શ્રી સૂર્યસુતાનું પ્રાગટય …

શ્રી સૂર્યસુતાનું પ્રાગટય  …

શ્રી યમુના મહારાણી ના પ્રાગટ્ય  અંગેની સરસ  માહિતીસભર કૃતિ શ્રીમતિ પૂર્વિબેન મલકાણ – મોદી (યુ એસ એ ) દ્વારા  ‘દાદીમા ની પોટલી’ પર મોકલવામાં આવેલ છે, ઉપરોક્ત  કૃતિ મોકલવા બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ…  ઉપરોક્ત કૃતિ જો આપને પસંદ પડી હોય તો જરૂરથી બ્લોગ પોસ્ટ પર કોમેન્ટ્સ બોક્ષ દ્વારા તમારા પ્રતિભાવ મૂકશો, જે કૃતિના લેખક  માટે પ્રોત્સાહનરૂપ બની રહેશે. આપના પ્રતિભાવ સદા અમોને બ્લોગ પોસ્ટ પર તેમજ ફેશ બૂક પર આવકાર્ય રહેશે….મેઘરાજાની ધરતી ઉપર પધરામણી થઈ ચુકી છે. વર્ષારાણી એ પોતાની ગાગરમાંથી ખોબાઓ ભરીને અમીનાં છાંટણા કર્યા, મોરલાઓ ઢેલની સંગાથે પંખ પ્રસારીને નૃત્ય કરી રહ્યાં છે, પોપટો મેનાનાં સંગે કિલકારી કરતાં ઊડવા લાગ્યાં છે, વાંદરાઓની હૂપાહૂપ અને કુદાકુદ ચાલુ થઇ ગઇ છે, ગાયો ભાંભરી ભાંભરીને પોતાના વાછરડાંઓને વ્હાલ કરવા લાગી. ધરતીમાંથી ભીની માટીની સોડમ વહી રહી છે, વાયુલહેરીમાં વૃક્ષો ડોલી ડોલી ને પોતાના પુષ્પોની ફોરમ મહેકાવવા લાગ્યાં છે. વાતાવરણમાં એકસાથે કેટલાય પ્રકારની સુગંધ ફૂટી નીકળી છે. ભીની માટીની સુગંધ સાથે વનની વનરાઇઓનાં વૃક્ષોની સુગંધ, શ્રી ગુંસાઈજી પ્રભુચરણનાં શ્રીઅંગની સુગંધ, નિકુંજનાયક શ્રી દેવદમનનાં અવનવા ખેલની સુગંધ, વ્રજવાસીઓનાં દહિં, દૂધ, માખણની સુગંધ, વ્રજભક્તોના પ્રેમની સુગંધ……..બસ ચારેતરફ સુગંધ જ સુગંધ રેલાઇ રહી છે.

