સમાજને સમરસ કરવા …

સમાજને સમરસ કરવા …

–જગદીશ શાહ

 

marraige
બ્લોગ લીંક :  http://layastaro.com/?p=3041

 

 

આજથી ૫૦–૬૦ વરસ અગાઉ અને કદાચ હજીયે ક્યાંક ઉંડાણનાં ગામડાંઓમાં રુઢીચુસ્ત અને પોતાને ધાર્મીક માનનારા લોકો પોતાની જ્ઞાતી સીવાય રોટી–વ્યવહાર રાખતા નથી. પણ તેવી અલ્પ સંખ્યાને બાદ કરીએ તો, આજે ગામડાં અને તેની સાથે જોડાયેલી એવી રુઢીગત માન્યતાઓ તુટી રહી છે. આજે શહેરો ફાલી રહ્યાં છે. શહેરોમાં મીશ્ર વસતી હોય છે. અમુક જ્ઞાતીની જ પોળો, શેરીઓ અને સોસાયટીઓ હવે ઘટતી જાય છે. એક જ વીસ્તારમાં વીવીધ જ્ઞાતીઓના લોકો હળી–મળીને રહે છે. બ્રાહ્મણ–રજપુત–વાણીયા–પટેલ–દલીત વર્ગ બધા સાથે મળીને રહે છે. જમવામાં હૉટેલો–લારીઓ–ખુમચાવાળાઓ ને મોટી રેસ્ટોરાંમાં કોણે રાંધ્યું તેવી જાતની પુછપરછ હવે કોઈ કરતું નથી. આડોશ–પાડોશમાંયે વાટકી–વ્યવહાર ચાલે છે. તેમાંયે નાતજાતનો છોછ નીકળી ગયો છે.

 

જેમ રોટી–વ્યવહારમાં લોકો ઉદાર થયા છે તેમ બેટી–વ્યવહારમાં ઉદારતા અપનાવવાની જરુર છે. હજી લગ્ન માટે લોકો પોતાની જ્ઞાતી શોધે છે. એક જમાનામાં વ્યવસાયોની એકતાથી જ્ઞાતીઓ બંધાઈ હતી. જ્ઞાતીના લોકોની આવક, રહેણીકરણીની બાબતમાં સરખાપણું હોય તો લગ્નજીવન સુચારુ ચાલે. પણ હવે બ્રાહ્મણ જ ભણે–ભણાવે, તેવું રહ્યું નથી આજે તો બધી જ્ઞાતીના લોકો શીક્ષક તરીકે બ્રાહ્મણકાર્ય કરે છે. પોલીસ અને સેનામાં માત્ર ક્ષત્રીયો જ હોય તેવું બનતું નથી. વેપાર પણ વાણીયા જ કરે તેવું હોતું નથી અને નોકરી (શુદ્રકાર્ય !) અમુક જ જ્ઞાતી કરે તેવું નથી રહ્યું. તમામ જ્ઞાતીના લોકો તમામ નોકરીઓમાં જોવા મળે છે.

 

આ પરીસ્થીતીમાં નોકરી પ્રમાણે આવક અને રહેણીકરણીની સમાનતા દેખાય છે. આ સંજોગોમાં વર–વધુની પસંદગી માટે જુની જ્ઞાતીપ્રથાને વળગી રહેવામાં ડહાપણ નથી. બે–ત્રણ પેઢીથી શીક્ષણકાર્ય કરનાર બ્રાહ્મણ હોય કે દલીત, તેમની વચ્ચે લગ્નવ્યવહારનો બાધ ન હોવો જોઈએ. લુહાર (પંચાલ–મીસ્ત્રી), સુથાર વગેરે વ્યવસાયી ગણાતી જાતીઓના લોકો આજે શીક્ષણમાં, વ્યાપારમાં, નોકરીઓમાં રોકાયેલા હોય છે. આવે વખતે અટક–જાતી ન જોતાં વ્યવસાય, આવક અને રહેણીકરણીની સમાનતા જોઈને લગ્નસમ્બન્ધો થવા જોઈએ. આજે વાણીયા–બ્રાહ્મણની પેટા જ્ઞાતીઓનાં બંધનો તુટી ગયાં છે. સમસ્ત બ્રાહ્મણ સમાજ કે સમસ્ત વણીક સમાજ (જૈન સુધ્ધાં) વચ્ચે લગ્નમેળાઓ યોજાય છે. સમાજ થોડો આગળ વધ્યો છે; પણ હજી વધારે આગળ વધવાની જરુર છે. સમસ્ત હીન્દુ જાતીના લગ્ન–મેળાવડા થવા જોઈએ.

