નેહમાં નસીબનાં નડતર ? …

નેહમાં નસીબનાં નડતર ? …

 shriji.53

૮૪-૨૫૨ વૈષ્ણવો સાથે તેમના શ્રી ઠાકોરજી ખેલતા, વાતો કરતા, માગી માગીને આરોગતા, રીસ કરતા તો પછી આજના વૈષ્ણવોના શ્રી ઠાકોરજી એવો અનુભવ કેમ નહીં કરાવતા હોય? આવો પ્રશ્ન ઘણા વૈષ્ણવોને થાય છે. એનો શીરાની જેમ ગળે ઉતરી જાય તેવો જવાબ હોય છે કે “ભાઈ, એવા આપણાં નસીબ ક્યાંથી?” આ વાત સાચી છે ખરી? શું પ્રભુની કૃપા નસીબની આશ્રિત છે? એ સાધન સાધ્ય છે? આપણા ભાવમાં, આપણી આર્તિમાં, આપણા પ્રેમમાં, આપણી શ્રદ્ધામાં કોઈ ઉણપ રહેતી હશે? આવા બધા વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં યાદ આવ્યો એક કાલ્પનિક પણ  અત્યંત પ્રચલિત સંવાદ. જે અહીં પ્રસ્તુત છે.

 
 

એક વાર શ્રી કૃષ્ણ અને રાધાજી  વૃંદાવનની કુંજ ગલીમાં બેઠા હતા. અલક મલકની વાતો ચાલી રહી હતી. પ્રિયા-પ્રીતમ પરસ્પર પ્રેમોર્મીમાં મસ્ત હતા. ત્યારે પ્રભુએ પૂછ્યું કે “પ્રિયે, કહો જોઉં, હું ક્યાં નથી?” ચતુર શિરોમણી રાધાજીએ તરત જ જવાબ આપ્યો, “આપ સમગ્ર બ્રહ્માંડમાં અત્ર તત્ર સર્વત્ર છો, એક મારા નસીબમાં જ નથી.”

 
 

વાત તો સાચી છે. વ્રજાંગનાઓને કોઈને ક્યારેય ન મળ્યું હોય તેવું મહા રાસનું સુખ જરૂર મળ્યું, તેમની પ્રભુ સંગે  અનેક લીલાઓ રચાઈ, કોઈને પણ વશ ન થાય તેવા ઠાકોરજી પ્રેમબંદી બનીને તેઓના વશમાં, (છછીયા ભર છાછ કે લિયે….)સતત સેવામાં રહ્યા. તેમ છતાં તેમને અષ્ટ પટરાણીઓ સમકક્ષ પદ તો ન જ મળ્યું. પ્રભુએ નરકાસુરે હરણ કરેલી ૧૬ હજાર કન્યાઓ સાથે પણ લગ્ન કર્યાં પણ એવું સૌભાગ્ય વ્રજાંગનાઓને ન બક્ષ્યું. આ ‘યોગ્ય’ કે ‘અયોગ્ય’ કહેવાનો સવાલ જ નથી, પ્રભુની લીલા ન સમજાય એ વાત સાચી કારણ કે જીવની દ્રષ્ટિ મર્યાદિત્ત છે, પ્રભુની અલૌકિક સંરચના સમજવાનું તેનું ગજું નથી. તેથી તેને ‘યોગ્ય’ કે ‘અયોગ્ય’ લેબલ લગાડવાની ધૃષ્ટતા  જીવથી કરાય નહીં. આખી વાત માત્ર લૌકિક દ્રષ્ટિએ સાચી લાગે છે કારણ કે શ્રી રાધાજી નિત્ય લીલાના સદાના સાથી સંગી ખરા પણ લૌકિક રીતે તો પ્રભુ તેમના નસીબમાં ન જ ગણાય. આપણી મર્યાદિત સમજ મુજબ લગ્ન થાય તો જ ‘નસીબ’માં ગણાય ને!

