અધ્યાત્મ પથપ્રદર્શક ગુરુ -૨ …

અધ્યાત્મ પથપ્રદર્શક ગુરુ -૨  …

 

 

ramkrishnadev.1

 

 

 

ભૂતકાળમાં સંતોએ દર્શાવ્યું છે અને વર્તમાન કાળમાં પણ આ વાત વારંવાર સિદ્ધ થાય છે કે ભગવાનની શક્તિ ભગવાનના નામના માધ્યમ દ્વારા અવશ્ય વ્યક્ત થાય છે.   ગુરુએ આપેલ મંત્રને બહુમૂલ્ય સમજીને હૃદયમાં સંભાળીને રાખવાની તથા નિરંતર એના પર ધ્યાન કરવાથી સાધકમાં એ શક્તિનો વધુ ને વધુ વિકાસ થાય છે.  શ્રી રામકૃષ્ણ આની તુલના મોતી બનવાની પ્રક્રિયા સાથે કર્યા કરતા.

 

પ્રચલિત માન્યતા પ્રમાણે પરવાળા સ્વાતી નક્ષત્રના ઉદય થતાં સુધી પ્રતીક્ષા કરે છે.  જો એ સમયે વરસાદ વરસે તો પરવાળા પોતાની છીપ ખોલીને તેનું પાણી ઝીલી લે છે.  પછી તે સમુદ્રના તળિયે ડૂબકી લગાવીને જ્યાં સુધી એ જલબિંદુ સુંદર મોતીમાં પરિવર્તિત થઇ જાય ત્યાં સુધી મહિનાઓ સુધી ત્યાં પડી રહે છે.  આવી જ રીતે ભક્તનું હૃદય સત્ય પ્રત્યે ઉન્મુક્ત બનવું જોઈએ.  અને ગુરુ પાસેથી આધ્યાત્મિક ઉપદેશ મેળવ્યા પછી તેને એકનિષ્ઠ ઉત્સાહ સાથે જ્યાં સુધી આધ્યાત્મિક અનુભૂતિરૂપી મોતીનું નિર્માણ ન થાય ત્યાં સુધી એની સાધના કરવી જોઈએ.

 

શુદ્ધ મન એ જ ગુરુ

 

‘તમારા મનથી મોટો કોઈ ગુરુ નથી.  માનવ ગુરુ સદા પાસે રહેતા નથી.  આપણા પર ભલે સિદ્ધ ગુરુની કૃપા અને ઉપદેશ પ્રાપ્ત કરવાનું સદ્દભાગ્ય મળ્યું હોય પરંતુ તેઓ આપણી આવશ્યકતાના સમયે સદા આપણી નિકટ રહેતા નથી; પરંતુ એક આંતરિક ગુરુ, આપણું વિશુદ્ધ મન સદા આપણી ભીતર જ રહે છે.’   ‘પ્રાર્થના અને ધ્યાન દ્વારા શુદ્ધ થયા પછી મન ભીતરથી તમને માર્ગદર્શન આપશે.  દૈનંદિન ગતિવિધિઓમાં પણ આ આંતરિક ગુરુ તમને માર્ગદર્શન આપશે અને લક્ષ્યપ્રાપ્તિ સુધે તમને સહાય કરશે.’

 

આનો અર્થ શો ?  મન આંતરિક ગુરુની જેમ કેવી રીતે કાર્ય કરે છે ?  સમસ્ત જ્ઞાન સ્ત્રોત, ગુરુઓના પરમગુરુ પરમાત્મા સદા પ્રત્યેક હૃદયમાં વિદ્યમાન છે.  નૈતિક જીવન, પ્રાર્થના, ધ્યાન વગેરે દ્વારા મન શુદ્ધ થતાં પરમાત્માની અંતજ્યોર્તિના સ્પર્શમાં આવે છે.  શુદ્ધ મન ઈશ્વરીય જ્ઞાનપ્રવાહનો એક પથ બની જાય છે.  તે ગુરુઓના પરમ ગુરુ પાસેથી સીધું જ્ઞાન મેળવે છે.  જ્યારે મન આંતરિક સત્ય પ્રત્યે ઉન્મુક્ત થવાનું શીખી જાય છે, ત્યારે તે અનેક સ્ત્રોતો દ્વારા ઉપદેશ પ્રાપ્ત કરવા સમર્થ બને છે.

