‘મૃત્યુ’ …

‘મૃત્યુ’ …

 

 

 

sokrates

 

 

‘હું શરીર નથી પણ, અમર આત્મા છું’

 

 
પશ્ચિમના આખા ઇતિહાસમાં, માત્ર એક માનવીએ આ સાક્ષાત્કાર સાધ્યો હતો.  એ હતો સોક્રેટિસ.  ડાયલોગ્ઝ ઓફ પ્લેટો (પ્લેટોના સંવાદો) માં, મૃત્યુનો સામનો કરતા સોક્રેટિસનું વર્ણન છે.  હિમ્મતની ભાવના ન હોય તો, આપણે સ્વસ્થ ચિત્તે મૃત્યુને ભેટી શકીએ નહીં.  આપણે ભયભીત હોઈએ, ઉદાસીન થઇ જઈએ, વગેરે.  ‘હું શરીર નથી પણ, અમર આત્મા છું’, એ ગહન જ્ઞાન સોક્રેટિસને હોવાથી એનું ચિત, શાંત, સ્વસ્થ અને નિર્ભય હતું.  પોતાના સંવાદોમાં પ્લેટોએ વર્ણવ્યું છે કે, ઝેર પીતા સોક્રેટિસ આસપાસ બેઠેલા તેના શિષ્યો તેના આ વિષપાનથી ઉદ્વિગ્ન થઇ ગયા હતા અને, સોક્રેટિસ એકલો સ્વસ્થ હતો. 

 

 

સોક્રેટિસ એમને વઢયો : ‘સ્ત્રીઓ ખૂબ રોતી હતી એટલે એમને મેં જવાનું કહ્યું; મૃત્યુઘડીએ મને શાંતિ જોઈએ, પણ તમે યુવાનો પણ રડી રહ્યા છો.’  પોતાની આસપાસ બેઠેલાઓને તેણે આમ ઠપકો આપ્યો.  પછી, ત્યાં બેઠેલાઓમાં ક્રિટો નામના એક વૃદ્ધ પુરુષે સોક્રેટિસ તરફ ફરીને પૂછ્યું, ‘સોક્રેટિસ, અમે તમને કેવી રીતે દફ્નાવીએ ?’  માણસ હજી માર્યો નથી ! હજી તો એ વિષપાન કરે છે; થોડા સમય પછી ઝેરની અસર થશે ને એ મૃત્યુ પામશે.  પણ ક્રિટો એ સમયે પ્રશ્ન કરે છે :  ‘સોક્રેટિસ, અમે તમને કેવી રીતે દફ્નાવીએ ?’  

 

 

મૃદુ સ્મિત વડે સોક્રેટિસે આ પ્રશ્ન ઝીલ્યો અને કહ્યું, ‘ક્રિટો, તમારે પ્રથમ મને, સાચા હું ને, પકડવો જોઈએ.’  ભાષા જુઓ, એક એક શબ્દમાંથી વિશુદ્ધ વેદાંત ઝરે છે.  તમારે મને, મારા સાચા હું ને, પકડવો જોઈએ, પછી તમે એ સવાલ કરો.   ને પછી સોક્રેટિસ ઉમેરે છે, ‘જલસા કરો, ક્રિટો.  તમે આ દેહની વાત કરો છો.  બીજાનાં દેહનું કરો છો તેમ આ દેહનું પણ કરજો.’

 

 

આત્માના અમરત્વના આ જ્ઞાનથી સંપૂર્ણ ચિત્તશાંતિ, પૂરી સ્વસ્થતા, મોટી હિમ્મત અને, આસપાસના લોકોને શાંત કરવાની શક્તિ પણ મળે છે તે જોઈ શકાય છે.  આમ આ સિદ્ધાંત નથી, અનુભૂતિ છે પરંતુ, સમગ્ર પાશ્ચાત્ય સાહિત્યમાં આવી આ એક જ વ્યક્તિ જોવા મળે છે, પણ એની આસપાસના લોકો, એથેન્સવાસીઓ, આ મહત્તા ઓળખી શક્યા ન હતા કારણ, એમની ફિલસૂફીમાં, માનવીના આ ઉચ્ચત્તર પરિણામની સમજણ ન હતી. 

 

 

ડેલ્ફીના ભવિષ્યવેત્તાએ એમને કહ્યું હતું.  ‘માનવી, તારી જાતને ઓળખ’  છતાં, તેઓ તો માનવીને ફક્ત બહારથી જ જાણતા હતા;  ખાવું, પીવું, મોજમજા, એશ આરામ પછી, સામ્રાજ્યવાદ અને યુદ્ધ :  આટલું જ એ જાણતા હતા.  આ બધાં ક્ષેત્રોમાં એ સૌ ખૂબ પ્રવીણ હતા.  આ સત્ય જાણનાર માત્ર એક સોક્રેટિસ હતો ને એટલે તો, ગ્રીકો એ આદમીને સમજી શક્યા ન હતા.  ‘તું જુવાનિયાઓને ગેરમાર્ગે દોરે છે.’  એવું તોહમત તેમણે એની પર મૂક્યું.   જુવાનિયાઓને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂકી આવા મહાત્માને ઝેર પી મોતની સજા કરે તેની કલ્પના કરો !  કેવી તો કરુણ દશા !  માનવ વ્યક્તિત્વના આ ઊર્ધ્વતર પરિણામને જે લોકો સમજી શક્યા નહીં તેમણે આવા ઉત્તમોત્તમ નાગરિકનો ન્યાય તોળ્યો ?  બીજું બધું તેઓ સમજતા હતા.