 

અત્યારે એક જ જ્ઞાતીમાં લગ્ન કર્યા પછી પતી–પત્ની વચ્ચે વીચાર અને સમજનો ફેર હોય તો કુંડળી જોયા પછી, ચોઘડીયાં અને મુહુર્તો જોઈને જન્માક્ષર મેળવ્યા પછીયે કાયમ એકમેક માટે અસંતોષ, ખટરાગ જણાય છે. તેમાંથી એકની વીચારસરણી પ્રગતીશીલ હોય. આદર્શવાદી હોય અને બીજા પાત્રને પદ–પૈસામાં જ રસ હોય, સંસાર–વ્યવહારમાં જ રસ હોય તો જીન્દગી ઝેર જેવી બની જતી જણાય છે. વીચારમાં ભેદ તો હોય; પણ સાથે સામાના વીચારને સાંભળવા–સમજવાની તૈયારી હોય તોયે ગનીમત છે. પણ (કોઈ એક પાત્ર)વગર સમજ્યે વીરોધ જ કર્યા કરતું હોય તો પસ્તાવાનો પાર રહેતો નથી. સામાજીક દબાણને કારણે છુટાછેડા લેતાં ડરે છે; પણ જીવતાં દોઝખમાં સબડે છે. તેના કરતાં છુટાં થઈ જતાં હોય તો સુખી થાય. પણ બે–ચાર બાળકો થઈ ગયાં હોય તો પછી જીન્દગી વેંઢાર્યે જ છુટકો થાય છે ને જન્મારો એળે જાય છે.

 

વીવીધ ધર્મો વચ્ચેય આજે લગ્નસમ્બન્ધો વધી રહ્યા છે. હીંદુ અને જૈન વચ્ચે તો કોઈ ભેદ નથી રહ્યો. દલીતોમાં હીંદુ–બૌદ્ધ–ખ્રીસ્તીના ભેદો ભુંસાતા જાય છે. તેમની વચ્ચે લગ્નસંબંધો થઈ રહ્યા છે. આ આવકારદાયક પરીવર્તન છે.

 

આગળ જતાં હીંદુ, મુસ્લીમ, યહુદી વચ્ચેય સંબંધો વધશે એવી અપેક્ષા રાખી ચીત્તને વીશાળ કરવું જોઈએ. એક વ્યવસાયમાં હોય તેવાં કુટુમ્બો નાત–જાત–ધર્મને કોરાણે મુકી સમાન સંસ્કાર, સમાન રહેણીકરણી, સમાન ખાણી–પીણી જોઈને લગ્નસંબંધોથી જોડાય તેમાં દેશની અને માનવજાતીની એકતાનું દર્શન કરવા જેટલા ઉદાર રહેવું જોઈએ.

 

આ પરીવર્તનમાં પહેલ કરનારને પ્રારંભમાં થોડો સામાજીક વીરોધ સહન કરવો પડે તેમ બને; પણ જે ગતીથી સમાજ વીકાસ કરી રહ્યો છે તે જોતાં આ ફેરફાર થઈને જ રહેવાનો છે. આજે અપવાદ સ્વરુપ થોડાક કીસ્સા બને છે; તેથી રુઢીચુસ્ત સમાજમાં ખળભળાટ થાય છે. પણ આગળ જતાં આ ફેરફાર સર્વમાન્ય થઈને જ રહેશે.

