ધૈર્યની પણ એક સીમા હોવી જોઈએ …

ધૈર્યની પણ એક સીમા હોવી જોઈએ …  (ચિંતા મુક્ત બનો) …

 

 

 

PRAYER 

 

 

‘ધૈર્યની પણ એક સીમા હોવી જોઈએ.  અન્યથા એ પોતે પણ એક દુર્બળતા બનીને નવી સમસ્યાઓ ઊભી કરશે.  ધૈર્ય એવી વ્યક્તિની અસહાયતા રૂપે વ્યક્ત ન થવી જોઈએ, જે ગમે તેટલા ઉશ્કેરનારા પ્રત્યુત્તરમાં મૌન રહે છે.  ધૈર્યને અનુચિત મૌન નિષ્ક્રિયતામાં પરણિત થવામાંથી બચવા માટે વ્યક્તિએ જાણી -સમજીને કરેલ ખરાબ વ્યવહાર, આદત અને મિથ્યા દોષારોપણનો વિરોધ કરવો જોઈએ.  જો કોઈ કર્મચારી જાણી-સમજીને બેદરકારીથી ગેરશિસ્ત દાખવે તો તેને ચેતવણી તો આપવી જ જોઈએ.  જ્યાં સુધી કોઈ વ્યક્તિ પરિસ્થિતિની આવશ્યકતા પ્રમાણે કઠોર કાર્યવાહી કરવાની તાકાત દાખવે છે ત્યાં ધૈર્ય સાર્થક થાય છે.  સકારાત્મક ગુણ બનવા ધૈર્ય બળનું દ્યોતક બનવું જોઈએ.  ત્યારે જ તે પ્રભાવશાળી બની શકે.  પરંતુ આવા કઠોર ઉપાયનો અંતિમ વિકલ્પ રૂપે પ્રયોગ કરવો જોઈએ.

 

ધૈર્યનું જેમ પ્રમાણિકતા પણ એક આવશ્યક ગુણ છે.  ઈમાનદારી એક મહાન શક્તિ છે.  પ્રમાણિકતા એટલે મન-વાણી-કર્મ, વ્યક્તિત્વના આ ત્રણેય પાસાંનું સમાયોજન.  દા.ત.  તમે કર્મચારીઓને કોઈ વચન આપો તો તમે તદનુસાર કાર્ય કરો કે ઓછામાં ઓછું આપેલ વાયદા પ્રમાણે કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો, આ વસ્તુ પ્રમાણિકતા તમારી પાસે માગી લે છે.  જો એમ ન કરો તો તે દગાબાજી કે અપ્રમાણિકતા છે.  આવી ઘટનાનો ભોગ બનનાર વ્યક્તિ પોતાનાં અપમાન અને આઘાતને સરળતાથી ભૂલી જતો નથી.  કોઈને કોઈ રૂપે એક દિવસ તો એનો ભડકો થવાનો જ.  આવો વિસ્ફોટ ન થાય તો અંદર ને અંદર ઉકાળ્યા કરે.  પ્રામાણિકતાથી લોકોનાં મન જીતી શકાય છે.  જો કોઈ માણસ પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવામાં, વચન પાલનમાં સમર્થ ન બની શકે, તો પણ પોતાના પ્રયત્નમાં પ્રામાણિક બની રહે એનું મહત્વ છે.  એનાથી એને આદાર મળે છે અને બીજા પર એનો સારો પ્રભાવ પડે છે.

 

સફળતા પ્રાપ્ત કરવા હાથમાં લીધેલા કાર્યનું પૂરું જ્ઞાન આપણને હોવું જોઈએ.  ‘જ્ઞાન જ શક્તિ છે’  આ કથન પૂર્ણ અને અધિકૃત જ્ઞાનની આવશ્યકતા પર ભાર મૂકે છે.  તદુપરાંત આપણામાં સામાન્ય જ્ઞાન અથવા અન્ય ક્ષેત્રો જેવાં કે કલા, સાહિત્ય, રાજનીતિ, દર્શનશાસ્ત્ર તેમજ ભષા વગેરેનું જ્ઞાન આવશ્યક છે.  જે વ્યક્તિ જેટલી વધારે ભાષાઓ જાણે તે વધારે વિષયોમાં પ્રવીણ બની જાય છે; પછી તે એટલી જ વધારે દક્ષતા કે સામર્થ્યથી પોતાનાં કાર્યો સંપન્ન કરી શકે છે અને પોતાના સહકર્મીઓ પર એટલો જ વધારે પ્રભાવ વિસ્તારી શકે છે.  જો પોતાના કાર્ય વિષયમાં આપણું જ્ઞાન અપૂરતું હોય તો આપણે બીજાને પ્રભાવિત કરી શકતા નથી.  કાર્યવિષયક જ્ઞાનનો અભાવ આપણને અપમાનજનક પરિસ્થિતમાં  મૂકી દે છે.  જ્ઞાન ખરેખર  એક મહાન શક્તિ છે.  જ્ઞાનજ્યોતિને સદૈવ જલતી રાખવી જોઈએ.  કાર્યની ઉત્કૃષ્ટતા કે કાર્યદક્ષતા મેળવવી નિતાંત આવશ્યક છે.

