ઠાકુર શ્રીરામકૃષ્ણ પરમહંસ …

ઠાકુર શ્રીરામકૃષ્ણ પરમહંસ … 
– રમણલાલ સોની

 

 

 

ramkrishnadev

 

 

કોલકાતાની પાસે ગંગાકાંઠે દક્ષિણેશ્વર નામે જગા છે. ત્યાં કાલીમાતાનું મંદિર છે. એ મંદિરના પૂજારી બ્રાહ્મણને બધા પાગલ સમજતા. નહી એનાં કપડાંનું ઠેકાણું, નહિ ખાવાપીવાનું ઠેકાણું ! એક દિવસ એક હાથમાં પૈસા અને બીજા હાથમાં માટીનું ઢેફું લઈ એ બોલવા લાગ્યો : ‘આ પૈસા છે, આ માટી છે ! આ માટી છે, આ પૈસા છે ! બેય નકામાં !’ આમ કહી એણે બેય વસ્તુઓ નદીમાં નાખી દીધી.

 

પૈસા અને માટીને સરખાં ગણનાર એ પાગલ પૂજારીનું નામ ગદાધર ચટ્ટોપાધ્યાય. જગત એમને ઠાકુર રામકૃષ્ણ પરમહંસ નામે ઓળખે છે.

 

રામકૃષ્ણનો જન્મ તા. ૧૮-૨-૧૮૩૬ના રોજ કામારપુકુર નામે એક ગામડમાં થયો હતો. એમના પિતા ખુદીરામ પ્રામાણિક અને સાચાબોલા હતા. પહેલાં તેઓ બીજા ગામમાં રહેતા હતા, પ્નેક્વાર ત્યાંના જમીનદારે એમને જૂઠી સાક્ષી પૂરવા કહ્યું, ત્યારે તેમણે તેનો ઇનકાર કરી ગામ છોડી દીધું હતું ને કામારપુકુર આવી વસ્યા હતા. ગદાધરનાં માતા ચંદ્રામણિદેવી એવાં ભગવદ્દભક્ત હતાં કે પોતે ભૂખ્યા રહીને પણ સાધુ-સંતોને જમાડતાં.

 

પાંચ વર્ષની ઉંમરે રામકૃષ્ણને ભણવા મૂક્યા, પણ ભણવામાં એમનું ચિત્ત નહોતું. જ્યાં કથાકીર્તન થતાં હોય ત્યાં એ પહોંચી જતા ને એકચિત્ત બધું સાંભળતા. આવી રીતે સાંભળી સાંભળીને રામયણ, મહાભારત, ભાગવત વગેરે પુરાણોની કથાઓ અને અસંખ્ય ગીતો ભજનો એમને મોઢે થઈ ગયાં હતાં.

 

રામકૃષ્ણ સાત વર્ષના હતા, તેવામાં એમના પિતાનું અવસાન થયું. એમના મોટાં ભાઈ રામકુમાર દક્ષિણેશ્વરના કાલી-મંદિરમાં પૂજારી તરીકે રહ્યા ને રામકૃષ્ણ એમની મદદ રહ્યા. પણ રામકુમાર લાંબુ જીવ્યા નહિ અને કાલી-માતાની પૂજાનો ભાર રામકૃષ્ણને શિર આવ્યો.

 

રામકૃષ્ણને મન કાલી માતાની મૂર્તિ એ પથ્થરની પ્રતિમા ન્હોતી, પણ હાજરાહજૂર કાલી માતા હતી. એ પૂજા કરવા બેસતા ત્યારે એકદમ બહારની દુનિયાનું ભાન ભૂલી જતા, કેટલીક વાર તો કલાકો સુધી એ જડવત્ બેસી જ રહેતા અને કોઈ બોલાવે તોયે બોલતા નહિ. પછી તો માતાનાં દર્શનની એમને એવી તાલાવેલી લાગી કે રાતદિવસ પાગલની પેઠે મા ! મા ! કરી તેઓ રડ્યા કરે. વિરહની આ વેદના એવી વધી ગઈ કે એક દિવસ એમને થયું : ‘જીવીને હવે શું કામ છે ?’ અચાનક એમની નજર મંદિરમાં એક ખડગ હતું તેના પર પડી. તેમણે દોડીને ખડગ હાથમાં લીધું, પણ પોતાનો શિરચ્છેદ કરવા માટે જ્યાં જાય છે ત્યાં એમની સામે માતાજી પ્રત્યક્ષ થયાં અને એ બેભાન થઇ નીચે પડી ગયા. બે દિવસે એ ભાનમાં આવ્યા. ત્યારે એમના અંતરમાં આનંદ આનંદ છવાઈ ગયો હતો !