 
 

શરૂઆતમાં ‘નસીબ’ની વાત કરી તેના સંદર્ભે  અહીં નિરાળી, અનોખી, જુદી વાત કરવી છે. આપણે ઘણીવાર એવું પણ કહીએ કે સાંભળીએ છીએ કે ‘નસીબથી વધારે કે સમયથી પહેલાં કોઈને કશું જ નથી મળતું’. આ વાત કોઈ સાચા વૈષ્ણવની સમજમાં તો ન જ ઉતરે. જો બધું નસીબને આધીન હોય તો પછી સમગ્ર વિશ્વના અધિષ્ઠાતા, જગ નિયંતા પ્રભુનો કોઈ ‘રોલ’  રહેતો જ નથી. નસીબ સારું હોય તો ધન, દોલત, આરોગ્ય વિગેરે મળે, વૈષ્ણવ બનાય, પ્રભુની સેવાનો અવસર મળે, માનસી સેવા સિદ્ધ થાય નહીંતર કશું ન મળે.  આ સત્ય નથી. પ્રભુ કર્તું, અકર્તું અન્યથા કર્તું સર્વ સમર્થ છે. તેમની ઈચ્છા વગર એક પાંદડું પણ હલી નથી શકતું. નસીબ તો શું સર્વ કાંઈ તેમને આધીન છે.  જો સામાન્ય નર નારીના નસીબની પ્રભુ કૃપા સામે કોઈ વિસાત ન હોય તો આપના પ્રિય, આપના સંગી, આપના હૃદયેશ્વરી શ્રી રાધા સહચરીજીને તો નસીબ કેવી રીતે નડી શકે?

 
 

રાધાજી અને સૌ વ્રજાંગનાઓએ તો અંતરના ઊંડાણેથી, મનની તીવ્રત્તમ લાગણીઓથી, રોમે રોમથી પ્રભુને ચાહ્યા, પૂજ્યા અને રોમે રોમમાં આત્મસાત  કર્યા હતા. કશી જ કચાશ રાખી ન હતી. દલીલ ખાતર ઉપર આપેલા સંવાદને સાચો માની સ્વીકારી લઈએ કે તેમને પણ નસીબનું નડતર હતું અને તે વાતતેઓ પોતે જ કહે છે કે, ‘મારા    નસીબમાં પ્રભુ નથી’ તો પછી તેમણે પ્રભુને પ્રાપ્ત કરવાનો ‘મિથ્યા પ્રયત્ન’ શા માટે કર્યો હશે?

 
 

નસીબના આશ્રયે જીવનારા લોકો પણ અજબ હોય છે. એકવાર એક અત્યંત શ્રીમંત શેઠે જ્યોતિષીને પૂછ્યું કે  મારી ભાવી પેઢી સુખી રહેશે કે કેમ તે કહો. જ્યોતિષીને દક્ષિણાની લાલચ હશે કે સાચું જ્ઞાન હશે જે હોય તે પણ કહયું કે શેઠ તમારી સાત સાત પેઢી સુધી દોમ દોમ સાહ્યબી રહેશે. શેઠ તો ઉદાસ થઇ ગયા. પંડિતને ચિંતા થઇ કે મને દક્ષિણા મળશે કે કેમ? તેણે હળવેકથી પૂછ્યું, ‘શેઠ, આપ વ્યથિત કેમ થયા?’ તો શેઠ કહે કે, ‘મારી આઠમી પેઢીનું શું થશે તેની ચિંતા થાય છે.’ ઉપર કહયું તેમ નસીબમાં હોય તે જ મળે અને નસીબમાં લખ્યું હોય તે સમયે જ મળે એવું માનનારા પ્રભુની કૃપાના કે પછી પુરુષાર્થના સામર્થ્યને પહેચાનતા નથી. તેઓ નસીબ અને ભવિષ્ય (સાચું કે ખોટું) ભાખનારા ભવિષ્યવેત્તાઓના ગુલામ બની જાય છે. આ લોકો પુરુષાર્થને તો જાણે ગણતા જ નથી. તેમને ભગવદ્ કૃપાની શક્તિનો પરિચય પણ નથી. આ કારણે જ તેમના પ્રયત્નોમાં અને તે પ્રયત્નોની સફળતાની શ્રધ્ધામાં ઉણપ રહી જાય છે. પરિણામે મનોવાંચ્છીત ફળ પ્રાપ્ત થતું નથી. કહે છે ને કે ‘રોતો જાય તે મુવાના ખબર લાવે’. દીવાના નસીબમાં હવાથી બુઝાવાનું લખેલું જ હોય છે છતાં  એવું પણ બને કે ખુદ હવા જ ચીમની (ફાનસ) બની તેની  રક્ષા કરે અને  તેથી આંધી તોફાનમાં પણ દીવો બુઝાય નહીં. આ જ વાત ‘આત્મદીપ’ને અને તેની પ્રેમજ્યોતને પણ લાગુ પડે કે નહીં?

