‘હસરત તો યહ હૈ કિ…’

‘હસરત તો યહ હૈ કિ…’

– ભગવતીકુમાર શર્મા …

 

 

 

મને હાલ ઓગણસિત્તેરમું વર્ષ ચાલે છે. એની વય મારા કરતાં ઓછામાં ઓછાં ત્રીસેક વર્ષ વધારે તો ખરી જ, અર્થાત્ તેની શતાબ્દી ઊજવી શકાય. છેલ્લાં બાસઠ વર્ષથી તો હું તેના પ્રત્યક્ષ, અવિચ્છિન્ન સંબંધમાં છું. તે પહેલાયે તેને વિશેના ગૌરવભર્યા ઉલ્લેખો હું સાંભળતો હતો. જ્યારે હું તેના અડોઅડ સાન્નિધ્યમાં નહોતો ત્યારેય કાંઈ તેનાથી ઝાઝો દૂર નહોતો. તેની ઝલક મને અવારનવાર મળતી. હું સાત વર્ષની વયે પહોંચ્યો તે સાથે તો તેની વિશાળ ગોદમાં એવો સમાયો કે આજનો દિવસ અને કાલની ઘડી! ‘અઠે દ્વારકા’ થયું તે થયું! ન હું તેને, ન તે મને છોડવા માંગે છે.

વર્ષો પહેલાં એક હિન્દી ફિલ્મ જોઈ હતી., ‘શીશમહલ.’ સોહરાબ મોદી તેના દિગ્દર્શક અને મુખ્ય અભિનેતા હતા. તેમની ભૂમિકા તેમાં ગઈ પેણીના ઠાકુરસાહેબની હતી. જે પોતાની ઓસરતી જતી જાહોજલાલીના વિવાદગ્રસ્ત સાક્ષી છે. તેઓ જે વિશાળ હવેલીના મકાનમાં મોટા કુટુંબ સાથે રહે છે તે ‘શીશમહલ’ને નામે ઓળખાય છે. ઠાકુરને એ મકાન પ્રત્યે બેહદ પ્યાર અને લગાવ છે. તેઓ કદી ન છોડવાનો નિર્ધાર કરી બેઠા છે, પણ સંજોગો પ્રતિકૂળ બનતા જાય છે. ‘શીશમહલ’ની હરાજી થાય છે. ભગ્નહ્રદયી ઠાકુરને ‘શીશમહલ’ છોડવાનો વારો આવે છે. સોહરાબ મોદી એક હ્રદયવેધક સંવાદ બોલે છે, જે મને હજી યાદ છે : ‘હસરત તો બહુત થી કિ ઈસ શીશમહલ’ સે મેરી અર્થી યહાં સે નિકલે, લેકિન મજબૂરી આજ મુઝે યહાં સે ઝિન્દા નિકાલ રહી હૈ.’ ‘શીશમહલ’ છોડ્યા પછી ઠાકુર ઝાઝું જીવતા નથી.