 

કાર્યાલય-પ્રબંધનના ક્ષેત્રમાં આવનારી સમસ્યાઓના ઉકેલમાં વિનોદ અને હાસ-પરિહાસની ક્ષમતા ઘણી ઉપયોગી છે.  એક પ્રસન્ન મન ગંભીરથી ગંભીર સમસ્યાનું સમાધાન શોધવામાં સક્ષમ બની શકે છે.  એક નિરાશ મન અતિ તુચ્છ સમસ્યાને પણ ગંભીર ગણે છે.  એનાથી કાર્યલયમાં સૌહાર્દનો ભાવ ખળભળી ઊઠે છે.  કર્મચારી જો પ્રસન્ન રહે તો એની પ્રસન્નતાનો ભાવ ઘણો મહત્વનો છે.  પરંતુ વ્યંગવિનોદ નિરર્થક પ્રલાપન ન બની જાય, એનું ધ્યાન રાખવું જોઈએ.  એક સારી રમૂજી વાત મોટી વિસ્ફોટક પરિસ્થિતિને પ્રભાવહીન કરી શકે છે.  પરંતુ એમાંય મર્યાદાનું ઉલ્લંઘન થતાં હસવામાંથી ખસવાની જડ બની શકે છે.  એનો સમુચિત પ્રયોગ જીવનને સફળ બનાવવામાં એક મોટું પ્રદાન પણ કરે છે.

 

પરસ્પરના સંબંધને જોડો

 

અનેકતામાં એકતા, પ્રકૃતિની એક ખાસ વિશેષતા છે.  આંબાનાં બધાં પાંદડાં જ કહેવાય છે.  આમ છતાં પણ લાખો પાંદડાંમાંથી બે પાંદડાં એક બીજા સાથે સમાન નથી હોતા.  એક જ પ્રજાતિનાં પક્ષીઓમાંથી કોઈ એક બીજાને સમરૂપ નથી હોતાં.

 

માનવજાતિ પણ એક જ છે, એક વ્યક્તિથી બીજી વ્યક્તિનું અંતર સુસ્પષ્ટ હોય છે.  ટાંચણી ભોંકવાથી બધા લોકોના શરીરમાંથી લોહી નીકળે છે, પણ લોહીના પણ વર્ગ અને ઉપવર્ગ હોય છે.  કોઈ પણ બે વ્યક્તિનું લોહી પોતાની રાસાયણિક સંરચનાની દ્રષ્ટિએ એક સરખું નથી હોતું.  રોગને લીધે માણસ માંદા પડે છે.  વળી આ રોગ પણ હજારો પ્રકારના હોય છે.  બધા ખાદ્ય-પદાર્થો ખાવા માટે છે પણ પ્રત્યેકનો સ્વાદ અલગ અલગ હોય છે.

 

ગૌતમ બુદ્ધે લોકોના રૂચી, પ્રવુત્તિ અને પરિવેશના આધારે એમને ચાર વર્ગમાં વહેંચ્યા છે :

 

    • અંધારામાંથી અંધારા તરફ જનારા લોકો

 

    • પ્રકાશમાંથી અંધારા તરફ જનારા લોકો

 

    • અંધકારમાંથી પ્રકાશ તરફ જનારા લોકો

 

    • પ્રકાશમાંથી પ્રકાશ તરફ ગતિ કરનારા લોકો

 