 

એ દિવસથી તેમને મંદિરમાં મૂર્તિ નહી, પણ સ્વયં માતાજીનાં જ દર્શન થવા લાગ્યાં. તેઓ પોતે કહે છે : ‘હું માતાજીના નાક સામે હથેળી ધરતો ને માતાજીના નાક સામે હથેળી ધરતો ને માતાજીના શ્વાસોચ્છાવાસનો અનુભવ કરતો ! રાત્રે માતાજીની સામે દીવો ધારી એમનો પડછાયો જોવા હું ખૂબ મથ્યો છું, પણ મને એમનો પડછાયો કડી દેખાયો નથી. હું મારા ઓરડામાંથી બાલિકા – સ્વરૂપ માતાજીને મેડી પર જતાં જોતો અને એમનાં ઝાંઝરનો અવાજ સાંભળતો. હું એમને ઘણીવાર મંદિરના મેડાના ઝરૂખામાં ઊભાં રહી ઘડીમાં શહેર ભણી તો ઘડીમાં ગંગાજી ભણી નિહાળતા જોતો !’

 

ઘરનાંને થયું કે છોકરો ગાંડો થઇ ગયો છે; એને પરણાવી દઈએ તો એ ડાહ્યો થઇ જશે. નવાઈની વાત એ કે રામકૃષ્ણે પરણવાની વાત મંજૂર કરી, એટલું જ નહિ, ભાવાવસ્થામાં એણે સામેથી કન્યાનાં નામ-ઠામ આપ્યાં. એ કન્યાની સાથે રામકૃષ્ણનાં લગ્ન થી ગયાં સને ૧૮૫૯. રામકૃષ્ણની ઉંમર તે વખતે ત્રેવીસ વર્ષની હતી અને કન્યાની છ. કન્યાનું નામ શારદામણિદેવી.

 

પણ લગ્ન પછી ય રામકૃષ્ણનું ગાંડપણ તો વધતું જ ગયું. તેઓ પોતે કહે છે : ‘જનોઈ ઊડી જાય, ધોતલીનું યે મને ભાન ન રહે, નાતજાતનો મને કંઈ ખ્યાલ નહોતો. કોઈ વાર તો કૂતરાં ભેગો ખાતો. માઠા પર જટિયાં થઇ ગયાં હતાં. અને પૂજા કરતી વખતે ચોખાના દાણા એમાં ભરાઈ જતા તે ચકલાં મારા માઠા પર બેસી વીણી ખાતાં. સાપ મારા શરીર પર થઈને ચાલી જતો. મને શરીરનું કે સમયનું કંઈ ભાન નોહ્તું. !’

 

એક દિવસ રામકૃષ્ણ બાગમાં ફૂલ વીણતા હતા, ત્યાં એમણે એક બાઈને હોડીમાંથી ઘાટ પર ઊતરતી જોઈ. એ માતાજીની ભૈરવી હતી અને તાંત્રિક સાધનામાં પારંગત હતી. રામકૃષ્ણને જોતાં એ સમજી ગઈ કે ભગવાન ભગવાન શ્રી ચૈતન્ય જેવી એમની હાલત છે. એણે એમને તાંત્રિક સાધનામાં પારંગત હતી. રામકૃષ્ણને જોતાં એ સમજી ગઈ કે ભગવાન શ્રી ચૈતન્ય જેવી એમની હાલત છે. એણે એમને તાંત્રિક સાધના શીખવી. જે શીખતાં બીજાને વર્ષો લાગે તે રામકૃષ્ણ થોડા દિવસમાં શીખી ગયા. એમને અનેક દેવદેવીઓનાં દર્શન થયાં, તેમાં ત્રિપુરાની રાજરાજેશ્વરીનું દર્શન અતિ ભવ્ય હતું.

 

રામકૃષ્ણ ઈશ્વરને મતા રૂપે જોતા હતા. કૌશલ્યા બની એમણે રામલાલને રમાડ્યા. પછી હનુમાનજી બની એ રામના સેવક થયા. ‘જય રઘુવીર ! જય રઘુવીર !’ કરતાં એ ઝાડ પર ચડીને બેઠા. હનુમાનજીના જેવા જ તેઓ રામભક્ત બની ગયા ને રામની ભક્તિમાં લીન થઇ ગયા.

 

પછી ગોપીની જેમ કૃષ્ણની પાછળ પાગલ થયા. ‘હે કૃષ્ણ, તું ક્યા છે ? તું ક્યા છૂપાઈ ગયો ? મને દર્શન દે !’ એમ વારંવાર બોલવા લાગ્યા. એમ કરતાં એમને કૃષ્ણનાં દર્શન થયાં. તેમને ખાતરી થઇ કે કૃષ્ણની ભક્તિ પણ બરાબર છે.

