નવવિલાસની નવરાત્રીનો ઉત્સવ … (નોરતું ૭ મું )….

વિલાની રાત્રીનો ત્સ…   (નોરતું ૭ મું )….

 

 

 

વિશ્વભરની માનવપ્રકૃતિ એ ઉત્સવ પ્રિય પ્રજા છે. ઉ=ઉમંગ અને ત્સવ=ઉછાળવું, જે ઉમંગો ઉછાળે છે તે ઉત્સવો. વિશ્વમાં જ્યાં જ્યાં હિન્દુઑ છે ત્યાં તેઑ પ્રત્યેક ભારતીય ઉત્સવ આનંદ અને ઉમંગીત બનીને ઉજવે છે. આવા અનેક ઉત્સવોમાં એક ઉત્સવ એટ્લે કે નવરાત્રી. નવરાત્રી એટ્લે ધડકતા, ઉછળતા ઉલ્લાસિત થયેલા હ્રદયને વધુ આનંદિત કરતો નવ રાત્રીઓનો સમૂહ, નવરાત્રી એટલે આદ્યશકિતની પૂજા, મહિમા અને તેના ગુણગાનને ગાઈને પોતાની અભિવ્યક્તિને વ્યક્ત કરવાનો ઉત્સવ. આ નવ રાત્રી દરમ્યાન જે રીતે આદ્યશક્તિ અંબાનો આ ઉત્સવ રંગેચગેં ઉજવાય છે તેજ રીતે પુષ્ટિમાર્ગમાં નવરાત્રી દરમ્યાન નવવિલાસનો ઉત્સવ ઉજવવામાં આવે છે. પુષ્ટિ સાહિત્યમાં બતાવ્યા પ્રમાણે નવ એટ્લે કે નાવીન્ય અને વિલાસ એટ્લે કે રમણપૂર્વક આનંદ કરવો. પુષ્ટિમાર્ગમાં વૈષ્ણવોની આદ્ય શક્તિ તે વ્રજની સ્વામિનીઑ છે અર્થાત શ્રી રાધેરાણી, શ્રી યમુનાજી, ગોપીઓ અને સખીઑ વગેરે છે.

 

શ્રી વલ્લભાચાર્યજી કહે છે કે ગોપીઓ, વ્રજનારી અને સખીઓને આ રાત્રિઓ નિસ્તેજ અને અંધકાર ભરેલી નથી લાગતી બલ્કે તેમના જીવનને ઉલ્લાસમય અને વિલાસિત કરી દેનારી રાત છે કારણ કે આ સમયમાં તેમને શ્રી ઠાકુરજીના સાનિધ્યનું સુખ મળનાર છે આથી સખીઓ અને ગોપીઓ સવારથી ઉત્સુકતાથી આવનાર રાત્રિઓની રાહ જુએ છે. શીતકાલની શીત લહેરી શરૂ થઈ રહ્યો હોઈ માતા યશોદા શ્રી ઠાકુરજીને નંદાલયની બહાર મોકલતા નથી અને આ સમય દરમ્યાન કનૈયાના દર્શન પણ દુર્લભ થવાના હોઈ સર્વે સખીજનોએ પોતાનો સમસ્ત સમય શ્રી ઠાકુરજી સાથે પસાર કરવાનું નક્કી કર્યું, પરંતુ દિવસ દરમ્યાન લૌકિક પૂરું કરીને આવતી સખીઓને દિવસ દરમ્યાનનો સમય ઓછો પડવા લાગ્યો હતો અને શીતકાલની લાંબી થતી જતી રાત્રિ સખીઑના આનંદ ઉમંગમાં વિક્ષેપ પાડવા લાગી હતી.

 

એક દિવસ સર્વે સખીજનો અને શ્રી રાધાજીએ  શ્રી ઠાકુરજી સમક્ષ પોતાની વાત રજૂ કરી કે હવે શીતકાલના દિવસો દૂર રહ્યા નથી તેથી અમને બને તેટલો વધુ સમય આપની સાથે જોઈએ છે. સખીજનોની અને શ્રી રાધાજીની ઈચ્છા ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે અવગણી શકે? શ્રી ઠાકુરજીએ સખીઓને જણાવ્યું કે આપણે સહુ સાથે મળીને રાત્રિના સમયે વિલાસપૂર્વક રમણ કરીશું જેથી પ્રભાતના કાર્યો રોકાઈ ન રહે, પરંતુ આપ સૌ સખીઓ સાથે મળીને વિચારો કે આપ સહુ આ રાત્રીઓને વિલાસિત પૂર્ણ કેવી રીતે બનાવશો?

