(૧) એક હતો ધૂની રાજા … (બાળવાર્તા )

(૧) એક હતો ધૂની રાજા …  (બાળવાર્તા)

king

સુંદરગઢ નામની સુંદર નગરી હતી. સુંદરસિંહ એનો રાજા હતો. એની પાસે પ્રજાકલ્યાણનાં કામો હતાં. જેવા કે કૂવા, તળાવ અને વાવ ગળાવવાં, ધર્મશાળાઓ બંધાવવી. રસ્તાઓ તૈયાર કરાવવા, રસ્તા પર વૃક્ષો રોપાવવાં, ભ્રષ્ટાચાર દૂર કરાવવો. પરંતુ રાજા સુંદરસિંહ આવું એક પણ કામ કરતો ન હતો. એ નકામી અને બિનજરૂરી વાતો વિષે વિચારતો હતો.
એકવાર એણે મંત્રીને આજ્ઞા કરી કે, ‘રાજ્યમાંથી નકામાં પ્રાણીઓ જેવાં કે કૂતરાં, બિલાડાં અને ભૂંડ ને પકડી સરહદ પાર મૂકી આવો. આવાં પ્રાણીઓથી પ્રજા પરેશાન થાય છે ને રાજ્યની આવક પર અસર થાય છે.’ રાજાની આજ્ઞા સાંભળી મંત્રી દંગ રહી ગયો. આવું કાર્ય એના કાર્યક્ષેત્રમાં આવતું ન હતું. રાજાની મૂર્ખતા સાથે પોતાને મૂર્ખ બનવું પડતું હતું. સમય સંજોગો વિચારી એણે આ કામ હાથ પર લીધું. એક મહિનાના અંતે એણે રાજ્યભરમાંથી ત્રણે પ્રાણીઓને તગેડી મૂક્યાં. રાજ્યમાંથી આવાં ઉપયોગી પ્રાણીઓ દૂર થતાં ચોર, ઉંદર અને ગંદકી વધી પડ્યાં અને પ્રજા ત્રાહિમામ થઈ ગઈ.
બે મહિના બાદ રાજા સુંદરસિંહે સેનાપતિને બોલાવ્યો. એને આજ્ઞા કરી કે, ‘રાજ્યમાંથી જે ત્રણ વધુ મૂર્ખ હોય એને એક મહિનામાં દરબારમાં હાજર કરો, પરંતુ ધ્યાન રાખજો કે એ ત્રણે મુર્ખાઈમાં એક એકથી ચડિયાતા હોવા જોઈએ. જો એમ નહિ કરો તો હું તમને નોકરીમાંથી કાઢી મૂકીશ.’
પ્રધાને ડરતાં ડરતાં રાજાને પૂછ્યું : ‘રાજન, મૂર્ખાઓને ભેગા કરી શું કરશો ?’
રાજા સુંદરસિંહ : ‘એ ત્રણેને મૂર્ખશિરોમણિની પદવી આપીશું. એમને રહેવા મહેલ અને ફરવા બગીચો આપીશું, એમની મૂર્ખામીની વાતો સાંભળી અમે આનંદ મેળવીશું.’ સેનાપતિને રાજાનું આ કામ કરવું પસંદ ન હતું. પણ કરે શું ? સત્તા પાસે શાણપણ નકામું હતું. એણે રાજ્યના મંત્રીઓને અને પદાધિકારીઓને ભેગા કર્યા. એમની પાસે રાજાની ધૂનની વાત કરી : ‘રાજા લોકકલ્યાણનાં કામો કરવામાં ધ્યાન આપતો નથી. રાજ્યના ધનનો અને શક્તિનો દુરુપયોગ કરે છે. આવા રાજાને હું પાઠ ભણાવવા માગું છું. તમે મને સહકાર આપો.’ ત્યાં એકઠા થયેલા મંત્રીઓએ અને અન્ય કર્મચારીઓએ સેનાપતિને સાથ આપવાનું વચન આપ્યું.
