મહાશિવરાત્રી …

મહાશિવરાત્રી …

 

મહાશિવરાત્રી પર્વ ની આપને   તેમજ આપના પરિવારને શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ !

મહાશિવરાત્રી શિવ પૂજાનું માહત્મ્ય આજે આપણે અહીં જાણીશું. આ અગાઉ શ્રી વિનોદભાઈ માછી દ્વારા શિવાલયનું તત્વ રહસ્ય ની પોસ્ટ અહીં જ આપણે ડીસેમ્બર – ૨૦૧૨ માં શરૂઆતમાં માણેલ., જે કોઈ એ તે  પોસ્ટ વાંચી ન હોય અને વાંચવી  હોય તો, અહીં ‘શિવાલયનું તત્વરહસ્ય  ‘  પોસ્ટની લીંક આપની જાણ અને સરળતા માટે અહીં મૂકેલ છે. લીંક પર ક્લિક કરવાથી ખૂબજ સુંદર પોસ્ટ પણ આપ અહીં જ માણી શકશો. આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર આવકાર્ય છે.

બ્લોગ પોસ્ટ લીંક :   શિવાલયનું તત્વરહસ્ય …

 

 

 

 

સાખીઃ

કબીર કુવા એક હે
પનિહારી અનેક
બરતન ન્યારે, ન્યારે હે
પાની સબ મેં એક …
આવી આવી અલખ જગાયો ..
એ બેની અમારે મહેલે ..
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે ..   એ ..  જી ..
 

આવી આવી અલખ જગાયો ..
એવો  અમારે મહેલે ..
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે ..  એ  .. જી ..
મહાશિવરાત્રી …

 

મહા મહિનાની વદ તેરસ ચૌદસના દિવસે મહાશિવરાત્રીનો તેહવાર આવે છે. આ તહેવાર રાત્રિએ જ ઉજવાય છે. તેમાં ભગવાન શિવ પ્રત્યેનો ભક્તિભાવ જોવા મળે છે. એ દિવસે ભગવાન શિવ સતી પાર્વતી સાથે પરણ્યા હતા. એ દિવસે લોકો ઉપવાસ કરે છે, કેટલાક ભક્તો નિર્જળા ઉપવાસ પણ કરે છે. પંચદ્રવ્યથી શિવલીંગની પૂજા આખી રાત કરતા રહે છે. સાથે ૐ નમ: શિવાયનો મંત્રજાપ પણ ચાલતો રહે છે.  શિવલિંગ પર બિલ્વપત્ર પણ ચડાવાય છે. બિલ્વપત્ર પવિત્ર ગણાય છે અને એમાં લક્ષ્મીનો વાસ છે.

 

પુષ્પદંતના શિવમહિમ્ન્ સ્તોત્રનું ગાન થાય છે અને અત્યંત શ્રદ્ધાભક્તિથી રાવણ રચિત શિવતાંડવ સ્તોત્રનો પાઠ થાય છે. ૐ નમ: શિવાયપંચાક્ષર મંત્રનો પણ ભક્તિપૂર્વક લોકો જપ કરે છે. જે કોઈ ભક્ત મહાશિવરાત્રીના પાવનકારી પર્વ નિમિત્તે ભગવાન શિવનું નામ એકાગ્રતાથી અને ભક્તિપૂર્વક લે છે તેનાં બધાં પાપ દૂર થાય છે, તે શિવલોક પામે છે. જન્મમૃત્યુના ફેરામાંથી મુક્ત બને છે. અસંખ્ય યાત્રાળુઓ શિવમંદિરે ઊમટી પડે છે.

 

રાજા ચિત્રભાનુની વાર્તા

 

મહાભારતના શાંતિપર્વમાં બાણશય્યા પર સૂતેલા ભેષ્મ ધર્મચર્ચા કરતી વખતે ચિત્રભાનુના મહાશિવરાત્રીની વ્રતની આ વાત કહી હતી.