ઝૂંપડીમાં જન્મેલા એક શિશુની કલ્પના કરો.  તે બાળક કોઈ સુવિધા વિના, સુપોષણ કે સ્વાસ્થ્યની સાવધાની વગર, શિક્ષણ વિના અને ચારિત્ર્ય વિકાસ પ્રત્યે સુયોગ્ય ધ્યાન રાખ્યા વિના જ મોટું થાય છે.  તે ઉચિત માર્ગદર્શન કે કોઈ સભ્ય બનાવનાર પ્રભાવના અભાવમાં જ ઉછેર છે.  તે કુસંગતિમાં પડી જાય એવી શક્યતા પણ ખરી.  અંતે તે કોઈ પણ પ્રકારના સંસ્કાર મેળવ્યા વિના જ સંસારમાં રહે છે, જીવે છે, હરે ફરે છે.  એટલે આવું બાળક અંધકારમાંથી અંધકાર તરફ જાય છે, એમ કહી શકાય.

 

ધારો કે આવી ઝૂંપડીમાં જન્મેલ બાળક મોટા શહેરમાં ચાલ્યું જાય.  અહીં એક વ્યવસાયી સદગૃહસ્થ એ તેજસ્વી અને કર્મઠ બાળકથી ખુશ થઈને તેને સારું શિક્ષણ આપવાની વ્યવસ્થા કરે છે.  એ બાળક પોતાનાં નિયત કર્તવ્યને નિષ્ઠા અને પ્રમાણિકતાથી પૂરાં કરીને પોતાના પર ઉપકાર કરનારની સદ્દભાવના પ્રાપ્ત કરી લે છે.  આગળ જતાં તે એક મોટો ધંધાદારી બની જાય છે.  તે વિનમ્રતા અને ઉદારતાના સદ્દગુણો કેળવે છે.  શું આ અંધારામાંથી પ્રકાશ તરફની ગતિ નથી ?

 

વળી જગતમાં કેટલાક લોકો સારા-સંસ્કારી વાતાવરણ-કુટુંબમાં જન્મે છે.  કોઈ પણ જાતના અભાવ વિના તેઓ મોટા થાય છે.  જ્ઞાની અને ગુણવાન લોકોની વચ્ચે રહે છે.  સ્વભાવનાંય સારા છે.  પણ કમનસીબે ખરાબીને લત ચડી જાય છે.  અનેક રોગોના ભોગ પણ બને છે.  દુર્બળ –દીન બનીને આ સંસાર છોડીને ચાલતા થાય છે.  એવા લોકો પ્રકાશમાંથી અંધકાર તરફ જનારા છે.

 

કેટલાક લોકો સારા પરિવારમાં જન્મ લે છે.  બાળપણથી જ એક સુસંસ્કૃત પરિવેશમાં ઊછરે છે.  એમનાં માતાપિતા પણ સંસ્કારી અને ધર્મનિષ્ઠ હોય છે.  તેઓ મહાપુરુષોનો સંગ કરે છે અને જ્ઞાની-વિવેકી લોકોનું માર્ગદર્શન પણ મેળવે છે.  તેઓ આત્મ સાક્ષાત્કારના પથે ચાલતાં ચાલતાં પરમાનંદની પ્રાપ્તિ કરે છે.  આવા લોકો પ્રકાશમાંથી પ્રકાશ તરફ આગળ વધનારા કહેવાય છે.

 

મહાન દાર્શનિક કવિ ભર્તૃહરિની એક ઉક્તિ આપણી સામાજિક સંરચનાને સમજવાની ગુરુ ચાવી છે.  સમાજના ભિન્ન ભિન્ન પ્રકારના લોકોના સ્વભાવ તેમજ આચરણનું વર્ણન તેઓ પોતાના ‘નીતિશતક્મ્’ ના ૬૪માં શ્લોકમાં કહે છે :

 

‘એતે સત્પુરૂષા: પરાર્થઘટકા: સ્વાર્થાંન્પરિત્યજ્ય યે |
સામાન્યાસ્તુ પરાર્થમુદ્યમભૃત: સ્વાર્થાંવિરોધેન ||

 

તેડમી માનુષરાક્ષસા: પરહિતં સ્વાર્થાય નિઘ્નન્તિ યે |
યે તુ ધ્નન્તિ નિરર્થકં પરહિતં તે કે ન જાનીમહે ||’

 

‘કેટલાક લોકો કોઈ બદલાની અપેક્ષા રાખ્યા વિના તથા પોતાના વ્યક્તિગત સુખ –સુવિધાઓની ચિંતા કર્યા વિના સરવાળા બીજાના કલ્યાણનાં કાર્યોમાં જ મંડ્યા રહે છે.  એવા લોકોને સત્પુરુષ કહેવાય છે.  આવા લોકો પોતાનાં અગવડતા કે કષ્ટને અવગણીને બીજાની સહાયતા કરવામાં રત રહે છે.