 

શ્રીમદ્દ ભાગવતમાં એક પરિવ્રાજક અવધૂતનું વર્ણન છે.  એમણે અનેક પ્રાકૃતિક વસ્તુઓને ઉપગુરુ રૂપે સ્વીકારી હતી.  ધરતી માતા પાસેથી એમણે સહનશીલતા (ધૈર્ય)  નું શીખ્યું, વાયુ પાસેથી અનાસક્તિ, (કારણ કે વાયુ સુગંધ કે દુર્ગંધથી અપ્રભાવિત રહે છે.), આકાશ પાસેથી એમણે બધાં બંધનોથી મુક્ત રહેવાનું શીખી લીધું, વગેરે.

 

તમારામાંથી ઘણા લોકો એ જાણે છે કે પોતાનું જીવન એક મઠના રસોડામાં પસાર કરનાર સતરમી સદીના સંત બ્રધર લોરેન્સને કેવી રીતે જ્ઞાન થયું હતું.  પાનખરના સમયે પર્ણહીન વૃક્ષોને જોઇને એમને એવો વિચાર સ્ફૂર્યો કે આ પાંદડાં વિહોણી ડાળી પર પુન: પાંદડાં આવશે અને ફૂલ-ફળ પણ લાગશે.

 

એમાંથી એમની સામે સમસ્ત સૃષ્ટિમાં છુપાયેલ ઈશ્વરીય સત્તા અને શક્તિ ઉદ્દઘાટિત થઇ ગયાં.  એ સમયે થયેલ આ આધ્યાત્મિક જાગરણે એમને જીવનભર સ્ન્બળ આપ્યું.  આપણા બધામાં ઈશ્વરીય શક્તિ છુપાયેલી છે, અને એ જાગરણની રાહ જુએ છે.  આપણે આપણી ભીતર રહેલ પરમ ચેતનાને કેન્દ્રને શોધવાનું છે, અને સૂતેલી શક્તિને જગાડવાની છે.  ભગવાન બુદ્ધે પોતાના મૃત્યુ પછી આ આંતરિક ગુરુનું અનુસરણ કરવાનો ઉપદેશ પોતાના શિષ્યોને આપ્યો હતો.  એમણે એમને કહ્યું : ‘આત્મદીપો ભવ અર્થાત્ તમે પોતે તમારા દીપક બનો.’

 

ક્યાંક આપણે જ આપણને છેતરવા ન માંડીએ એવી સાવધાની પણ રાખવી પડે.  આપણે વિચારવા માંડીએ કે આપણું મન સારો ગુરુ બની ગયું છે.  આપણને બધી  બાજુએથી ઉપદેશ મળે છે; પરંતુ એમાં આપણી જ ઈચ્છાઓ અને વિચારોને ઈશ્વરીય પ્રેરણા, ભગવદ્દવાણી વગેરે માની-સમજી લેવાનો ભય પણ રહે છે.

 

એક સિદ્ધ અને જીવંત ગુરુ પાસેથી નિર્દેશ તથા માર્ગદર્શન મેળવવામાં નૈતક જાગરણ અને નિષ્કામ કર્મ દ્વારા ચિત્ત શુદ્ધિ માટે શિષ્યને ઉપદેશ આપે છે.  શિષ્ય ભૂલ કરે તો એ તેઓ જુએ છે, અને વળી પાછા સાચા પથે લાવે છે.  સાચા માનવગુરુના માર્ગદર્શન મેળવવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત કરનાર ભટકી જતા નથી.  ક્રમશ: ગુરુની કૃપાથી શિષ્યની પ્રસ્તુત પ્રજ્ઞાશક્તિ જાગૃત થાય છે.  ત્યાર પછી શુદ્ધ પ્રજ્ઞા ગુરુનું કાર્ય કરે છે.  આ રીતે આપણું મન આપણું ગુરુ બને છે.