 

ઈક્ષ્વાકુ કુળમાં ચિત્રભાનુ નામના એક રાજા થઇ ગયા. તેઓ સમગ્ર જંબુદ્વીપ પર રાજ્ય કરતા હતા. મહાશિવરાત્રીને દિવસે રાજાએ પોતાની રાણી સાથે ઉપવાસ કર્યો હતો. અષ્ટાવક્ર ઋષિ એમના દરબારમાં આવી ચડ્યા. ઋષિએ કહ્યું : ‘હે રાજા ! આજે શા માટે ઉપવાસ રાખ્યો છે ?’ ચિત્રભાનુએ એનું કારણ સમજાવ્યું. એને પોતાના પૂર્વજન્મની વાત યાદ હતી, એટલે રાજાએ ઋષિને કહ્યું : ‘મારા ગયા જન્મમાં હું વારાણસીમાં એક શિકારી હતો. મારું નામ સુસ્વર હતું. પ્રાણીઓ અને પક્ષીઓને મારીને વેંચવાથી મારું ગુજરાન થતું. એક દિવસ શિકારની શોધમાં જંગલમાં ભટકતો હતો. એકાએક અંધારું છવાઈ ગયું. હું ઘર પાછો ન જઈ શક્યો એટલે એક ઝાડ પર ચડી ગયો. એ વૃક્ષ બીલીનું હતું. એ દિવસે મેં એક હરણાને મારી નાખ્યું હતું, પણ એને હું ઘરે ન લઇ જઈ શક્યો. મેં એને કોથળામાં વીંટી દીધું અને ઝાડની ડાળીએ બાંધી દીધું. એ વખતે મને કડકડતી ભૂખ લાગી અને પાણી પીવાની તરસેય જાગી. એટલે આખી રાત મારે જાગતા રહેવું પડ્યું. મારા પાચા આવવાની આતુરતાપૂર્વક રાહ જોતાં અને ભૂખે ટળવળતાં બાળકો અને પત્નીને યાદ કરીને હું રડવા લાગ્યો. જેમ તેમ કરીને રાત વિતાવવા વૃક્ષ પરથી એક પછી એક બિલ્વપત્ર તોડવા લાગ્યો અને જમીન પર નાખવા લાગ્યો.

 

અજવાળું થતાં હું ઘરે પાછો ફર્યો અને પેલું મારેલું હરણ વેંચી નાખ્યું. મારા અને મારા કુટુંબીજનો માટે હું અનાજ લાવ્યો. જેવો હું કોળિયો મુખમાં મૂકવા જતો હતો કે એક અજાણ્યો અતિથિ આવી ચડ્યો અને ભોજનની માગણી કરી. પહેલા મેં એને જમાડ્યો અને પછી ભોજન લીધું.

 

મૃત્યુના સમયે ભગવાન શિવના બે દૂતને મેં જોયા. તેમને મારા આત્માને શિવ લોકમાં લઇ જવા મોકલ્યા હતા. શિવરાત્રીને દિવસે મેં અજાણતા કરેલી શિવપૂજાથી મને મળેલા પુણ્યનો મને ખ્યાલ આવ્યો. શિવદૂતોએ કહ્યું કે એ વૃક્ષના તળે શિવલિંગ હતું. તમે નીચે નાખેલ બધાં બિલ્વપત્ર શિવલિંગ પર પડ્યાં. મારા કુટુબના દુખે મારી આંખમાંથી વહેલ આંસુ પણ શિવલિંગ પર પડ્યાં અને શિવલિંગનું સ્નાન થયું. તે દિવસે આખી રાત અને આખો દિવસ મેં ખાધું ન હતું. આમ મારાથી અજાણતા પૂજા થઇ ગઈ. શિવની કૃપાથી હું શિવલોકમાં યુગો સુધી રહ્યો અને શિવ સંગાથે દિવ્ય આનંદ માણ્યો. હવે હું ચિત્રભાનુ રૂપે અવતર્યો છું.

 

મહાશિવરાત્રીનાં વિધિવિધાનોનું આધ્યાત્મિક મહત્વ

 

એક શાસ્ત્રી – પંડિત અને આત્મનાથન વચ્ચેના આ પરિસંવાદની વાત પરથી આપણને ઉપર્યુક્ત મહત્વનો ખ્યાલ આવે છે.