 

શ્રી ઠાકુરજીની મંજૂરી મળતા જ સહુ સખીજનો આનંદિત થઈ ગયાં. સખીઓને અત્યંત પ્રસન્ન થયેલી જોઈ શ્રી રાધાજીએ એ પોતાની અષ્ટ સખીઑ ચંપકલતા, વિશાખા, લલિતા, ચંદ્રભાગા, વિમલા, સુચરી, ભામા, ચંદ્રલેખા સાથે શ્રી ઠાકુરજીને પ્રતિક બનાવીને નવવિલાસ યુક્ત નવ રાત્રીઓ નવઉમંગે સ્થાપિત કરી ત્યારે તે રાત્રિઓનું સંચાલનકાર્ય સ્વયં શ્રી રાધાજીએ કર્યું અને આ કાર્યમાં સહાય રૂપ થવાના આશયે શ્રી રાધાજીની અન્ય નવ પરમ સખીઓ ચિત્રા, મંજુલમંજરી, વેદસ્મૃતિ, શ્યામલી, તુલસીપ્રિયા, હરિપ્રિયા, યજ્ઞસીતા, મલ્લિકા, અને શ્વેતમયી પણ જોડાઈ ગઈ. શ્રી ઠાકુરજીએ વ્રજવાસીઓને કહ્યું કે વ્રજાંગનાઓ જો યમુના તટ્ટ પર જઈ વ્રજની લોકમાતા અને વ્રજની આદ્ય શક્તિ ગૌરી મહારાણી યમુનાજીનું વ્રત-પૂજન કરશે તો તેમના પર શ્રી યમુનાજીની કૃપા ઉતરશે.

 

શ્રી ઠાકુરજીની વાત સાંભળીને વ્રજવાસીઓએ પોતાની વ્રજનારીઓને રાત્રિના સમયે ગૌરી પૂજન કરવા અનુમતિ આપી પણ પરંતુ વ્રજવાસીઓને ભય લાગ્યો કે વૃંદાવનમાં કંસના અનુચરો અને રાક્ષસો વારંવાર આવે છે તેથી વ્રજનારીઓની રક્ષા કોણ કરશે? વ્રજવાસીઓની ચિંતા જોઈને જેણે અનેક રાક્ષસોને મારીને વ્રજને ભયમુક્ત કરેલું છે તેવા નંદનંદન રક્ષક બની વ્રજનારીઓને યમુના તટ્ટ પર લઈ ગયાં. યમુના તટ્ટ પર શ્રી રાધાજીએ નવરાત્રીનો ઉત્સવ નવવિલાસનો પ્રારંભ કર્યો ત્યારે વ્રજનારીઓએ શ્રી યમુનાજીનું વ્રત પૂજન કરી પ્રાર્થના કરી કે અમને પ્રભુનો વિરહ ક્યારેય ન થાય.

 

આમ દેવી પૂજનના બહાને પરમ પ્રભુ શ્રી ઠાકુરજીનો મિલાપ વ્રજ ભક્તોએ કર્યો છે. તટ્ટ પર રાત્રિનો સમય પસાર કરવા માટે અને યમુનાજીનાં જળ પરથી આવતી શીતવાયુ લહેરીથી શીતલતા અનુભવી રહેલી વ્રજનારીઓનાં કંપનને દૂર કરવા માટે શ્રી ઠાકુરજીએ યમુના તટ્ટ પર રાસ ખેલ મનોરથ કર્યો જેથી શીતવાયુનો અહેસાસ આહ્લાદક બની જતાં ખેલનો આનંદ લઈ શકાય.