વર્ષાઋતુના દિવસો ચાલી રહ્યાં છે, મેઘોની આછી ગર્જના અને વર્ષાની મધુર સરવાણીઓ, મોરલાઓની મીઠી ટેહુંક, પોતાના ખોળામાં વર્ષાબિંદુઓ ને ઝીલી રહેલા કમલાસનો, હસતાં રમતાં ખળ ખળ કરતા વહી જતાં ઝરણાઓ જોઈને શ્રી ગુસાંઇજી પ્રભુચરણ અતિ પ્રસન્ન થઇ રહ્યાં છે. અનોસરમાં બેઠકજી પર બિરાજી નિકુંજ નાયક શ્રી દેવદમનજીના અવનવા ખેલ અને લીલાને વૈષ્ણવો સાથે વાગોળી રહ્યાં છે. અવનવી વાતોનો દોર સંધાયેલો છે. માર્ગના સિધ્ધાંતો અને પ્રભુલીલાનાં પુષ્પોનો પ્રસાદ વૈષ્ણવો શ્રી વલ્લભનંદન પાસેથી લઇ રહ્યાં છે. તેવામાં કોઇક વૈષ્ણવ દ્વારા શ્રી યમુનાજીમાં ખિલેલા અસંખ્ય કમળના પુષ્પો શ્રી ગુસાંઇજી પ્રભુચરણમાં પધરાવવામાં આવ્યાં. આવા સુંદર પુષ્પો જોઈને શ્રી ગુસાંઇજી પ્રભુચરણને અત્યંત આનંદ થયો તરત જ તે પુષ્પોને તેમણે એક સેવક સાથે શ્રી નિકુંજનાયક દેવદમનજી માટે ફુલઘરમાં મોકલી આપ્યાં અને આવનાર વૈષ્ણવ સાથે વર્ષાઋતુમાં શ્રી યમુનાજીના ખિલેલા રુપમાધુર્યની વાત કરવા લાગ્યાં. આ સમયે ત્યાં બેસેલા વૈષ્ણવજનોએ શ્રી ગુસાંઇજી પ્રભુચરણને વિનંતી કરીને કહ્યું જે કૃપાનાથ સુર્યસુતા શ્રી યમુનાજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું તે કૃપા કરીને અમને સમજાવો

વૈષ્ણવોનાં મુખેથી શ્રી યમુનાજીનું નામ સાંભળીને શ્રી ગુસાંઇજી પ્રભુચરણના વદનકમળ પર પ્રસન્નતાં વ્યાપી ગઇ, તેમણે વૈષ્ણવોની વિનંતીને માન આપી વાત કહેવી શરૂ કરી.

વૈષ્ણવો એક સમયે ગો-લોક ધામમાં શ્રી હરિ એકલા અટૂલા વિચરી રહ્યાં છે ને વિચારી રહ્યા છે કે આમ એકલા એકલા લીલા કરવાનો, બોલવાનો, રમણ કરવાનો આનંદ નથી આવતો. આનંદ મેળવવા માટે કોઇક સાથી સંગિની સાથે હોય તે જરુરી છે. જો સાથીસંગિની સાથે હોય તો લીલા કરવાનો આનંદ આવશે આમ વિચારી અલૌકિક આદિત્યા સ્વરૂપા શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ એ સ્વયં આનંદ પ્રાપ્ત કરવા માટે પોતાના સ્વરૂપમાંથી આનંદ સ્વરૂપાનું પ્રાગટ્ય કર્યું, તે આનંદ સ્વરૂપા ષોડ્શીય કન્યા સ્વરુપે હતી. શ્રી હરીએ પોતાનું જે આનંદ સ્વરૂપ પ્રગટ કર્યું તે આપણાં શ્રી સ્વામિનીજી છે. શ્રી સ્વામિનીજીનું મુખકમળ શરદનાં ચંદ્ર જેવું હતું. (શરદનો ચંદ્ર ગોળ, ગૌર અને શીતળતા પ્રદાન કરનારો હોય છે. તેમાંય ખાસ કરીને શરદ પૂર્ણિમાનો ચંદ્ર તો વિશેષ શીતળતાં, શાંતિ અને આનંદ આપે છે તે જ રીતે આપણાં શ્રી સ્વામિનીજી પણ છે તેમનું મુખારવિંદ ગોળ છે, તેમનો વર્ણ ગૌર(રૂપાળો)છે અને તેમનો સ્વભાવ શીતળતાં પ્રદાન કરનારો છે.) વિપુલ કેશરાશિ વાસુકિની જેમ લહેરાતો હતો. નેત્રો લાંબા હતા, કપાળે કુમકુમ શોભતું હતું, નાસિકા મધ્યે રત્નનથની ઝુલતી હતી, તેમના ઓષ્ઠદ્વય ઉપર કામદેવના ધનુષ્ય પુષ્પધન્વાનો ટંકાર પલાઠી મારીને બેસેલો હતો.શ્રી હરિએ સ્વયં પોતાની આરાધના કરતા જે આનંદ મેળવ્યો હતો તે જ આનંદ સ્વરૂપા આ આપણા શ્રી સ્વામિનીજી હતાં. શ્રી ઠાકોરજીનુ સ્વરૂપ એ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ તો બન્યું પણ આ બન્ને સ્વરૂપોમાંથી એવું એક સ્વરૂપ કયુ હશે જેનું ગોલોક ધામમાં વર્ચસ્વ રહે? જેમની પાસેથી આનંદ લેવો છે તેમનું કહ્યું કરીએ તો જ વધુને વધુ આનંદ આવે તેથી વર્ચસ્વ થયું શ્રી સ્વામિનીજીનું. ગો-લોક ધામના રાજા શ્રી ઠાકોરજી ખરાં પણ રાજ તો શ્રી સ્વામિનીજી કરે અને જ્યાં સુધી શ્રી સ્વામિનીજી સમંતિ ન આપે ત્યાં સુધી શ્રી ઠાકોરજી વિશેષ આનંદનું દાન ન કરે. શ્રી ઠાકોરજીની મુઠ્ઠીમાં બધા જ જીવો પુરાયેલ છે પરંતુ સ્વયં શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીની મુઠ્ઠીમાં પુરાયેલ છે. શ્રી સ્વામિનીજી જેમ આજ્ઞા કરે તેમ શ્રી ઠાકોરજી કરે.

