અટૅક

અટૅક …
– દીનેશ પાંચાલ

 

ગુણવંતભાઈએ સતત ત્રીસ વરસ સુધી સરકારી નોકરી કરેલી. નોકરીમાંથી એ બે વાર સસ્પેન્ડ પણ થયેલા. દીકરો એમને કહેતો, ‘પીતાજી, તમે છાસવારે અનીતી સામે યુદ્ધે ચઢો છો. પણ કેટલીક વાતો ચલાવી લેવી પડે. તમે કળીયુગમાં હરીશ્ચન્દ્ર બનવાની કોશીશ કરો છો તેથી અમે મુશ્કેલીમાં મુકાઈએ છીએ !’ ગુણવંતભાઈને ગુસ્સો આવ્યો, ‘મારે કારણે તમારે માથે શી મુશ્કેલી આવી ?’ દીકરો જવાબ આપવા જતો હતો ત્યાં ગંગાબાઈએ ઉંચા સાદે કહ્યું, ‘તું તારી રુમમાં જા. આપણે કોઈ ચર્ચા નથી કરવી !’ પણ દીકરો જતાં જતાં સંભળાવતો ગયો – ‘પીતાજી, ઘણી વાર તમે નાના છોકરા જેવો બફાટ કરી બેસો છો. કોઈ મોં પર કહેતું નથી; પણ મહોલ્લામાં બધા તમને ‘ગુણવંત ગાંડો’ કહે છે. સાંભળીએ ત્યારે દુ:ખ થાય છે. ગુણવંતભાઈએ કહ્યું, ‘દુ:ખ લગાડવાની શી જરુર છે, હું છું જ ગાંડો!’
●♦●

 

ગુણવંતભાઈ ગંગાબાને ઘણી વાર કહેતાં – ‘ગંગા, બહુ જીવાઈ ગયું. મને નેવ્યાંશી થયાં. તું પંચ્યાશીની થઈ. હવે તેડું આવે તો સંસાર સમેટી લઈએ. હવે જેટલું વધારે જીવીશું તેટલાં દુ:ખી થઈશું ! મારો સ્વભાવ હું બદલી શકતો નથી. મારાથી ખોટું સહન થતું નથી અને સત્ય છુપાવાતું નથી !’

 

‘પણ ચુપ તો રહી શકાયને ?’ ગંગાબા વચ્ચે જ ઉકળી ઉઠતાં. વર્ષોથી ભેગો થયેલો રોષ એમના અવાજમાં ધસી આવતો. જો કે મોટા ઝઘડા ખાસ થતા નહીં. ગંગાબાએ ગુણંવતભાઈને તેમની તમામ કમજોરીઓ સહીત સ્વીકારી લીધા હતા. ગરીબ ગુણવંતનું ઘર માંડવામાં ગંગાબાને બહુ તકલીફ પડી હતી. ગુણંવતભાઈમાં વ્યવહારુતા, સમજદારી, દુનીયાદારી – જે કહો તે, પહેલેથી જ ઓછાં. દીલમાં જે ઉગે તે મોઢામોઢ કહી દે. એક ઘા ને બે કટકા કરી નાખે. જીવનની મુળ ગરીબીમાં એ બધાંનો ઉમેરો થતો એટલે સરવાળો મોટો થતો. એક દીવસ ગુવતંભાઈનો કોઈ જુનો મીત્ર ઘર પુછતો આવી ચઢ્યો. આવતાં જ એણે કહ્યું, ‘અલ્યા, તું આટલા વર્ષથી ગામમાં રહે છે. તને કોઈ ઓળખતું નથી ? મેં કેટલાય જણને પુછ્યું – ‘ગુણવંતલાલનું ઘર કયું ? પણ કોઈને ઝટ ખ્યાલ ન આવ્યો !’

 

‘તેં ખોટું પુછ્યું. ‘ગુણવંત ગાંડાનું ઘર કયું’ એમ પુછ્યું હોત તો તરત બતાવી દીધું હોત. અહીં બધા મને ગુણવંત ગાંડાના નામથી ઓળખે છે !’ શબ્દો સાંભળી એ માણસ ચમકીને જોઈ રહ્યો. એને સમજાયું નહી કે ગુણવંતભાઈ ગંભીરપણે કહે છે કે મજાક કરે છે ? દીકરો એ સંવાદ સાંભળી ગયો. પેલા મીત્રના ગયા પછી ગુણવંતભાઈને તેણે ઝાટક્યા – ‘પીતાજી, એવું બોલાય ? તમારી નહીં તો અમારી ઈજ્જતનો તો ખ્યાલ કરો !’