 

એવામાં તોતાપૂરી નામે એક સંન્યાસી આવ્યા અને ઝાડ નીચે મુકામ નાખી પડ્યા. એમણે રામકૃષ્ણને યોગવિદ્યાનું શિક્ષણ આપી નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કરાવ્યો. જે શીખતાં તોતાપુરીની આખી જિંદગી ગઈ હતી તે રામકૃષ્ણે માત્ર થોડા દિવસોમાં સિદ્ધ કર્યું. રામકૃષ્ણ નામ – રૂપના દ્વૈતની પેલી પાર પહોંચી ગયા. ત્રણ દિવસે તેઓ ભાનમાં આવ્યા – તેય તોતાપુરીએ કેટલી વાર મોટેથી ‘હરિॐ ॐ’ મંત્રોચ્ચાર કર્યો ત્યારે !

 

અદ્વૈતના સાક્ષાત્કારે એમને બતાવ્યું કે જુદા જુદા ધર્મો એ એક જ લક્ષ્યને પહોંચવાના જુદા જુદા માર્ગો છે. એમને માટે આ માન્યતાનું મૂળ સ્વાનુભવ છે.

 

તેઓ પોતે કહે છે : ‘મેં હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી બધા ધર્મો પાડી જોયા છે. હિન્દુ ધર્મના જુદા જુદા સંપ્રદાયોનો પણ મેં અનુભવ લીધો છે. બધા જ માર્ગ ઈશ્વર તરફ લઇ જાય છે એની મને ખાતરી થઇ છે. આજે હિન્દુઓ ને મુસલમાનો, બ્રાહ્મણો, વૈષ્ણવો ને બીજાઓ ધર્મના નામે લડે છે, પણ તેઓ વિચાર નથી કરતા કે જે કૃષ્ણ કહેવાય છે તે શિવ પણ કહેવાય છે. ઈશુ અને અલ્લા પણ તે જ છે – એક જ રામનાં હજાર નામ છે. સરોવરને અનેક ઘાટ છે. એક ઘાટ પર હિન્દુ ઘડો ભરે છે ને જળ કહે છે; બીજા ઘાટ પર ખ્રિસ્તી ‘વોટર’ કહે છે. હવે પાણી એ જળ નથી, પણ માત્ર વોટર છે એમ કહેવું અથવા તો એ વોટર નથી પણ જળ છે એમ કહેવું કેટલું હાસ્યાસ્પદ છે !’

 

ગોવિંદરામ નામના એક સૂફી સંતે રામકૃષ્ણને સૂફી માર્ગની સાધના શીખવાડી હતી. રામકૃષ્ણ કહે છે : ‘હું મુસલમાન ફકીરના જેવો વેશ પહેરતો, વખતસર નમાજ પઢતો અને આખો વખત અલ્લા ! અલ્લા ! કરતો. મારા મનમાંથી હિન્દુ વિચારો સાવ ભુલાઈ ગયા હતા.’

 

એકવાર એક ભક્તને ઘરે બાળક ઈશુને ખોળામાં લઇ રમાડતી કુમારી મરિયમના ચિત્ર પર રામકૃષ્ણની નજર પડી. તે જ ઘડીએ ચિત્રમાંથી પ્રકાશનો ધોધ છૂટ્યો અને રામકૃષ્ણના હૃદયમાં પ્રવેશ્યો. રામકૃષ્ણ ઈશુમય બની ગયા ને ત્રણ દિવસ એ હાલતમાં રહ્યા. ચોથે દિવસે એમને એક દિવ્ય આકૃતિ એમની સામે આવતી દેખાઈ. એમની અંદરથી અવાજ આવ્યો : ‘આ મહાયોગી ઈશુ છે.’ ઈશુ એમને આલિંગન આપી અર્દ્દશ્ય થઇ ગયા. બુદ્ધ, મહાવીર અને ગુરુ નાનકનો પણ રામકૃષ્ણને અનુભવ થયો હતો. બધા જ અવતારી પુરુષો હતા.

 

રામકૃષ્ણદેવનો કંઠસ્વર ખૂબ મધુર હતો. ઘણી વખત ભજન ગાતાં ગાતાં તેઓ દેહભાન ભૂલી જતા ને સમાધિ વશ થઇ જતા. એક વાર તેઓ ‘ચૈતન્યલીલા’ નાટક જોવા ગયા હતા. નાટક જોતાં જોતાં તેઓ સમાધિસ્થ બની ગયા હતા અને એવી જ સ્થિતિમાં તેમને ઘેર લઇ જવા પડ્યા હતા.

 

રાત ને દિવસ દક્ષિણેશ્વરમાં ભક્તોની ભીડ લાગેલી રહેતી. રામકૃષ્ણ ખૂબ સરળ ભાષામાં દ્રષ્ટાંતો દ્વારા ઉપદેશ આપતા. મંદિરનો એક અભણ પૂજારી ઊંડા જ્ઞાનની આવી વાતો કેવી રીતે કરી શકતો હશે તેની સૌને નવાઈ લાગતી.