એક દિવસ શ્રી સ્વામિનીજીએ કહ્યું પ્રભુ આપને વિશેષ આનંદ કરાવવા માટે અમને એક સુંદર સ્થાન સિધ્ધ કરાવી આપો જેની એક બાજુએ વિશાળ પર્વત, સઘન કંદરાઓ, સુંદર વનસ્થળી હોય આજુબાજુ કુંજ-નિકુંજો અને વનઉપવનો હોય તેમાં વિવિધ કિટકોને સુંદર પંખીઓ હોય, સુંદર પુષ્પોથી આચ્છાદીત ઉદ્યાનો હોય, પર્વત પરથી સુંદર ઝરણા હસતાં ખેલતાં નીચે આવતાં હોય, જેનો વિશાળ પ્રવાહ હોય તેના વિશાળ પ્રવાહમાં મત્સ્ય, કાચબા નિરંતર રહીને આપની સદાય સ્તુતિ કરી રહ્યાં હોય, જેનાં પાલવમાં સદાય કમળો ને કુમુદ ખિલેલા રહેતા હોય. જેના નેત્રકમળમાં સદાય આપનું સુખ જ વસેલું હોય જેના સંગમાં અમે જ્યારે હોઇએ ત્યારે અમને અમારી સખીઓની ગેરહાજરી ને એ પુરી કરી આપી ને તે સ્વયં અમારી સખી સ્વરૂપા પણ બની જાય આવુ કોઇ સ્થાન હોય તો હું આપને વિશેષ આનંદ આપી શકું.