 

એક દીવસ દીકરાનો કૉલેજકાળનો જુનો મીત્ર પધાર્યો. રાત્રે એ બન્ને ઉપલી અગાસીના હીંચકે બેસીને વાતો કરતા હતા. દીકરાએ મીત્ર આગળ હૈયાવરાળ ઠાલવી – ‘યાર, બધું સુખ છે, પણ પીતાજી બહુ પ્રોબ્લેમ ઉભા કરે છે !’ મીત્રે કહ્યું – ‘નહીં યાર, તારા ફાધર ખરેખર ઈમાનદાર માણસ છે. આજે સમાજમાં હળહળતાં જુઠાણાં અને તરેહ તરેહની બેઈમાની ચાલે છે ત્યારે આવા પ્રામાણીક માણસોને તો સમાજે એવૉર્ડ આપવો જોઈએ!’

 

‘તું શો બકવાસ કરે છે યાર ? બેવકુફીઓ માટે તો વળી ઍવૉડૅ અપાતો હશે ? તને એક તાજો કીસ્સો કહું. સાંભળ. બે દીવસની વાત છે. એ બજારમાં જવા નીકળ્યા. બસ ચુકી ગયા એટલે કોક છોકરાના સ્કુટર પર બેસીને બજારમાં આવ્યા. સ્કુટર પરથી ઉતરીને એમણે છોકરાને પુછ્યું – ‘તારી ઉંમર બહુ નાની લાગે છે. તારું લાઈસન્સ ખરું કે ?’ પેલાએ ભોળાભાવે કહ્યું – ‘ઉંમર ઓછી છે એથી હજી લાઈસન્સ કઢાવ્યું નથી.’ બસ થઈ રહ્યું ! પીતાજીએ તેને પંદર મીનીટ ભાષણ આપ્યું. પછી ઘસડીને નજીક ઉભેલા ટ્રાફીક પોલીસ પાસે લઈ ગયા અને છોકરા વતી પોતે દંડની રકમ પોલીસને આપતાં કહ્યું – ‘આ છોકરા પાસે લાઈસન્સ નથી. એનો કાયદેસર જે દંડ થતો હોત તે લઈ લો !’ આવતાં આવતાં ટ્રાફીક પોલીસને પણ કહેતા આવ્યા – ‘તમે ડ્યુટી પર છો; છતાં બેલ્ટ, યુનીફોર્મ, બીલ્લો વગેરે કંઈ જ પહેર્યું નથી એ ખોટું કહેવાય!’ ટ્રાફીક પોલીસ મને ઓળખતો હતો એથી પપ્પાને જવા દીધા. નહીંતર ચોકીમાં બેસાડી દીધા હોત !

 

‘હજી આગળ સાંભળ. એક દીવસ રેશનકાર્ડ માટે સરકારી ઑફીસમાં ગયા. ત્યાં બધાં જોડે લડી આવ્યા, ‘તમે રીસેસમાં જાઓ છો ત્યારે બધી લાઈટો ચાલુ રાખીને જાઓ છો. તમારા ઘરની લાઈટ આમ ચાલુ રાખો છો ? તમારી નીષ્કાળજીને કારણે સરકારે લાઈટનો ખોટો ખર્ચ વેઠવો પડે છે !’ એ ઑફીસમાં મહોલ્લાનો એક માણસ સર્વીસ કરે છે. તેણે બાજી સંભાળી લીધી. આવું સતત થયા કરે છે. પીતાજી બહાર નીકળે અને ઘરમાં સૌના જીવ ઉંચા થઈ જાય છે. ગઈકાલે નગરપાલીકાના પ્રમુખને રુબરુ મળીને ખખડાવી આવ્યા. કહે – ‘ઘણી વાર તમારા માણસો સ્ટ્રીટલાઈટ બંધ કરવાનું ભુલી જાય છે. દસ–અગીયાર વાગ્યા સુધી લાઈટો બળતી રહે છે. તમારી લાપરવાહીને કારણે શહેરના લોકેને માથે ખોટો ખર્ચ ચઢે છે.’