 

 

અવતાર શ્રેષ્ઠ ગુરુ

 

હજારો લોકોને જ્ઞાન આપનાર ઈશ્વરાવતાર નિશ્ચય સૌથી  મહાન ગુરુ છે.  સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે અવતાર ‘કપાલ – મોચન’   હોય છે.  એટલે કે તેઓ લોકોની નિયતને  બદલી શકે છે.  કોઈ સામાન્ય ગુરુમાં રૂપાંતરણ કરવાની એવી ક્ષમતા હોતી નથી.  ઇસુ ખ્રિસ્તમાં એ માછીમારોને દિવ્ય જ્ઞાન પ્રદાન કરવાની એવી ક્ષમતા હતી કે જે એમના સ્પર્શથી જ્ઞાની બની ગયા.  એમનામાં એ બધા પાપી ગણાતા અપવિત્ર લોકોને પરિવર્તિત કરવાની ક્ષમતા હતી.  જ્યારે એમણે તેમને કહ્યું : ‘તમારા પાપોને માફ કરી દીધાં છે, તમારી શ્રદ્ધાને કારણે તમે પૂર્ણ બની ગયા છો.  તમે નિશ્ચિંત બની જાઓ.’, ત્યારે તેઓ બધી ખરાબીથી, પાપોમાંથી મુક્ત થઇ ગયા છે એવું તેમણે તરત જ અનુભવ્યું.

 

 

પરંતુ ઈસુએ પોતે દીક્ષા લીધી હતી.  જ્યારે જોર્ડનમાં બેપ્ટિઝ્મ્ના સમયે, એવું કહેવાય છે કે સ્વર્ગનાં દ્વાર ખૂલી ગયાં અને એમણે ઈશ્વરના પ્રકાશને એક કબૂતરની જેમ અવરોહણ કરતાં તેમજ પોતાના માથે ઉતરતું જોયું અને એક વાણી સાંભળી : ‘આ મારો પ્રિય પુત્ર છે, એનાથી હું ખૂબ પ્રસન્ન છું.’  આવું દ્રશ્ય આખરે શું હતું ?

 

 

ચિરંતન ગુરુ

 

કહેવત છે કે માનવ ગુરુ શિષ્યના કાનમાં મંત્રનું ઉચ્ચારણ કરે છે, જ્યારે જગદ્દગુરુ ભક્તના હૃદયમાં બોલે છે.  સાધકમાં અધ્યાત્મ ચેતનાનું ભગવાન દ્વારા જાગરણ થતાં સાચી દીક્ષા થાય છે.  સાચો ગુરુ સર્વવ્યાપી ભગવાન, અંતર્યામી પરમાત્મા છે.  તેઓ જ સંસારમાં ગતિ, ભર્તા, પ્રભુ, સાક્ષી, નિવાસ, શરણ, સુહ્રદય, પરભવ અને પ્રલય, આધાર સમસ્ત જ્ઞાનવિધાન અને અવ્યય બીજ છે.

 

 

गतिर्भ्रर्ता प्रभु: साक्षी निवास: शरणं सुर्हुत् |
प्रभव: प्रलय: स्थानं निधानं बीजमव्ययम् ||  (ભગવદ્દ ગીતા ૯.૧૮)

 

સાધારણ ગુરુ અને શિષ્ય પરસ્પર મળે ત્યારે ભગવાનને જોવાનો પ્રયત્ન કરે છે.  શિષ્ય ગુરુને ગુરુના ગુરુ પરમાત્માનું મૂર્તિમંત રૂપ સમજે છે.  એમના માધ્યમથી ભગવત્કૃપા પ્રવાહિત થાય છે.  તે એ જ રૂપે એમની સેવા થતા ઉપાસના કરે છે અને એમની આજ્ઞાનું પાલન કરે છે.  ભારતમાં હજારો લોકોએ પાઠ કરેલ પ્રસિદ્ધ શ્લોકમાં આ વાત વ્યક્ત થઇ ગઈ છે :

 

अज्ञानतिमिरान्धस्य  ज्ञानाज्जनशलाकया |
चक्षुरून्मीलितं येन तस्मै श्रीगुरुवे नम: ||
अनेकजनम्सम्प्राप्तकर्मबन्धविदाहिने |
आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरुवे नम: ||

 

અર્થાત્ અજ્ઞાનથી અંધ વ્યક્તિનાં નેત્રોમાં જ્ઞાન રૂપી અંજનશલાકાથી અજ્ઞાનના અંધકાર ઉલેચી નાખનાર શ્રી ગુરુને પ્રણામ કરું છું.  આત્મજ્ઞાન આપીને અનેક જન્મોનાં કર્મબંધનોને ભસ્મ કરનાર શ્રીગુરુને હું પ્રણામ કરું છું.