શ્રી ઠાકુરજીએ શ્રી સ્વામિનીજીની વાત સાંભળી પોતાના હ્રદયમાં રહેલ પ્રેમરસને ધોધમાર વહેડાવ્યો. આ વહેડાવેલા પ્રેમરસનું રસાત્મક ઘનીભૂત સ્વરૂપ તે શ્રી ગિરિરાજજીનાં નામથી ઓળખાયું અને રસાત્મક પ્રવાહરૂપ સ્વરૂપ તે શ્રી યમુનાજીનાં નામથી ઓળખાયું. (ગર્ગ પુરાણના મતે જ્યારે રાસ લીલા પૂર્ણ થઇ ત્યારે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનું જે શ્રમિત જલબિંદુ વહ્યું તે શ્રી યમુનાજી) આ પ્રવાહરૂપ રસાત્મક સ્વરૂપ જેઓ સરિતા, સરયૂ કે જલ સ્વરૂપા શ્રી યમુનાજીનાં નામે પ્રસિધ્ધ છે. શ્રીયમુનાજીના આગમનથી શ્રી સ્વામિનીજીને અત્યંત હર્ષ થયો.શ્રી સ્વામિનીજીને હર્ષિત થયેલા જોઇને શ્રી ઠાકોરજીને પણ અતિ પ્રસન્નતાં થઇ. આ સમયે શ્રી ઠાકોરજીના હર્ષિત થયેલા શ્રીઅંગમાંથી ષોડશીય કન્યા સ્વરુપે શ્રી યમુનાજીનાં બીજાં સ્વરૂપનું પ્રાગટ્ય થયું તે કન્યા અત્યંત મનમોહક હતી. શ્રી યમુનાજીનું મુખારવિંદ મધુરહાસ્ય યુક્ત છે. પરવાળા શા સુંદર અધરોષ્ઠ છે, નેત્રો કમળ જેવા અતિ વિશાળ અને નાજુક છે, સુંદર સાડી ચોળીનો શૃંગાર ધારણ કરેલો છે, કટીમાં કટીમેખલા શોભી રહી છે, હિરા-માણેક-પન્ના અને રત્નોના આભૂષણોથી જેઓ શોભાયમાન છે. શ્રી યમુનાજીને જોતાં એવું લાગી રહ્યું છે કે તેઓ શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજીનાં શ્રી અંગમાંથી પ્રગટ થયાં છે પગનાં નખથી કટી સુધીનો ભાગ તે શ્રી સ્વામિનીજીનાં શ્રી અંગમાંથી અને કટીથી મસ્તક સુધીનો ભાગ તે શ્રી ઠાકોરજીનાં શ્રી અંગમાંથી પ્રગટ થયો છે. તેઓ જ્યારે પ્રગટ થયા ત્યારે એ જ ભાવને લઇને પ્રગટ થયા કે હું શ્રી શ્યામસુંદરની છું અને મારૂં પ્રાગટ્ય શ્રી શ્યામશ્યામાની સેવા કાજે થયું છે. શ્યામશ્યામાની પ્રસન્નતા વધુ ને વધુ થાય તેમાં મારૂં પણ સુખ રહેલું છે શ્રીયમુનાજીની આવી સુંદર ભાવના જોઇને શ્રી ઠાકોરજીને અત્યંત પ્રસન્નતાં થઇ. આ પ્રસન્નતાને લઇને તેમણે શ્રી યમુનાજીનાં હ્લદયકુંજમાં પોતાના ૬ ગુણો સહીત(શ્રી ઠાકોરજીના ૬ ગુણો ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રીધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહીતનાં) એક સ્વરૂપને સદાને માટે સ્થાપિત કરી દીધું. આપણે લૌકિકમાં જેમ કાજલને અડકીયે ને હાથ કાળા થાય તેમ શ્રી યમુનાજીના શ્રી અંગમાં શ્યામસુંદરની શામળતા સમાઇ ગઇ અને શ્રી યમુનાજી પણ શ્રી ઠાકોરજી સંગે શ્યામ સલોના મેઘશ્યામથઇ ગયાં. શ્રી યમુનાજી શ્રીસ્વામિ સ્વામિનીજીનું સ્વરૂપ હોઇ ગોલોક ધામમાં બે સ્વરૂપે બિરાજે છે.