 

શાસ્ત્રી : ઉપર્યુક્ત વાર્તા એક રૂપકકથા જેવી છે. એમાં જંગલી પ્રાણીઓ એટલે માનવીએ કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર જેવા ષડરિપુ સાથે લડવું પડે છે. જંગલ એટલે આપણા મનના ચાર સત્ર – મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ મનમાં જ આ જંગલી વૃત્તિઓ મુક્તપણે ભમ્યે રાખ્યે રાખે છે. પહેલા તો એને મારવી પડે. અને શિકારી શિકારની પાછળ પડ્યો; એનો અર્થ એ થાય કે તે યોગી હતો. અને જો તમારે સાચા યોગી બનવું હોય તો તમારામાં રહેલ દુષ્ટ તત્વોને જીતવાં પડે. આ વાર્તામાં આવનાર શિકારીનું નામ તમે જાણો છો !

 

શિષ્ય આત્મનાથન : હા. એનું નામ સુસ્વર હતું.

 

શાસ્ત્રી : સાચી વાત. એનો અર્થ કે તે સારા મધુર કંઠવાળો હતો. જો કોઈ પણ વ્યક્તિ યમ – નિયમનો અભ્યાસ કરે તો આ દુર્વૃત્તિઓ પર કાયમી વિજય મેળવી શકે અને એને લીધે યોગીઓનાં કેટલાંક બાહ્ય લક્ષણો વિકસે છે. એનું પ્રથમ ચિહન છે દેહની ઓજસ્વિતા, સુસ્વસ્થતા, ધીરતા, મધુર કંઠ અને દેદીપ્યમાન મુખમુદ્રા. હા. આ ચિહનોની વાત શ્વેતાશ્વર ઉપનિષદમાં વિગતવાર વર્ણવી છે. પેલા શિકારી કે યોગીએ ઘણાં વર્ષો સુધી યોગનો અભ્યાસ કર્યો હતો, આધ્યાત્મિકતાની પ્રથમ સ્તરે તે પહોંચી ગયો. એટલે એનું નામ સુસ્વર હતું. હવે તને એક પ્રશ્ન પૂછું છું – એ શિકારીનો જન્મ ક્યાં થયો હતો ?

 

શિષ્ય : હા. તેનો જન્મ વારાણસીમાં થયો હતો.

 

શાસ્ત્રી : યોગીઓ વારાણસી શાનદ આજ્ઞાચક્ર માટે વાપરે છે. અને આ ચક્ર બે ભ્રમોની વચ્ચે આવેલું છે. અહીં ત્રણ નાડીઓઈડા, પિંગલા, સુષુમ્ણા – નું મિલનસ્થાન છે. કોઈ પણ આધ્યાત્મિક ઝંખના સેવતા વ્યક્તિને આ કેન્દ્ર પર એકાગ્ર થવાનું કહેવામાં આવે છે. એને લીધે જિજ્ઞાસુની ઈચ્છાશક્તિ પર સંયમ – નિયમ મેળવી શકાય છે. અહીંથી જ જિજ્ઞાસુને ભીતરની દિવ્યજ્યોતિનું દર્શન થાય છે.

 

શિષ્ય : આ તો ઘણું મજાનું. પણ શિકારી બીલીના ઝાડ પર ચડ્યો અને એ પછીની બીજી બધી બાબતો તમે કેવી રીતે સમજાવશો ?

 

શાસ્ત્રી : તમે બીલીનું પાંદડુ જોયું છે ?

 

શિષ્ય : હા. બિલ્વપત્ર ત્રિદલ હોય છે.

 

શાસ્ત્રી : સાચું. આ બિલ્વવૃક્ષ કરોડરજ્જુનું પ્રતીક છે. એનાં પાંદડાં ત્રિદલ હોય છે. ત્રિદલ એટલે ઈડા, પિંગલા અને સુષુમ્ણા નાડીઓનું પ્રતીક. અનુક્રમે આ ત્રણેય નાડીઓ ચંદ્ર, સૂર્ય અને અગ્નિનું ક્ષેત્ર ગણાય છે. વળી એને શિવનું ત્રિનેત્ર પણ ગણે છે. બીલીના ઝાડ પર શિકારીનું ચડવું એટલે કુંડલિની શક્તિનું ઊર્ધ્વગામી બનવું; જેમાં નીચે આવેલ ચક્ર મૂલધારથી આજ્ઞાચક્રના તરફ તેનું જવું. એ યોગીનું કાર્ય છે.

