જગત–વિચાર …

જગત–વિચાર …

 

આજે ફરી એક વખત ખૂબજ સુંદર  પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર શ્રી વિજયભાઈ ધારીઆ (શિકાગો) દ્વારા મોકલવામાં  આવી છે જે બદલ અમો શ્રી વિજયભાઈ ના અંતરપૂર્વકથી આભારી છીએ… 

 

આપ સર્વેને પોસ્ટ પસંદ  આવે તો જરૂર બ્લોગ પોસ્ટ પર આપના પ્રતિભાવ મૂકશો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.  આભાર !

 

 

 

જગતને આપણે વિશ્વ કે દુનિયાના નામે પણ ઓળખીએ છીએ. ‘જગત’ શબ્દનો અર્થ છે – જ્યાં પદાર્થો અને જીવો જન્મે છે, અને લય પામે છે. સૂર્યમાળાના પૃથ્વી રૂપી એક ગ્રહ ઉપર આ જગત આવેલું છે. આવી અનેક સૂર્યમાળાઓ અને તેમના ગ્રહો અવકાશમાં છે. એમાં આવી અનેક પૃથ્વી અને જગત હોવાની પણ સંભાવના છે એ બધાં મળીને ‘બ્રહ્માંડ’ બને છે.

 
જગતમાં બે પ્રકારની સૃષ્ટિ છે : (૧) જડ સૃષ્ટિ અને (૨) જીવ સૃષ્ટિ.

 
જડસૃષ્ટિના બધા પદાર્થો પાંચ તત્વોના બનેલા છે – પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ પાંચે તત્વો બ્રહ્મના ‘સદંશ’માંથી પ્રકટ થયાં છે અને તેથી જડસૃષ્ટિ બ્રહ્મનો ‘ચિદંશ’ છે. ‘સત્’ સ્વરૂપે વિવિધ નામ–રૂપે આ સર્વ પદાર્થોમાં બ્રહ્મ રહેલા છે – વ્યાપેલા છે.

 
જીવસૃષ્ટિ બ્રહ્મના ‘સદંશ’(‘સત્’નો અંશ) અને ‘ચિદંશ’(‘ચિત્’નો અંશ)માંથી બનેલી છે. વળી જીવસૃષ્ટિની સાથે સત્, ચિત્ અને મર્યાદિત આનંદ અંશવાળા અંતર્યામી પણ દેહમાં રહેલા છે.

 
આખા જગતની રચના અતિ આશ્ચર્યકારક છે. અવકાશમાં કરોડો ટન વજનની પૃથ્વી પોતાની ધરી ઉપર સતત્ ફરે અને સાથે સાથે સતત્ સૂર્યની પ્રદક્ષીણા પણ કરતી રહે, છતાં આપણને નાનો સરખો આંચકો પણ ન આવે ! પશુ, પક્ષી, જીવજંતુ, વનસ્પતિ અને મનુષ્યોની વિવિધ આકાર, રૂપરંગ, કદવાળી પ્રાણીસૃષ્ટિ ! અનેકવિધ પદાર્થોની જડસૃષ્ટિ ! એ સૌનું નિયમન ! પ્રકૃતિનું નિયમિત ૠતુચક્ર ! આ બધી રચના કોઈ સામાન્ય કે વિશિષ્ટ શક્તિવાળા દૈવીતત્વની ગુંજાશ નથી !

 
રમત રમતાં નાના બાળકોને જો પૂછવામાં આવે કે તમે શા માટે રમો છો તો કહેશે કે બસ અમસ્તા જ, મજા આવે છે માટે. તે જ પ્રમાણે પ્રભુએ આ સમગ્ર સૃષ્ટિની રચના પોતાની ક્રીડા માટે કરી છે. ક્રીડા એટલે રમત, આનંદ સિવાય આ સૃષ્ટિ–ક્રીડા પાછળ ભગવાનનું બીજું કોઈ પ્રયોજન નથી હોતું એ વાત સમજાવવા જ શાસ્ત્રો સૃષ્ટિને ‘ભગવદ્લીલા’ કે ‘ક્રીડા’ જેવા શવ્દો વડે વર્ણવે છે.