૧) સરિતા-સરયૂ સ્વરૂપે(જલ સ્વરૂપે)૨) ષોડશીય કન્યા શ્રીસ્વામિનીજી સ્વરૂપે

શ્રી ઠાકુરજી જ્યારે પોતાની સમગ્ર લીલાસૃષ્ટિ સાથે ગોલોક ધામથી પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે શ્રી યમુનાજી પણ આ બન્ને સ્વરૂપે તેમની સાથે પૃથ્વી પર આવ્યાં. વ્રજનાં જમનાવતાં ગામનાં ભાનુગોપને ત્યાં પ્રગટ થઇ  શ્રી યમુનાજી પ્રભુના ચતુર્થ પ્રિયા સ્વરૂપે બિરાજ્યાં. તેમનું લૌકિક જલ સ્વરૂપ હિમાલયનાં શિખર કલિન્દ પર્વત પર પ્રગટ થયું. કલિન્દ પર્વતની પુત્રી કાલિન્દીજી જ્યારે ભૌતિકસ્વરૂપે વહેતા વહેતા મથુરામાં જ્યારે પ્રવેશ્યા ત્યારે આધ્યાત્મિક સ્વરૂપ તેમનામાં બિરાજી ગયું અને તેઓ મથુરાથી યમુના મહારાણી તરીકે ઓળખાયા. આ આધ્યાત્મિક સ્વરૂપે તેઓ જ્યારે વ્રજ અને વ્રજમંડળમાં પધાર્યા ત્યારે તેમનામાં આધિદૈવિક સ્વરૂપ બિરાજી ગયું અને વ્રજમંડળમાં તેઓએ સ્વામિનીજીના સ્વરૂપને ધારણ કર્યું.

શ્રી યમુનાજીનું ત્રીજું સ્વરૂપ આપણા પુરાણોમાં તીર્થ રૂપે બતાવેલું છે.કલિં ધતિ ખંડયતિ ઇતિ કાલિન્દીજે કલિના દોષોને દુર કરે છે તે કાલિંન્દી. મર્યાદા સૃષ્ટિ અને મિશ્ર સૃષ્ટિમાં શ્રી યમુનાજી અને શ્રી કાલિન્દીજી એમ બન્ને નામ પ્રચલિત છેં પરંતુ પુષ્ટિમાર્ગિય સેવકો માટે કેવળ અને કેવળ શ્રી યમુનાજી છે. શ્રીવલ્લભચરણ અને વૈષ્ણવોના વ્હાલા શ્રી યમુનાજી છે.

વૈષ્ણવો આપણા શ્રી યમુનાજી કેવળ શ્રી ઠાકોરજીનું સુખ નથી વિચારતા પણ સર્વવ્રજમંડળનું અને વ્રજમંડળમાં રહેલ સર્વજીવોનું  સુખ વિચારી રહ્યાં છે. શ્રી ઠાકોરજીની સાથે શ્રી ઠાકોરજીના ભક્તો વિષે પણ શ્રી યમુનાજી વિચારી રહ્યાં છે. વળી શ્રી ઠાકોરજીમાં તેમને અત્યંત સ્નેહ હોવા છતા શ્રી યમુનાજીમાં ઇર્ષાનો ભાવ લવલેશ નથી (જરા પણ નથી) બીજી કોઇ સખી શ્યામશ્યામાને પોતાના બનાવી લેશે તેવો ડર પણ નથી. તેઓને તો સેવામાં જેમ જેમ નવી નવી સખીઓ મળતી જાય તેમ તેમ તેઓ વિચારે છે કે અરે કેટલો સુંદર દિવસ આવ્યો છે મારા પ્રભુની સેવા સુખ રૂપ થાય તેમા મને હજુ વધુ એક સહેલીનો સાથ મળ્યો છે, ચાલો પ્રભુની સેવા કરવાનો વધુ આનંદ આવશે અને નવી સખીના નવા મનોરથ પ્રમાણે મારા પ્રભુને માટે પણ વિશેષ નવા મનોરથ પણ થશે. હંમેશા ગોપીજનો, ભક્તજનો અને વૈષ્ણવોનું સુખ વિચારનાર આવા શ્રીયમુનાજીને નિર્ગુણ ભક્તોના અધિપતિ કહે છે.