હું વીતેલા જમાનાનો ઠાકુર નથી; ઓસરી જાય એવી અને એટલી જાહોજલાલીનો હું માલિક નથી; મારું ઘર ‘શીશમહલ’ નથી, છતાં…ફિલ્મમાંના ઠાકુરને તેના ‘શીશમહલ’ પ્રત્યે જે પ્રેમ અને લગાવ હતા તેના કરતાં મને મારા સદી વટાવી ચૂકેલા ઘર માટે જરાય ઓછા પ્રેમ કે લગાવ નથી. મારા સમગ્ર જીવનમાં સંબંધોના અતૂટ સાતત્યનું સર્વોપરી સ્થાન છે. પત્ની જ્યોતિ સાથેના મારા લગ્ન–સંબંધને હાલ પચાસમું, ‘ગુજરાતમિત્ર’ દૈનિકના તંત્રીવિભાગ સાથેની સંલગ્નતાને ઓગણપચાસમું, કવિ મનહરલાલ ચોકસી સાથેના મૈત્રીસંબંધને પચાસમું અને સાહિત્ય પદાર્થ સાથેના પ્રેમસંબંધને ચોપનમું વર્ષ ચાલે છે ! સંબંધો પરત્વે હું વર્ષો તો નહીં, દાયકાઓનો માણસ છું! મારી જન્મભૂમિ સુરત સાથેનો મારો આશુક–માશુકનો સંબંધ તો સાત દાયકાનો થવા આવ્યો છે! આ જ સ્થિતિ મારા ઘર પ્રત્યેના ભાવસંબંધની છે. લગભગ સીત્તેર વર્ષમાં મેં એક જ ઘરબદલો કર્યો છે. તેનેય હવે તો બાસઠ વર્ષ વીત્યાં છે. ઘર વિશેનું મારું આ સુદીર્ધ સંબંધ–સાતત્ય સઘન ભાવ–સાતત્યમાં પરિણમ્યું છે. તે અનન્ય ઉત્તરોત્તર ઘૂંટાય છે. મારા જન્મ પહેલાં પિતાજીએ આ વિશાળ, ખખડધજ, કોક વટવૃક્ષ જેવું આ મકાન મામૂલી કિંમત છતાં ઉછી–ઉધાર કરીને ખરીદેલું. આજે એની કિંમત લાખોમાં અંકાય છે. એની જર્જરતા અને અગવડોથી કંટાળી એને વેચી નાખવા હું કદીક તૈયાર થઈ જાઉં છું, પણ સોદો પતતો નથી એટલે વધારેમાં વધારે રાહત હું જ અનુભવું છું! પિતાએ તે ખરીદ્યું તે પછી ખાસા સમય સુધી આ ઘર ‘બંગલા’ તરીકે ઓળખાતું જે તેમને માટે ગર્વનો વિષય હતો. આજે એ જ ઘરના પાછલા હિસ્સાને કેટલાક લોકો ‘સુદામાની ઝુંપડી’ કહે છે! ‘બંગલા’ અને ‘ઝુંપડી’ની ઓળખ પરત્વે હું તટસ્થ છું! આ જ ઘરમાં મેં પિતાજીના સામવેદના મંત્રોના ઘોષ વર્ષો સુધી સાંભળ્યા અને પછી એક શિયાળુ બપોરે તેઓ એ જ મંત્રનું રટણ કરતા આ જ ઘરમાંથી અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા. આ જ ઘરમાં બાનો ઝીણો, મીઠો કંઠ દીર્ધકાળપર્યન્ત ‘ગઝલમાં ગીતા’ગુંજન કરતો રહ્યો અને પછી એક દિવસ મેં તેની મૃત્યુશૈયા પાસે બેસીને ગીતાપાઠ કર્યો. આ જ ઘરમાંથી મેં મારું ખરું શાળાજીવન શરૂ અને પૂરું કર્યું. ઉચ્ચ અભ્યાસના મારાં સમણાં આ જ ઘરમાં નંદવાયા અને અંતહીન લાગતા ખાલીપામાંથી સર્જાયેલા વિષાદની ભીંસમાં મને તરફડતો આ જ ઘરે જોયો. આ જ ઘરમાં મેં વાંસળીઓ વગાડી, ગીતો ગાયા, સાથિયાઓ પૂર્યા, ચિત્રો દોર્યાં, નાટકના સંવાદો ગોખ્યા, કવિતાનો કહો કે સાહિત્યનો પહેલો શબ્દ મેં આ જ ઘરમાં પાડ્યો અને પછી તો ખર્વ–નિખર્વ શબ્દો પડતા રહ્યા. ‘સાભાર પરત’ની હતાશા અને ‘રચના સ્વિકાર છે’નું પ્રોત્સાહન, સામયિકો, પુસ્તકો, પ્રશંસકોના – આલોચકોના પત્રો, પુરસ્કારના મનીઓર્ડર બધું બદલાતા ટપાલીઓ દ્વારા મને આ ઘરમાં જ મળતું રહ્યું છે. આ જ ઘરમાં ઉમાશંકર જોષીની ગરિમા, હરિન્દ્ર દવેની ઋજુતા, પીતામ્બર પટેલની જિજ્ઞાસા, સુરેશ દલાલની આત્મીયતા, મોરારીબાપુનું સૌજન્ય, સ્વામી સચ્ચીદાનંદજીના આશીર્વાદ, ચંદ્રકાન્ત બક્ષીનું વાર્તાલાપ–કૌશલ, મધુ રાયના હાસ્ય–ઠહાકાઓ, રમેશ પારેખના ગીત–ટહુકા, ગનીભાઈ દહીંવાલાનો ગઝલ–ગુજારવ, ગુણવંત શાહના વિચાર–સ્ફુલિંગ, રઘુવીર ચૌધરીનો સ્નેહ : બધું મેં સભરપણે ઝીલ્યું છે.