 

સામાન્ય લોકો પોતાની ઈચ્છાઓ – કામનાઓની પૂર્તિ માટે કાર્ય કરતાં કરતાં શક્ય તેટલી બીજાંને સહાય કરે છે.  નરદેહધારી કેટલાક એવા રાક્ષસ પણ છે, જે પોતાના સ્વાર્થ માટે કોઈને હણી નાંખવા જેવા ઘોર અપરાધ કરતાં પણ વિચારતા નથી.  અને વળી કોઈ પણ જાતના લાભ વિના બીજાને પીડ્નારાને કેવું નામ આપવું તે હું જાણતો નથી.’

 

મનુષ્યોમાં એવા લોકો પણ છે કે પોતાના મોટા ભાગનો સમય ઊંઘવામાં જ વિતાવી દે છે.  કેટલાક લોકો કામ કરતાં કરતાં સમય પસાર કરે છે.  વળી થોડાક લોકો કેવળ ધ્યાન અને ચિંતન કરતાં રહે છે.  બધા લોકોને ગાઢ નિદ્રાની આવશ્યકતા રહે છે.  પણ બધાની ઊંઘની અવધિ સરખી નથી હોતી.  કેટલાક લોકો પથારીમાંથી ઊઠવા ઉત્સુક નથી હોતા અને કેટલાક તો દરરોજ છ કલાકની ઊંઘ કરીને કામે લાગી જાય છે.  એમ કહેવાય છે કે નિકોલસ ટેસ્લા નામના વૈજ્ઞાનિક પોતાની પ્રયોગશાળામાં સંશોધન કરતાં કરતાં લગાતાર ૭૬ કલાક સુધી જાગતા રહ્યા હતા.

 

કોઈ પણ કેળવણી મેળવવા વિશેની રીતમાં પણ લોકોમાં વિભિન્નતા જોવા મળે છે.  એક પ્રકારના લોકો બીજાની ભૂલોના પરિણામે એમને દુઃખી જોઇને પોતે એ ભૂલોથી બચવા જાગ્રત બની જાય છે.  કેટલાક લોકો પોતે જ ભૂલ કરીને દુઃખી થાય છે અને એમાંથી બોધપાઠ શીખી લે છે.  આવા લોકો પણ જોવા મળે છે કે જે ભૂલ કરે દુઃખકષ્ટ સહન કરે પણ એમાંથી કોઈ બોધપાઠ લેતા જ નથી; એવી ભૂલો દોહરાવ્યે જાય છે.

 

વૈરાગ્ય કે અનાસક્તિ ભાવની અનુભૂતિમાં પણ આવા ભેદ જોવા મળે છે.  ધાર્મિક પ્રવચનના પ્રભાવથી ઉત્પન્ન થનાર ક્ષણિક વૈરાગ્ય પણ હોય છે.  પ્રિયજનના અવસાનથી સુખોનો અસ્થાયી ત્યાગ પણ થઇ જાય છે.  તીવ્ર પ્રસવપીડાને લીધે ક્યારેક ક્યારેક કેટલીક સ્ત્રીઓને ઇન્દ્રિયસુખો પ્રત્યે વૈરાગ્યવૃત્તિ જાગે છે.  ધનવાન, નિર્ધન  અને મધ્યમ વર્ગના લોકોમાં ધનસંતોષ વિશે ભેદ જોવા મળે છે.  જીવન જીવવાની રીતભાતની દ્રષ્ટિએ તો અસીમ ભેદ જોવા મળે છે.

