૧] રામનું નામ …. અને ૨] વાળંદનો વલોપાત… (બોધકથા)

૧] રામનું નામ ….

આજે થોડી નાની વાતો વાર્તા સ્વરૂપે અહીં મુકવાની કોશિશ કરેલ છે., જે નાની હોવા છતાં અસરકારક- પ્રેરક પણ એટલીજ છે., જો આપને પસંદ આવી હોઈ તો જરૂરથી આપનો અભિપ્રાય  અહીં  મૂકી આભારી  કરશો ….

Ram

એક વાર કોઈ એક પ્રસિદ્ધ સંતને કોઈ એ પૂછ્યું, ‘મહારાજ ! તમારા દર્શને આવતાં દરેકે દરેક ભક્તોને તમે ‘રામનું-ભાગવાનનું નામ’ લેવાનું કહો છો, તેથી શું બધાં જ રામનું / ભગવાનનું નામ લેવાથી સ્વર્ગે પહોંચવાના કે?’
‘ભાઈ !’ સંતે કહ્યું, ‘ટપાલની લાલ પેટીમાં નાખવામાં આવતાં બધા જ કાગળો શું એક જ જગ્યાએ જાય છે ?’
‘ના મહારાજ ! એ તો જ્યાંનું સરનામું તેમાં કરેલું હોઈ ત્યાં જ જવાના ….’
‘તો ભાઈ, આપણું પણ એમ જ છે. આપણે બધાં જ રામનું નામ લેવાથી કાંઈ સ્વર્ગે જવાના નથી. પરંતુ આપણા કર્મો અને કૃત્યો જે આપણા સરનામા જેવાં છે તે જેવાં હશે તેવા સ્થાને જ આપણે જવાના …’
વાર્તા પરથી એટલું તો જરૂર સૌએ નક્કી કરવું જોઈએ કે જીવનમાં જેવું કર્મ કરીશું તેવું આપણે પામીશું., તો શા માટે સારા કર્મ કરવા નહિ…?
૨] વાળંદનો વલોપાત…