 

શ્રી ગુંસાઈજી પ્રભુચરણ કહે છે કે રાસ એ રસોનું સ્વરૂપ હોઈ જીવને માટે પરમાત્માનું મળવું એ ઉત્સવ બની જાય છે. વળી આ ઉત્સવમાં જીવનું પરમ પરમાત્મા સાથે પુનઃમિલન થવાનું હોઈ જીવરૂપી ગોપીઓ અવનવા રંગબેરંગી વસ્ત્રો અને શૃંગાર ધારણ કરે છે. જીવરૂપી ગોપીઓને ઉત્સાહપૂર્વક મળવા આવતી જોઈ શ્રી પ્રભુને અત્યંત આનંદ થતાં શ્રી યમુનાજીની સાક્ષીએ જીવરૂપી વ્રજનારીઑ સાથે વ્રજચંદ શ્રી કૃષ્ણ ઉલ્લાસિત બનીને નિત નાવીન્ય રીતથી રાસરમણ કરે છે.

 

અર્વાચીન યુગમાં નવવિલાસ મનોરથ અશ્વિન સુદ એકમથી દસમ સુધી હોય છે. શ્રી ઠાકુરજી અલૌકિક પતિ રૂપે મળે તે માટે કુંવારીકાઓ જવારાનું ઉદ્દીપન કરે છે અને વૈષ્ણવો શ્રી યમુનાજીનો ગરબો પધરાવે છે. ગરબામાં મગ, ચોખા અને ઘઉં પધરાવે છે. ગરબાની અંદર દીવો પધરાવી, શ્રી યમુના મહારાણીજીનું સ્થાપન, પૂજન અને પાઠ કરે છે. પોતાની શ્રદ્ધા, શક્તિ અને ભાવના પ્રમાણે જવારા, ઘટ, નામમંત્ર કે યજ્ઞ-અગ્નિ સ્વરૃપે શક્તિ સ્વરૃપા વ્રજવાસીની જનની શ્રી યમુનાજીની ઉપાસના કરે છે. અશ્વિન સુદ એકમે માટીનાં દસ પાત્રોમાં ઘઉં, જવ, મગ વગેરે દ્વારા અંકુર રોપણ કરવામાં આવે છે. આ દસ પાત્ર રાજસ, તામસ, સાત્વિક અને નિર્ગુણ ભક્તોના ભાવો દર્શાવે છે.

 

નવવિલાસના નવ દિવસ શ્રીઠાકુરજીને પણ વિવિધ રંગના છાપાના વસ્ત્રો ધારણ કરાવવામાં આવે છે અને નૂતન સામગ્રીઓ ધરાવવામાં આવે છે. દશેરાને દિવસે શ્રી ઠાકુરજીને અક્ષત તિલક કરવામાં આવે છે. આપણા ઠાકુર ગૌપાલ હોવા છતાં આ દિવસે ક્ષત્રિયોની જેમ શ્રી ઠાકુરજી સમક્ષ ઢાલ-તલવાર ધરાવવામાં આવે છે. સાંજના સમયે ગરબાનું અને જવારાનું વિસર્જન કરાય છે. નવવિલાસનો પર્વ હ્રદય અને મનની આંખોને ગમે તેવી મનભાવન લીલા છે. અર્વાચીન અને પ્રાચીન યુગની વ્રજ સંસ્કૃતિને ને જોડતાં રાસ ગરબાઓ થકી હજું પણ ક્યાંક ને ક્યાંક વ્રજ અને વ્રજ સંસ્કૃતિ આપણી સાથે રાસે રમી આપણું મિલન આપણાં વ્રજચંદ્ર શ્રી ઠાકુરજી સાથે કરાવે છે, ત્યારે આપણે પણ નવ વિલાસની રાત્રિએ શ્રી ઠાકુરજી સાથે રમણે ચઢેલી વ્રજનારીઓમાંની એક વ્રજનારી બની જઈએ છીએ.

 

 

સાભાર : -પૂર્વી મોદી મલકાણ –યુ એસ એ
 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

 

 

(૨) કોઈ પીયુજીને જઈને એમ કહેજો રે, હા, પછી એટલો સંદેશો મારો દેજો રે ….

 

 

 

વિલાની રાત્રીનો ત્સવ…‘દાદીમા ની પોટલી’  પર આજની પોસ્ટ  પૂર્વિબેન  દ્વારા મોકલવામાં આવી છે., આજની પોસ્ટ મોકલવા બદલ અમો પૂર્વિ મોદી મલકાણ (USA) ના અંતરપૂર્વક્થી આભારી છીએ.

 

 

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો  આપ આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. આપના પ્રતિભાવ લેખિકાની કલમને સદા બળ પૂરે છે. આભાર ! ‘દાદીમા ની પોટલી’.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....