 

 

ગ્રીસમાં, યુરોપના બીજા દેશોમાં કે, અમેરિકામાં હું શ્રોતાઓને કેહતો;  ધારો કે સોક્રેટિસ ભારતમાં હોત તો શું થયું હોત ?  ભારતીય લોકો એને સમજ્યા હોત અને, એનો વધ કરવાને બદલે, એને મહર્ષિ તરીકે આદર આપ્યો હોત.  પરંતુ માનવ વ્યક્તિત્વના આ આધ્યાત્મિક પરિણામને ગ્રીક સંસ્કૃત્તિ કદી સમજી શકી નહીં, અને લોકોની બુદ્ધિની પકડ બહારની બાબત સમજાવનાર કોઇપણ વ્યક્તિએ ત્રાસનો અને મૃત્યુનો ભોગ બનવાનું.

 

 

ઈસુને પણ તેમજ થયું હતું.  એની આજુબાજુના પુરોહિતો ન સમજી શક્યા તેવો બોધ એમણે આપ્યો હતો.  ને તેથી, સેતાનનો દલાલ હોવાનું તોહમત તેની ઉપર મૂકવામાં આવ્યું હતું !  ને એમને ક્રુસ પર લટકાવવામાં આવ્યા હતા.  સ્વ.બટ્રેઁણ્ડ રસેલના શબ્દો મને યાદ આવે છે :  ‘લોકો ગ્રહણ કરી શકે એથી વધારે વેગથી તમે શીખવો તો, તમારી જાતને તમે તકલીફમાં મૂકવાના.’  લોકો ગ્રહણ ન કરી શકે એવું કંઈક સોક્રેટિસે શીખવ્યું;  માત્ર પ્લેટો અને બીજા થોઅદાક જ એ સમજી શક્યા.  ગણતંત્ર એથેન્સના ટોળાએ સોક્રેટિસની હત્યા કરી ને એથી પ્લેટો ગણતંત્રને ધિક્કારતો થયો.

 

 

આજે ભારતમાં આપણા ગણતંત્ર સામે પણ પડકાર છે.  વેદાંતની વિશાળ અને ગહન વિચારણાનું માર્ગદર્શન આપણે લેશું તો, આપણા દેશમાં આપણે પ્રગતિશીલ, માનવતાવાદી સમાજનું નિર્માણ કરી શકીશું.  વેદાંતનું વિશાળ ચિંતન આપણા ચારિત્ર્ય પર અસર નહીં કરે તો, આપણું ગણતંત્ર અધમાધમ ટોળાશાહીમાં ફેરવાઈ જશે.  આપણા રાજકારણમાં આજે પણ આ વલણ જોવા મળે છે:  બધા નિયમોને નેવે મૂકીને લોકોનાં ટોળેટોળાં હવાઈ મથકે નેતાના સ્વાગત માટે જતા હોય છે અને, કોઈ રાજકીય પક્ષ પ્રેરિત હડતાળ હિંસક રીતે પડાવતાં હોય છે.  આપણી પ્રજામાં આ વેદાંતી સંયમ થોડો પણ આવશે – અને એ આવશે એવી આહા હું રાખું છું – ત્યારે, ભારતમાં આપણે સાચું ગણતંત્ર શાસન અને સાચો સમાજ ઊભો કરવામાં સફળ થશું.

 

 

 

વિવેકાનંદ જેવા આપણા આધુનિક ગુરુઓએ સામંતશાહીમાંથી ગણતંત્ર ઊભું કરવા માટે સામાજિક ક્રાંતિ કરવા જણાવ્યું છે.  સાચી લોકશાહી જન્મે તે પૂર્વે આપણે ઘણાં ધાબાં ભૂંસવાનાં છે.  આપણાં લોકો પાસે કેળવણી અને સંસ્કૃતિ પહોંચશે ત્યારે એ આવશે.  માત્ર શિક્ષણ નહીં.  શિક્ષણ આપણને અણઘડ બનાવી શકે;  આજે અનેક શિક્ષિત યુવાનોનું વર્તન મને અણઘડ દેખાય છે.  પણ સંસ્કૃતિની સાથે શિક્ષણ મુક્તિદાયક પરિબળ બનશે.  પ્લેટોના સંવાદોનો આ વિભાગ આપણા કોઇપણ ઉપનિષદની એક વલ્લી બની શકે.  ઈ.જે. આર્વિક નામના એક બ્રિટીશ બૌદ્ધિકે પોતાના પ્રખ્યાત પુસ્તક ‘ધ મેસેજ ઓફ પ્લેટો’  માં કહ્યું છે કે, ઉપનિષદોના અધ્યન વિના તમે પ્લેટોને સમજી શકો નહીં અને, પોતાના પુસ્તકમાં એ વિવિધ ઉદાહરણો પણ આપે છે.