 

કોઈ પણ રમતમાં વિવિધતાનું હોવું જરૂરી છે. જો વિવિધતા ન હોય તો રમત ન થઈ શકે. પરંતુ જગત–જીવની પહેલા પરબ્રહ્મ સિવાય તો બીજું કંઈ હતું જ નહીં. આ સ્થિતિમાં જો ઈચ્છા થાય તો પણ કઈ રીતે રમી શકાય ! આથી ઉપનિષદ કહે છે : બ્રહ્મે ઈચ્છા કરી કે હું એક અનેક રૂપે થઈ જાઉં. બ્રહ્મે ઈચ્છા–સંકલ્પ માત્રથી આ સમગ્ર જડ–જીવ રૂપોને ધારણ કરી લીધા. એટલે કે, આ સમગ્ર જડ–જીવ રૂપ બ્રહ્મ પોતે જ બની ગયો. આથી જ ઉપનિષદમાં કહેવાયું છે : સર્વ ખલું ઈદં બ્રહ્મ (અર્થ : આ બધું ખરેખર બ્રહ્મ જ છે.)

 
અહીં પ્રશ્ન થાય છે કે જો બધું બ્રહ્મ જ છે તો બ્રહ્મ દેખાતો કેમ નથી ? ઘડો એ ઘડો જ દેખાય છે અને ઘોડો એ ઘોડો જ દેખાય છે. આનું કારણ સમજાવતાં શ્રીવલ્લભાચાર્યજી આજ્ઞા કરે છે કે બ્રહ્મને ઉપનિષદમાં સત્, ચિત્ અને આનંદ આમ ત્રણે ધર્મોવાળો વર્ણવવામાં આવ્યો છે. ‘સત્’ એટલે અસ્તિત્વ કે કોઈ વસ્તુનું હોવું. ‘ચિત્’ એટલે ચૈતન્ય કે જીવંતતા. અને ‘આનંદ’ એટલે અનંતતા, વ્યાપકતા કે અપ્રાકૃત અલૌકિક અનંત ધર્મો.

 
આપણે સમજ્યા કે બ્રહ્મમાં અપાર અલૌકિક શક્તિઓ છે. આ અપાર શક્તિઓમાં આવિર્ભાવ અને તિરોભાવ આ બે શક્તિઓ પણ સમાયેલ છે. આ શક્તિઓ વડે જ બ્રહ્મ સૃષ્ટિની રચના કરે છે. આવિર્ભાવ એટલે પ્રકટ થઈને રહેવું અને તિરોભાવ એટલે છુપાઈને રહેવું. બ્રહ્મ જ્યારે પોતાના ચિત્ અને આનંદ ધર્મોને છુપાવીને (તિરોહિત કરીને) માત્ર સત્ ધર્મથી પ્રકટ (આવિર્ભૂત) થાય છે ત્યારે બ્રહ્મના તે પ્રકટ રૂપને ‘જડ’ નામથી ઓળખવામાં આવે છે.

 
પૃથ્વી, જલ, પ્રકાશ, વાયુ અને આકાશ જડ છે. આપણને દેખાતું સમગ્ર જગત આ પાંચ જડ તત્વોનું બનેલું છે. આ પાંચ તત્વોને ‘પંચમહાભૂત’ પણ કહેવામાં આવે છે. બ્રહ્મ જ જગતરૂપે બન્યો હોવાથી જગતને ‘સત્ય’ તથા ‘બ્રહ્માત્મક’ માનવામાં આવે છે. પરંતુ બ્રહ્મના ચિત્ તથા આનંદ ગુણધર્મો જગતમાં છુપાઈને રહેતા હોવાથી તથા આપણી બુદ્ધિ પર જ્ઞાન છવાયેલું હોવાથી જગતને આપણે બ્રહ્માત્મક જોઈ શક્તા નથી. દા.ત. : આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે દરેક માણસમાં વધતા–ઓછા અંશે ક્રોધ, શાંત, હસમુખ વગેરેસ્વભાવો હોય જ છે. પરંતુ માણસ પોતાનામાં જ્યારે અને જે સ્વભાવ પ્રકટ કરે છે ત્યારે અને તે જ સ્વભાવ જોઈ શકાય છે. બીજા બધા સ્વભાવો એમાં હોવા છતાં ય જોઈ નથી શકાતા. તેવી રીતે જગત બ્રહ્મરૂપ હોવા છતાં બ્રહ્મ જગતમાં પોતાનો માત્ર ‘સત્’ ધર્મ પ્રકટ રાખી બીજા ધર્મોને છુપાવી રાખે છે. આ કારણે જગત ‘જડ’રૂપે દેખાય છે.