 

 

यस्यैव स्फुरणं सदात्मकमसत् कल्पार्थकं भासते
साक्षात तत्वमसीती वेदवचसा यो बोधयत्याश्रितान् |
यत्साक्षत्करणाद भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधी
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीद्क्षिणमूर्तये ||

 

અર્થાત્ જેમના  સત્ અને ચૈતન્ય પ્રકાશથી અસત્કલ્પ – જગત પ્રકાશિત થાય છે.  જે ‘તત્ત્વમસિ’  વગેરે વેદવચનોથી પોતાના આશ્રિત શિષ્યને બોધ-જ્ઞાન આપે છે, જેમના સાક્ષાત્કારથી જીવ સંસાર-સાગરમાં ફરીથી પતિત થતો નથી, એવા કલ્યાણકારી ગુરુમૂર્તિ ગ્રહણકારી દક્ષિણામૂર્તિને હું પ્રણામ કરું છું.

 

જીવાત્મા પરમાત્મા દ્વારા પરિવ્યાપ્ત અને ચારે તરફથી આવૃત છે.  પરંતુ અજ્ઞાનને કારણે જીવ આ સત્યને અનુભવી શકતો નથી.  દીક્ષાનો હેતુ આ અજ્ઞાનના આવરણને દૂર કરવાનો છે.  એકવાર આ આવરણ દૂર થતાં જીવ અને પરમાત્માની વચ્ચેનો સંપર્ક નિયમિત સાધના દ્વારા જાળવી શકાય છે.

 

આવશ્યકતા અને એની પૂર્તિનો જૂનો નિયમ આધ્યાત્મિક જીવનમાં કાર્ય કરે છે.  જો કોઈ સાધક સત્યલોક માટે તીવ્ર વ્યાકુળતા અનુભવે તો સત્યલોક કોઈને કોઈ સ્ત્રોતમાંથી અવશ્ય મળવાનું જ.  એમાં કંઈક થાય છે, સાધકનું હૃદય ભગવત્કૃપા માટે ઉન્મુક્ત થઇ જાય છે, જાણે કે ઈશ્વરીય જ્ઞાનલોક એના પર તૂટી પડે છે.  અને જેમ જેમ તે પરમ સત્યની નિકટ પહોંચે છે, તેમ તેમ તે પરમાત્મા – જ્યોતિને બધા પ્રાણીઓમાં પ્રકાશિત થતી જોઈ શકે છે.  અને જ્યારે ગુરુઓના પરમગુરુ પરમાત્મા સાથે એક બની જાય છે, એ વખતે તે બીજા માટે ઈશ્વરીય જ્ઞાનનો સ્ત્રોત બની જાય છે.  એ ભગવાનની જ સેવા કરે છે, જે ચિરંતન ગુરુ છે, તેમજ જે સદીઓથી જીવોને ઉપદેશ આપીને ઉદ્દબુદ્ધ કરે છે એવા દ્રઢજ્ઞાનથી બધાં પ્રાણીઓની સેવા કરે છે.  તે ચિરંતન ગુરુ એમને જ્ઞાનલોક અર્પે છે, એમનું પથદર્શન પણ કરે છે.

 

 

(રા.જ.૮-૧૦(૨૧)/૧૯૯)
–  સ્વામી યતીશ્વરાનંદ  

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

વિશેષ : 

ગુરુ વિશે … (ભાગ-૧)    ૨૦૧૨ ની ગુરુપૂર્ણિમા નો બ્લોગ પોસ્ટ પરનો લેખ જાણવા અને માણવા નીચે જણાવેલ લીંક પર ક્લિક કરી શકો છો …

અહીં ક્લિક કરશો :   

ગુરુ વિશે … (ગુરુપૂર્ણિમા) …

 

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....