 

‘અરે ! એક વાર તો પોલીસચોકીમાં જઈને ઈન્સ્પેક્ટરને મોઢામોઢ કહી આવેલા – ‘ફલાણા પીઠામાં જઈને તમારા પોલીસો દારુ પીએ છે અને હપતા પણ ઉઘરાવે છે. તેની સામે તમે કેમ કોઈ પગલાં ભરતાં નથી ?’ લે સાંભળ, હવે કંઈ કહેવું છે તારે ? તું ઍવૉડૅ આપવાની વાત કરે છે; પણ ઍવૉડૅ તો અમને આપવો જોઈએ – સહનશક્તીનો ઍવૉડૅ ! દર ત્રીજે દીવસે એ કોઈ તોફાન ઉભું કરે છે. એમની ઈમાનદારીનો દંડ અમારે ભોગવવો પડે છે !’
મીત્ર શું બોલે…? એ પણ સાંભળીને ચુપ થઈ ગયો.
●♦●

 

મૈયતમાં જે કોઈ આવતું તેના મુખેથી એક જ પ્રશ્ન નીકળતો હતો – ‘ગુણવતંભાઈને શું થયું હતું? બીલકુલ સાજાનરવા હતા. ગઈકાલે તો એમની જોડે કલાક વાત કરી. એકાએક શું થઈ ગયું…?’ દીકરો કહેતો હતો – ‘પીતાજીને રોગ તો કોઈ જ ન હતો, પણ ઉંમરને કારણે થોડા ઢીલા થઈ ગયા હતા. બે દીવસ પર અમે નવા બંગલામાં જવાની તૈયારી કરતા હતા ત્યારે એમણે કહેલું – ‘અમને તમે અહીં જ રહેવા દો…’ પણ મેં એમની ૯૦મી વર્ષગાંઠ નીમીત્તે એ ચાળીસ લાખનો બંગલો એમને ભેટ આપ્યો હતો. પીતાજીએ બહુ ગરીબી વેઠી હતી. અમે ગામડાના ઘરમાં મોટા થયા હતા. પીતાજી આ સુખનો અટૅક ન જીરવી શક્યા !’ ગંગાબા સ્ત્રીઓના ટોળા વચ્ચે કહેતાં હતાં – ‘બહેન, કોણ અમરપટો લખાવીને આવ્યું છે? તબીયત તો છેલ્લે સુધી સારી હતી, પણ વર્ષો પહેલાં એક જ્યોતીષીએ કહેલું તે સાચું પડ્યું. નેવું પુરાં થઈને એકાણુમું બેસશે એટલે તમે…’ ગંગાબાની આંખમાંથી આંસુઓ ટપકતાં હતાં, પણ કોણ જાણે કેમ, એમનાં શબ્દોનો આંસુ સાથે મેળ ખાતો નહોતો. એ બોલતાં કંઈક જુદું હતાં અને રડતાં કંઈક જુદું હતાં.

 

એકાદ મહીનાથી ઘરમાં ઝઘડો ચાલતો હતો. દીકરાએ કડકાઈપુર્વક કહી દીધું હતું – ‘આખી જીંદગી તમારી બેવકુફી સહન કરીને દુ:ખી થતા રહ્યા. હવે આ મામલામાં હું તમારી કોઈ વાત સાંભળવાનો નથી. બા, તું સમજાવ બાપુજીને.’

 

થયેલું એવું કે જગમોહન અમેરીકા ગયો અને બીજા અઠવાડીયે જ ત્યાં એક એક્સીડન્ટમાં માર્યો ગયો. ગુણંવતભાઈ ભાંગી પડ્યા, પણ ખરી મુશ્કેલી તો જગમોહનના મર્યા પછી ઉભી થઈ. એ અમેરીકા ગયો તેન થોડાક દીવસો પહેલાં ગુણવંતભાઈ અને જગમોહન બન્ને મીત્રો ખરીદી કરવા નીકળ્યા હતા. જગમોહનની નજર લોટરીના સ્ટોલ પર પડી. એણે એક ટીકીટ ખરીદીને ગુણવંતને આપતાં કહ્યું, ‘ગુણવંત, મારી આ ટીકીટ તું સાચવજે અને ઈનામ લાગે તો મને જાણ કરજે. હું લેવા આવીશ. એ બહાને આપણે મળીશું. તું પણ એકાદ ટીકીટ લઈ લે… મને તો આમેય અમેરીકાની લોટરી લાગી છે. કદાચ તારું પણ કીસ્મત ચમકી જાય…!’

