અંધાર ઘેર્યા પ્રદેશનો આંધળો રાજા …

અંધાર ઘેર્યા પ્રદેશનો આંધળો રાજા …

– સુરેશભાઈ જાની …

 

mind

 

તે અંધકારથી ભરપૂર પ્રદેશ છે. ત્યાં બધું અંધારામાં જ થાય છે.  ત્યાં જીવનનો લાલચોળ પ્રવાહ સાવ અંધારામાં, સતત વહ્યા કરે છે. ત્યાં જીવનનો ધબકાર અવિરત થયા કરે છે : કોઈ જ અજવાળા વગર. ત્યાં પૂરવઠો ઠલવાય છે, વપરાય છે અને કચરાનો નિકાલ પણ થાય છે; ત્યાં જાતજાતના પવન ફૂંકાય છે; ત્યાં વિકાસ અને વિનાશ થાય છે; વિચારો અને ચિંતન થાય છે; યોજનાઓ ઘડાય છે, એમનું અમલીકરણ થાય છે; માન્યતાઓ, પૂર્વગ્રહો, ચિંતાઓ, વ્યથાઓ, ઉલ્લાસો, ઉત્સવો પણ થાય છે. ત્યાં સંગીતની સૂરાવલીઓ અને નિરર્થક ઘોંઘાટ પણ થાય છે. ત્યાં નવસર્જન પણ થાય છે.

પણ સઘળું નકર્યા અંધકારમાં.

માત્ર બે જ ગોખલામાંથી પ્રકાશનાં નાનકડાં કિરણ પ્રવેશે છે ; પણ એનાથી નાનકડી ઉત્તેજનાઓના સંકેતો જ અંદરની કાજળકાળી કોટડીમાં પ્રવેશી શકે છે.

એ પ્રદેશની અંદરની વ્યવસ્થામાં સહેજ પણ ફેરફાર થાય ; અવ્યવસ્થા સર્જાય તો એનું સમગ્ર હોવાપણું ખળભળી ઊઠે છે. નાનકડી અવ્યવસ્થા પણ તેને ડગમગાવી દે  એટલું સંવેદનશીલ એનું માળખું છે. અને જેવી આવી કોઈ  નાનકડી આપત્તિ આવી પડે કે તરત જ, એની અંદર સતત જાગૃત રહેતી સેના એ અડચણ પર તુટી પડે છે; એને તહસનહસ કરી નાંખવા કેસરિયાં કરી, જંગમાં ઝૂકાવી દે છે.

પણ આશ્ચર્યની વાત એ છે કે, એનો  નિયંત્રક સમ્પૂર્ણ અંધકારથી  ભરેલી કાજળકોટડીમાં નિવાસ કરતો હોવા છતાં, મેધાવી છે; પ્રજ્ઞાચક્ષુ છે. એ સાત સમંદર પાર પહોંચી શકે છે; એને કોઈ અવયવ ન હોવા છતાં, એના હાથ બહુ લાંબા છે !

કયો છે એ અવનવો પ્રદેશ? શું નામ છે એનું? એ ક્યાં આવેલો છે? કયા અક્ષાંશ અને રેખાંશ પર ?

આપણે એને બહુ જ સારી રીતે જાણીએ છીએ. તમે, હું, તેઓ – આખી દુનિયાનું દરેક જણ તેને બહુ જ સારી રીતે જાણે છે! આપણા દરેકનો એ પ્રદેશ પોતીકો છે. બહુ જ વહાલો છે. આપણી બહુ નજીક છે. સહેજ પણ દૂર નથી. એના માટે જ આપણે બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. અને છતાં એની અંદર  સહેજ ડોકીયું પણ કરી શકતા નથી.

આ તે શું આશ્ચર્ય? આ તે કેવી વિડંબના ?

લો! ત્યારે એનું નામ ઠેકાણું આપી જ દઉં.

એ છે – આપણું શરીર !

લે! કર વાત! બહુ મોંયણ નાંખી દીધું ને વાતમાં?

પણ તમે કબૂલ કરશો કે, આપણે આપણા દેહ વિશે કશું જ જાણતા નથી. જે કાંઈ આપણને ખબર છે; એ તો કોઈકે શિખવાડેલું છે. એની અંદરની બધી પ્રવૃત્તિઓ વિશે આપણે પૂર્ણ રીતે અણજાણ હોઈએ છીએ. જે કાંઈ ખબર આપણને પોતાને પડે છે; તે તો સંવેદનાઓથી જ ખબર પડે છે. અને જેને  એ ખબર પડે છે; તે મન તો સૌથી વધારે જડબેસલાક, અંધારપેટીમાં કેદ છે. એ ડગલું પણ ચસકી શકતું નથી. ( અને છતાં ચસકી જાય ખરું! મોટે ભાગે ચસકેલું જ હોય છે ! )

અને એ મન જ આપણી બધી આપત્તિઓનું મૂળ છે. એ પોતાને બહુ જ જ્ઞાની માને છે. આખા જગતના કેન્દ્રમાં હોય તેમ, અભિમાનમાં રાચે છે. આખી દુનિયાને ગોળ ફરતી રાખવાના ગુમાનમાં ચકચૂર છે.