જે કૃપાનાથ આપશ્રીએ કહ્યુંકે શ્રી યમુનાજી નિર્ગુણ ભક્તોના અધિપતિ કહેવાય છે તો આ નિર્ગુણ ભક્તો કોને કહેવાય???આ સાંભળી શ્રીગુંસાઇજી પ્રભુચરણ કહે કે અત્યંત સુંદર પ્રશ્ન કર્યો વૈષ્ણવો.

નિર્ગુણ ભક્ત એટલે જેમનામાં એક જ ભાવ હોય, એક જ વિચાર હોય કે અમારા પ્રભુ ને કેવી રીતે આનંદ આપુ??? જયારે સતત આવો જ ભાવ મનમાં રમતો રહે તેનુ નામ નિર્ગુણ ભક્ત અને આવા ભક્તની ભક્તિએ નિર્ગુણ ભક્તિ કહેવાય. જ્યારે કંઇક લેવાની ભાવના આવે ત્યારે તેમાંથી નિર્ગુણ ભક્તિ જતી રહે છે અને તે કેવળ સગુણ ભક્તિ બની રહે છે. આપણે પણ જ્યારે એમ વિચારીએ કે કથામાં બેસવાથી, કથા સાભળવાંથી મને આનંદ આવે છે ત્યારે તે સગુણ ભક્તિ થઇ. તે કથા સાંભળવાની ક્રિયામાં આપણે આપણા આનંદ વિષે વિચાર્યુ છે, પરંતુ સ્વયંની લીલા સાંભળવાનો મારા પ્રભુને આનંદ આવે છે અને હું મારા પ્રભુને માટે કથા સાંભળીશ એમ જ્યારે વિચારો ત્યારે તે નિર્ગુણ ભક્તિ થઇ.બીજુ પણ ઉદાહરણ જોઇએ……પરમ વિષ્ણુ ભક્ત ધ્રુવજીએ પિતાનાં ખોળામાં બેસવાની ઇચ્છાને કારણે તપ કર્યું, અને પ્રભુ ને મેળવ્યા તે હતી ધ્રુવજીની સગુણ ભક્તિ.કંઇક મેળવવાની આશાએ પ્રભુભક્તિ કરી જ્યારે પ્રહલાદજી …….શ્રી ધ્રુવજી  જેવા જ બીજા બાળભક્ત તેમને મનમાં ભાવ હતો કે મારા પ્રભુને ગમે છે તેવી ભક્તિ કરીશ બીજા કોઇને ગમે કે ન ગમે પણ મારા પ્રભુ ને ગમે છે તેથી હું ભક્તિ કરીશ મારા પ્રભુ માટે ભક્તિ કરીશ. આ હતો નિર્ગુણ ભક્તનો ભાવ. શ્રી યમુનાજીમાં પણ આજ ભાવ હતો તેથી તેમણે શ્રી ઠાકોરજીની સાથે સાથે તેમના પ્રિય એવા સમસ્ત વ્રજમંડળ અને વ્રજભક્તોને પોતાના કરી લીધા આથી તેઓ નિર્ગુણ ભક્તોનાં અને નિર્ગુણ ભક્તિના અધિપતિ કહેવાયા.