 

શિષ્ય : હા, જી, મેં કુંડલિની શક્તિ અને શરીરનાં વિવિધ ચૈતસિક કેન્દ્રો વિશે અસાંભળ્યું છે. થોડી વધુ વિગતે વાત કરો. મને એમાં રસ છે.

 

શાસ્ત્રી : વારુ, કોઈ પણ યોગી જ્યારે ધ્યાનની પ્રક્રિયા શરૂ કરે છે ત્યારે તે ચાલવાની મુદ્રામાં હોય છે. પેલા શિકારીએ મારેલાં પક્ષીઓ અને પ્રાણીઓને બાંધીને વૃક્ષની ડાળીએ ટીંગાડી દીધાં. પછી ત્યાં જ આરામ કરવા લાગ્યો. એનો અર્થ એ થયો કે એ વ્યક્તિએ પોતાના બધા વિચારો પર સંપૂર્ણપણે જીત મેળવી લીધી છે અને એ બધાને નિષ્ક્રિય કરી દીધાં છે. તેનો અર્થ એ કે તેણે આ યમ, નિયમ, પ્રત્યાહાર જેવા યોગનાં પગથિયા પસાર કરી દીધાં છે. હવે વૃક્ષ ઉપર તે ધ્યાન અને એકાગ્રતાનો અભ્યાસ કરે છે. હવે વૃક્ષ ઉપર તે ધ્યાન અને એકાગ્રતાનો અભ્યાસ કરે છે. પેલા શિકારીને ઊંઘ જેવું આવ્યું, એટલે કે તે બાહ્યચેતના ગુમાવવા માંડ્યો અને હવે એણે જાગ્રત રહેવાનો માનોનિર્ધાર કર્યો.

 

શિષ્ય : હવે વાત મને સમજાઈ. તમારી સમજાવવાની રીત ખરેખર સારી છે. પણ પેલો શિકારી પોતાની પત્ની અને સંતાનો માટે રડ્યો શા માટે ?

 

શાસ્ત્રી : પત્ની અને સંતાન એટલે આ જગત. કોઈ પણ જિજ્ઞાસુ ભક્ત જ્યારે ઈશ્વરની કૃપા ઝંખે છે ત્યારે તે પ્રેમનું મૂર્તરૂપ બની જાય છે. તેની સમસંવેદના સર્વલક્ષી હોય છે. આંખમાંથી આંસુ સારવાવૈશ્વિક પ્રેમનું પ્રતિક છે.

 

યોગમાં પણ દિવ્યકૃપા વિના પૂર્ણ જ્યોતિ મેળવી શકાતી નથી. વૈશ્વિક પ્રેમ કેળવ્યા વિના આ ઈશ્વર કૃપા મળતી નથી. એટલે દરેક જિજ્ઞાસુ ભક્તે સર્વત્ર પોતાની જાતને નિહાળવી જોઈએ. એટલે કે સર્વને પોતાના જેવા ગણવા જોઈએ. પ્રારંભિક અવસ્થામાં કોઈ પણ ભક્તે પોતાના મનને સૃષ્ટિના બધા જીવોના મન સાથે ઐક્ય સાધવું જોઈએ. આણું નામ કહેવાય સ્વજનો પ્રત્યેનો પ્રેમભાવ કે કરુણા. પછી તે મનની સીમાઓ ઓળંગીને પોતાના આત્મત્તવમાં ભળી જાય છે. આને સમાધી અવસ્થા કહેવાય છે.

 

શિષ્ય : હવે પેલા શિકારીએ શા માટે બિલ્વપત્ર ચૂંટ્યું અને નીચે નાખ્યું ?

