આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ … (૧)

આધ્યાત્મિકતા અને વેપાર-ઉદ્યોગ … (૧)

ધંધો કે વેપારવાણિજય અને આધ્યાત્મીક્તાને સાથે જોડવા વિશે ઘણા લોકો સંશય સેવતા હોય છે. કેટલાંક લોકો વેપાર-ધંધામાં ભાવાત્મક અભિગમ ધરાવે છે અને આધ્યાત્મિકતા વિશે સંશય રાખે છે. તેઓ કહે છે: ‘ જો તમે આધ્યાત્મિકતાને વરેલા હો તો ધંધા – વેપારમાં તમે એક બીજાને મહાત કરી દો એવી સ્પર્ધા ન કરી શકો, એ નૈતિક જીવન માટે ખરેખર હાનિકારક બની જાય છે.’ વળી કેટલાક લોકો આધ્યાત્મિકતા પ્રત્યે ભાવાત્મક દ્રષ્ટિકોણ ધરાવતા હોય છે અને વેપાર-ધંધા પર એની અસર વિશે થોડા સંશયવાદી હોય છે. તેઓ કહે છે: ‘ વેપાર, ધંધા કે ઉદ્યોગમાં દાખવેલી લોભવૃત્તિ કે અતિપરિગ્રહ વૃતિ ખરેખર માણસને પથભ્રષ્ટ કરે છે. એને નૈતિક્તાથી કે આધ્યાત્મિકતાથી દૂર ખેંચી જાય છે. એટલે કે ઉદ્યોગ ધંધામાં રાખેલી અતિપરિગ્રહ વૃતિ અંતે તો નુકશાન કરે છે. એ નુકશાન પોતાનું અને બીજાનું પણ હોય છે. એટલે આધ્યાત્મિકતાના ભાવને વેપાર ધંધા સાથે જોડવો અશક્ય છે.’
પોતાનાં વેપારધંધામાં આધ્યાત્મિકતાને જાગ્રતપણે આધારભૂમિકા તરીકે લઈને કોઈ પણ ઉદ્યોગપતિ સફળ સંચાલન કરી શકે કે સફળતાનાં શિખરો સર કરી શકે ?
વેપાર ધંધાની પ્રણાલી પ્રમાણે ચાલતાં ઉદ્યોગ ધંધાના ધ્યેય સામાન્ય રીતે આર્થિક ઉપાર્જન પર કેન્દ્રિત હોય છે કે ઉત્પાદિત વસ્તુઓમાંથી એમણે કેટલો મોટો નફો મળે છે એનાં તરફ એનું ધ્યાન કેન્દ્રિત હોય છે. એટલે કે આ બધા ઉદ્યોગધંધા નાણાકેન્દ્રિત અને નફા કેન્દ્રિત હોય છે. વિશ્વભરના આધ્યાત્મિક પ્રણાલીના શાસ્ત્રગ્રંથોમાં કે અનુભૂતિપૂર્ણ જીવન જીવી ગયેલા સંતો અને પયગંબરોના જીવનમાં દ્રષ્ટિ કરીએ તો આપણને સ્પષ્ટપણે જણાશે કે સમાજ અને લોકો માટે કરેલી નિ:સ્વાર્થ ભાવની સેવા અને દરેકે દરેક વ્યક્તિની આધ્યાત્મિક ઉન્નતિ એ માનવજીવનનું મહત્તમ કાર્ય છે અને એ જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે.
હવે પ્રશ્ન એ થાય : આધ્યાત્મિકતાને કે નીતિસદાચારનાં મૂલ્યોને ઉદ્યોગધંધાના ધ્યેય સાથે જોડીને એમને પ્રમુખસ્થાન આપી શકાય? વળી આપણા ઉદ્યોગધંધા એ આધારભૂમિકા પર ઉત્ક્રાંત થઈ શકે અને આબાદ કે સમૃદ્ધ થઇ શકે ખરા? સાથે ને સાથે નીતિસદાચાર અને આધ્યાત્મિક મૂલ્યો પર આધાર રાખીને ચાલનારા ઉદ્યોગપતિઓ કે વેપાર સંસ્થાઓના વડાઓના કોઈ ઉદાહરણ છે ખરાં?