આ જ ઘરમાંથી મારા લગ્નની જાને પ્રસ્થાન કર્યું હતું અને ‘સુદામાની ઝૂંપડી’ને નામે ઓળખાતા ઓરડામાં મેં જ્યોતિ સાથે દાંપત્યનો આરંભ કર્યો હતો. મારા પ્રથમ સંતાનના જન્મનો ટેલીગ્રામ મને આ જ ઘરને ઉંબરે મળ્યો હતો અને મારાં બીજાં સંતાનોના આગમન સાથે પણ આ જ ઘર સંકળાયેલું હતું. આ જ આંગણેથી મારા પુત્રનાં લગ્નનો વરઘોડો નીકળ્યો હતો અને મારી બંને પુત્રીઓની લગ્ન પછીની વિદાય એ જ આંગણેથી થઈ હતી. પુત્રવધુનું આગમન પણ આ જ ઘરને દ્વારે થયું હતું. પૌત્ર–પૌત્રી–દોહિત્ર–દોહિત્રી, બધાં આ જ ઘરના બારણેથી ધિંગામસ્તી કરતાં આવે–જાય છે. મિત્રોના ઝુંડના ઝુંડ ભરતીના મોજાંની જેમ આ જ ઘરમાં ઉમટ્યાં છે અને હવે ઓટનો અનુભવ પણ અહિં જ થઈ રહ્યો છે. આ જ ઘરમાં હું પિતાના ધાકથી થર્યો છું. માતાસ્નેહથી ભીંજાયો છું. પત્નીની કાળજીથી સચવાયો છું. આ જ ઘરમાં મેં મરણતોલ માંદગીઓ વેઠી છે અને એ આખું વર્ષ હું અનિદ્રાથી પીડાયો છું. વિષાદ અને ઝુરાપાઓના પ્રલંબ સમયખંડોએ મને આ જ ઘરમાં રંજાડ્યો છે. અહીં જ હું ભોંયસરસો પછડાયો છું અને ફરીથી હામ કેળવી કર્તવ્ય પથે વળ્યો છું. અહીં જ મેં કોડિયે, ખડિયે, ફાનસે અખુટ વાંચ્યું છે અને આંખોનું નખ્ખોદ કાઢ્યું છે ! આ ઘરની અગાસીમાં ચાંદનીના સમુદ્રે મને ભીંજવ્યો છે અને બારણા જેવી બારીમાંથી મેં વરસાદનું વહાલ અને સૂરજનો તાપ ઝીલ્યાં છે. આ ઘરમાં અંધકારની ઉષ્માનો હું અર્થ સમજ્યો છું અને એકાન્તના આશીર્વાદ પામ્યો છું. આ ઘરમાં મને એકસાથે પિતાના પ્રભાવ, માની મમતા, પત્નીની નિસબત અને મારી સકળ હયાતીની અર્થવત્તાના પુંજ જેવું અનુભવાય છે!