Barber

પંડિતો પાછળ રહે, મૂરખ પામે માન,
વખાણ પામે અવનવા, વિશ્વ વિશે વિદ્વાન.
વાલજી વાળંદ રોજ સવારે રાજમહેલે રાજાની હજામત કરવા જતો. હજામત કરતાં કરતાં તે તેના સ્વભાવ મુજબ અલક મલકની વાતો કરીને રાજાને રીઝવતો. જ્યારે હજામત કરીને વાળંદ જવાની તૈયારી કરતો ત્યારે રાજા તેને પૂછતો કે ‘વાલજી ! દુનિયા દુ:ખી કે સુખી?’
વાલજી તુરત જવાબ આપતો કે ‘દુનિયા સુખી છે.’
દરેક વખતે રાજા વાળંદને આ એક જ સવાલ પૂછતો ને વાળંદ એક જ જવાબ આપતો કે ‘દુનિયા સુખી છે.’
જ્યારે રાજદરબાર ભરાતો ત્યારે રાજા દરબાર બરખાસ્ત કરતી વેળાએ આજ સવાલ પ્રધાનને પૂછતો કે, ‘પ્રધાનજી ! દુનિયા બધી સુખી છે કે દુ:ખી ?’ ત્યારે પ્રધાન એક જ જવાબ આપતો કે ‘દુનિયા દુ:ખી છે.’
રાજાને મૂંઝવણ થઇ પડી કે એક જ સવાલ ના ! બે પ્રકારના જવાબ મળે છે તો તેમાં સાચું કોણ? વાલજીની (વાળંદ) વાત સાચી માનવી કે પ્રધાનની?
એક દિવસ રાજાએ પ્રધાનને વાળંદની વાત કહી કે તે ‘દુનિયા સુખી કહે છે’, જ્યારે તમે ‘દુનિયા દુ:ખી કહો છો’, તો મારે કોની વાત સાચી માનવી ? તમે કહો છો તે ખોટું હોય નહિ, માટે વાળંદ ‘દુનિયા સુખી છે’ એમ કહે છે તે કારણ શોધી લાવો’.
પ્રધાને તે માટે થોડા દિવસની મેહતલ માગી અને પોતે વિચારવા લાગ્યો કે વાળંદ ‘દુનિયા સુખી છે’ એમ કહે છે તેનું કારણ એ હોવું જોઈએ કે તે પોતે સુખી હોવાને લીધે એમ કેહ્તો હશે. માટે ગુપ્તચરો પાસે વાળંદની ભાળ મેળવું કે તેને ક્યા પ્રકારનું સુખ છે.
ગુપ્તચરો મારફત તપાસ કરતા પ્રધાનને જાણવા મળ્યું કે વાલજી વાળંદના ગજવામાં (ખિસ્સામાં) હંમેશા પાંચ સોનામહોર રહે છે, ને તેથી તે પોતાને સુખી માને છે., માટે તે દુનિયા સુખી માને છે.
ચતુર પ્રધાને એક ચાલક સેવકને બોલાવી કહ્યું કે ‘વાલજી વાળંદની બંડીના ગજવામાં પાંચ સોનામોહર હંમેશ રહે છે, તે ગમે તે યુક્તિથી તફડાવી લાવ.’
અને બીજે જ દિવસે તે ચાલાક સેવક, વાળંદને ખબર ન પડે તેવી રીતે તેના ગજવામાં રહેલી પાંચ સોનામહોરો તફડાવી લાવ્યો ને તે પ્રધાનને આપી.
એ દિવસે રાતના વાલજી વાળંદને ખબર પડી કે તેના ગજવામાં પાંચ સોનામોહર નથી, ક્યાં તે પડી ગઈ છે, ક્યાં તો કોઈ લઇ ગયું છે! તે તો સોનામોહરો ગુમ થવાથી દુ:ખી દુ:ખી થઇ ગયો અને તેણે ખાવાનું પણ ગળે ઉતર્યું નહિ ને આખી રાત સોનામહોરની ચિંતામાં જાગીને વિતાવી.
સવારે તો વાળંદને રાજાની હજામત કરવા મહેલે જવાનું હતું, તે દાતણ પાણી અને સ્નાન કરીને ખભે કોથળી ભરાવી વિલા મોઢે રાજાની હજામત કરવા પહોંચી ગયો.
પ્રધાને રાજાને કહી રાખ્યું હતું કે વાળંદ પાસે પાંચ સોનામહોરો હતી તે ‘દુનિયા સુખી છે’, એમ કેહ્તો હતો, હવે તેની પાસેથી પાંચ સોનામહોરો લઇ લેવામાં આવી છે તેથી તે હવે ‘દુનિયા દુ:ખી છે’ એમ જ કેહશે.
વાલજી વાળંદ રાજાની હજામત કરી રહ્યો હતો, ત્યારે રાજાએ રાબેતા મુજબ તેને પૂછયું, ‘વાલજી ! દુનિયા સુખી છે કે દુ:ખી?’
વાલજીએ કહ્યું, ‘દુનિયા દુ:ખી છે.’
આ સાંભળી રાજા મનમાં હસ્યા કે વાલજી વાળંદ પોતાના સુખ-દુ:ખ પ્રમાણે દુનિયાની કિંમત આંકતો હતો, પછી તેમણે તેને પેલી પાંચ સોનામહોરો પ્રધાન પાસે મંગાવીને પાછી આપી દીધી.
આ દ્રષ્ટાંત ઉપરથી ….
સાર એ લેવાનો કે કેટલાક માણસો સુખ-વૈભવમાં રાચતા હોવાથી તેઓ આખી દુનિયાને સુખી માને છે, જ્યારે જેઓ અનેક પ્રકારે કષ્ટ ભોગવી રહ્યા છે તેઓ દુનિયાને દુ:ખી માને છે. એટલે કે માણસો પોત પોતાના સુખ-દુ:ખ ઉપરથી જગતનાં સુખ-દુ:ખ માટેનો નિર્ણય બાંધી લે છે. ખરું જોતા સુખ-દુ:ખ તે જે તે સમય અને પરિસ્થિતિ પ્રમાણે જે તે લોકોની મનો ભાવના છે., જે સમય સંજોગો પ્રમાણે સતત છે, એટલકે મનોભાવના ફરતી રહે છે., અને જે પોતે નક્કી કરેલ છે, કે પોતે ‘સુખી છે કે દુ:ખી?’ હકીકતમાં સુખ કે દુઃખ જેવું બીજું કશું નથી….

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....