આવાં તો ઘણાં ઉદાહરણો જોવા મળે છે. પોતાનાં ઉદેશ્યો, ગુણવત્તા અને નૈતિક લાક્ષણિકતામાં મહત્વના સૂચક અને નજરે જોઈ શકાય તેવા ભેદભાવ આધ્યાત્મિક કે નૈતિક ભૂમિકા સાથે ચાલનારા વેપાર-ધંધાવાળામાં જોવા મળે છે. એનો આધાર એમની જાતિ, સંપ્રદાય, ધર્મ કે પોતાનો મૂળ દેશપ્રદેશ પણ હોઈ શકે. વળી જે પ્રકારની સંસ્થા ( કુટુંબની માલિકીની હોય કે જાહેર ક્ષેત્રની ) હોય એનાં આધારે આવી સદાચાર કે નીતિમત્તાની વિભાવનાવાળા ઉદ્યોગપતિઓનું આચરણ અને એની કાર્યપ્રક્રિયા અલગ અલગ હોવાની. સાથે ને સાથે જ્યાં આવાં સંસ્થાનો કામ કરે છે એ સમાજની સાંસ્કૃતિક પ્રણાલીઓ પર પણ એનો આધાર હોય છે અને તે પ્રમાણે છે :
  • સૌ પહેલા તો આપણે બધા ચૈતન્ય સ્વરૂપ છીએ. એટલે કે આપની વચ્ચે કોઈ ભેદભાવ નથી. આપણું અસ્તિત્વ માત્ર દેહ પર આધારિત નથી પણ એનાથી પર એટલે કે આત્મા-પરમાત્મા લક્ષી છે.
  • સમગ્ર માનવ પ્રજાનું હાર્દ દિવ્યતામાં રહેલું છે. પૂર્ણ માનવ બનવું એટલે આધ્યાત્મિક બનવું એવો અર્થ થાય છે.
  • કોઈ પણ કાર્ય કે વેપારધંધો એ આધ્યાત્મિક ઉન્નતિનાં સાધનો છે.
  • કોઈ પણ ક્ષેત્રનું નેતૃત્વ એ એવી સદાચાર નીતિ અને આધ્યાત્મિકતાની પર્વૃતિ છે કે જે સમાજના યોગક્ષેમ માટે હાથ ધરી શકાય.
‘ વીસા ‘ નાં સ્થાપક ડિ-હોક કહે છે : ‘ આપણે સમયના એવા કાલબિંદુએ છીએ કે જ્યાં ચારસો વર્ષ જૂનો યુગ અસ્ત પામી રહ્યો છે અને બીજો યુગ ઉદભવવા માટે મથી રહ્યો છે, એ છે સંસ્કૃતિઓનું પરિવર્તન, વિજ્ઞાન અને સંસ્થાનો વિશ્વે અનુભવી છે તેના કરતાં પણ વધારે મહાન બની છે.’
૧૯૯૯ના અંતે ‘ ગેલપ ‘ નામની સંસ્થાએ અમેરિકામાં ધર્મ વિશે લોકોનો મતાભિપ્રાય માંગ્યો અને એમને જાણવા મળ્યું કે ૯૫% અમેરિકાનો ઈશ્વર એટલે કે વૈશ્વિક ચેતનામાં માને છે. એમાંથી ૭૮% લોકોને પોતાના જીવનમાં આધ્યાત્મિક વિકાસની કે અનુભૂતિની આવશ્યકતા જણાઈ છે. ૧૯૯૪ કરતાં આ આંકડો ૨૦% જેટલો ઉંચો છે.
આ લોકોમાંથી ૫૧% લોકો એવું કહે છે કે આપણું આધુનિક જીવન એટલું બધું પ્રવૃત્તિમય અને ગતિશિલતાવાળું બની ગયું છે કે જેને લીધે આપણે ઈશ્વરને માટે પ્રાર્થના કરવાનો કે એના દ્વારા આનંદ મેળવવાનો સમય કાઢી શકતા નથી. વાસ્તવિકતા તો એ છે કે એમને એમ કરવું ગમે પણ ખરું. એટલે આ મોટો લોકાભિપ્રાય એવું દર્શાવે છે કે અમેરિકામાં લોકો વૈશ્વિક ચૈતન્ય કે ઈશ્વરમાં માને છે ખરાં અને પોતે ક્યારેય પોતાના જીવનમાં ન અનુભવેલ એવાં આ આધ્યાત્મિક કે ચેતનાના વિકાસની આવશ્યકતાને ઝંખે છે પણ ખરા.
ખાટલે મોટી ખોટ છે-ચોથો પાયો નથી. ચોથો પાયો એની અતિપ્રવૃત્તિશિલતાએ ખૂંચવી લીધો છે. એ લોકો પોતાના સ્વકીય વિકાસમાં એટલા બધાં રચ્યાપચ્યા રહે છે કે આ ચૈતન્યના વિકાસનું કાર્ય કરી શકતા નથી.