 
જગતના જડરૂપે દેખાવાનું કારણ આપણે સમજ્યા પરંતુ જગત બધાને જડ જ દેખાય છે તેવું નથી. વાતને એક સરળ ઉદાહરણ વડે સમજીએ. લીલા રંગના ચશ્મા પહેરેલા બાળકને બધું લીલું દેખાય છે અને સાથોસાથ લીલી દેખાતી બધી વસ્તુને તે ખરેખર લીલા રંગની જ સમજે છે, કારણ કે તે અજ્ઞાની છે. જ્યારે લીલા ચશ્મા પહેરેલા મોટી ઉંમરના માણસને; જો કે દેખાય બધું લીલું જ છે છતાં તે એ વાત ને સારી રીતે સમજી શકે છે કે એને દેખાતી બધી વસ્તુ લીલી નથી પરંતુ લીલા રંગના ચશ્માને કારણે તે લીલી દેખાય છે. પરંતુ જેની આંખ પર કોઈ પણ રંગના ચશ્મા જ નથી તેને જે વસ્તુ જે રંગની છે તે તે રંગની જ દેખાય છે. એટલે કે આવી વ્યક્તિને દરેક વસ્તુ તેના યથાર્થ સ્વરૂપે જ દેખાય છે. તેવી જ રીતે …

 

 

(૧) ભગવાન કૃપા કરીને જે જીવોનું અજ્ઞાન સમૂળગું દૂર કરી દે છે તેવા બ્રહ્મરૂપ જીવોને આ જગત કોઈપણ પ્રકારના ભ્રમ વિના શુધ્ધ બ્રહ્માત્મક દેખાય છે.

(૨) જેમનું જ્ઞાન ભગવાને પૂર્ણપણે દૂર કર્યું નથી તેમને જગત બ્રહ્માત્મક ન દેખાઈ ઉત્પત્તિ–નાશવંત, જડ વગેરે ધર્મોવાળું દેખાય છે. પરંતુ શાસ્ત્રના અભ્યાસથી તેઓ મનમાં એ વાત સમજતા હોય છે કે ખરેખર જગત બ્રહ્માત્મક છે અને ઉત્પત્તિ–નાશ, જડતા વગેરે ધર્મો અજ્ઞાન હોવાને કારણે અનુભવાય છે; જેમ લીલા ચશ્મા પહેરેલા મોટા માણસને બધું લીલું દેખાતું હોવા છતાંય તે મનમાં સમજે છે કે ખરેખર બધું લીલું નથી તેમ. જ્યારે …

(૩) જેમનું જ્ઞાન ભગવાને જરાપણ દૂર નથી કર્યું તેવા અજ્ઞાનીઓને તો આટલો વિવેક પણ નથી હોતો. આથી તેઓ લીલા ચશ્મા પહેરેલો બાળક જેમ બધી વસ્તુઓને લીલી સમજે છે તેમ બ્રહ્માત્મક જગતને ખરેખર ઉત્પત્તિ–નાશવંત જડ માત્ર સમજી બેસે છે.

ખરેખર તો જગતની કોઈપણ વસ્તુની ઉત્પત્તિ કે નાશ થતાં જ નથી. જેમ પાણીને તપાવતાં તેનું રૂપાંતર થઈ વરાળ બને છે અને વળી વરાળને ઠારતાં પાછું પાણી થઈ જાય છે. તેમ જગતની દરેક વસ્તુનું, ભગવાનની તે વસ્તુને પ્રકટ કરવાની (આવિર્ભાવ) કે છુપાવી દેવાની (તિરોભાવ) ઈચ્છા અનુસાર, રૂપાંતરણ જ થાય છે. ન કોઈ વસ્તુને શુન્યમાંથી પેદા કરી શકાય છે ન તેનો સમૂળગો નાશ શક્ય છે. જે શક્ય છે તે ફક્ત એ કે અપ્રકટ વસ્તુને પ્રકટ કરવી કે પ્રકટ વસ્તુનું રૂપાંતર કરી તેને અદ્રષ્ય કરી દેવી.