સેનાપતિ એક મહિનાની રજા લઈ મૂર્ખાઓને શોધવા ચાલી નીકળ્યો. ચાલતાં ચાલતાં એને થાક લાગ્યો. થાક ખાવા એ એક ઝાડ નીચે ઊભો રહ્યો. થોડીવારે એણે ઝાડ પર જોયું તો એક મૂર્ખ બેસવાની ડાળ કાપતો હતો. ડાળ કપાઈ જવાની તૈયારીમાં હતી. સેનાપતિએ મૂર્ખને ડાળ કાપતો અટકાવી દીધો. યુક્તિ કરી નીચે ઊતાર્યો. સેનાપતિને જોઈએ એવો મૂર્ખ મળી ગયો. સેનાપતિ મૂર્ખાને લઈ રાજદરબારમાં આવ્યો. રસ્તામાં એણે એની મુર્ખાઈની પરાક્રમ કથાઓ જાણી લીધી. રાજા આ વખતે રાજદરબારમાં સિંહાસન પર બેઠો હતો. દરબાર હકડેઠઠ ભરાયો હતો. સેનાપતિને જોતાં રાજાએ પૂછ્યું : ‘સેનાપતિજી, તપાસ પૂરી થઈ ગઈ ? ત્રણે મૂર્ખાઓને આપ શોધી લાવ્યા હોય તો એમની મૂર્ખતાનું વર્ણન કરો. એ સાંભળી અમે મોજ માણીએ.’
સેનાપતિએ પોતાની પાછળ ઊભેલા મૂર્ખને આગળ ધરી કહ્યું : ‘રાજન, આ પહેલાં નંબરનો મૂર્ખ છે. હું એને વગડામાંથી પકડી લાવ્યો છું. એ એક ઊંચા ઝાડ પર બેસી, બેસવાની ડાળી કાપતો હતો. ડાળ કપાવવાની તૈયારીમાં હતી ત્યાં હું પહોંચી ગયો. મેં યુક્તિ કરી માંડ માંડ નીચે ઊતાર્યો.’ આ સાંભળી રાજા અને આખો દરબાર હસી પડ્યો.
સેનાપતિએ આગળ ચલાવ્યું : ‘આ મૂર્ખને સ્ત્રી અને બાળકો છે. એમનું ભરણ-પોષણ કરતો નથી. આથી એનાં બૈરાં-છોકરાં હાડપિંજર જેવાં થઈ ગયાં છે. એક વખત કથામાં એણે સાંભળ્યું કે ‘રૂપિયાને રૂપિયો ખેંચે.’ પછી તો પૂછવું જ શું ? આ મૂર્ખે તરત જ ગામમાં એક શાહુકારના ત્યાં નોકરી મેળવી લીધી. એ જ્યારે નવરો પડતો ત્યારે તિજોરી પાસે બેસી જતો. ખિસ્સામાંથી રૂપિયો કાઢી તિજોરીના કાણા પાસે ધરતો, પરંતુ તિજોરીમાંથી રૂપિયો ખેંચાઈને બહાર આવતો નહિ. એ થાકી જતો ત્યારે એના હાથમાંથી રૂપિયો તિજોરીમાં પડતો. આ ચક્કરમાં એણે સો રૂપિયા ગુમાવ્યા. આવો એ મૂર્ખ છે.’ આ સાંભળી રાજા રાજીનો રેડ થઈ ગયો. આખો દરબાર ક્યાંય સુધી હસતો રહ્યો. રાજાએ ઊભા થઈ પોતાના ગળાનો મૂલ્યવાન હાર મૂર્ખના ગળામાં પહેરાવી દીધો. બધાની ઉત્સુકતા હવે બીજો અને ત્રીજો મૂર્ખ કોણ છે તે જાણવાની હતી. ત્યાં રાજાએ આજ્ઞા કરી કે, ‘હવે બીજા મૂર્ખને પ્રસ્તુત કરો.’
કંઈક ખચકાતો સેનાપતિ બોલ્યો : ‘મહારાજ, આપણા રાજ્યના બીજા અને ત્રીજા મૂર્ખ આ દરબારમાં જ હાજર છે.’