જેકેબ્સન નામના બીજા એક વિદ્વાને નોટ્રેડેમ યુનિવર્સીટીના અધ્યક્ષ અને નાટોના રાજદૂતની સાથે બીજાં વિલીક્ષણ નેતાઓની એક ટુકડી દ્વારા કેટલાક લોકોનું નિરિક્ષણ, અન્વેષણ અને પૃથક્કરણ કર્યું હતું. આ લોકોને પરિવર્તનશીલ નેતૃત્વમાં વિશ્વાસ હતો. આવાં લોકોને કામધંધો, રોજગાર કે કાર્યક્ષેત્ર તો મળી ગયાં પણ સાથે ને સાથે એમને એમણે એક શ્રદ્ધા-વિશ્વાસ, સર્જનશીલતા, કટિબધ્ધતા અને નૈતિક સદાચારવાળું વર્તન પણ ઉભું કર્યું. આ અભ્યાસનું તારણ એ નીકળ્યું કે…
આ પરિવર્તનશીલ નેતૃત્વવાળા લોકોમાંથી જેમની જેમની રૂબરૂ મુલાકાત લીધી અને એમની સાથે ચર્ચા વિચારણા કરી ત્યારે ૭૨% લોકોએ પોતપોતાની આધ્યાત્મિક પ્રણાલીઓ અને એના મહત્વ વિશે સ્પષ્ટપણે અને ભારપૂર્વક કહ્યું હતું. જેમની સાથે આ રૂબરૂ મુલાકાત થઇ એમાંથી ૭૭% લોકોએ પોતાની એક ઉદ્યોગધંધા કે કાર્યક્ષેત્રના અધિનાયક રૂપેના કાર્ય અને આધ્યાત્મિકતા વચ્ચે ઘણો પ્રબળ સબંધ છે એવી વાત કરી હતી. આમાના ૫૯% લોકો એ વાત સાથે સંપૂર્ણપણે સહમત થયા હતા કે કોઈ પણ વેપારધંધા કે ઉદ્યોગ સંસ્થાનોના કાર્યસ્થળે સંસ્થાકીય તંદુરસ્તી જાળવવા અને ઉદ્યોગની ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ કરવા કે એને એમણે જાળવી રાખવા માટે આધ્યાત્મિકતા આવશ્યક છે.
આધ્યાત્મિકતા અને વેપારધંધા વિશે પ્રસિદ્ધ થયેલ અનેક પુસ્તકોમાં ચૈતન્યની જાગૃતિ કે આધ્યાત્મિકતાનું જાગરણ વેપારધંધામાં કેવી રીતે કરી શકાય એના વિચારો પ્રગટ થાય છે. આવાં પુસ્તકોના પ્રકાશકો એમ દર્શાવે છે કે ‘ બુક્સ ઓન સ્પિરીચ્યુઆલીટી એટ વર્ક-કાર્યમાં આધ્યાત્મિક ભાવના વિશેનાં પુસ્તકો ‘ એ આજના ગ્રંથ નિર્માણ અને પ્રકાશનના કાર્યમાં સૌથી વધારે ઝડપથી વિકસતી બાબત છે.
હમણાં હમણાં આવા શીર્ષકોવાળાં પુસ્તકોનું પ્રકાશન ઘણાં વિપુલ પ્રમાણમાં થયું છે. : ‘ રી અવેકનિંગ એ સ્પિરિટ એટ વર્ક-કાર્યમા ચેતનાની પુ:ન જાગૃતિ ‘, ‘ ધ સોલ એટ વર્ક-કાર્યમાં આત્માને લગાડો ‘, ‘ ધ સોલ ઓફ એ બિઝનેસ-ઉદ્યોગ ધંધાનો આત્મા ‘, ‘ મેનેજિંગ વીથ વિઝડમ ઓફ લવ-પ્રેમના જ્ઞાનને કામે લગાડો ‘, ‘ સ્પિરિટ એટ વર્ક-કાર્ય કરતી વખતે ચેતના ‘, ‘ સ્ટરિંગ ધ સોલ એટ વર્ક-કાર્ય માટે આત્માને ઉત્તેજો ‘, ‘ ધ કોર્પોરેટ મિસ્ટિક-સંસ્થાગત ગૂઢ કે આદ્યાત્મ વિદ્યા ‘, ‘ લિડિંગ કોન્શિયસ્લી-ચેતના સાથે નેતૃત્વ કરો ‘, ‘ રિ ડિસ્કવરિંગ ધ સોલ ઓફ બિઝનેસ-ઉદ્યોગ ધંધાના આત્માનું પુન:શોધન ‘, ‘ ધ ન્યુ બોટમ લાઈન -નવી આધારભૂમિકાઓ ‘ અને ‘ સ્પિરિચ્યુઆલિટી, એથિક્સ એન્ડ મેનેજમેન્ટ -આધ્યાત્મિકતા, નીતિસદાચારનાં મૂલ્યો અને વ્યવસ્થાપન ‘.
ક્રમશ: વેપાર ઉદ્યોગ અને આધ્યાત્મિકતા વચ્ચે સંબંધ…. વિદ્યાકીય વિશ્વમાં જોવા મળતા સંકેતો …વિશે હવે પછી ની પોસ્ટ માં જોઈશું…..

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • JASHU G. MEHTA

    I AM AGREE WITH YOUR WRITE UP