 

ચરિત્રની વિભિન્નતાને લીધે વ્યક્તિઓ વચ્ચેના પરસ્પરના સંબંધ જટિલ બનતા જાય છે.  એને લીધે એમને માટે પરસ્પરનો તાલમેલ સાધવો કઠિન બની જાય છે.  આ જ તે મૂળ કારણ છે, જેના આધારે મનુષ્યોને ભિન્ન ભિન્ન વર્ગોમાં વહેંચી શકાય છે.  આવા વર્ગ-વિભાજનમાં કોઈ દોષ નથી; પરંતુ એક બીજાનો નાશ કરવા પ્રવૃત કરનાર પરસ્પરનો દ્વેષભાવ જ ભયાનક અને ત્યાજ્ય છે.  ચરિત્રની વિભિન્નતાઓને આધારે માનવ સાથેના વ્યવહાર માટે ‘હિતોપદેશ’ માં ચાર રીતો બતાવી છે – સામ, દામ, દંડ, ભેદ …  પહેલી રીતે મિત્રપૂર્વક ‘સમજાવવાનો’ છે.  એને સંસ્કૃતમાં ‘સામ’  કહે છે.  પરંતુ થોડા જ લોકો આ રીતે સીધે માર્ગે ચડી જાય છે, બધું સમજી જાય છે.  કેટલાક લોકો તમારી સલાહની વાત સાંભળશે અને એ માટે તમે કંઈ પુરસ્કાર, લાભ, લાલચ આપશો ત્યારે જ તેનું અનુસરણ કરશે.  આ રીતને ‘દામ’  કહેવાય છે.  ત્રીજી રીતે છે  ‘ભેદ’  ની.  આ રીતમાં લોકોની વચ્ચે સ્પર્ધા ઊભી કરીને પ્રતિયોગીતાની ભાવનાથી કામ પૂરું કરાવી શકાય.  અને અંતિમ રીત છે  ‘દંડ’  ની.  આમાં કોઈપણ માણસ પાસેથી ધાર્યું કામ કરાવવા કે કઢાવવા દંડ કરવાની ધમકી કે સજા અપાય છે.  જૂના વખતમાં આવી ભાવના હતી કે કુકર્મ કરનાર પ્રજાને દંડવી  રાજાનું કર્તવ્ય છે.  પરંતુ આજે લોકતાંત્રિક સમાનતાના તર્કના આધારે જેલમાં પડેલી વ્યક્તિ પણ સદાચારી વ્યક્તિ જેવા અધિકારીની માગણી કરી શકે છે.

 

જે તત્વ લોકોને એક સૂત્રે બાંધી રાખે છે અને પરિવાર, સંગઠન, સમાજ જેવાં ભિન્ન ભિન્ન એકમોનાં ઘટકોમાં પરસ્પરના મૈત્રીસંબંધ સુદ્રઢ બનાવે છે.  જેને લીધે વ્યક્તિ પોતાની સ્વાર્થપરાયણતાનું દમન કરે છે, પોતાનાં કર્તવ્યો અને જવાબદારીઓ સામે પોતાના અહંમભાવને પણ નગણ્ય ગણે છે.  સાથે ને સાથે પોતાની માગણીઓ તેના અધિકારોની પણ અવગણના કરવા તૈયાર થઇ જાય છે –  એવું કયું મૂળભૂત તત્વ છે ?  પ્રભુમાં શ્રદ્ધા રૂપી મૂળભાવનાની આવશ્યકતા છે.  સ્વાર્થપરાયણતા મિથ્યામાન પ્રતિષ્ઠાની ભાવનામાંથી મુક્ત થઈને એક માત્ર પરમેશ્વરને પ્રસન્ન કરવાની ઈચ્છાથી ધૈર્યપૂર્વક પોતાનાં કર્તવ્યો પૂરેપૂરાં બજાવીને વ્યક્તિ માનસિક શાંતિ મેળવી શકે છે.  સાથે ને સાથે ચિંતા, નિરાશા અને ભયની ઘાતક ભાવનાઓથી મુક્ત પણ થઇ શકે છે.  સાંસારિક કર્તવ્યોને પૂરા કરવાનો ઉત્સાહ અને જીવનના અસંખ્ય અભાવોની પૂર્તિ માટેની દોડભાગની વચ્ચે વ્યક્તિએ સદૈવ પોતાની જાતને પૂછવું જોઈએ કે શું તે સાચું પગલું ભરી રહ્યો છે?  આગળ ડગલું ભરતાં પહેલાં તે નૈતિક છે કે નહિ, એ વિશે પૂરેપૂરો વિચાર કરી લેવો જોઈએ.