‘આપણા દરબારમાં ?’ રાજાએ આશ્ચર્યથી પૂછ્યું, ‘કોણ છે તેઓ ?’ રાજાએ પુન: પૂછ્યું.
સેનાપતિ :’મહારાજ, હું તેમનું નામ લઈ શકતો નથી. મને દહેશત છે કે તે મને મરાવી નાંખશે.’
‘અરે હું હાજર છું. તું પ્રાણની ચિંતા કરીશ નહિ. જે હોય તે તેને નિર્ભય રીતે કહી દે. ભર દરબારમાં હું તને અભય વચન આપું છું.’ ધૂની રાજાએ કહ્યું.
‘તો મહારાજ બીજોમૂર્ખ તે આપ પોતે છો.’ સેનાપતિએ ગંભીર થઈને કહ્યું.
‘શું બકવાસ કરે છે ‘?તું ભાનમાં છે કે બેભાન છે ?’ રાજાએ ગુસ્સે થઈને કહ્યું.
‘રાજન, હું પૂરેપૂરો સભાન છું. જે રાજા વિદ્વાનોની તપાસ ના કરાવે ને મૂર્ખાઓની તપાસ કરાવે, વિદ્વાનોને ફૂલોનો હાર ના પહેરાવે ને મૂર્ખને રત્નજડિત હાર પહેરાવે તેને બીજી કઈ ઉપમા અપાય ?’ સેનાપતિએ એ આત્મવિશ્વાસથી કહ્યું.
‘અને ત્રીજો મૂર્ખ કોણ ?’ રાજાએ ઉત્સુકતાથી પૂછ્યું.
‘તે હું જ છું, રાજાજી. જે મૂર્ખાઓને શોધવા નીકળ્યો. રાજ્યની રક્ષા કરવાનું કામ પડતું મૂકીને વાહિયાત કામ કરવા નીકળ્યો તે મૂર્ખ છે. એને નોકરી છોડી દેવી જોઈતી હતી. મૂર્ખ સ્વામીની નોકરી કરતાં કરતાં કર્મચારીઓ પણ મૂર્ખ બની જાય છે. હું પણ તમારી આજ્ઞાનું પાલન કરીને મૂર્ખ સાબિત થયો છું.’ આ સાંભળી દરબારીઓએ માથું હલાવીને સમર્થન આપ્યું. સેનાપતિએ નિર્ભયતાથી કરેલી રજૂઆતથી રાજાની આંખો ઊઘડી ગઈ. એણે ભરી સભામાં પ્રતિજ્ઞા કરી કે, ‘હવેથી હું આવાં નકામાં કાર્યોમાં મારી શક્તિની બરબાદી નહિ કરું.’ રાજાને સમયસર મુકામ પર આવેલો જાણી સૌએ હાશ અનુભવી. આખા દરબારે રાજા પર ધન્યવાદની વર્ષા કરી. એથી ધન્યવાદની અધિક વર્ષા દરબારે સેનાપતિ પર કરી.
સાભારઃપોપટલાલ મંડલી…

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • સરસ બાળવાર્તા અને સાથે સાથે બોધદાયક પણ છે.

 • Ramesh Patel

  શ્રી અશોકકુમારજી
  બોધ કથાઓ રસભરી અને આદર્શ સામાજિક સંદેશા દેતી છે. સુંદર વાંચન
  થાળ માટે અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 • ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

  આદરણીયશ્રી. દાસ

  સરસ બોધવાર્તા સાહેબ

  ” જાગ્યા ત્યાંથી સવાર

  આટલુ માન સમજે તો બસ છે,.”

  સાહેબ… અભિનંદન