 
આમ આપણે જોઈ ગયા કે બ્રહ્મ એકાકી હતા. તેમણે પોતાના રમણ માટે એકમાંથી અનેક થવાની – અવ્યક્તમાંથી વ્યક્ત થવાની લીલા કરી. તેમણે પોતે પોતાનામાંથી પોતાના આધાર–સ્થાનરૂપ પોતાનું આધ્યાત્મિક સ્વરૂપ – અક્ષરબ્રહ્મ પ્રકટ કર્યું. એ અક્ષરબ્રહ્મમાંથી પોતાનું આધિભૌતિક સ્વરૂપ – જગત–બ્રહ્માંડ પ્રકટ કર્યું.

 
આપણે સમજ્યા કે જગત બ્રહ્મમાંથી બ્રહ્મ દ્વારા પ્રકટ થયેલું બ્રહ્મનું આધિભૌતિક સ્વરૂપ છે. તેના કણકણમાં બ્રહ્મ વ્યાપેલ છે, તેથી જગત પણ બ્રહ્મની જેમ સત્ય છે. તે માયાવી સત્ય કે મિથ્યા નથી.

 
કોઈ જગતને પ્રકૃતિજન્ય માને છે, તો કોઈ તેને પરમાણુજન્ય માને છે. કોઈ તેને વિવર્ત–આત્મારૂપ માને છે, તો કોઈ તેને અદ્રષ્ટ દ્વારા ઉત્પન્ન થયેલ કહે છે. કોઈના મતે માયા દ્વારા તેની રચના થઈ છે, તો કોઈ કહે છે તે ‘અસત્’માંથી ઉત્પન્ન થયું છે. પરંતુ શ્રીવલ્લભાચાર્ય સર્વ શાસ્ત્રોની એકરૂપતા સમજાવી બતાવે છે કે જગત ભગવત્કાર્ય છે. પ્રભુની કૃતિ છે. તેથી તે મિથ્યા નથી, માયા નથી, સત્ય છે. ભગવાન પોતે જગદ્રૂપ બન્યા છે.

 
આ સિદ્ધાંતને અવિકૃત પરિણામવાદ કહેવામાં આવે છે. જગતમાં દરેકનો આવિર્ભાવ અને તિરોભાવ થાય છે. આ બન્ને સિદ્ધાંતો આપણે અગાઉ વિચારી ગયા છીએ તેથી અહીં તેનું પુનરાવર્તન કરતાં નથી.

 
જગત ભગવન્મય છે, તેને ધિક્કારવું નહીં. પરંતુ કેમ કે ભગવાનની ઈચ્છાથી તેમાં આનંદ પ્રકટ નથી તેથી આનંદના શોધક–સાધકોએ ત્યાં આનંદ શોધવાના ફાંફા ન મારતાં તેમાં આસક્તિ ન રાખી ભગવાનમાં જ આસક્તિ રાખવી.

 

– ગો. શરદ અનિરૂધ્ધલાલજી(માંડવી–હાલોલ)ના ‘પુષ્ટિપ્રવેશ–૧’ અને ગો.વા. રમેશભાઈ વિ. પરિખ લિખિત લેખમાંથી સંકલિત.

 

વિજય ધારીઆ …

 

વિશેષવાંચન માટેના ગ્રંથો :


ષોડશગ્રથાંન્તર્ગત સિધ્ધાન્ત–મુક્તાવલી.
શ્રીલાલૂભટ્ટજીકૃત પ્રમેયરત્નાર્ણવમાંના નવ પૈકીના પ્રપંચવિવેક અને ખ્યાતિવિવેક..

 

સાભાર : સૌજન્ય -સંકલન: વિજય ધારીઆ (શિકાગો)

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • આદરણીય પૂર્વિજી,

    બ્લોગ પોસ્ટ પર આવી મૂકેલ આપના પ્રતિભાવ બદલ આભાર !

  • purvi

    bahu sundar vijayji , bahu sundar vyakhya bataveli chhe.