 

સૌના સંરક્ષક

 

પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરીને અને બધાં દુઃખ તથા મુસીબતોના સમયે ભગવાન પાસે સહારા માટે યાચના કરીને કોઈપણ વ્યક્તિ નિરાશાના ભારથી તેમજ જીવનની મુસીબતોને કસોટી – પરીક્ષાના રૂપે સ્વીકારવી જોઈએ.  આવી કસોટીઓ ભગવાન આપણી આંતરિક શક્તિની પરીક્ષા કરવા આપણી સામે મૂકે છે.  આ મુશ્કેલીઓ આપણું ચારિત્ર્ય ઘડતર કરે છે.  છીણી પર હજારો પ્રહારો થાય પછી મૂર્તિ ઘડાય છે.

 

ભગવાન ભક્તવત્સલ, કૃપાસાગર અને દયાનિધાન છે.  ભક્તની પ્રાર્થના જો સાચી હોય તો તેઓ એને સાંભળે જ છે;  એમને એની ઈચ્છિત વસ્તુ તથા સુરક્ષા પણ આપે છે.  ભગવાનના નામનો સતત જપ કરતો રહે તે, ભક્ત ક્યારેય એની સહાયથી વંચિત રહેતો નથી.  પ્રાર્થના, ભજન, જપ દ્વારા વ્યક્તિને ઈશ્વરની રક્ષાશક્તિમાં દ્રઢ શ્રદ્ધા વિકસાવવી જોઈએ.

 

જેમ નાનાં બાળકો વાત વાતમાં ભગવાનના નામે સોગંદ લે છે તેમ આપણામાંથી મોટાં ભાગના લોકો ભગવાનમાં ઉપર છલ્લો શ્રદ્ધા-વિશ્વાસ રાખે છે.  ઈશ્વરમાં સાચી શ્રદ્ધા થવી એટલે બધી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા જેવું છે.

 

જો કોઈનો વિશ્વાસ નિર્બળ હોય તો સબળ બનાવવો સંભવ છે.  પરંતુ આ વિશ્વાસને એક દિવસમાં જ મેળવી શકાતાં નથી.  એ કંઈ બજારમાંથી શાકભાજી ખરીદવા જેવું નથી.  દીર્ઘકાળનાં સાધન-ભજન, આંતરિક પ્રાર્થના, સત્સંગ અને ઈશ્વરપ્રાપ્તિ કરનાર અને આધ્યાત્મિક અનુભૂતિઓવાળા સંત માહ્ત્માઓના ચરિત્રનું વર્ણન કરનાર પવિત્ર ગ્રંથોના અધ્યયનથી ભગવાનમાં શ્રદ્ધા દ્રઢ થાય છે.

 

ભગવાનને પ્રાર્થના કરવાની શરૂઆત કરવામાં આપણામાં દ્રઢ શ્રદ્ધા જન્મે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી.  જેમ આપણા આત્મીયજનો પાસે જઇને એમને આપણી મુસીબતો-સમસ્યાઓની જાણ કરીને એમની સહાનુભૂતિની અપેક્ષા રાખીએ છીએ, તેમ આપણે નિર્જન એકાંતમાં જઈને અંતરના ભાવથી પ્રાર્થના કરવાથી આપણને લાભ થવાનો જ.  એનાથી આપણાં મન શક્તિશાળી બને છે.

 

મુશ્કેલીના સમયે લોકો ભિન્ન ભિન્ન મંદિરે જઈને પ્રભુની પ્રાર્થના કરે છે અને ભોગભેટ પણ ધરે છે.   આ બધું લાભકારી છે ખરું, પરંતુ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રાર્થના કરવાથી શીધ્ર અને મહતર પરિણામ મળે છે.  વર્તમાન મુશ્કેલીઓ ગમે તેટલી મોતી અને તીવ્ર હોય પણ ભગવાનની અસીમ શક્તિમાં દ્રઢ વિશ્વાસ અને અંતરની પ્રાર્થના મનમાં અદ્દભૂત સંચાર કરે છે.

 

શ્રદ્ધાવિહોણી પ્રાર્થના ટિકિટ લગાડ્યા વિનાના પત્ર જેવી છે અને ભક્તિશૂન્ય પ્રાર્થના સરનામા વિનાના કાગળ-પત્ર જેવી છે.  શ્રદ્ધા અને તીવ્ર વ્યાકુળતા સાથે ભાવપૂર્ણ પ્રાર્થના ઝડપી તાર જેવી કે ઈ-મેઈલ જેવી છે.

 

 

–     સ્વામી જગદાત્માનંદ

 

(રા.જ.૮-૧૦(૨૩-૨૭)/૨૦૧-૦૪)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....