 

ગુણવંતભાઈએ પણ એક ટીકીટ ખરીદી. ગુણવંતભાઈના સ્વભાવમાં પહેલેથી જ ચીવટાઈ હતી. એમણે ટીકીટને તીજોરીમાં મુકતાં પહેલાં જગમોહનની ટીકીટ પર તેનું નામ લખી દીધું હતું, જેથી ઈનામ લાગે તો કોને ઈનામ મળ્યું છે તેનો ખ્યાલ આવી શકે. લોટરીનો ડ્રો થયો. જગમોહનની ટીકીટ પર ૫૦ લાખનું ઈનામ લાગ્યું. ગુણવંતભાઈનું કહેવું હતું કે કાયદેસર એ પૈસા જગમોહનના જ કહેવાય. આપણો એના પર કોઈ હક નથી…!’ દીકરો કહેતો હતો – ‘જગમોહનકાકાને ભગવાને બેસુમાર દોલત આપી છે. આ પચાસ લાખ ભગવાને આપણને આપ્યા છે. વળી હવે તો જગમોજનકાકા હયાત પણ નથી. તેમના દીકરાઓ અમેરીકામાં અબજોપતી બનીને બેઠા છે. પીતાજી, લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે ત્યારે તમે ઈમાનદારીની આડમાં કોઈ મુર્ખામી ના કરશો…!’

 

દીકરા આગળ ગુણવંતભાઈનું ન ચાલ્યું. ગંગાબા પણ દીકરાની તરફેણમાં રહ્યાં. ગુણવંતભાઈએ દીકરા જોડે બોલવાનું છોડી દીધું હતું, પણ એમનો આત્મા કકળતો હતો. જાણે એ દીકરાને કરગરીને કહેતા હતાં – ‘મરેલા બાપનું દેવુ દીકરાએ ચુકવવું પડે એવી કાયદામાં જોગવાઈ છે. એ ન્યાયે મરેલા બાપને ઈનામ મળ્યું હોત તેનો હક પણ દીકરાનો જ ગણાય. એ પચાસ લાખની એકેએક પાઈ જગમોહનના દીકરાની જ ગણાય… આપણી નહીં…!’

 

દીકરાએ નવા બંગલામાં પુજા કરાવી ત્યારે ગુણવંતભાઈ માંદા પડી ગયા હતા એથી જઈ ના શક્યા, પણ છેલ્લે-છેલ્લે એમણે ગંગાબાને ભીની આંખે વીનંતી કરી હતી – ‘ગંગા, આપણે એ બંગલામાં નથી જવું. આપણે આ ઘરમાં જીંદગી વીતાવી છે. અહીં જ મારી આંખ મીંચાય એમ હું ઈચ્છું છું!’ ગંગાબાએ એમને સમજાવ્યું – ‘તમે જીંદગીભર તમારા મનનું કરતાં રહ્યાં. દીકરાએ સુંદર બંગલો બનાવ્યો છે તો એનું મન રાખવા થોડા દીવસ ત્યાં રહીએ. પછી પાછાં આવતાં રહીશું. હું દીકરાને સમજાવીશ…!’

 

દીકરાએ ગુણવંતભાઈ માટે મોંઘી કફની ખરીદી હતી. દીકરાવહુએ સ્વહસ્તે એ કફની તેમણે પહેરાવી. વહુએ મજાક કરી – ‘બાપુજી તમે આ કફનીમાં વરરાજા જેવા લાગો છો…!’ દીકરો હરખથી બોલ્યો – ‘પીતાજી મારા તરફથી આ બંગલો તમને ભેટમાં આપું છું…!’
ગુણવંતભાઈ કારમાંથી ઉતર્યા અને બંગલામાં પહેલે પગથીયે પગ મુક્યો ન મુક્યો ને ઢળી પડ્યા.
●♦●

 