 

શાસ્ત્રી : એનો અર્થ એ થાય છે કે હવે એનામાં પરાયા-પારકાના કે બાહ્ય જગતના વિચારો નથી. તે શું કરે છે એનું પણ એને ભાન નથી. એની બધી પ્રવુત્તિઓ પેલી ત્રણેય નાડીઓના ઇશારે ચાલે છે. મેં પહેલાં તને કહ્યું છે તે પ્રમાણે બિલ્વપત્ર આ ત્રણ નાડીઓનું પ્રતીક છે. વાસ્તવિક રીતે તે યોગના બીજા પગથિયા સુધી પહોંચ્યો છે. આને સ્વપ્ન અવસ્થા કહેવાય છે. તે સમાધીભાવમાં આવે તે પહેલાંની આ અવસ્થા છે.

 

શિષ્ય : વાર્તામાં એમ છે કે તે આખી રાત જાગતો રહ્યો.

 

શાસ્ત્રી : હા. એનો અર્થ એ થયો કે એ સફળતાપૂર્વક આ અવસ્થામાંથી પસાર થયો. સવાર થવુંતુરીય અવસ્થા નામની ચોથી અવસ્થામાં પહોંચવાનું પ્રતીક છે.

 

શિષ્ય : વાર્તામાં એમ આવે છે કે શિકારી નીચે ઊતર્યો અને શિવલિંગ જોયું. એનો અર્થ શું ?

 

શાસ્ત્રી :તુરીય અવસ્થામાં એમણે શિવલિંગનાં દર્શન કર્યા. એટલે કે શિવને ભીતરની જ્યોતિરૂપે નિહાળ્યા. એનો અર્થ એ થયો કે તે પરમ તત્વની અનુભૂતિ કરશે.

 

શિષ્ય : તમારી સમજૂતીથી આટલું તો સમજાય છે કે દિવ્યજ્યોતિનાં દર્શન એ આધ્યાત્મિક જીવનની અંતિમ અવસ્થા નથી.

 

શાસ્ત્રી : ના, એ તો એક પગથીયું છે. અલબત્ત અત્યંત કઠિન પગથીયું. હવે વાર્તામાં આવે છે તેમ તે ઘરે જાય છે. એક અજાણ્યાને ભોજન આપે છે. આ અજાણ્યો એટલે પેલો શિકારી પોતે, પણ હવે એ નવનિર્મિત થયેલો જીવ છે.

 

ભોજન પ્રત્યે એને ગમોઅણગમો હતો. એણે શિકાર કરેલ બધું ખાઈ લીધું ન હતું. થોડુક બાકી રહ્યું હતું. એટલે જ એ ચિત્રભાનુ રાજા રૂપે ફરીથી જન્મ્યો. શિવ લોકમાં જવાથી આ બધું કંઈ અટકી જતું નથી. એ ઉપરાંત પણ બીજાં કેટલાંક પગથિયાં છે. એ છે સામીપ્ય, સારુપ્ય અને અંતે સાયુજ્ય.

 

શિષ્ય : હવે મને બધું સમજાયું.

 

(રા.જ.૩-૧૧/(૧૪-૧૬/૫૪૩-૪૬)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર આપના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે., જે અમોને માર્ગદર્શક તેમજ પ્રેરણાદાયી બની રહે છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • શ્રીમાન. અશોકભાઈ દેસાઈ સાહેબ

  આપનો શિવ મહિમા અનેરો છે, ભક્તિમય વાતાવરણ સર્જી દો છો, સાહેબ

 • Ramesh Patel

  શિવજીના કલ્યાણકારી રૂપનાં સુંદર તાત્વિક દર્શન. ઓમ નમઃ શિવાય.

  રમેશ પટેલ(આકાશદીપ)

 • મહા મહિનાની વદ તેરસ ચૌદસના દિવસે મહાશિવરાત્રીનો તેહવાર આવે છે.
  Ashokbhai,
  A Post on MAHASHIRATRI with lots of the INFO.
  Liked it !
  May Lord Shiva’s Blessings be on YOU & your FAMILY.
  May Lord Shiva’s Blessings be on All !
  Dr. CHandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar.

 • Kanak Patel

  મહાશિવરાત્રી ની ખુબખુબ શુભકામના ……..ॐ नम: शिवाय: હર હર મહાદેવ. હર હર મહાદેવ….!! કનક પટેલ”””