છે ?”  હસતાં હસતાં નીરજ બોલ્યો … “હું આ ગાંડાં કાઢું છું ?  નાટક કરું છું ?  સવારનો મારો હિરેન ગયો ત્યારની હું ગાંડા જેવી જ થઇ ગઈ છું ને ?  પણ તમને એ ક્યાંથી સમજાય ?  એ તો માનો જીવ જ જાણે ને ?”

 

“એમ ?  માનો જીવ ?  તારો આઠ વરસનો હિરેન તને ચાર કલાક છોડીને જતો રહ્યો’ તો તારામાં રહેલી માનો જીવ અકળાઈ ઊઠ્યો તો પછી જે માએ ચાળીસ – ચાળીસ વરસ સુધી દીકરાનું જતન કર્યું હોય, લાલનપાલન કર્યું હોય એઈ દીકરો કાયમ માટે ઘરડી માને એકલી છોડીને જતો રહે તે માનો જીવ કેટલો અકળાતો હશે ?”  શિલ્પા શું બોલે ?

 

 

(ગ.ગુ.(૫)૧૦-૧૨/૪૮)

 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Ramesh Patel

  માનો જીવ …દીકરાનું જતન …

  Negative changes lead society to misery.

  Nice stories..

  Aakashdeep

 • vijay joshi

  તારો આઠ વરસનો હિરેન તને ચાર કલાક છોડીને જતો રહ્યો’ તો તારામાં રહેલી માનો જીવ અકળાઈ ઊઠ્યો તો પછી જે માએ ચાળીસ – ચાળીસ વરસ સુધી દીકરાનું જતન કર્યું હોય, લાલનપાલન કર્યું હોય એઈ દીકરો કાયમ માટે ઘરડી માને એકલી છોડીને જતો રહે તે માનો જીવ કેટલો અકળાતો હશે ? …..