 
 

વ્રજાંગનાઓની વાત પર પાછા ફરીએ. તેમણે  પ્રભુ પ્રેમ રસનું આકંઠ પાન કર્યું હતું છતાં સદા ‘પાનીમેં મીન પિયાસી’ની જેમ તરસ્યા જ રહ્યા હતા. તેમણે ક્યારેય તૃપ્તિનો અનુભવ કર્યો જ ન હતો. આપણે ઘડીભર સ્વીકારી લીધું છે કે તેમના ‘નસીબ’માં પ્રભુ ન હતા અને તેમને તેની જાણ હતી તેમ છતાં પ્રભુ ગોકુલ-વૃન્દાવનમાં હતા ત્યારે કે  મથુરા પધાર્યા બાદ એક ક્ષણ માટે પણ તેમણે પ્રભુને પામવાની પોતાની ઝંખનામાં ઓટ આવવા દીધી નથી. ઉદ્ધવજી જેવા જ્ઞાનીને પણ ભક્તિના ભાવમાં ભીંજવી દીધા. દાયકાઓ પછી કુરુક્ષેત્રમાં સૌ મળ્યા ત્યારે, તેમની જીવન સંધ્યાએ પણ તેમની પ્રીતિ પહેલાં જેવી જ લીલીછમ હતી.

 
 

આ વાત પેલા ચકોર પક્ષીના એક પક્ષીય ચંદ્ર-પ્રેમ જેવી છે. કહેવાય છે કે સિદ્ધિની પ્રાપ્તિ કરતાં પણ તે પ્રાપ્ત કરવાની યાત્રામાં જ સાચો આનંદ છે. વૈષ્ણવ સંપ્રદાયમાં પરમ ફળ ગણાતું માનસી સેવાનું ફળ મેળવવા સમગ્ર ચિત પરોવીને તનુ-વિત્તજા સેવા કરવામાં પણ એ જ રસાસ્વાદ છે. ‘મને તરતાં આવડશે પછી જ પાણીમાં પગ મુકીશ’ જેવી વાત ન કરાય.  પ્રથમ ફકરામાં જે કહયું કે “ભાઈ, એવા આપણાં નસીબ ક્યાંથી?” તેવું ક્યારેય ન વિચારાય. આપ પૂછો તે પહેલાં જ હું આના માટેના મારી મતિ મુજબના કારણો આપની વિચારણા માટે રજુ કરી દઉં. આપ જ નક્કી કરો કે તે લાગુ પડે તેવાં છે કે નહીં. સુચન મારાં, નિર્ણય અને નિશ્ચય આપના.

 
 

પ્રથમ અને સૌથી મહત્વનું કારણ એ કે ‘નસીબ’ પ્રભુના પ્રમેય બળ આગળ પાંગળું છે. પ્રભુની મરજીથી વિપરીત કોઈ કાર્ય કરવાની તેની હિંમત તો શું હેસિયત જ નથી. પ્રભુ કૃપાના નાયગ્રા-ધોધમાં બધાજ ભૌતિક અને અન્ય અવરોધ વહી જતા હોય છે.

 
 

બીજું જીવની દ્રષ્ટિએ વિચારીએ તો વ્રજાંગનાઓની જેમ જ આપણે પણ નસીબની દરકાર કર્યા વગર પૂર્ણ પ્રેમ, પૂર્ણ લગની, પૂર્ણ શ્રદ્ધા સાથે પ્રભુ પ્રેમમાં મત્ત અને પાગલ બની જઈએ જેથી પ્રભુને પણ આપણી ઉપર કૃપા કરવાની ઈચ્છા થાય બલ્કે કૃપા કરવા માટે પ્રભુ બાધ્ય થઇ જાય. પ્રભુની કૃપા થાય પછી, હમણાં જ કહયું તેમ  નસીબનો અવરોધ રહેવાની કોઈ ગુંજાઈશ જ નથી.