આ ઘરના ખૂણેખૂણા, કણેકણ સાથે મારો પ્રગાઢ ભાવસંબંધ છે. એનું લાકડાનું જુનવાણી ફર્નિચર મને મારા જેટલું જ ઐતિહાસિક લાગે છે. ઘરની અવ્યવસ્થામાંની વ્યવસ્થા સાથે મારા હાથના સ્પર્શનો સીધો સંબંધ છે. તસવીરોથી ઢંકાયેલી દીવાલોમાં મને કશું અજુગતું લાગતું નથી. નળની ચકલી ફેરવવા જાઉં છું આને આખો નળ હાથમાં આવી જાય છે! રસોડાની બત્તીની સ્વિચ સમરાવ્યા પછી પણ બગડેલી રહે છે. દાયકાઓ જૂના લાકડાના કબાટનું એક ખાનું એ મારું વૉરડ્રોબ છે અને એમાંથી કફની–પાયજામો લેવા જતાં બધાં જ કપડાં બહાર કૂદી પડે છે! રસોડાની હાલત હમણા સુધી એવી હતી કે ચોમાસામાં છત્રી ઓઢીને રસોઈ કરવી પડે! ઘરમાં એકમાત્ર સારું રાચ તે હીંચકાની ઘૂઘરિયાળી સાંકળો! બકુલ ત્રિપાઠી ક્યારેક એ હિંચકે ઝૂલવા માટે જ સુરત આવે છે! ઠાંસી–ઠાંસીને મેં ઘરમાં જ્યાં–ત્યાં, જેમ–તેમ પુસ્તકો, છાપાં, ચોપાનિયાં, કાગળીયાં ભર્યાં છે. ખરે વખતે હું જ તેમાંનું કાંઈ શોધી શકતો નથી! નવું રચાતું જાય છે, જુનું ઘણું ઊધઈને સ્વાધીન થતું ગયું છે. કેટલું બદલાયું છે આસપાસ! – હું બાળકમાંથી બુઢઢો બની ગયો છું! ચોમેર ઊંચાં ઉંચાં મકાનોઓએ મારા ઘરની વાડી અને અગાસીમાંથી દ્રષ્ટિગોચર થતી હતી તે સુંદરતાને કચડી નાખી છે. બાર ઓરડા, બે અગાસી, એક વાડો અને ત્રણ તુલસીકૂંડા ધરાવતાં આ ઘરમાં હવે અમે બે જ જણ રહીએ છીએ. સુંદર સુવિદ્યાસંપન્ન રો–હાઉસમાં રહેવા ગયેલાં પુત્ર–પુત્રવધૂ–પૌત્રો–પૌત્રી અમને આ ખંડેર જેવું ઘર છોડી એઓની સાથે રહેવા આવવાનું વારંવાર કહે છે; અમે બહાના કાઢી વાતને ઉડાવી દઈએ છીએ, ટાળીએ છીએ, વાત સાચી છે. અહીં અગવડો જ અગવડો છે. ન સારો બાથરૂમ, એક વૉશબેસીન પણ અહીં નથી. જરાક જોરથી પવન વીંઝાય તો કશુંક ઊડી કે પડી જવાનો ધ્રાસકો! ઘરને અડીને જતા રસ્તા પર ટ્રાફિક એટલો કે માંડ રાતે એકથી ચાર સુધી શાંતિ પથરાય! અને હું એ જ ટ્રાફિકસભર રસ્તા પર પડતી બારી પાસે બેસી, સૂરજને અજવાળે, શક્ય એટલી જળકમળવત્ મન:સ્થિતિ, કહો કે સ્થિતપ્રજ્ઞતા કેળવીને, વર્ષોથી, દાયકાઓથી લખતો રહ્યો છું. અસૂર્યલોક અને ‘ઉર્ધ્વમૂલ’ જેવી બૃહત્કાય નવલકથાઓ, સેંકડો વાર્તાઓ – નિબંધો – કવિતાઓ – અત્યારે લખાતી આત્મકથા; સર્વનું લેખન મારા આ ઘરની ટ્રાફિક–કોલાહલથી ખીચોખીચ બારીની સાક્ષીએ!