સ્મશાને એક જ વાત ચર્ચાતી હતી. ગુણવંતભાઈ ભગવાનના માણસ હતા. એમની જીવનભરની પ્રામાણીકતા રંગ લાવી. દીકરાને ભગવાને એવી બરકત આપી કે તેણે બાપને ચાળીસ લાખનો બંગલો ભેટમાં આપ્યો. જો કે સૌને એક વાતનું આશ્ચર્ય થયું હતું. એમને નખમાંય રોગ નહોતો. અચાનક આ અટૅક કેમ આવ્યો ? ગંગાબાના દીલમાં જ્યોતીષીના શબ્દો ઘુમરાઈ રહ્યા હતા : ‘અંતે તમે કોઈ અસાધ્ય રોગમાં અટૅકથી મરશો !’ ઈમાનદારી ગુણવંતભાઈનો અસાધ્ય રોગ હતો. ગંગાબા સીવાય મહોલ્લાના કોઈ માણસને જાણ થઈ ન શકી કે ગુણવંતભાઈને ‘હૃદયરોગ’નો નહીં; ‘ઈમાનદારીનો અટૅક’ આવ્યો હતો…!

 

 

–દીનેશ પાંચાલ

 

બ્લોગ લીંક : http://das.desias.net
email : [email protected]

 

 

”દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ નો લેખ પ્રસિદ્ધ કરવા મોકલવા બદલ અમો શ્રી ઉત્તમભાઈ ગજ્જર નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

આપના બ્લોગ પોસ્ટ પરના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

 

(કેવળ વાર્તાઓ(લેખો, કવીતા, ગઝલો કશું નહીં)ને જ સ્થાન આપનારા, ગયે વરસે જ શરુ થયેલા, ‘આવતીકાલના વાર્તાકારનું આજનું માસીક’, ‘મમતા’(સમ્પાદક : મધુ રાય(અમેરીકા)[email protected] , તંત્રી, મુદ્રક, પ્રકાશક : એ.વી. ઠાકરભારતમાં વાર્ષીક લવાજમ : રુપીયા–200, અમેરીકામાં વાર્ષીક લવાજમ : $ –30, સરનામું: ‘મમતા’ કાર્યાલય, 977/2 –સેક્ટર 7–સી, ગાંધીનગર–382 007, ફોન – 079-2323 3601 મોબાઈલ– 97127 50565 ઈ–મેલ : [email protected] )ના એપ્રીલ 2012ના છઠ્ઠા અંકમાંથી લેખકશ્રીની અને સમ્પાદકશ્રીની પરવાનગીથી સાભાર…)

લેખક–સમ્પર્ક :
શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396 445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508

@@@

સન્ડે ઈ–મહેફીલ’વર્ષઃ આઠમુંઅંકઃ 254October 07, 2012
‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર [email protected]

 

@@@

તમે શીખ્યા કે ?

બ્લોગમાં, ફેસબુકમાં, સ્કાઈપમાં, ચેટીંગમાં, મેઈલમાં કે વર્ડમાં આમ જ, કર્સર અહીં જ મુકી, ફટાફટ ગુજરાતીમાં લખતાં તમને ફાવ્યું કે ? જો હજી ક્યાંક બીજે લખી, તેની કૉપી કરી, અહીં પેસ્ટ કરવાની ઝંઝટથી થાક્યા હો તો http://lakhe-gujarat.weebly.com/ ની મુલાકાત લો.
તે માટેની સઘળી સામગ્રી ત્યાં મુકેલી જ છે. સુચવ્યા મુજબ કરો ને સ્ક્રીન પર ગુજરાતીમાં લખવા સક્ષમ બનો.. કશી પણ ગુંચ આવે તો અમને મેઈલ લખો.. તમે લખતા ન શીખી જાઓ ત્યાં સુધી અમે તમારી સાથે રહીશું.. [email protected] ..Surat..

 

@@@

More than 1,64,50,000 Gujarati Language lovers have visited
http://www.gujaratilexicon.com/
More than 14,61,000 have visited Digital Bhagwadgomandal
http://www.bhagwadgomandal.com/
More than 3,45,000 have visited Lokkosh
http://lokkosh.gujaratilexicon.com/

 

@@@@@@@@@

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • ખૂબ જ સુંદર વાર્તા લેખન. પ્રેરક અને સત્યની છાંય.

    શ્રી અશોકકુમારજી..ઉત્તમ પસંદગી એ આપની દેન..અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)