અંધાર ઘેર્યા પ્રદેશનો આંધળો રાજા!  એનો દેશ અંધાર્યો; એની પ્રવૃત્તિઓ અંધારી; એની હિલચાલ અંધારી; એના મતલબો અંધાર્યા. એનાં કરતૂત અંધાર્યા.

જ્ઞાન ને પ્રકાશની બડાઈઓ હાંકવામાં માહેર; પણ સતત અંધકારમાં ભટકતો, મદમાં ચકચૂર, આંધળો અને સૌથી વધારે જોખમકારક, ખોફનાક ખવીસ.

 

 

 

sureshbhai jani

 

 

 

 

સુરેશભાઈ જાની …
Mansfield,Texas,USA

બ્લોગ લીંક :  http://gadyasoor.wordpress.com
ઇમેલ – [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’ પર  ટેક્સાસથી સુરેશ જાની (યુએસએ),  દ્વારા મોકલવામાં આવેલ છે, જે બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Ramesh Patel

  વાત વિચારીએ તો જીવી રહ્યા છીએ પણ અજાણે અજાણે. તેને અંધકાર કહો કે અજ્ઞાન. દાદાઈ વાણી માણીએ..

  જ્ઞાની પુરુષ જ્ઞાનમાં શું જુએ?

  આ કર્તા કોણ? કોણ ચલાવે?

  …જ્ઞાને કરી જાણું કે આત્મા તો અકર્તા છે. સંસારનો કર્તા તે નથી. તે તેના સ્વાભાવિક જ્ઞાનનો કર્તા છે..પ્રકાશનો કર્તા છે. તેની બહાર તે કોઈ દિવસ ગયો નથી.

  પોતે જ્ઞાનક્રિયા ને દર્શન ક્રિયાનો જ કર્તા છે. ફક્ત તેની હાજરીથી બધાં તત્ત્વોની સક્રિયતા ઉત્પન થઈ જાય છે. આત્માનું સક્રિયપણું બીજે નથી તે જ્ઞાને જ સચોટ થાય.

  આત્માના ઉપાધિભાવથી જ અહંકાર ઊભો થાય છે ને તે કર્મ બાંધે છે. પોતાના સ્વરૂપનું ભાન થાય ત્યારે આ કર્મ ના બંધાય. મનમાં ખરાબ વિચાર આવે તે ઉદયભાવ કહેવાય.તેમાં તમે તન્મયકાર થાઓ તો તે આશ્રવ કહેવાય.તેનું પ્રતિક્રમણ થાય તો તે ભૂંસાઈ જાય. હું શુધ્ધાત્મા છું એ ભાન થાય એ સંવર . સંવર હોય તો સકામ નિર્જરા થયા કરે.

  Ramesh Patel(Aakashdeep)

 • આંધળો સસરો ને સરંગટ વહુ,
  એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
  કહ્યું કાંઈ ને સમજ્યું કશું,
  આંખનું કાજળ ગાલે ઘસ્યું.
  ઊંડો કૂવો ને ફાટી બોક,
  શીખ્યું-સાંભળ્યું સર્વે ફોક.

 • Sharad Shah

  પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
  ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
  બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
  કદી સારી બૂરી ન વેચે વિવેકે.

  ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
  ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
  લીધી સુખડી હાટથી આપી આટો,
  ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”

  ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
  સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
  હશે ચોરને શાહનો ન્યાય એકે,
  નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.

  ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
  ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”
  કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,
  તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”

  ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
  “નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”
  ન માની કશી વાત તે શિષ્ય જયારે,
  ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.

  રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
  બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
  પછીથી થયા તેહના હાલ કેવા,
  કહું છું હવે હું સુણો સદ્ય તેવા.

  તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
  તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
  માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
  શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

  “એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
  રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”
  વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;
  ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”

  કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
  ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
  ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;
  એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”

  પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,
  આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”
  “મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
  પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”

  મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
  શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
  ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
  એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

  ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
  શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”
  જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
  બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

  શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
  ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
  જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
  આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”

  ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”
  અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”
  ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
  રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

  ——કવિ દલપતરામ

 • ખુબ ખુબ આભાર.