 
 

ત્રીજી વાત, પ્રભુના  વચનમાં શ્રદ્ધાની છે. સાક્ષાત શ્રી ઠાકોરજીએ શ્રી વલ્લભાચાર્યજીને વચન આપ્યું છે કે, “જે જીવને આપ બ્રહ્મ સંબંધ કરાવશો તેને હું કદાપી છોડીશ નહીં.” એ વચનમાં શંકા કરવાનું કોઈ કારણ જ નથી તેમ છતાં જીવ છીએ તો  બુધ્ધિ તો વિકૃત હોવાની જ  એટલે પુરાવાની જરૂર લાગે તો તે પણ પ. ભ. રામદાસજીની વાર્તામાં ઉપલબ્ધ છે.

 
 

ચોથી વાત, માની લઇએ કે નસીબ ખરાબ છે અને પ્રભુની કૃપા થશે કે નહીં અથવા ક્યારે થશે તે પણ ખબર નથી તો શું હાર માની લેવાની? પ્રયત્નો નહીં કરવાના? પ્રભુને દીનતા પૂર્વક આજીજી, મનુહાર કરીને પ્રેમની યાચના નહીં કરવાની? આપણે ભૌતિક સિધ્ધિઓ માટે એડી ચોટીનું જોર લગાવીએ છીએ તો પછી આધ્યાત્મિક ઉત્થાન માટે કંઈ જ નહીં કરીએ? આપણાં હૃદયમાં રહેલી પ્રભુ પ્રેમની પ્રાપ્તિની તાલાવેલીની તીવ્રતા કેવી અને કેટલી છે?

 
 

બીજું પણ ઘણું કહી શકાય પણ વાતનું સમાપન કરીએ આપણા માર્ગના એક મહત્વના સિદ્ધાંતની વાતથી. પ્રભુની કૃપાની વાત તો આપણે કરી પણ આપણા માર્ગમાં હરિ-ગુરૂ-વૈષ્ણવનું એક સમાન સ્થાન છે. વળી પ્રભુ તો આપણને આચાર્યજી પાસેથી દાનમાં મળ્યા છે. અર્થાત દાની શ્રી આચાર્યજીની કૃપા થાય તો કશું અસંભવ નથી. તેવી જ રીતે તાદ્રશી ભગવદ્ ભક્તનો સત્સંગ મળે કે તેમની અમી દ્રષ્ટિ થઇ જાય તો પણ ભક્ત વત્સલ નંદનંદનનો નેહ મળવાનો જ છે.

 
 

ટૂંકમાં  પ્રભુ સ્વત: કૃપા કરે કે આપણી આર્તિ અને તાલાવેલીના જવાબ રૂપે, આચાર્યશ્રીની કાનીથી  કે ભગવદીયની અમી દ્રષ્ટિથી ભગવત્ કૃપાની પ્રાપ્તિ થાય તો તો ઉત્તમ પણ તે ન થાય તો પણ  ‘કરતાં જાળ કરોળિયો’, પૂરી શ્રદ્ધા અને પૂરી લગન સાથે તનુ-વિતજા સેવા કરતા રહીએ.  સ્વામી વિવેકાનન્દની  વારંવાર પ્રયોજાતી ઉક્તિનો થોડી જુદી રીતે પ્રયોગ કરીએ તો કહેવાય કે ‘ઉઠો, જાગો અને પ્રભુ પ્રેમની ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’  તેવી જ રીતે સ્વયમ્  પ્રભુના બહુ જાણીતા ગીતા વાક્યને સ્મરીને કહીયે તો પ્રભુને પામવાનું કર્મ, પ્રભુને ચાહવાની મથામણ તેના ફળની સ્પૃહા વગર કરતા રહીએ. નસીબમાં છે કે નહીં, પ્રભુની કૃપા થશે કે નહીં, આપણું વરણ થશે કે નહીં તે બધું જ ભૂલીને ‘એરી મેં તો પ્રેમ દીવાની’નો રાગ પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ સમર્પણ, પૂર્ણ સ્નેહથી આલાપતા રહીએ.

 
 

આવું કરીશું તો નસીબનું તો શું કોઈ પણ નડતર આપણને નડી નહીં શકે.

 
 

© Mahesh Shah 2013

 

મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા ૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....