શ્રી ગુરૂચરણની કૃપા અને શ્રી યમુનાજીની ભક્તિ સરવાણીનાં અમૃતનું સૌ વૈષ્ણવજનો ઘુંટડે ઘુંટડે સુધાપાન કરી રહયાં હતાં, ત્યાંજ ફરી નિરવ શાંતિનાં સાગરમાં શ્રીગુંસાઇજી પ્રભુચરણનો મૃદુ અને મધુર અવાજ ગુંજન કરતો ત્યાં રહેલા સર્વે વૈષ્ણવોનાં મનમાં પ્રવેશી ગયો…………વૈષ્ણવો પુષ્ટિમાર્ગમાં શ્રીયમુનાજીએ પ્રભુનાં સમાન ગુણ ધર્મવાળા છે. તેથી શ્રીયમુનાજીનું દર્શન થતાની સાથે શ્રીઠાકોરજીનું સ્મરણ થાય છે. શ્રીઠાકોરજી એ જીવોને આપવા માટે યમુનાજીનાં હ્લદયકુંજમાં પોતાના ગુણો  સહીત (શ્રી ઠાકોરજીના ગુણો ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રીધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહીતનાં) ઐશ્વર્યનું (જે પુષ્ટિમાર્ગિય સિધ્ધિઓ છે.)દાન કરેલું છે. શ્રી ઠાકુરજીના પરમ સખી એવા શ્રીયમુનાજીની સ્તુતિ એવં સંસ્કૃત શ્લોક સ્વરૂપા શ્રી યમુનાષ્ટકની રચના આચાર્યવર શ્રી મહાપ્રભુજીએ કરી. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકના આઠ શ્ર્લોકમાં શ્રીયમુનાજીનું મહાત્મ્ય બતાવેલું છે અને નવમા શ્ર્લોકમાં ફલશ્રુતિ કહી છે. શ્રીયમુનાજી એ જીવ અને શ્રીઠાકોરજી વચ્ચેના માર્ગ રૂપ છે જ્યારે જીવ શ્રીવલ્લભચરણનાં માધ્યમ દ્વારા શરણે આવે છે ત્યારે સૌથી વધુ ખુશી શ્રીયમુનાજીને થાય છે અને તે પ્રભુ પાસે જઇ તેમને  વિનંતી કરે છે કે જે જીવ શરણે આવ્યો છે તેને આપના દલમાં શામિલ કરો. પૃથ્વી ઉપર કોઇ શ્રેષ્ઠ સરિતા હોય તો તે આપણી શ્રી ભાનુતનયા છે જે સ્વયં શ્રી ઠાકોરજીની પરમ સખી છે તેમના દર્શન, વંદન, સ્પર્શ અને પાન માત્રથી મનુષ્યના ભવભવનાં બંધનો છૂટી જાય છે અને વૈષ્ણવજન શ્રીયમુનાજીની કૃપાથી ફરી શ્રીઠાકોરજીના ચરણારવિંદને પ્રાપ્ત કરે છે.

શ્રી ગુંસાઇજી પ્રભુચરણના સ્વમુખેથી શ્રી યમુનાજીનાં પ્રાગટ્યની કથા, તેમની નિર્ગુણ ભક્તિ અને મહાત્મ્ય વિષે જાણીને સૌ વૈષ્ણવોને અત્યંત આનંદ થયો. શ્રી ગુરૂચરણની કૃપા અને વાણીરસપાન કરતા કરતા વિચારવા લાગ્યા કે આજે શ્રી ગુંસાઇજી ગુરૂચરણ પાસેથી શ્રી યમુનાજી વિષે જે સુંદર કથામૃત મળ્યું છે તેને તેઓ પોતાના જીવનમાં કેવી રીતે ઉતારે…???!!! જેથી નિર્ગુણ ભક્તિનો બિંદુ પોતાના જીવનમાં પણ આવે અને ગુરૂચરણની કૃપાથી એ બિંદુનો સિંધુ બની શકે. આમ વિચારી રહેલા વૈષ્ણવોની નજર સમક્ષ એકાએક શ્રી યમુનાજીનું સ્વરૂપ આવી ગયું અને ધીરે ધીરે ઝાંખીરૂપે પ્રગટ થયેલા તે યમુનાજીનાં સ્વરૂપે સરીતા સ્વરૂપે વૈષ્ણવોનાં અતિ વિશાળ મનપ્રદેશમાં પ્રવેશ કર્યો અને જલ સ્વરૂપા શ્રી સુર્યસુતા યમુનાજીનો મનપ્રદેશમાં પ્રવેશ થતાની સાથે જ શ્રી સુર્યસુતા યમુનાજીનાં આશિષ રૂપી શ્રમજલબિંદુઓ પર વૈષ્ણવોની આત્મદ્રષ્ટિ સ્થિર થઇ ગઇ.