 

 

આમ, મનુષ્યના અમર સ્વરૂપનું આલેખન કરતા આ શ્લોકો આર્વાચીન કાળમાં, જગતમાં સર્વત્ર લોકોને ખૂબ આકર્ષણનો સ્ત્રોત થવાના છે. આપણે જીવનના એક ભાગને, અર્થાત્, જીવનને જાણીએ છીએ.  જીવનના બીજા ભાગને, મૃત્યુને, આપણે જાણતા નથી.  મૃત્યુ અને જીવન એક જ સત્યના બે પાસાં છે.  મનુષ્યજાતિના પ્રાચીનતમ ગ્રંથ, ભારતના ઋગ્વેદમાં આ બોધ છે :  यस्य छाया अमृतं यस्य मृत्यु:, ‘જેની છાયા અમરત્વ અને મૃત્યુ છે તે સત્ય.’  એટલેમ સત્યને સમજવું હોય તો, તમારે જીવન અને મૃત્યુ, બેઉને જાણવાં જોઈએ, માત્ર જીવન જાણ્યે ન ચાલે.  ગ્રીકો માત્ર જીવનને ઓળખાતા હતા.  ગ્રીસના જીવન વિશે લખતાં લોવેસ ડિકિન્સન નામનો બીજો મહાન બ્રિટીશ વિદ્વાન કહે છે, ‘ગ્રીકો જીવનને ઓળખાતા; મૃત્યુ સાથે એમનો મેળ કદી ન બેઠો.  મૃત્યુ સમયે તેમને લાગતું હતું કે, કોઈ સત્તા તેમને ખેંચી રહી છે;  એમને એ જરાય ગમતું ન હતું.’   પણ, એક જ અપવાદ; મેં કહ્યું તેમ, સોક્રેટિસનો.  જીવન અને મૃત્યુ બેઉનો અર્થ એ સમજતો હતો.  આજની પાશ્ચાત્ય સભ્યતામાં, એ જ પરિસ્થિતિ મોજૂદ છે; આપણે મૃત્યુનો અર્થ જાણતા નથી અને, દેહનું મૃત્યુ એ આત્માનું મૃત્યુ નથી.  માનવી અમર છે.  આ બેનો સાથે વિચાર કરો એટલે, મૃત્યુનો ભય ઘટી જશે.  ને આપણા ભારતને પણ આ બોધની ઘણી જરૂર છે, 

 

 

આપણે મૃત્યુથી એટલા તો ડરીએ છીએ.  હકીકતે, મારા ઘરમાં, હું નાનો હતો ત્યારે, કદી પણ હું મૃત્યુનો ઉલ્લેખ કરું તો, લોકો મને કહેતાં, ‘રે ! નાં, મૃત્યુની વાત ન કર !   મૃત્યુ આવે એ પહેલાં આપણે શા માટે મરવું જોઈએ ?’  એનું નામ કાયરતા.  ‘પોતાના મૃત્યુ પહેલાં કાયરો અનેકવાર મરણ શરણ થાય છે,  પણ વીરો, એક જ વાર મૃત્યુ ચાખે છે.’   એમ શેક્સપિયરે કહ્યું છે, એ અક્ષરશ: સાચું છે.  મોતથી ડરતી પ્રજા મહાન બની શકે નહીં.  મોતનો સામનો કરો તો જ, તમે મહાન બનો.   આજના આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદે એ પાઠ આપણને શીખવ્યો છે.

 

 

 

–     સ્વામી રંગનાથાનંદ
(રા.જ.૮-૧૨(૯-૧૧)/૧૯૩-૯૫)

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]
 

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • એમ શેક્સપિયરે કહ્યું છે, એ અક્ષરશ: સાચું છે. મોતથી ડરતી પ્રજા મહાન બની શકે નહીં. મોતનો સામનો કરો તો જ, તમે મહાન બનો.

  ‘હું શરીર નથી પણ, અમર આત્મા છું’

  માનવી, તારી જાતને ઓળખ’

  Saras Lekh !
  With the few words….one can get the deep understanding of the Self.
  Self MUST be seen as the BODY + SOUL.
  The Body is perishable..& the Soul is Eternal.
  So….with this understanding, NEVER fear Death.
  Live the LIFE as best possible..& if your decision is to reach the PARAM SHAKTI..do cultivates the THOUGHTS & ACTIONS accordingly.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Ashokbhai…Hope to see you on Chandrapukar.
  Inviting All !