 

પાછલી વયે, રામકૃષ્ણ પરમહંસદેવને કંઠમાળનું ભયાનક દર્દ તઃયું હતું. એમનાથી બોલી પણ શકાતું નહિ. કોઇ પણ દવાની એમના પર અસર થી નહોતી. પણ તેઓ એવા મસ્ત મહાયોગી હતા કે શરીરના દુઃખની એમને પડી નહોતી. કોઈ કોઈ વાર તો તેઓ આઠ આઠ કલાક સુધી બોલતા. તેઓ કહેતા : ‘એક પણ માણસને હું મદદરૂપ થઇ શકતો હોઉં તો એના પર વીસ હજાર જન્મ ઓવારી જવા તૈયાર છું. એક માણસને પણ ઉપયોગી થવું એ જેવી વાત નથી.’

 

એવામાં એક દિવસ તેઓ આંખો મીંચી ધ્યાનમાં બેઠા; ત્રણવાર કાલી ! કાલી ! એવો ઉચ્ચાર કરી તરત એમણે પ્રાણ તજી દીધા. તા.૧૬-૮-૧૮૮૬.

 

 

શ્રીરામકૃષ્ણદેવની કવિત્વ ભરી જાદુઈ વાણી

 

૧] કોરી માટીથી કોઈ કુંભાર ઘડો અહીં બનાવી શકે, એને પાણી જોઇશે. તેવી રીતે એકલા શિવ સૃષ્ટિ નહિ સરજી શકે, પણ સાથે શક્તિ જોઈશે.

 

૨] જેમ જળ અને બુદબુદ એક છે, તેમ જીવાત્મા અને પરમાત્મા તત્ત્વે કરીને એક જ છે.

 

૩] ઈશ્વરને શોધવા નીકળેલો માણસ, દરિયાનું ઊંડાણ માપવા ગયેલી મીઠાની પૂતળી જેવો છે.

 

૪] દોરડું બળે તોય વળ ન છોડે, પણ એ બાંધવામાં કામ લાગે નહિ, તેમ પરમ જ્ઞાનના અગ્નિથી બળી ગયેલો અહંકાર છે, છે ને નથી.

 

૫] ચારણી જેમ ઝીણા લોટને ચાળી નાખે છે અને જાડા લોટને રાખે છે તેમ દુષ્ટ માણસ સારું જવા દે છે ને ખરાબને સંઘરે છે.

 

૬] દુષ્ટ માણસનું હૃદય વાંકડિયા વાળ જેવું છે. બે છેડા પકડીને ખેંચો તો સીધું રહે, પણ ફરી પાછું અસલ રૂપમાં આવી જાય.

 

૭] ઈશ્વર પ્રાણીમાત્રમાં છે, પણ તમારે સારા માણસોનો જ સંગ કરવો, દુષ્ટથી દૂર રહેવું. ઈશ્વર વાઘમાં પણ છે, પણ એથી કરીને તમે વાઘને નહિ ભેટો !

 

૮] ચાર આંધળાઓએ હાથીની પરીક્ષા કરી. ચારે આંશિક રીતે સાચા હતા, પણ આંશિક સત્ય સંપૂર્ણ સત્ય નથી.

 

૯] બકરા ભેગા ઉછરેલા વાઘના બચ્ચાને વાઘે પાણીમાં એનું પ્રતિબિંબ દેખાડી ભાન કરાવ્યું હતું કે તું બકરું નથી, વાઘ છે. તેમ ગુરુ ચેલાને દેખાડે છે કે તું ને હું અમૃતનાં સંતાન છીએ.

 

૧૦] એક માણસને પણ ઉપયોગી થવું એ જેવી તેવી વાત નથી.

 

(‘સંત સાગર’ પુસ્તકમાંથી સાભાર)

 

(રા.જ.૧૧-૧૧(૫૭-૫૯)/૩૭૬-૭૯)

 

 

બ્લોગ લીંક :http://das.desais.net
email : [email protected]

 

 

આજે શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતિ હોય, તેઓ શ્રીના શ્રીચરણમાં શત્ શત્ વંદન ….

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • Trivedi Brijesh

  aapno lekh vanchyo…. bahu j saras saras janva malyu… thanks. bas avu j lakhta rejo…. Aabhar.

 • Kanaiya Thanki

  Koti Koti Pranam Mara AA sante ne

 • આદરણીયશ્રી. અશોકભાઈ

  આપે સમાજમાં ઉપયોગી થઈ પડે તેવી અને યુવાનો માં પ્રમાણિકતાના

  ગુણોનું સિંચન થાય તેવો સરાહનીય પ્રયાસ કરેલ છે.

 • purvi

  bahu j sundar prasang ane vyaktitv vishe janva malyu.