શ્રી યમુનાજીનું  પદ …

राग- रामकली

प्रफुल्लित बन विविध रंग झलकत यमुना तरंग सौरभ धन मुदित अति सुहावनो

चिंतामणि कनक भूमि छबि अदभूत लता झूमि शितल मंद अति सुगंध मरुत आवनो

सारस हंस शुक चकोर चित्रित नृत्यत सुमोर कलकपोत कोकिला कल मधुर गावनो

युगल रसिकवर विहार “परमानंद”छबि  अपार जयति चारु वृंदावन परम भावनो


સાભાર :-પૂર્વી મલકાણ – મોદી ( યુ એસ એ) ૯/૬/૨૦૧૦

BLOG  Link: http:das.desais.net

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • shobha

  બહુ સરસ ગંગાજીની જેમ યમુનાજીનો વિશેષ મહિમા છે.

 • Vijay Dharia

  બહેન,
  દાદીમાની પોટલીમાં સૂર્યસૂતાનું પ્રાગટ્ય લેખ બહુ ગમ્યો. આભારસહ અભિનંદન.
  જીવ પુષ્ટિમાર્ગમાં શરણે આવે કે તરત જ શ્રીયમુનાજી એ જીવનો સ્વીકાર કરે છે અને લિલાધામમાં બિરાજતાં શ્રીયમુનાજીની ડાબી ભૂજા ફરકે છે. તરત જ પોતે આતુરતાથી દોડી જઈ આનંદભર્યા હૈયે શ્રીઠાકોરજીને વધામણી આપે છે કે, કૃપાનાથ ભૂતલ પર એક વધુ દૈવી જીવ આપના શરણે આવ્યો છે. કૃપા કરી તેનો અંગીકાર કરો – તેને સેવાનું સુખ આપો. એ જીવ શ્રીયમુનાજીનું જેટલા પ્રમાણમાં ગુણગાન કરે, તેટલાં શ્રીયમુનાજી તે જીવ પર પ્રસન્ન થાય છે. જ્યાં જ્યાં શ્રીયમુનાજીના ગુણગાન થાય છે, ત્યાં ત્યાં શ્રીઠાકોરજી અવશ્ય બિરાજે છે. એ જીવો ઉપર શ્રીઠાકોરજી ઘણી કૃપા કરે છે. શ્રીઠાકોરજી એ જીવોના હ્રદયમાં બિરાજી અલૌકિક સુખની વર્ષા કરે છે.
  આમ, શ્રીકૃષ્ણના ચતુર્થ પ્રિયા શ્રીયમુના–મહારાણીજીની નિજભક્તો પ્રત્યેની તેમની ભાવના અદભૂત અને અલૌકિક છે. શ્રીયમુનાજી ભગવદ્સ્વરૂપ છે. શ્રીઠાકોરજીની કૃપાશક્તિનું પ્રાગટ્ય શ્રીયમુના–મહારાણીજી સ્વરૂપે ગોલોકધામમાં થયું. તેમજ શ્રીઠાકોરજીના લીલાવિહાર માટે અને લીલા પરિકરના સુખદાન માટે શ્રીયમુનાજી અલૌકિક રસસરિતા સ્વરૂપ બન્યા અને ગિરિરાજજીની તળેટીમાં વહેવા લાગ્યા.
  શ્રીયમુનાજી કૃપા કરી આપણા દોષોને દૂર કરે છે અને શ્રીઠાકોરજીને પધારવાનું મન થાય એવું આપણુ હ્રદય એક બગીચા સમાન બનાવે છે. આમ શ્રીયમુનાજી આપણી પર ખૂબ કૃપા કરે છે. અને જે કૃપા કરે છે એ જ ભક્તિનું દાન કરી શકે છે.
  – વિજય