પણ હું ધ્રાસકા સાથે સમજું છું: આ ઘર સાથેનો મારો સંબંધ હવે ગમે ત્યારે ખૂટી જાય! આ ઘરની વસવાટક્ષમતાનું સિચ્યુએશન પૉઈન્ટ ઘણું ઢૂંકડું છે. અહીં હવે માત્ર સુક્ષ્મ દેહે રહી શકાય તેમ છે, સ્થુળ દેહે નહીં. છતાં મારું પક્ષપાતપૂર્ણ મન હજી આ ઘરમાંથી કંઈક ને કંઈક જમાપાસાં શોધી તેને આગળ કરતું રહે છે: ઘરનો આગલો હિસ્સો તો હજી ખાસ્સો અડીખમ છે; આટલા વિશાળ ઓરડા ફ્લૅટ કે રો–હાઉસમાં ક્યાંથી મળવાના હતા! અને હવા–ઉજાસ તો જુઓ! અગાસીની ઠંડક કાંઈ જેવીતેવી છે? આટલો બધો સામાન કયા એપાર્ટમેન્ટમાં નાખશો? અને જીવનમાં પહેલી વાર અહીં જે આટલી બધી નિર્બાધ સ્વતંત્રતા મળી છે! ભર્યોભર્યો મહોલ્લો! જરાક કાંઈ થાય એટલે બધા દોડી આવે! ઓટલો ઊતરીએ કે બધી સગવડો હાજર!

પેટછૂટી વાત કરું? કોઈ મારા આ ઘરની, તેની અગવડોની, તેના જુનવાણીપણાની નિન્દા કરે છે ત્યારે જાણે મારા બાપ વિશે એલફેલ બોલાતું હોય કે મને મા–સમાણી ગાળ દેવાતી હોય તેવી ઘાયલ લાગણીથી ઘેરાઈ જાઉં છું. આ ઘર, મારા જ્ઞાનવારસા ઉપરાંતની મારી એકમાત્ર પૈતૃક સંપદા. એ જ મારું સરોવર અને એ જ મારો સમુદ્ર. બાપનો કૂવો કહો તો તે હરકત નહીં! આ જ મારા ભાવસંબંધનું એપિસેન્ટર. અહીં જ સંબંધોની વડવાઈઓ મોરી, તેથી જ હું ‘શીશમહલ’ના સોહરાબ મોદી જેવા ડણકતા કંઠે તો નહીં, પણ ધીમા, ધ્રૂજતા, અસ્પષ્ટ સ્વરે મનોમન કહું છું: ‘હસરત તો યહ હૈ કિ…સૂરત, એની બેસન્ટ રોડ, દેસાઈ પોળના ૧૦/૧૭૪૦માંથી મારી અર્થી નીકળે, લેકિન…!’

ઓક્ટોબર, ૨૦૦૨માં પ્રકાશિત થયેલ ડૉ. સુરેશ દલાલ સંપાદિત ‘સંબંધના સરોવર’ પુસ્તકમાંથી સાભાર …

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આદરણીય ડૉ.સુરેશભાઈ દલાલ આપણી સમક્ષ હાલ નથી પરંતુ શાબ્દિક દેહ સ્વરૂપે તેઓ સતત આપણા વચ્ચે રેહલ છે અને રહેશે. આજનો આ લેખ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો વિજયભાઈ ધારીઆ (શિકાગો) ના અંતરપૂર્વકથી આભારી છીએ. આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • mange ashok

    very good

  • Ramesh Patel

    ભૂલે ભૂલાશે નહીં …આ કવિતા ઘેલા કવિશ્રી અને તેમની બહુમુખી પ્રતિભા.

    રમેશ પટેલ(આકાશદીપ)

  • ભગવતીભાઈના આ ઘર વિશેની વાતો, વર્ણનો અનેકવાર “ગુજરાતમિત્ર”માં વાંચ્યા છે. શબ્દના આ સંબંધને કારણે આ ઘર પોતિકું જેવું લાગે છે. પણ જ્યોતિબેનના ગયા પછી હવે ભગવતીભાઈ આ ઘર છોડીને તેમના દીકરા મેહુલ સાથે રહે છે એવું સાંભળ્યું છે. ઘરઝુરાપો જરૂરથી અનુભવતા હશે..ભગવતીભાઈ.