 

●♦●

 

જન્મ અને મૃત્યુનું સ્થાન અને સમયપત્રક માણસના હાથમાં નથી. માણસના હાથમાં સોળ સંસ્કારો છે, તે પૈકી યજ્ઞોપવીત–વીવાહ–લગ્ન–વાસ્તુ વગેરેમાં લોકો મુહુર્ત અને ચોઘડીયાં જુએ છે. જન્મ કાળી ચૌદસે અને અમાસે તથા મરણ તહેવારને દીવસે લાભ–શુભ–અમૃત ચોઘડીયામાં પણ થાય છે ! આ અંગે ઉંડો વીચાર કરતા લાગે છે કે, આ મુહુર્ત, ચોઘડીયાં, વ્યતીપાત, કુંડળી વગેરે જોવા–મેળવવાની પ્રથા તજવા જેવી છે. લગ્ન અને બેસણાં જેવા પ્રસંગોમાં આવનારાની અનુકુળતા જોઈ સ્થળ, દીવસ, સમય નક્કી કરવાં જોઈએ. અલબત્ત, બેસણાની ચીલાચાલુ રીત પણ વીચારણા માગી લે છે. ખરખરો કરનારે સફેદ કપડામાં આવીને, મળીને, થોડી વાર બેસીને જવાનો રીવાજ બદલવા જેવો છે. સૌ મૃત વ્યક્તી વીશે પોતાની ભાવના પ્રગટ કરી શકે તે માટે શ્રદ્ધાંજલીસભામાં પ્રવચનો તેમ જ લેખન દ્વારા પોતાની ભાવના વ્યક્ત કરવાનો ફેરફાર કરવા જેવો છે. વળી મરનારના શોખ મુજબ પહોંચતા લોકો, ખાણી–પીણી, સંગીત વગેરેનું પણ આયોજન કરે તો પ્રસંગને અને મૃત વ્યક્તીને અનુરુપ સાચી શ્રદ્ધાંજલી બને.

 

(લેખકે એ‘નમુનેદાર બેસણા’નો અદ્ભુત પ્રસંગ આલેખ્યો છે. તે વાંચી એમ થાય કે બેસણાં આવાં થતાં હોય તો કેવું સારું ! તે વાંચવા નીચેની લીંક પર ક્લીક કરી ૯૪મી ‘સ.મ.’ની પીડીએફ ડાઉનલોડ કરવા વીનંતી..ઉ.મ..)

 

http://gujaratilexicon.com/magazine/sundayemahefil/

94 Namunedar Besnu Jagdish Shah 25-03-2007

 

લગ્નોમાં ફટાકડા, બેંડ–વાજાં, લાઉડસ્પીકર, ડી.જે. વગેરેને કારણે અન્ય લોકોને ખલેલ પડે, પર્યાવરણ દુષીત થાય તેવી પ્રવૃત્તીઓ ટાળે તે જ સુધારક અને સમાજ–હીતેચ્છુ છે તેવું ગણાવું જોઈએ. લેવડ–દેવડ, પૈઠણ, દહેજ વગેરે રીવાજો પછાતપણામાં ગણાવા જોઈએ.

–જગદીશ શાહ

 

 

બ્લોગ લીંક : http://das.desais.net

email : [email protected]

 

(તાજેતરમાં પ્રગટ થયેલી લેખકની આત્મકથા ‘શ્રેયાર્થીની સંઘર્ષકથા’ (પ્રકાશક : વડોદરા જીલ્લા સર્વોદય મંડળ, વીનોબા આશ્રમ, ગોત્રી, વડોદરા–390 021 : પ્રથમ આવૃત્તી : જુન 2012, મુલ્ય : 50 રુપીયા, પાન સંખ્યા : 152, આર્ટ પેપર સંખ્યા : 16)માંથી લેખકના સૌજન્યથી સાભાર..ઉત્તમ ગજ્જર..)

 

બ્લોગ પોસ્ટ પરના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

 

લેખકસમ્પર્ક:

જગદીશ શાહ, વીનોબા આશ્રમ, ગોત્રી, વડોદરા–390 021 ફોન : 0265-237 0489 મોબાઈલ : 98243 26037 ઈ–¬મેઈલ : [email protected]

 

પોતાના જીવનભરનાં સમ્પર્કો, સંઘર્ષો, અનુભવ, સમાજચીંતનના અર્ક રુપે લખાયેલાં અને પુસ્તકને અંતે આપેલાં આ બે પાનાં એમનાં જીવનચીંતનનો પરીચય કરાવે છે.. આખા પુસ્તકની પીડીએફ મારી પાસે છે. મંગાવશો તો અચુક મોકલીશ..ઉ.મ..

 

●♦●

 

‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ આઠમું – અંકઃ 257 – November 18, 2012

‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – [email protected]

 

@@@@@@@@@

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....